Magazines

આજકાલ 'Toxic person'ની વાત થાય છે તે કેવા હોય છે?

By GS TEAM
12 Apr 20266 mins read
આજકાલ 'Toxic person'ની વાત થાય છે તે કેવા હોય છે?

- કેવી વ્યક્તિને માનસિક રીતે તમારી નજીક આવવા દેવી તે તમારા હાથમાં છે 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- પ્રદૂષિત હવાથી બચવા માસ્ક પહેરીએ છીએ, તેમ માનસિક પ્રદૂષણ ફેલાવતા લોકોથી 'સલામત અંતર' રાખવું એ માનસિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે

આ પણી આસપાસનું વાતાવરણ અને સંગત આપણા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, 'જેવી સોબત, તેવી અસર'. ઘણીવાર આપણે આપણી ઉર્જા અને માનસિક શાંતિ એવા લોકો પાછળ વેડફી નાખીએ છીએ જેઓ બદલાવા તૈયાર નથી હોતા.

આપણે આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવી હોય, તો આપણી પાંખોમાં નકારાત્મકતાનો ભાર લઈને ઉડી શકાય નહીં. આજના સમયમાં જ્યારે 'માનસિક સ્વાસ્થ્ય' સૌથી મોટી મૂડી છે, ત્યારે કયા લોકોથી 'સલામત અંતર' જાળવવું તે સમજવું અનિવાર્ય છે.

'ટોક્સિક' (Toxic) શબ્દનો ઉપયોગ આજે આપણે માનસિક સ્વાસ્થ્ય અને સંબંધોના સંદર્ભમાં વારંવાર કરીએ છીએ, પરંતુ  ઈતિહાસ અને મનોવિજ્ઞાનમાં તેનો પ્રવેશ ઘણો રસપ્રદ છે.

શબ્દનું મૂળ 

'Toxic' શબ્દ મૂળ ગ્રીક શબ્દ 'Toxikon' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'ધનુષ-બાણ માટેનું ઝેર'.  પ્રાચીન સમયમાં યોદ્ધાઓ તેમના બાણની અણી પર ઝેર લગાવતા, જેથી તે જીવલેણ બને. કાળક્રમે આ શબ્દ એવી કોઈપણ વસ્તુ માટે વપરાવા લાગ્યો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય.

toxic people

વ્યક્તિત્વના સંદર્ભમાં 'Toxic' શબ્દનો સૌથી પહેલો અને પ્રભાવશાળી ઉપયોગ ડા. લિલિયન ગ્લાસ  દ્વારા ૧૯૯૫માં તેમના પુસ્તક 'Toxic People' માં કરવામાં આવ્યો હતો. તેમણે એવા લોકો માટે આ શબ્દ વાપર્યો જેમના વર્તનથી બીજાને માનસિક પીડા થાય છે અથવા જેઓ અન્યની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે.

ઉદ્ભવના કારણો 

કોઈ વ્યક્તિ જન્મથી 'ટોક્સિક' નથી હોતી, પરંતુ તેના ઉદ્ભવ પાછળ કેટલાક  પરિબળો જવાબદાર હોય છે :

બાળપણના અનુભવો : જે લોકોનું બાળપણ અસુરક્ષિત વાતાવરણમાં અથવા અત્યંત કડક શિસ્તમાં વીત્યું હોય, તેઓ ઘણીવાર સંરક્ષણ માટે 'મેનિપ્યુલેશન' કે જૂઠનો સહારો લેતા શીખી જાય છે.અથવા ઘરના વડીલો જૂઠું બોલતા હોય તે બાળપણથી જોયું હોય છે. વાત વાતમાં વડીલો ખોટું લગાડતા હોય તેવા વાતાવરણમાં તેનો ઉછેર થયો હોય છે.

બચાવ કામગીરી : ઘણીવાર વ્યક્તિ પોતાની નબળાઈ છુપાવવા માટે બીજા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરે છે. પોતાની અંદર રહેલી અસલામતી કે કોઈ ગ્રંંથી  બીજા પર ગુસ્સો કે ઈર્ષ્યા તરીકે બહાર આવે છે.

પોતાની જ પ્રસંશા : આ એક ગંભીર મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિને માત્ર પોતાની જ જરૂરિયાતો દેખાય છે. તેની જ પ્રસંશા વ્યક્તિ સ્વીકારે છે અને બદલામાં તે તમારા સારા કૃત્યની નોંધ સુદ્ધા નહીં લે. અન્યો પ્રત્યે સહાનુભૂતિનો અભાવ હોય છે.

પર્યાવરણ : જો કોઈ વ્યક્તિ સતત એવા માહોલમાં રહે જ્યાં નકારાત્મકતા, સ્પર્ધા, પારાકી પંચાત  અને અવિશ્વાસ હોય, તો તે પણ ધીમે-ધીમે એવા જ ગુણો કેળવી લે છે.

સોશિયલ મીડિયાનો પ્રભાવ 

આજના સમયમાં સોશિયલ મીડિયા અને સ્પર્ધાત્મક જીવનશૈલીને કારણે આ શબ્દ વધુ પ્રચલિત બન્યો છે.  આવુ વ્યક્તિત્વ એ વાસ્તવમાં ‘Emotional Dysregulation' (લાગણીઓ પર નિયંત્રણનો અભાવ) નું પરિણામ છે. બીજાને અદેખાઈ આવે તે ઈરાદાથી સાવ જુઠ્ઠી આભા ઉભી કરતી પોસ્ટ મુકવી. પોસ્ટ વાંચી કોઈ પ્રતિભાવ ન આપવો. કોઈને અભિનંદન ન આપવા. કોઈ તમારા વિચારોની સામે તેના પોતાના વિચારો મૂકે તો સંસ્કારી પુસ્તકાલય વચ્ચે રહેતા હો તો પણ  અશ્લીલ  શબ્દો સાથે દલીલ કરવા ઉતરી જવું. આ બધી વ્યક્તિઓ પણ આપણી શાંતિ હણે છે તેથી 'ટોક્સિક' જ કહેવાય.

ટૂંકમાં, જેમ બાણ પરનું ઝેર શરીરને નુકસાન પહોંચાડતું, તેમ ટોક્સિક વ્યક્તિનું વર્તન સામેની વ્યક્તિના આત્મવિશ્વાસ અને માનસિક શાંતિને હાનિ પહોંચાડે છે.

આધુનિક યુવા દુનિયાની ભાષામાં સમજીએ તો 'ટોક્સિક' વ્યક્તિની ખાસિયતો જાણવા જેવી છે. 

લાગણીનું શોષણ : તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તમને 'ગિલ્ટ ટ્રેપ' આપે છે. તમને સતત એવું લાગે કે તમે જ કંઈક ખોટું કરી રહ્યા છો.?

સહાનુભૂતિનો અભાવ : આવા લોકો માત્ર પોતાના વિશે જ વિચારે છે. તમારા આંસુ કે તમારી મહેનતની તેમના મનમાં કોઈ કિંમત હોતી નથી.

જીવંત ઉદાહરણો

આપણે આપણી આસપાસ આવા પાત્રો રોજ જોઈએ છીએ :

'વિક્ટિમ કાર્ડ' રમનારા : ધારો કે ગુંજન  નામનો એક મિત્ર છે. તે જ્યારે પણ મળે ત્યારે ફરિયાદો જ કરે - 'ઓફિસમાં બોસ ખરાબ છે, નસીબ વાંકું છે. મારી તો કદર જ કોઈને નથી.' તમે તેને મદદ કરવા માટે કોઈ ઉકેલ આપો, તો તે તરત જ તેમાં પણ ખામી શોધશે અને કહેશે 'ના, હવે ઘણું મોડું થઈ ગયું છે. તું જે જગ્યાએ જોબ લેવાનું કહે છે ત્યાંનો બોસ પણ સારોં હોય તેની શું ખાતરી. કાગડા બધે કાળા.' આવા લોકો સમસ્યાનો ઉકેલ નથી ઈચ્છતા, તેઓ સલાહ લેવા આવીને તમને સલાહ આપીને ચાલ્યા જશે. તેમણે હકીકતમાં આ રીતે કાયમ રોદણાં રડીને જ જીવવું હોય છે. બધું સરળ બની જાય તો તેઓને અઘરું પડી જાય છે.  તેમને માત્ર તમારી ઉર્જા શોષવી હોય છે.

સતત ટીકા 

તેઓ ક્યારેય તમારી સફળતાની ઉજવણી નથી કરી શકતા. 'હા, તારું પ્રમોશન થયું એ તો સારું છે, પણ હવે તારે કામ વધારે કરવું પડશે' - આવી રીતે દરેક ખુશીમાં મીઠું ભભરાવવું એ તેમની ઓળખ છે.

તમે ૧૨માં ધોરણમાં જોરદાર દેખાવ કરીને મેડિકલમાં પ્રવેશ મેળવશો તો કહેશે કે 'અભિનંદન પણ, હવે માસ્ટર પૂરું કરવા આઠ-  દસ  વર્ષની તપશ્ચર્યા કરવી પડશે. 'તમે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરશો તો આ વ્યક્તિ અભિનંદન આપીને ઉમેરશે કે 'આજકાલ પ્રેક્ટિસ કરવી, ક્લિનિક ઉભી કરતા પહેલા વિચારજે. મોટાભાગના ડોક્ટરો પસ્તાયા છે. જો કે તારે એવું નહીં જ થાય.' 

'ટોક્સિક' વ્યક્તિ તમારી કોઈપણ ખુશીમાં કઈંક એવી કોમેન્ટ ઉમેરશે કે તમેં  નબળા માનસના હો તો તમને ડર, શંકાનું આરોપણ કરશે. તમારો આનંદ છીનવાઈ જશે. તમે કોઈ ખોટો નિર્ણય લીધો હોય તેવું તમને લગાડશે.

'ટોક્સિક' હિતેચ્છુઓ : તમારી સફળતાના સમાચાર સાંભળીને જે વ્યક્તિ કહે,' અરે વાહ, અભિનંદન! જોકે આ વખતે તારું નસીબ જોર કરી ગયું એટલે જીતી ગયો, આ વખતે તારા હરિફો નબળા હતાં.'

તમે તેને સ્વર્ગીય સુખની અનુભૂતિ કરાવો તો તેઓ ખુશી વ્યકત કરતા બે શબ્દો તો શું ચહેરા પર પ્રસન્નતાના ભૂલથી હાવભાવ ન આવી જાય તે રીતે સાવધ થઈ જાય. આ બધું સુખ અને ખુશી  તો અમે રોજ મેળવીએ છીએ તેમાં શું તેવું પાખંડ બતાવે છે. આવી  વ્યક્તિ તમારી તેને સુખ આપવાની ઉદાહરણીય પહેલમાં તેના વાણી કે વર્તનથી   એવું ઝેર ભેળવે છે કે તમને એવો એહસાસ થાય કે તમે સાવ મૂર્ખ ઠર્યા. કુપાત્ર માટે તમે સમય, નાણાં અને સબંધ વ્યર્થ કર્યો. 

સોક્રેટિસનો ખાલી ઘડો : ગ્રીક ફિલોસોફર સોક્રેટિસ પાસે એક જિજ્ઞાસુ ગયો. સોક્રેટિસે એક કાણાવાળો ઘડો આપ્યો અને તેમાં પાણી ભરવા કહ્યું. ઘડો ક્યારેય ભરાયો નહીં. સોક્રેટિસે સમજાવ્યું કે અમુક લોકોના મન અસંતોષ અને નકારાત્મકતાથી એટલા ફાટેલા હોય છે કે તમે ગમે તેટલો પ્રેમ કે સકારાત્મકતા તેમાં રેડો, તે હંમેશા ખાલી અને રડતા જ રહેશે.આવા માણસો જોડે ભલેે સંપર્કમાં આવો પણ મનોમન એવી રીતે ચોકડી  લગાવી દો કે તેના વર્તનની કોઈ આપણી સ્વસ્થતા પર અસર ન પડે.

જ્યારે  'ટોક્સિક' વ્યક્તિ ઘરની અંદર જ હોય ...

બહારની વ્યક્તિથી દૂર જવું સરળ છે, પણ જો પતિ કે પત્ની જ ટોક્સિક હોય તો? આ સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. અહીં 'સલામત અંતર' ભૌતિક નહીં પણ 'માનસિક' રાખવું પડે છે તેમ ડો. લીલિયમ ગ્લાસ કહે છે. જેમ કે 

ભાવનાત્મક સીમારેખાઓ : શાંત રહીને સ્પષ્ટ કરો કે કયો વ્યવહાર તમને સ્વીકાર્ય નથી. સામે રિએક્ટ કરવાને બદલે મૌન ધારણ કરો. કારણ કે  તમારી પ્રતિક્રિયા જ તેમનો ખોરાક છે. 

'ગ્રે રોક' પદ્ધતિ : રસ્તા પર પડેલા રાખોડી પથ્થર જેવા નીરસ બની જાઓ. તેમની ઉશ્કેરણી છતાં ટૂંકા અને તટસ્થ જવાબો આપો. જ્યારે તેમને તમારામાં કોઈ 'ડ્રામા' નહીં દેખાય, ત્યારે તેમની હેરાન કરવાની વૃત્તિ ઘટશે.?

સ્વ-શક્તિનું જતન : તમારા મિત્રો, હોબી અને કામને જીવંત રાખો. જીવનસાથીને જ તમારું આખું વિશ્વ ન બનાવી દો. જો કેન્દ્ર ઝેરી કે નકારાત્મક  હોય, તો પરિઘમાં આનંદ શોધવો પડે.

નિર્ણયની ક્ષણ : આચાર્ય ચાણક્ય કહે છે કે જે સંબંધમાં આદર નથી, ત્યાં રહેવું એ મૃત્યુ સમાન છે. જો માનસિક હિંસા અસહ્ય બને, તો સ્વ-રક્ષણ માટે કઠોર નિર્ણય લેવો એ પાપ નથી, પણ આત્મ-સન્માનની રક્ષા છે.

જ્ઞાન પોસ્ટ 

'તમે એ પાંચ લોકોનું સરેરાશ છો જેની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો. તમે કઈ પાંચ વ્યક્તિને તમારા મન અને હૃદયના સ્થાન આપીને જીવો છો તેવા તમે બનશો.'- જિમ રોન