અમારી મમ્મીના હાથની રસોઈ... .

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'અમે બંને ભાઈઓ ત્રણ વર્ષથી ઘરથી દૂર છીએ. મમ્મીના હાથની રસોઈ ખાવા મળી નથી. પપ્પાનો આદેશ છે કે, ડિગ્રી લીધા વગર ઘરે આવતા નહીં'
'ચે રમેન અને સેક્રેટરીને ખબર કેમ નહીં પડતી હોય કે આપણા ફ્લેટમાં કોઈ બેચલર્સને ફ્લેટ ભાડે ના આપવા દેવાનો હોય. આખો દિવસ પેલા બંને છોકરા રખડયા કરે છે. જ્યારે જૂઓ ત્યારે કોઈને કોઈ માળ ઉપર આંટા મારતા હોય છે. કશું જ કામ ના હોય તો બગીચામાં બેઠા હોય છે. તેમના ડોળા ચકળવકળ થઈને ચારે તરફ ફરતા હોય છે.'- હેમલતાએ ઘરમાં ઘુસતાની સાથે જ આક્રોશ વ્યક્ત કર્યો.
'શું કર્યું એ છોકરાઓએ હવે? તને શું તકલીફ પડે છે બિચારા છોકરાઓ ફરે છે તેમાં? તારા ઘર પાસે આવીને તો ઊભા રહેતા નથી. નીચે બગીચામાં બેસે છે અને આમ તેમ લટાર મારતા હોય છે. કોલેજમાં ભણતા છોકરા બીજું શું કરે?'- જીતેન્દ્રભાઈએ પોતાની પત્નીને સમજાવતા કહ્યું.
'તમે ખોટી ખોટી વાતો ના કરશો. તમને ખબર નથી કેવા કેવા બનાવો બને છે? છાપામાં વારે વારે કેવા ભયાનક સમાચાર આવતા હોય છે.' - હેમલતાબેન હજી પણ અકળાયેલા જ હતા.
'હેમા, એ લોકો કોઈ સારા ઘરના છોકરાઓ લાગે છે. બાકી મહેતાકાકો એમ કોઈ બેચલરને અહીંયા રહેવા દે તેવો નથી.' - જીતેન્દ્રભાઈએ ફરી કહ્યું. 'તમે જે માનતા હોવ તે પણ ક્યારેક મારા હાથે ચડયા તો મોટો ઝઘડો થવાનો છે એ વાત નક્કી છે. હું તો સીધી પોલિસ જ બોલાવવાની છું.' - હેમલતાબેન ગુસ્સાથી બોલીને રસોડામાં જતા રહ્યા. જીતેન્દ્રભાઈ હસી પડયા.
હેમલતાબેનને તેમના એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા વિમલ અને વૈભવ સામે સખત વાંધો હતો. આ બંને છોકરાઓ થોડા મહિના પહેલાં જ અહીંયા રહેવા આવ્યા હતા.
આ વાતને લગભગ મહિનો પસાર થઈ ગયો. હેમલતાબેનના મગજમાંથી વિમલ અને વૈભવ જતા જ નહોતા. તેઓ સતત તેમની વોચ રાખતા હતા. એક સાંજે તેઓ રસોઈ બનવતા હતા ત્યાં તેમની નજર બારણાની બહાર ગઈ. તેમણે જોયું તો વિમલ તેમના ઘરની આસપાસ આંટા મારતો હતો. તેઓ ધીમે રહીને લિવિંગરૂમમાં આવ્યા અને અધખુલ્લા બારણાથી જોવા માંડયા.
વિમલ તેમના બારણાથી થોડે દૂર રસોડાની બારી પાસે ઊભો હતો. તે કરતો કશું જ નહોતો બસ ઊભો હતો. તે થોડીવાર ઊભો રહેતો પછી કોમન પેસેજમાં એકાદ ચક્કર મારતો અને ફરી બારી પાસે આવીને ઊભો રહેતો. થોડીવારમાં વૈભવ પણ ત્યાં આવ્યો. વિમલે તેને કંઈક કહ્યું અને બંને જણા પેલી બારી પાસે જઈને ઊભા રહ્યા. પાંચેક મિનિટ પછી બંને જણા સામેની તરફ શોભના બેનની રસોડાની બારી પાસે ઊભા રહ્યા. ખબર નહીં તેઓ શું કરવા માગતા હતા કે, કરી રહ્યા હતા. લગભગ અડધો કલાક તેઓ આમ તેમ ફરતા રહ્યા અને પછી નીચે જતા રહ્યા.
હેમલતાબેને બધું જ બરાબર જોયું હતું. રાત્રે ભોજન કર્યા બાદ તેઓ ફરીથી નીચે ઉતર્યા. થોડીવાર બગીચામાં લટાર મારી અને પછી એક બાકડે ગોઠવાયા. તેઓ હજી હાથમાં ફોન લઈને પોતાના દીકરીનો નંબર ડાયલ જ કરતા હતા ત્યાં વિમલ અને વૈભવ સામેથી આવતા દેખાયા. હેમલતાબેનનો પિત્તો છટક્યો.
'એ મુફલિસો અહીંયા આવો. તમે સમજો છો શું તમારા મનમાં. તમે આખો દિવસ લોકોના રસોડા પાસે ફર્યા કરો છો અને લેડીઝને હેરાન કરવા માગો છો. તેમને છુપાઈને જોયા કરો છો. તમને શરમ નથી આવતી, તમારી માની ઉંમરની સ્ત્રીઓને આ રીતે છુપાઈને જોતા હોવ છો.' - હેમલતાબેન બરાડયા.
'આન્ટી તમારી ભુલ થાય છે. અમે એવું કશું જ કરતા નથી. તમને કોઈએ ખોટી માહિતી આપી છે. તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે.' - વિમલે શાંતિથી કહ્યું.
'મને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. મેં તમને લોકોને આખો દિવસ ફરતા જોયા જ છે. આજે સાંજે જ તમે બંને જણા મારા ઘરના રસોડાની બારી પાસે ઊભા હતા. થોડી વાર તમે શોભનાબેનના રસોડાની બારી પાસે પણ જઈને ઊભા રહ્યા હતા. સાચું બોલો તમે લોકો શું કરો છો.' - હેમલતાબેન બરાડી ઉઠયા. પહેલેમાળે બાલ્કનીમાં બેઠેલા જિતેન્દ્રભાઈએ આ જોયું અને તેઓ દોડીને નીચે આવ્યા.
'આન્ટી અમે સાચે જ કશું નહોતા કરતા. અમે બસ ચક્કર મારતા હતા. અમારો ખરેખર કોઈ ખોટો ઈરાદો નહોતો. અમે જરાય સ્ટોકિંગ કરતા નહોતા.'- વિમલે ફરીથી હેમલતાબેનને સમજાવતા કહ્યું.
'તમે લોકો માનશો નહીં મને ખબર છે. હું પોલીસને જ ફોન કરીને બોલાવું છું. પેલા મહેતા ડોશાને પણ પકડી જશે અને તમને પણ લઈ જશે પછી જ તમે સીધા થશો.' - હેમલતાબેન ગુસ્સે થઈ ગયા અને ફોન ઉપર નંબર ડાયલ કરતા હતા ત્યાં જ જિતેન્દ્રભાઈ પાસે આવ્યા.
'હેમલતા આવું ના કરાય. તારી પાસે કોઈ પુરાવા છે કે આ બંને છોકરા આપણા ઘરમાં જોતા હતા કે, સામે ત્રિવેદીભાઈના ઘરમાં જોતા હતા. તેઓ માત્ર ત્યાં આંટા મારતા હતા તું જ બોલીને હમણા.' - જિતેન્દ્રભાઈએ તેમને શાંત પાડતા કહ્યું.
'તમે આજે વચ્ચે ન આવશો. આ લોકોને હું જેલમાં જ મોકલી દઈશ. એ લોકો ક્યારના મારા ધ્યાનમાં છે. હું બાકી સ્ત્રીઓને પણ ભેગી કરીને ફરિયાદ કરાવીશ.' - હેમલતાબેન બરાબર અકળાયા. બીજા આઠ-દસ લોકો ભેગા થઈ ગયા.
'હેમલતા આવો ગુસ્સો ન કરાય. તારી પાસે સીસીટીવીના પુરાવા છે જેનાથી સાબિત થાય કે આ છોકરાઓ કોઈ ખોટું કામ કરતા હતા. તું ફરિયાદની સાથે પુરાવા આપી શકીશ. તમે બંને જાઓ અહીંયાથી.' - જિતેન્દ્રભાઈએ હેમલતાબેનને શાંત પાડયા અને પેલા બંને છોકરાઓને પણ ત્યાંથી મોકલી દીધા.
આ મામલો શાંત પડયો અને બંને ઘરમાં આવ્યા. લગભગ બે-ચાર દિવસ ઘરનું વાતાવરણ તંગ રહ્યું. હેમલતાબેન હવે જિતેન્દ્રભાઈથી પણ નારાજ હતા. જો કે ધીમે ધીમે તેમનો રોષ ઓછો થઈ ગયો. વિમલ અને વૈભવ પણ તે ઝઘડા પછી દેખાતા નહોતા તેની પણ અસર થઈ હતી.
'સાંભળ સાંજે આપણા ઘરે બે લોકો જમવા આવવાના છે. આલુ પરોઠા બનાવજે. આમેય આપણે પણ ઘણા સમયથી ખાધા નથી.' - જિતેન્દ્રભાઈએ કહ્યું.
'સારું. બનાવીશ. મને પણ ઈચ્છા થઈ છે ખાવાની.' - હેમલતાબેને કહ્યું અને ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા. જિતેન્દ્રભાઈ સાંજે એક વખત ચક્કર મારીને ઘરે પાછા આવ્યા અને ટીવી જોવા લાગ્યા.
બરાબર સાત વાગ્યે ઘરનો ડોરબેલ રણક્યો. જિતેન્દ્રભાઈએ દરવાજો ખોલ્યો તો સામે વિમલ અને વૈભવ હતા. તેઓ બંનેને અંદર લઈ આવ્યા અને ત્રણેય જણા ગોઠવાયા. વિમલ અને વૈભવના ચહેરા ઉપર ચિંતાના વાદળો જણાતા હતા.
'તમે લોકો. શાહ સાહેબ તમે ખરા છો. આ મવાલીઓને ઘરમાં લાવ્યા છો. આ લોકો અહીંયા જમવાના છે. તમને કંઈ ભાન પડે છે કે નહીં. કાઢો આ લોકોને અહીંયાથી.' - હેલમતાબેન ભયાનક ગુસ્સે થઈ ગયા.
'હેમલતા, આ સારા ઘરના છોકરાઓ છે. તેઓ અહીંયા ભણવા આવ્યા છે અને ઘરથી ઘણા દૂર રહે છે. આ બંને જોડીયા ભાઈઓ છે અને વૈષ્ણવ પરિવારના પણ છે. તારે બોલવાનું થયું તેના બીજા દિવસે સવારે બંને સાથે મારે વાત થઈ હતી. તેઓ તારી માફી પણ માગવા આવ્યા હતા પણ મેં તેમને ના પડી હતી.' - જિતેન્દ્રભાઈએ લગાણીશીલ દલીલ કરી.
'આન્ટી, તમારો ગુસ્સો વ્યાજબી છે. અમે લોકોએ એવું કર્યું હતું કે, તમે નહીં કોઈપણ વ્યક્તિ ગુસ્સે થઈ જાય તે સ્વાભાવિક છે. હકિકતે વાત એવી છે કે, તે સાંજે હું પગથીયા ચડતો હતો ત્યારે તમારા ફ્લોર ઉપરથી વઘારેલી ખીચડી અને બટેકાના શાકની સરસ સુગંધ આવતી હતી. હું તેનાથી આકર્ષાયો અને તમારા ઘર સુધી આવી ગયો. બીજી તરફ દાળ ઢોકળીની પણ સોડમ આવતી હતી. હું કન્ફર્મ કરવા માગતો હતો કે, કયા ઘરમાં શું બને છે. તેથી મેં વૈભવને પણ બોલાવ્યો. લગભગ પંદર વીસ મિનિટ આમતેમ ફરીને અમે ફાઈનલ કર્યું કે, તમારા ઘરમાં ખીચડી અને શાક બન્યા છે અને સરોજ આન્ટીના ઘરે દાળઢોકળી બની છે.'
'અમે બંને ભાઈઓ ત્રણ વર્ષથી ઘરથી દૂર છીએ. મમ્મીના હાથની રસોઈ ખાવા મળી નથી. પપ્પાનો આદેશ છે કે, ડિગ્રી લીધા વગર ઘરે આવતા નહીં. વેકેશનમાં પણ ઘરે આવવાનું નથી. અમે અહીંયા રહેવા આવ્યા ત્યારથી દરરોજ કોઈના કોઈ ઘરેથી કોઈ વાનગીની સરસ સુગંધ આવતી હોય. તેના કારણે મમ્મીના હાથની રસોઈ યાદ આવી જાય છે.' - વિમલ બોલ્યો અને હેમલતાબેન ઢીલા પડી ગયા.
તેમને જવાબ આપવો હતો પણ કશું જ બોલી શક્યા નહીં. તે હજી કંઈક બોલવા જાય છે ત્યાંજ તેમનો ફોન રણક્યો...
'મમ્મી હું શનિવારે ઘરે આવું છું. સાંજે વઘારેલી ખીચડી, કઢી, બટેકાનું શાક અને કાચી કેરી-ડુંગળીનું સલાડ બનાવી રાખજે. તારા હાથના ખાવાની બહુ યાદ આવી છે. અહીંયા બેંગ્લોરમાં ક્યાંય તારા જેવું ખાવાનું મળતું નથી.' - સામે છેડે હમલતાબેનના દીકરા કંદર્પે કહ્યું અને હેમલતાબેન રડી પડયા.








