અસ્તિત્વના અન્ય આયામોમાંથી સમયનું અતિક્રમણ થતા ભૂતકાળની વસ્તુઓનો આવિર્ભાવ થાય છે
અગોચર વિશ્વ - દેવેશ મહેતા
વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમને બાળપણથી જ અધ્યાત્મમાં અભિરુચિ હતી. તે યુવાન હતા ત્યારે જ એમને અસ્તિત્વના અન્ય આયામની અનુભૂતિ થઈ હતી
મહાન ભૌતિક વિજ્ઞાાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૧૯૦૫માં ઝ્યુરિચ ખાતે 'સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી' રજૂ કરી ત્યારે અસ્તિત્વના ચતુર્થ આયામ (ર્ખેિાર ઘૈસીહર્જૈહ)ની વાત પણ કરી હતી. તેમણે દર્શાવ્યું હતું કે આખા વિશ્વને સાત આયામોમાં વિભાજિત કરી શકાય. એના પ્રથમ ચાર આયામ સ્થૂળ જગતના છે. જ્યારે પછીના ત્રણ આયામ સૂક્ષ્મ જગતના છે. પ્રથમ ચાર આયામ વિજ્ઞાાન ક્ષેત્ર સાથે સંબંધિત છે. જ્યારે ધ્યાન કે યોગ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિથી મનુષ્ય અસ્તિત્વના સૂક્ષ્મ આયામોમાં પ્રવેશ કરે છે ત્યારે એને વિલક્ષણ અનુભૂતિઓ થવા લાગે છે.
માનવીની ચેતના કે મન ચતુર્થ આયામમાં પ્રવેશે ત્યારે તે અસંભવ લાગે તેવા ચમત્કારો ઘટિત થાય છે. ચમત્કાર એ બીજું કાંઈ નથી એ કેવળ અન્ય આયામમાં પહોંચેલી ઉચ્ચતર ચૈતન્ય અવસ્થાથી પ્રગટ થયેલી અજ્ઞાાત હકીકત છે. કોઈ વાર યોગસિદ્ધિથી તો કોઈ વાર અનાયાસ પ્રાકૃતિક અભિવ્યક્તિથી કોઈ અન્ય આયામમાં થોડી ક્ષણો માટે પહોંચી જાય તો એને અગોચર વિશ્વના દર્શન થઈ જાય છે. એની આંખો સામે કંઈ અવનવા અને એકલવ્ય કહેવાય એવા વિસ્મયકારી દ્રશ્યો પ્રગટ થઈ જાય છે. સ્થૂળ જગતના નિયમોથી એ ઘટનાઓ ભૂતકાળમાં બની ગયેલી હોય છે પણ અન્ય આયામમાં એ વર્તમાનમાં બનતી અથવા ભવિષ્યમાં બનનારી પણ થઈ શકે છે.
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમને બાળપણથી જ અધ્યાત્મમાં અભિરુચિ હતી. તે યુવાન હતા ત્યારે જ એમને અસ્તિત્વના અન્ય આયામની અનુભૂતિ થઈ હતી. એકવાર નરેન્દ્રનાથ એમના ઓરડામાં સવારના સમયે ધ્યાન કરતા હતા ત્યારે એક અદ્ભુત ઘટના બની. એમની આંખો ધ્યાનસ્થ મુદ્રામાં મીંચાયેલી હતી છતાં એમને પ્રતીતિ થઈ કે એમના ઓરડામાં કોઈ અન્ય વ્યક્તિ આવી છે.
એમણે આંખો ખોલીને જોયું તો એમની સામે દિવાલમાંથી ભગવા વસ્ત્રધારી ભગવાન બુદ્ધ પ્રગટ થઈ રહ્યા છે ! એમના હાથમાં ભિક્ષાપાત્ર પણ રહેલું છે. એમના શરીરમાંથી દિવ્ય પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. એમના મુખ પર પરમ શાંતિ અને પ્રસન્નતા ઝળકી રહ્યા છે. થોડી પળો માટે એમની સામે ભગવાન બુદ્ધ ઉભા રહ્યા પછી તે એકંદમ અંતર્ધાન થઈ ગયા એમને લાગ્યું કે ભગવાન બુદ્ધના નિકટતમ સાંનિધ્યથી એમના અસ્તિત્વમાં કંઈક પરિવર્તન આવી ગયું છે. એમના આંતરજ્ઞાાનમાં પરિપુષ્ટિ થઈ ગઈ છે. એમને સ્પષ્ટ પ્રતીતિ થઈ છે કે એ દિવાસ્વપ્ન કે વિભ્રાંતિ નહોતી.
થોડા દિવસ બાદ નરેન્દ્રનાથને બીજીવાર આવો જ પણ થોડો અનુભવ થયો. તે સવારના સમયે ધ્યાન કરી રહ્યા હતા. એમને એવો અહેસાસ થયો કે એમની સામે કોઈ આવી રહ્યું છે. તેમણે આંખો ખોલી તો દીવાલમાંથી નારદજી પ્રગટ થઈ રહ્યા હોય એવું લાગ્યું. ખાલી ઓરડામાં એકાએક નારદજી ક્યાંથી આવ્યા ? પછી એમને બુદ્ધના પ્રાગટયવાળો પ્રસંગ યાદ આવ્યો. નારદજી એમની નજીક આવ્યા અને એમના મસ્તક પર હાથ પણ મૂક્યો. નરેન્દ્રનાથે એમને યોગ અને ધ્યાન વિશે થોડા પ્રશ્નો પણ પૂછ્યા. દેવર્ષિ નારદે એમના પ્રશ્નોના જવાબ આપ્યા અને થોડું ગૂઢ કહેવાય તેવું જ્ઞાાન પણ આપ્યું. તે પછી તે જેમ અદ્રશ્ય રીતે પ્રગટ થયા હતા તેમ અજ્ઞાાત આયામમાં અંતર્ધાન થઈ ગયા.
મહાન સંત અને યોગી સ્વામી રામતીર્થના જીવનમાં પણ આવી વિસ્મયકારી ઘટના બની હતી જે એમણે સ્વયં એમના સંસ્મરણોમાં લખી છે. તે ઉત્તરાખણ્ડ અને હિમાલયની યાત્રા કરી રહ્યા હતા ત્યારે એ બની હતી. એક દિવસ તે ચાલતા ચાલતા એમની પર્ણકુટિ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમનામાં ભાવાવેશ ઉદ્ભવ્યો. પર્ણકુટિ તરફ જવાને બદલે તેમણે એનાથી વિરુદ્ધ દિશામાં ગાઢ જંગલ તરફ ચાલવા માંડયું. અડધા માઇલ જેટલું અંતર કાપ્યા બાદ તે જંગલ પાસે પહોંચી ગયા, તે બેધ્યાનપણે સતત ચાલી જ રહ્યા હતા ત્યાં એમના કાનમાં કોઈકનો અવાજ પડયો. તેમણે જોયું તો માર્ગમાં આદિ શંકરાચાર્યજી ઉભા છે તે હાથ ઉંચો કરીને તેમને ઇશારાથી આગળ જતા રોકી રહ્યા છે.
સ્વામી રામતીર્થે એમને જોઈને નમસ્કાર કર્યા. આદિ શંકરાચાર્યજીએ એમને કહ્યું : 'રામતીર્થ તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. તમારી પર્ણકુટિ પાછળની તરફ છે. અહીં આગળ ગાઢ જંગલ છે અને જંગલી પશુઓ ફરી રહ્યા છે. અહીંથી પાછા ફરી જાઓ.' એટલું કહીને આદિ શંકરાચાર્યજીનું સ્વરૂપ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયું. સ્વામી રામતીર્થને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને તે ત્યાંથી પાછા ફરી પર્ણકુટિ તરફ ચાલવા લાગ્યા. આ રીતે અસ્તિત્વના અજ્ઞાાત આયામમાંથી પ્રગટ થઈ આદિ શંકરાચાર્યજીએ સ્વામી રામતીર્થજીનું રક્ષણ કર્યું હતું.
માઇનર બુ્રસ નામના લેખકે એમના પુસ્તક 'સાઇલન્ટ સિટી ઓફ અલાસ્કા'માં એક પ્રસંગ નિરૂપિત કર્યો છે જે અત્યંત વિસ્મયકારી છે. ઇ.સ. ૧૮૯૭ના ઉનાળાના દિવસોમાં ડયુક ઓફ એબુ્રજીના નેતૃત્વ હેઠળ એક ટ્રાવેલર ગુ્રપ અલાસ્કાની તટવર્તી પહાડીઓ સેન્ટ એલિયાસની મુસાફરી કરી રહ્યું હતું. પર્વતારોહણ કરી રહેલો સમુદાય જ્યારે પર્વતની વચ્ચે આવેલા સમથળ મેદાનમાં પહોંચ્યો ત્યારે ત્યાં એમને એક પ્રાચીન શહેરના દ્રશ્યો દેખાવા લાગ્યા. સી. ડબલ્યુ. થોર્નટન નામના મુસાફરે આ જોયું એટલે તેમણે બધાનું તે તરફ ધ્યાન દોર્યું.
થોડીવાર પહેલાં જ્યાં ખાલી સમથળ મેદાન હતું ત્યાં પ્રાચીન શહેરની ઇમારતો, શેરીઓ, ઉદ્યાનો અને વૃક્ષોની હારમાળાઓ, રસ્તા પર હરતા ફરતા માણસો જોઈને તે બધા જ અચરજમાં મુકાઈ ગયા. દ્રશ્યો એટલા સ્પષ્ટ હતા અને બધા જ જાગૃત અવસ્થામાં હતા એટલે દિવાસ્વપ્ન કે ભ્રાંતિ કહી શકાય એમ નહોતું એ પ્રાચીન નગર કયું છે જે તેમને દેખાઈ રહ્યું છે એની તેઓ અંદરોઅંદર ચર્ચા પણ કરવા લાગ્યા. મોટા ભાગના લોકોનું માનવું હતું કે તે પ્રાચીન અલાસ્કા શહેરની ઝલક જોઈ રહ્યા છે. તેઓ વધારે ચોક્કસપણે ખાતરી કરવા તેના તરફ આગળ વધ્યા એની નજીક પહોંચ્યા તે વખતે એકાએક એ અદ્રશ્ય થઈ ગયું.
અસ્તિત્વના અજ્ઞાાત આયામમાંથી આવિર્ભાવ પામેલું નગર વળી પાછું એ અયામમાં તિરોહિત થઈ ગયું ! સેન્ટ એલિયાસ પહેલાં પણ નિર્જન હતું અને અત્યારે પણ એવું જ નિર્જન અને વેરાન છે. આ જગ્યાએ થતું પ્રાચીન નગર દર્શન માત્ર એ સમુદાયને પહેલી અને છેલ્લીવાર જ થયું એવું નથી ! અનેક લોકોને તો તે ઘણી બધીવાર જોવા મળ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે ૨૧ જુનથી ૧૦ જુલાઈની વચ્ચેના સમયગાળામાં જ તેનો તે સ્થળો પર આવિર્ભાવ થાય છે અને તે દ્રશ્યમાન થાય છે. એનાથી એવું લાગે છે કે એ સ્થળે અને સમયે લોકો કાળના અવરોધને ઓળંગીને વર્તમાનમાંથી ભૂતકાળમાં જઈને અજ્ઞાાત આયામમાં રહેલા તિરોહિત રૂપોને નિહાળે છે.