Magazines

ઉચ્છિષ્ટ ચાંડાલિની : ભગવાનનાં એંઠા ભોજનમાંથી પ્રગટ થયેલી દેવી!

By GS TEAM
11 Oct 20253 mins read
ઉચ્છિષ્ટ ચાંડાલિની : ભગવાનનાં એંઠા ભોજનમાંથી પ્રગટ થયેલી દેવી!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- દેવાધિદેવે વરદાન આપતાં કહ્યું કે આપની ઉપાસના થકી સાધક પરમજ્ઞાન પ્રાપ્ત કરશે! આ કારણોસર તે દેવીને શાસ્ત્રોમાં 'તાંત્રિક સરસ્વતી' તરીકે ઓળખવામાં આવે છે...

ભ ગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એક વખત ભગવાન શિવને ત્યાં મહેમાન બનીને ગયાં. કૈલાશ પર જતાં હોઈએ, એટલે સ્વાભાવિક રીતે ખાલી હાથે તો ન જ જવાય! આથી ભગવાન વિષ્ણુ પણ દેવી મા પાર્વતી અને મહાદેવ કેટલીક સ્વાદિષ્ટ ભોજન-સામગ્રી લઈ ગયાં. સૌ કોઈ સાથે બેસીને હળવાશભરી ક્ષણ માણી રહ્યાં હતાં. બંને દેવીઓએ ભોજન પીરસ્યું અને સૌએ સાથે બેસીને ગ્રહણ કરવાની શરૂઆત કરી.

ભોજન પૂર્ણ થયું ત્યાં સુધીમાં વાનગીનાં કેટલાંક ટુકડાં નીચે વેરાયાં. એમાંથી એક સ્વરૂપનું પ્રાગટય થયું. એક કુમારી! લીલા રંગનો વર્ણ અને એકદમ જુવાન! એંઠાં ભોજનમાંથી તેનું પ્રાગટય થયું હોવાને કારણે મહાદેવ દ્વારા તેને નામ આપવામાં આવ્યું :  શ્રી ઉચ્છિષ્ટ ચાંડાલિની! સંસ્કૃત ભાષામાં 'એંઠું' શબ્દનો સુસંસ્કૃત શબ્દ 'ઉચ્છિષ્ટ' છે. ઉચ્છિષ્ટ અર્થાત્ 'લેફ્ટ ઑવર'. ભોજનને અંતે આપણી થાળીમાં જે શેષ બચે, તે! શ્રી ઉચ્છિષ્ટ ગણપતિની અર્ધાંગની (જેને શાસ્ત્રોએ દેવી વિઘ્નેશ્વરી, હસ્તિપિશાચિ જેવાં નામ આપ્યાં છે એ)નું એક નામ પણ ઉચ્છિષ્ટ ચાંડાલિની છે. ભગવાન ઉચ્છિષ્ટ ગણપતિની તંત્રોક્ત સાધનામાં એંઠાં મોં સાથે એમના મંત્રનું ઉચ્ચારણ કરવાનું વિધાન તંત્રશાસ્ત્રોમાં આલેખાયેલું છે.  

દેવાધિદેવે વરદાન આપતાં કહ્યું કે આપની ઉપાસના થકી સાધક પરમજ્ઞાન પ્રાપ્ત કરશે! આ કારણોસર તે દેવીને શાસ્ત્રોમાં 'તાંત્રિક સરસ્વતી' તરીકે ઓળખવામાં આવે છે; જેને બાદમાં નામ મળ્યું નવમી મહાવિદ્યાનું સ્વરૂપ! અર્થાત્ આજની તારીખે આ દેવીને 'માતંગી મહાવિદ્યા' તરીકે પૂજવામાં આવે છે. ત્વરિત અને ઉચ્ચકોટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માતંગી મહાવિદ્યાની સાધના કરવામાં આવે છે. હાથમાં તેમણે વીણા ધારણ કરેલી છે. કલાકારો અને સંગીત-આરાધકો માટે તે આરાધ્ય દેવી છે.

રોચક વાત એ પણ છે કે મા માતંગીને 'નીલ સરસ્વતી' તરીકે પણ ઓળખવામાં આવે છે. મા તારા (દ્વિતીય મહાવિદ્યા)નું એક સ્વરૂપ પણ નીલ સરસ્વતી તરીકે પ્રચલિત છે.

માતંગી દેવીનાં પ્રાગટય અંગેની દ્વિતીય કથાનો સંદર્ભ ષિ મતંગની જીવનગાથામાંથી પ્રાપ્ત થાય છે. એક વખત ઋષિ મતંગ/માતંગના મનમાં સમસ્ત બ્રહ્માંડને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાની ઈચ્છા પ્રગટ થઈ. તેઓ સ્વયં જ સમગ્ર સૃષ્ટિના અધિપતિ બને, એ પ્રકારની ખેવના સાથે એમણે દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીની શ્રીવિદ્યા સાધના આરંભી. શ્રીવિદ્યાને 'બ્રહ્માંડીય તંત્રવિદ્યા' તરીકે ઓળખવામાં આવે છે, જે તંત્રશિરોમણિ છે. શ્રીવિદ્યા એ સર્વોચ્ચ અને સર્વોત્તમ સાધના છે, ભક્તિની પરાકાષ્ઠા છે; જેમાં સાધક સ્વયં દેવી મા લલિતા (તૃતીય મહાવિદ્યા)નાં ભાવમાં રાચે છે.

ઋષિ મતંગના મનનો ભાવ અત્યંત સાત્ત્વિક હોવાને કારણે લાંબાગાળાની તપસ્યા બાદ દેવી મા લલિતા પ્રગટ થયાં અને વરદાનરૂપે એમને ત્યાં માતંગી દેવીનો જન્મ થશે, એ વચન તથા ભવિષ્યવાણી કરીને અદ્રશ્ય થયાં.

અહીં સમજવા જેવી વાત એ છે કે મા માતંગી સ્વયં જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે. એમના પ્રાગટયમાત્રથી માણસમાત્રનાં વિકારો, નકારાત્મક વિચારો અને વૃત્તિઓ નષ્ટ થાય છે અને સર્વોચ્ચ અવસ્થામાં રાચે છે; પરમજ્ઞાનને પ્રાપ્ત કરે છે. મહાજ્ઞાની વ્યક્તિનું સ્થાન સંસારમાં આપોઆપ અનેરું બની જાય છે. તેના જ્ઞાન અને સત્યનાં મહાતેજ સામે સૃષ્ટિ નતમસ્તક હોય છે. તેની યશોગાથા ચિરકાળ સુધી ગવાતી રહે છે. તેનું નામ અમર થઈ જાય છે. ઋષિ મતંગની ભક્તિ અને દેવી મા લલિતાની કૃપા થકી દેવી મા માતંગીનું પ્રાગટય થયું. માતંગી મહાવિદ્યાનાં નામનું મૂળ ઋષિ મતંગમાંથી ઉત્પન્ન થયું હોવાને કારણે સૃષ્ટિનાં અંતિમકાળ સુધી તેઓ જ્ઞાનરૂપે આ ધરતી ઉપર બિરાજમાન રહેશે.

ઘણી વખત આધિપત્યનો અર્થ ભૌતિક સત્તા પ્રાપ્ત કરવી એટલો જ નથી હોતો. જ્ઞાનનાં અધિપતિ બનવા માત્રથી પણ સમસ્ત જગતને આધીન બનાવી શકાય છે. ષિ મતંગની કથા અને દેવી મા માતંગીનું પ્રાગટય પણ એ જ સત્યને પુન:સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.