Get The App

પીળી પીળી ચણાની દાળ ઉજળો ચોખલિયો

સોના વાટકડી રે - નીલેશ પંડયા

Updated: Mar 7th, 2020

GS TEAM

Google News
Google News
પીળી પીળી ચણાની દાળ ઉજળો ચોખલિયો 1 - image


'પીળી પીળી ચણાની દાળ...' મજાક મસ્તીનું હળવું ફૂલ લોકગીત છે.  લોકજીવનમાં નણંદ-ભોજાઈ મીઠો કજિયો, ચડસાચડસી કરનારાં પાત્રો છે

પીળી પીળી ચણાની દાળ

ઉજળો ચોખલિયો

મારે જાવું ચિત્તલ શે'ર, ચુંદડી વોરવા

વોરે વોરે નણદલનો વીર, નણદોયી ના પાડે,

એલી તારા નાહોલિયાને વાર્ય, ઝઘડો લાગશે.

                          પીળી પીળી...

મારે જાવું ટીકર શે'ર, ટીલડી વોરવા

વોરે વોરે નણદલનો વીર, નણદોયી ના પાડે,

એલી તારા નાહોલિયાને વાર્ય, ઝઘડો લાગશે.

                          પીળી પીળી...

મારે જાવું નગર શે'ર, નથણી વોરવા

વોરે વોરે નણદલનો વીર, નણદોયી ના પાડે,

એલી તારા નાહોલિયાને વાર્ય, ઝઘડો લાગશે.

                          પીળી પીળી...

મારે જાવું હાલાર શે'ર, હારલો વોરવા

વોરે વોરે નણદલનો વીર, નણદોયી ના પાડે,

એલી તારા નાહોલિયાને વાર્ય, ઝઘડો લાગશે.

                          પીળી પીળી...

લો કગીતો એટલે લોકના શ્લોક..! સંસ્કૃત ભાષાના શ્લોક વિદ્વાનોને આવડે છે, એમાં આમલોકની ચાંચ ડૂબતી નથી પણ એ શ્લોકો કરતાંય સવાયા શ્લોક લોકે રચ્યા છે જેમાં તેમના જીવનના બધા જ રંગો નિખરી ઉઠયા છે. લોકજીવનના રંગોનું મેઘધનુષ એ જ આપણાં લોકગીતો.

આપણાં બહુધા લોકગીતો નારીપ્રધાન છે કેમકે એની રચયિતા સ્ત્રી છે એવી સર્વસામાન્ય માન્યતા છે. કોઈ ગીત પુરૂષે, લોકકવિએ રચ્યાં હોય તોય એનો પીંડ તો માનુનીના મનોભાવોમાંથી જ બંધાયો હશે એટલે લોકગીતોમાંથી છતું થાય છે ભામિનીઓનું ભાવવિશ્વ. સમાજ ભલે નરપ્રધાન હોય, લોકગીતો તો નારીપ્રધાન જ છે.

'પીળી પીળી ચણાની દાળ...' મજાક મસ્તીનું હળવું ફૂલ લોકગીત છે.  લોકજીવનમાં નણંદ-ભોજાઈ મીઠો કજિયો, ચડસાચડસી કરનારાં પાત્રો છે. નણંદ સાથે નણદોયને પણ 'કાળો ધોળો' કહેવાની વણલખી પરંપરા છે. અહીં નાયિકા પોતાના માટે વસ્ત્રાભૂષણો ખરીદવા જુદી જુદી જગ્યાએ સપરિવાર જાય છે. પોતાનો પરણ્યો ચુંદડી, ટીલડી, નથણી,હારલો-વગેરેનાં મૂલ કરે છે પણ નણદોય ખરીદી કરતાં રોકે છે એટલે નાયિકા પોતાની નણંદને સાફ સાફ કહીદે છે કે તારા પતિને સમજાવીદે નહીંતર મારે એની સાથે ઝઘડો થશે!

સાળાવેલી અને નણદોય વચ્ચેની નિર્દોષ મસ્તી કે મજાકિયા-ખેંચતાણમાંથી આ લોકગીત સર્જાયું છે. આવું લોકજીવનમાં બનતું જ રહેતું હોય છે. લોકગીતોમાં ક્યાંય દંભ નથી હોતો,જેવું જીવન જીવાય છે એવું જ લોકગાણામાં બયાન થાય છે.

Tags :