માટીની સુગંધ .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- સૃષ્ટિ ઉપરના સમગ્ર પદાર્થો માટીની જ વિવિધ વાનગીઓ છે - એટલે પ્રત્યેક વાનગીના સ્વાદ અને સુગંધની આપણને નોખી નોખી પ્રતીતિ થાય છે.
આ પણા અસ્તિત્ત્વ સાથે સજ્જડ રીતે સંયોજાયેલું જે કંઈ હોય, એ વિચ્છેદ પામે પછી એ આપણને તીવ્રપણે સાંભરે છે. સમય વીંધાઈ જાય છે ને એજ દ્રશ્ય સ્મૃતિપટ પર કબજો જમાવે છે. એવાં તો કંઈ સાંભરણ હશે કે જેના અજવાળે આપણે ઊજળા રહીએ છીએ. કોઈને એ રીતે મા સાંભરે, બાપ સાંભરે. બેન સાંભરે, ભાઈ સાંભરે, ભાભી સાંભરે. પત્ની સાંભરે, મિત્રો સાંભરે, અરે સંતાન સાંભરે એ તો સમજ્યા...કોઈકને માણસો સાંભરે તો કોઈને વ્હાલી ઘટનાઓ સાંભરે, કોઈને મલકની માટી સાંભરે છે!
ભલા, માટી તે વળી કંઈ સાંભરે? જેના માટે આપણે દૂર ભાગીએ એ માટીમાં વળી શું યાદ રાખવા જેવું હશે? માટીને આપણે મોટે ભાગે લક્ષમાં લેતા નથી અથવા ખંખેરી નાખવા માટેની ચીજ માનીએ છીએ પણ એ પૂર્ણપણે ખંખેરાય છે ખરી? આપણે ગામ છોડી પરગામ જઈએ, ઘર છોડી અન્યત્ર મહેમાન થઈએ, દેશ છોડી પરદેશ જઈએ ત્યારે ગામ, ઘર દેશથી ભલે દૂર ચાલ્યા જઈએ પણ માટી તો કોઈને કોઈ રીતે આપણી સાથે જ રહી જતી હોય છે. એ માટીમાં રંગ હોય, ગંધ હોય, રૂપ હોય, રસ હોય, અરે માટીમાં જ આપણા અસ્તિત્ત્વનું મૂળ પણ મળે, પછી એ યાદ ન આવે? 'માટી' શબ્દથી મોં ફેરવીએ તો કેમ ચાલે? ધરાનાં સંતાનો ધૂળ, માટી અને ઢેફાં ત્રણેયનાં નોખાં રૂપો, પણ ત્રણેયની મા તો એક જ. માણસ પણ માટીનું જ સંતાન 'માટીનાં મનેખ' એ પ્રયોગ અમસ્થો થયો છે ?
પ્રથમ વરસાદે માટી ભીની થાય. ચારે તરફથી ભીંજાયેલી ધરતીનું અત્તર મધમધ થાય...ધન્ય થઈ જવાય. એની સુગંધ દિવસોના દિવસો સુધી તરબતર કર્યા કરે. એ ભીની માટીનો કેફ ચઢે. એ માટીના નશામાં ખેતરને શેઢે શેઢે ફરવાનો આનંદ છે. એ ગંધનાં મૂળને કવિ કાલિદાસે પહેલાં વરસાદનો મહિમા અકારણ થોડો કર્યો છે? આખરે ખેતર વચ્ચેથી પલળેલી માટીને બે હાથમાં લઈ, હથેળીમાં લાડુ જેમ થપથપાવીએ તેમ માટીને થપથપાવવાથી જુદી અનુભૂતિ થાય છે. જાણે માટી મિશ્રિત પાણીના સ્વાદથી અંગે અંગ પરિચિત છે.
માટીનાં ઘર બનાવીએ, તોડીએ....રિસાઈએ માટીમાં, માનવે માટી...ચાલીએ માટીમાં, ચાહીએ માટીને, અને ચાખીએ માટીને ભીની માટીમાં પગ નાંખી એના ઉપર માટીને થપથપાવીએ...હળવેથી પગ બહાર કાઢી લઈએ માટીનો માળો બની જાય...એ મજાના માળામાં ઢિંગલા-ઢિંગલીને બેસાડીએ...માટીની કેટલી માયા, મમતા....માટીનો કેવો હરખ!
નાનપણમાં માટીમાં લીટા તાણીએ....એકડા પાડીએ...દાવ લીધા દીધા...લંગડી, ખો-ખો રમ્યા. જીત્યા-હાર્યા...માટીએ પાડયા, ઊભા કર્યા. માટીએ કેટકેટલું શિખવ્યું? મીંડામાંથી એકડો કરતાં માટીએ કર્યાં....
ભાષા જુદી, પોષાક જૂદો, વેશ જુદો, પ્રદેશ જુદો, પરિવેશ જુદો પણ માટી તો એની એ. બધે સરખી. એકના અનેક કરવાનો સદ્ગુણ લઈને બેઠેલી મા. સર્જનશક્તિની ખાણ. માટીના ઘોડિયામાં જ હેતનાં હાલરડાં ગવાય. બોલતાં શિખાય. માટી જ પવનનાં તોફાન અને સૂર્યમાં સન્માન ઝીલવાનું ભણાવે...માટી જ ફણગાવવાનો પદાર્થ પાઠ ચખાડે માટી જ વિકસવા વિસ્તરવાને રંગનો આકારનો મહિમા કરે...સૂર્યનો પ્રખર તાપ પડે કે ગાઢ અંધારાં એને ડરાવે તો પણ એ ચૂ કે ચા ન કરે. સહન કરવું એ વળી એનો એક વિશેષ સંસ્કાર. પવનની પ્રીત ઝીલે...પ્રેમ કરતાં પવન એની પાસેથી શીખે. વરસાદનું વ્હાલ એ એની કાયામાં સમાવી લે....પ્રત્યુત્તર ગંધથી વાળે, એ વ્હાલની ભૂખી, વ્હાલ મળે પછી તમને એ ન્યાલ કરી દે. તમે ન્યાલ થઈ જાઓ એની ગંધથી....
માટી મૌન ભલે દેખાય, પણ એની ભાષા સાંભળવા જેવી સુગંધી ભાષા. ખેતરમાં છોડ પર ફૂલ આવે, કણસલાં બેસે, ડૂંડાં બેસે, ડૂંડાંમાં દાણા બેસે ત્યારે માટી જ બોલતી હોય છે - એને સાંભળવા કાન જોઈએ...નાક જોઈએ. માટી બોલે છે ત્યારે નાક સાંભળે છે...છોડ યુવાન થાય ત્યારે એના યૌવનમાં માટીનાં ગાણાં હોય છે. માટીના ઓરતા સમજવા જેવા - સુંઘવા જેવા... પ્રત્યેક સુવાસના મૂળમાં તો માટી જ છે.
માટીમાં પાણી પડે ત્યારે અભિમાન ઓગળવા જેવો મહિમા રચાય....પાણીની નમ્રતા માટીની જિદને ઓગાળે...માટી અને પાણી એ બંને એક થાય જાણે કંસારમાં ઘી! એ સુગંધ માટે જન્મે નવા નવા આકાર. કુંભાર કોડિયા બનાવે છે માટલાં ઘડે...એ એક રીતે માટીના જ આકારો પણ સુગંધના નોખા નોખા પદાર્થો....નામરૂપ જૂજવાં ભલે રહ્યાં...પણ એ બધાંને સુંઘી જુઓ એક જ પ્રકારની ગંધ...એક જ માનાં સંતાનોની પ્રતીતિ થયા વગર રહેશે. નહિ.
માટીમાંથી જળ સાથ છોડીને ચાલ્યું જાય, ત્યારે એ માટી જળને પરત બોલાવવાનો 'યજ્ઞા' આદરે છે...અંદર બહારથી તપે છે - અને એ તાપનું તપમાં રૂપાંતર થઈ જાય, પછી બંને હૃદયનો ભાવ આકાશ સુધી ઊંચે જઈ વાદળ બને છે - અને જળ પાછું માટીને મળવા પૃથ્વી ઉપર આવે છે. માટી નિરાશ થતી નથી. નિ:સાસો નાખતી નથી. જે કોઈ એને સહારે આવે તેને એ સમભાવથી સાચવે છે. માટીના કણેકણમાં સુગંધ છે. એ સુગંધ જ એનું જીવન છે.
સમગ્ર સૃષ્ટિ ઉપરની વનસ્પતિ - જીવ સૃષ્ટિ એ માટીની માયા છે. માટીની જ લીલા છે. એમ કહીએ કે સૃષ્ટિ ઉપરના સમગ્ર પદાર્થો માટીની જ વિવિધ વાનગીઓ છે - એટલે પ્રત્યેક વાનગીના સ્વાદ અને સુગંધની આપણને નોખી નોખી પ્રતીતિ થાય છે.









