રોજ પંદર મિનિટ જોઇએ આપણી ચિંતાની નોંધપોથીને !
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
ચિંતાને રોજિંદા સમયપત્રકમાં નહીં, બલ્કે તમારી નોંધપોથીમાં રાખો અને રોજ પંદર મિનિટ એ નોંધપોથી ખોલીને એમાં નવી ચિંતાઓનો સમાવેશ કરો અને દૂર થયેલી ચિંતાઓને છેકી નાખો.
મનના બેલગામ અશ્વ પર ચિંતા સતત સવાર થઇ જાય, તો પછી જીવન સીધા રસ્તા પર ચાલવાને બદલે આડેઅવળે, આમતેમ ફંગોળાતું રહે છે. ચિંતા એક એવો ઘોડેસવાર છે કે જેને વ્યક્તિ સહેલાઇથી નીચે ઉતારી શક્તો નથી. જેમ અશ્વ ખેલાવવા માટે આવડત જોઇએ, એ જ રીતે જીવનમાં ચિંતાને સમજવા માટે કેટલીક યુક્તિઓ જોઇએ. એમાં પહેલી યુક્તિ એ છે કે તમારી ચિંતાઓની એક નોંધપોથી બનાવો અને એમાં અગ્રતાક્રમ પ્રમાણે તમને પજવતી ચિંતાઓના એક એક મુદ્દા રૂપે લખો. કેટલીક ચિંતા એવી છે કે જે તમારા મનમાં તમને પજવ્યા કરે છે અને હકીકતમાં એને દૂર કરવાની બાબતમાં તમે સાવ નિ:સહાય હહો છો. કોઇને ઘણી મોટી રકમ આપી હોય અને પછી તે પાછી આવે તેમ ન હોય, ત્યારે તેની ચિંતા ઘણાને કોરી ખાતી હોય છે. રોજેરોજ તો ઠીક, પરંતુ દર કલાકે એ વિચાર કરે છે કે પેલા ભાઈને આપેલી મારી પેલી રકમ ડૂબી ગઈ. હવે જે રકમ ડૂબી જ ગઈ હોય અને પાછી આપવાની કોઈ શક્યતા ન હોય એની ચિંતા કર્યે ક્યાંથી પાછી મળે ?
ક્યારેક એવી ચિંતા થાય કે જે જીવનમાં જેને ચાહતો હતો, તેની સાથે લગ્ન કર્યા હોત તો સારું થાત, એવું પણ થાય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાને બદલે વકીલ થયો હોત તો કેવું સારું ? નાનકડા ફ્લેટમાં રહેતો હોય અને પછી મહેલ જેવો બંગલો ક્યારે મળે એની ફિકર કરતો હોય ત્યારે એમ લાગે કે આવી ચિંતા વ્યર્થ છે. કેટલાક તો વળી બુઢાપામાં વેડફી દીધેલી યુવાનીની ચિંતા કરતા હોય છે. જેમાં તમે તદ્દન નિ:સહાય છો, એવી ચિંતા કરે શું વળે ? આવી ચિંતાથી વ્યક્તિ ઉદાસ તો રહે છે, પણ એના જીવન પર સતત અભાવનો અજંપો ભરડો લગાવે છે. આવી ચિંતાઓને વ્યક્તિએ નિર્દય બનીને પોતાના મનમાંથી દૂર હટાવી દેવી જોઇએ અને મનના અશ્વ પર સવાર થયેલી આવી ચિંતાને વશ કરવી જોઇએ.
એ પછી તમે નોંધપોથીમાં એવી કેટલીક ચિંતાઓની નોંધ કરો કે જે દૂર થઇ શકે તેમ છે, પરંતુ એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે. ઘણીવાર વ્યક્તિ થોડો વધુ પુરુષાર્થ કરે તો એની ચિંતા એ અળગી કરી શકે, પરંતુ એ પ્રયત્ન કરવાને બદલે વારંવાર માત્ર એને વિશેની ચિંતા કરતો રહે છે અને એને પરિણામે એની એ જ ચિંતા એના મનમાં સદા 'જીવંત' રહે છે. જ્યારે કેટલીક ચિંતા એવી હોય છે કે જેનો ઉકેલ તમને મળી રહે છે. માત્ર તમારી જીવનશૈલી બદલો તો એ ચિંતા ચાલી જાય છે. ક્યારેક તો તમારી જીવનદ્રષ્ટિ બદલો એટલે તરત જ એ ચિંતા ચિતા સમાન બનવાને બદલે ચિંતા ભસ્મીભૂત થઇ જશે.
વિચાર કરીએ નેપોલિયન બોનાપાર્ટના. ફ્રાંસના આ સમ્રાટનો વોટર લૂ યુદ્ધમાં પરાજય થતાં ૧૮૧૫ની ૨૨મી જૂને ગાદી ત્યાગ કર્યો અને એ પછી એને બ્રિટિશ આધિપત્ય હેઠળના સેન્ટ હેલેના ટાપુ પર કેદ કરવામાં આવ્યો. આ સમયે હોજરીના કૅન્સરના દર્દથી પીડાતો નપોલિયન બોનાપાર્ટ એના એક ડૉક્ટર સાથે લટાર મારવા નીકળ્યો. બંને એક કેડી પરથી પસાર થતા હતા, ત્યારે ડૉક્ટરે માથા પર ઘાસનો ભારો લઇને આવતી સ્ત્રીને કહ્યું કે 'તું બાજુમાં હટી જા. નેપોલિયન બોનાપાર્ટ આવી રહ્યા છે.' ત્યારે નેપોલિયને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આપતા ડૉક્ટરને કહ્યું, 'હવે હું કેદી છું, સમ્રાટ નથી. એક સમયે કેડી તો શું, પરંતુ મોટા પહાડને હું હટી જવાનું કહેતો અને એ ખસી જતા. પણ હવે ઘાસનો ભારો ઉપાડીને આવતી પેલી સ્ત્રીને દૂર ખસવાનું કહી શકાય નહીં. આપણે જ બાજુએ હટી જવું પડે.'
આ ઘટનામાં નેપોલિયન પોતે સમ્રાટ હતો એ ભૂતકાળની ચિંતાથી મુક્ત થઇને એક કેદી તરીકે પોતાની જાતને જુએ છે. માથા પર મોટાઈનો ભારો રાખવાને બદલે એ ચિંતામુક્ત બનીને વર્તમાન પરિસ્થિતિને પામી શકે છે. સવિશેષ તો જે કોઈ પરિસ્થિતિ હોય, તેમાં સ્વીકારભાવ કેળવવાની આવશ્યક્તા હોય છે. જો આવો સ્વીકારભાવ હોય તો પછી એ ચિંતા ચિંતા રહેતી નથી. તમારી આવી ચિંતાની નોંધપોથી તૈયાર કર્યા પછી એને વિશે પંદરેક મિનિટ વિચાર કરવો અને પછી દૂર ન થઇ શકે એવી ચિંતાઓને દૂર રાખીને દૂર થઇ શકે એવી ચિંતાઓને માટે પ્રયત્ન કરો.
તમારે એ ચિંતાની નોંધપોથી બંધ કરીને બાકીનો દિવસ પસાર કરવો જોઇએ. થાય છે એવું કે વ્યક્તિ સમસ્યાઓને સતત લસોટયા કરે છે, યાદ કર્યા કરે છે અને ચિંતાની ફેરફુદરડી ફરતો રહે છે. આવી ફેરફુદરડી ફરનારો વ્યક્તિ ચિંતામાં ડૂબી ગયો હોય છે અને એને આજુબાજુનું કશું નજરે પડતું નથી. પરિસ્થિતિને હળવાશથી લઇ શક્તો નથી અને એમાંય કેટલીક ચિંતા તો એના મનમાં છાવણી નાખીને જ બેઠી હોય છે.
ડાયાબિટીસનો દર્દી સતત પોતાના રોગ વિશે ચિંતિત અને સભાન હોય છે. ક્યાંક કોઈ વાનગી જુએ અને પોતાને ડાયાબિટીસ છે, એમ કહે તે તો બરાબર, પરંતુ જે સાંજે લટાર મારવા નીકળ્યો હોય ત્યારે, કોઈ સામે મળે તો એ વ્યક્તિએ એને કશુંય પૂછ્યું ન હોય, તો પણ પોતાના ડાયાબિટીસના રોગનું વર્ણન કરવા માંડે છે. કેટલીક ચિંતા અસ્થાયી હોય છે. શેરબજારમાં મંદીની અસર થાય, ત્યારે ઘણા લોકો ચિંતામાં ડૂબી જતાં હોય છે, જો કે સાથોસાથ એ જાણે છે કે તેજી આવશે ત્યારે એમની આ ચિંતા દૂર થઇ જશે.
ઘરમાં કે બગીચામાં તમે હીંચકા પર બેઠા હશો. હીંચકાની એ ગતિનો વિચાર કરીએ તો એ સામેની બાજુએ છેક ઊંચી જાય અને પછી એટલા જ વેગથી એ પાછળની બાજુએ ઊંચે જશે. આમ હીંચકો ખાતો માણસ થોડા સમય પછી એ હીંચકો થોભાવે છે, ત્યારે એણે જ્યાંથી હીંચકો ખાવાનું શરૂ કર્યું હતું, ત્યાં જ આવીને ઊભો હોય છે !
બસ, આપણા મનમાં જાગતી ચિંતાની ગતિ આવી છે. ચિંતા તમારા મનને આમ-તેમ ખૂબ દોડાવશે. ઘડિયાળના લોલકની જેમ એક બાજુથી બીજી બાજુ મન પળનાય વિલંબ વિના દોડતું રહેશે. આ બધાંને અંતે વિચાર કરશો તો તમે જ્યાં હશો ત્યાં જ ઊભા હશો. જ્યારે હીંચકો ચાલતો હતો ત્યારે થોભીને એક શ્વાસ પણ લેવાનો સમય નહોતો અને એ અટકી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો હતા ત્યાંના ત્યાં જ છીએ.
ચિંતાને દૂર કરવાનો ઉપાય શો ? આ ચિંતાને હીંચકે ઝૂલાવવાને બદલે જરા હીંચકો પકડીને જમીન પર પગ ખોડીને ઉભા રહો, પછી વિચારો કે આ ચિંતાના નિવારણ માટે શું કરી શકાય ? એના કયા કયા ઉપાયો અને પગલાંઓ છે ? મનમાં અહીંથી તહીં કૂદતી અને સતત આમતેમ ઘૂમતી ફેરફુદરડી જેવી ચિંતાને ઉભી રાખો. એને ઊભી રાખ્યા પછી એ ચિંતાને બરાબર પકડી રાખો.
પ્રસિદ્ધ નિબંધકાર વિલિયમ હેઝલિટના જીવનમાં ચિંતાનો પાર નહોતો. ગરીબીને કારણે માથે દેવું વધી ગયું હતું. કારાવાસ પણ વેઠવો પડયો હતો. સારા વૉકર નામની યુવતિને ચાહતો હતો અને એની સાથે લગ્ન કરવા માટે વિલિયમ હેઝલિટે પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા, પણ ત્યાં નવી મોટી ચિંતા માથે આવી. સારા વૉકર તો પ્રેમનું નાટક કરતી હતી પરંતુ એની સાથે પરણવા ચાહતી નહોતી. ૨૬મા વર્ષે સાહિત્યસર્જન કર્યું પરંતુ સાહિત્યની વાડાબંધીને કારણે અવગણના મળી. આ સઘળી ચિંતા માથે સવાર હતી તેમ છતાં વિલિયમ હેઝલિટે પોતાની ચિંતાઓને સમજ્યો, દૂર કરવા પ્રયત્ન કર્યો, એક એક ચિંતા ઓછી કરતો ગયો. હૃદયની શીતળતા અને શુભમાં શ્રદ્ધા રાખીને એ પ્રસન્નતાથી જીવન જીવ્યો.
આમ વ્યક્તિએ પોતાની ચિંતાઓને ઓળખ્યા અને પકડયા પછી એને નોંધપોથીમાં નોંધીને સાંગોપાંગ ચિંતન કરો. એનો ઉપાય શોધો અને એની અજમાયશ કરો. કર્મયોગી કે જીવનનો અનુભવી ધ્યાનયોગી પોતાના જીવનમાં આવતી ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આવો ઉપાય યોજે છે. આ ઉપાયને કારણે એમને આ ચિંતાનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે અને પછી એ ચિંતા જન્માવનારી બાબતોનો વિચાર કરશે અને તેને પરિણામે એમાંથી મુક્તિ પામવાના પ્રયાસો કરશે.
આથી ચિંતાને રોજિંદા સમયપત્રકમાં નહીં, બલ્કે તમારી નોંધપોથીમાં રાખો અને રોજ પંદરેક મિનિટ એ નોંધપોથી ખોલીને એમાં નવી ઉમેરાયેલી ચિંતાઓનો સમાવેશ કરો અને દૂર થયેલી ચિંતાઓને છેકી નાખો. મનમાં રહેલી ચિંતાને હૃદય પર રાખવાને બદલે ખિસ્સામાં વોલેટની જેમ રાખો. જેને ક્યારેક કાઢીને આપણે જોઈ લઇએ છીએ.
ક્ષણનો સાક્ષાત્કાર
પરંપરાની ગરિમાને આપણે ક્ષુદ્ર સ્વાર્થીને ખાતર સાવ નષ્ટ અને ભ્રષ્ટ કરી દીધી છે. પરંપરાને નામે કાં તો રૂઢિચુસ્તતા એનો અડ્ડો જમાવે છે અથવા તો લેભાગુ લોકો એને નામે ચરી ખાય છે. પરંપરાનું સૌંદર્ય માણવાને બદલે આપણે એને બીજા પર બળજબરીથી લાદી દેવાનો પ્રયાસ કરીએ છીએ.
એ સ્વાભાવિક છે કે ભગવાન બુદ્ધ જેટલા પ્રસિદ્ધ એમના પિતા સિદ્ધાર્થ ન હોય અને એ પણ સ્વાભાવિક છે કે મહાત્મા ગાંધીજી કે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો એમની માફક એમના જેવી વિશ્વવિભૂતિ ન થઇ શકે, પરંતુ આપણે ત્યાં સંસ્થા હોય કે પક્ષ હોય, પંચાયત હોય કે પરિવાર હોય, બધે જ પરંપરાને નામે પૂર્વજોના સિંહાસન પર બેસી જવાની આદત પડી ગઈ છે. પોતાના પૂર્વજોએ કર્યું તેથી એ સ્થાન અને માન પર પોતાનો અધિકાર જમાવે છે. આવડત ન હોય તેમ છતાં એ પરિવારની પરંપરાને સમાજમાં અને જનજીવનમાં આદરથી જોવામાં આવે છે.
હકીકતમાં એ છે કે સ્થાપિત હિતો ધરાવતા સ્વાર્થી તક સાધુઓ આવી પરંપરાને ચાલુ રાખવા માટે મરણિયા પ્રયાસ કરતી હોય છે. કોઈ પોતાના પિતાની ખ્યાતિ પર, તો કોઈ પોતાના પુત્રને ગાદી આપી જવા માટે પરંપરાનો આશરો લે છે. આવી પરંપરા સમાજનાં તમામ ક્ષેત્રોમાં ગુણવાન વ્યક્તિઓને ભારે અન્યાય કરે છે, આથી તો સ્વામી રામદાસે પૂર્વજોની પ્રતિષ્ઠાને ચરી ખાનારાને મૂર્ખ કહ્યા છે, પણ હકીકતે સમાજમાં આવા મૂર્ખોનો મહિમા થાય છે. સ્વાર્થી તક સાધુઓ આ પરંપરાને નામે વામણી વ્યક્તિને વારસદાર રૂપે સ્થાપતા અચકાતી નથી. પરિણામે સામાજિક, રાજકીય કે અન્ય સંસ્થાઓ એક અન્યાયી પ્રક્રિયાનો ભોગ બને છે અને પછી ખુશામત-ખોર લોકો એ વામણા માણસો પાસેથી પોતાનું કામ કઢાવતા હોય છે અને સમય જતાં પૂર્વજોની પ્રતિષ્ઠા પર પરંપરાને નામે ચાલતી આ સંસ્થાઓ સમેટાઈ જાય છે, સર્જનાત્મકતા વિહોણી બની જાય છે અને રૂઢિચુસ્તતામાં ફસાઈને અકાળે મૃત્યુ પામે છે.
મનઝરૂખો
રોડ્ઝ સ્કોલર અને ન્યૂયૉર્કના એટર્ની કર્નલ ઇડી ઇગાન કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. ક્યારેક એમ વિચારતા કે ઘાણીના બળદની માફક એમને સતત મહેનત કરીને માનસિક ચકરાવા લેવા પડે છે. મન પર સતત ચિંતાનાં વાદળો રહેતાં હતાં, આમાંથી બહાર નીકળવા માટે એમણે એક નવો ઉપાય શોધી કાઢ્યો. એમણે જોયું કે જ્યારે જ્યારે એ કોઈ શારિરીક શ્રમ કરતા, ત્યારે મન પર ઘેરાયેલાં માનસિક ચિંતાનાં વાદળો વીખરાઈ જતાં હતાં. આથી એમણે જિમ્નેશિયમમાં જઇને પોતાની પસંદગીની રમત સ્કવોશ ખેલવાનું શરૂ કર્યું. આ સમયે એમનું મન પેલી ચિંતાઓના બોજથી મુક્ત થઇ જતું. એ પછી ક્યારેક ગૉલ્ફ કોર્ટનું ચક્કર લગાવતા અથવા તો પૅડલ ટેનિસની રમત રમતા.
આ શારીરિક શ્રમ કરતી વખતે એમને સતત એવો અનુભવ થયો કે આવા શ્રમને પરિણામે કાયદાની આંટીઘૂંટીમાં જકડાયેલું એમનું ચિત્ત એની સમસ્યાઓમાંથી મુક્ત થઇ જતું હતું અને હળવાશ અનુભવતું હતું. એક પ્રકારની નવી તાજગી અને નવી શક્તિ આવી હોય તેમ લાગતું. કર્નલ ઇડી ઇગાને જોયું કે એ જ્યારે બોક્સિંગ કરતા, ત્યારે એમના મનમાં કોઈ ચિંતા જાગવાની શક્યતા જ રહેતી નહીં. બોક્સિંગમાં એવી ધારદાર એકાગ્રતાની જરૂર પડતી તેમજ પ્રતિસ્પર્ધી પર સતત એવી નજર ઠેરવવી પડતી કે મનમાં ચિંતા તો શું, પણ કોઈ બીજો વિચાર જાગે એવી પણ શક્યતા રહેતી નહીં અને એને પરિણામે પછીના સમયમાં નવીન વિચારો આસાનીથી આવતા અને કપરાં કાર્યો સાવ સરળ લાગવા માંડતાં. આથી એમણે મનમાં એક સૂત્ર રાખ્યું કે મન જ્યારે ચિંતાગ્રસ્ત બને ત્યારે માનસિક શ્રમ લેવાને બદલે શારીરિક શ્રમ કરવા માંડો. એના પરિણામથી તમે પોતે નવાઈ પામશો. અને ન્યૂયૉર્કના આ એટર્ની ઑલિમ્પિક લાઇટ-હેવીવેઇટ ચૅમ્પિયન પણ થયા અને એ જ રીતે કાયદાની દલીલબાજીની જેમ મુક્કાબાજીમાં પણ માહેર બની ગયા.