શહેરીજનો પર વાનર સેનાનું આક્રમણ
હોટલાઈન - ભાલચંદ્ર જાની
મુંબઈ, અમદાવાદ, દિલ્હી જેવા ભારતના અનેક શહેરોમાં વાંદરાઓના વાનરવેડા વધી ગયા છે, જેનો કોઈઉપાય પ્રાણીપ્રેમીઓ પાસે કે જંગલ અધિકારીઓ પાસે નથી
છેલ્લા કેટલાક સમયથી મોટા શહેરોમાં વાંદરાના ખેલ દેખાડતા મદારીઓ જોવા મળતા નથી. એની બદલે વાનર ખુદ ઘેર-ઘેર, સોસાયટીઓમાં, સ્કુલ-કોલેજો કે સરકારી કાર્યાલયોમાં સ્વંયભુ દર્શન દે છે! જોકે દુર્લભ લાગતું આ વાનર દર્શન હવે લોકોને ભારે પડી રહ્યું છે. વાનરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે શહેરીજનો ત્રાહિમામ પોકારી જાય.
હમણાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પધાર્યા ત્યારે એક કાર્યક્રમ દરમિયાન વાંદરો સ્થળ પર આંટાફેરા મારતો હતો. છેવટે કાર્યક્રમમાં ખલેલ ન પડે તે રીતે તેને હાંકી કઢાયો.
આજ રીતે અમદાવાદમાં પ્રમુખ ટ્રમ્પનું સ્પેશિયલ પ્લેન 'એરફોર્સ વન' લેન્ડ થાય તેના થોડાં દિવસ પહેલા અહીંના વિમાનમથકે હોહા મચી ગઈ હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વારંવાર ઘુસી આવતા વાંદરાઓને ભગાડવા માટે એરપોર્ટના સ્ટાફને 'રિંછ'નો ડ્રેસ પહેરાવવાનું નાટક' પાંચ દિવસ કરવું પડયું. અમદાવાદ એરપોર્ટ ખાતે ચારેક ડઝનથી વધુ વાંદરાઓનું ટોળું ઘુસી આવતા બે ફ્લાઇટ અને એક હેલિકોપ્ટરને ૨૦ મિનિટ સુધી રન-વે પર જ રોકી રાખવી પડયા હતા. બન્યુ એવું કે વાનરોનું એક ટોળું બરાબર રન-વેની વચ્ચોવચ બેઠું હતું. જેને કારણે ઉડાણ ભરી રહેલી એક ફલાઈટને રનવે પર રોકી રાખવી પડી. છેવટે એરપોર્ટ સત્તાવાળાએ એક જીપને દોડાવી ત્યારે વાંદરા ઊભી પૂંછડીએ નાસી ગયા હતા! ગયા વર્ષે પણ પંદરેક વાંદરા એરપોર્ટના રનવે પર ઘૂમતા હતા ત્યારે તાકીદની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભૂતકાળમાં એકવાર તો વાંદરા ડિપાર્ચર હોલમાં ઘૂસી ગયા હતા જેને કારણે પેસેન્જરો ગભરાઈ ગયા હતા.
એમ કહેવાય છે કે અમદાવાદ એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ કૂદીને વાંદરા વારંવાર રન-વે પર ઘુસી જતા હોય છે. આ વાંદરાઓને રન-વે પર ઘુસતા અટકાવવા માટે અમદાવાદ એરપોર્ટેના કેટલાક કર્મચારીઓે 'રીંછ'નો કોસ્ચ્યુમ પહેરી વાનરોને ભગાડે છે. વાંદરા રીંછથી ગભરાતા હોવાને કારણે આ પ્રયોગ શરૂ કરાયા હતા. જોકે એરપોર્ટ સત્તાવાળા દ્વારા વિમાન મુસાફરોને એ વાતથી માહિતગાર કહી દેવાય છે કે વિમાન મથકના પરિસરમાં કોઈ રીંછ આમથી તેમ દોડતું જોવા મળે તો આશ્ચર્ય નહીં પામતા. હકીકતમાં વાંદરા ભગાડવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા હાથ ઘરાયેલું નવતર અભિયાન છે.
રન-વે પર વાંદરા ઘુસી આવવાની ફરિયાદનો દેશના મુંબઇ સહિત અનેક ટોચના એરપોર્ટનો સામનો કરવો પડે છે. ટોચના ગણાતા આ એરપોર્ટના કમ્પાઉન્ડ વોલની ફેન્સિંગની ઊંચાઇ વધારવાનો તેમજ ફેન્સિંગમાં હળવો કરંટ રાખવાની અદ્યતન-તાકક વ્યવસ્થા હોય છે.
એકલા અમદાવાદમાં જ નહીં, કાશ્મીરથી કન્યાકુમારી અને અમદાવાદથી આસામ સુધી સર્વત્ર વાંદરાઓના વાનરવેડા વધી ગયા છે. મુંબઈ જેવું મહાનગર પણ કપિસેનાના હુમલાથી અલિપ્ત રહી શક્યું નથી.
દોઢેક વર્ષ પૂર્વે મુંબઈના વિવિધ ઉપનગરોની સોસાયટીમાં વારંવાર ભોજનની શોધમાં વાંદરાઓ ઘૂસી જતાં હોવાની ફરિયાદ બાદ વનવિભાગના અધિકારીઓએ ફેબુ્રઆરી મહિનાના ૨૫ દિવસમાં ૩૬ વાંદરાઓને આવી સોસાયટીઓમાંથી પકડયા હોવાની માહિતી મળે છે. જોકે ખાસ કરીને આવી ઘટનાઓ બોરીવલી, પવઈ, કાંદિવલી, આરે કોલોની, લોખંડવાલા, ઓશિવરા, દહિંસર, ચેમ્બૂર, વિક્રોલી, નાહૂર, થાણે અને ભાયંદર ખાતે વધુ નોંધાઈ છે.
અમુક સોસાયટીઓમાં તો વનવિભાગના અધિકારીઓએ ૧૨ કલાકની અંદર ત્રણ-ત્રણ વાનરોને પકડયાં હોવાનું જણાયું છે. આ કપિ સમુહ વિવિધ સોસાયટી કે ઝૂંપડપટ્ટીના ઘરોમાં ઘૂસી જઈ તેમની અનેક વસ્તુઓની પણ તોડફોડ કરતાં હતા. સદ્ભાગ્યે વાનરોએ ક્યારેય કોઈ માનવી પર હૂમલો કર્યો નહોતો.
વન અધિકારીઓએ એવો સુઝાવ પણ આપ્યો હતો કે વાનરોને દૂર રાખવા કે ભગાડવાં ફટાકડાંનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેનાથી કોઈ પ્રાણીને નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે પરેલના એક રહેવાસીએ જણાવ્યું હતું કે અમે અમારી સોસાયટીમાં ફટાકડાનો ઉપાય પણ અજમાવી જોયો પરંતુ એ ઉપાય નિષ્ફળ નિવડયો હતો. ઉપરાંત અમુક લોકોને વાંદરાઓને ખવડાવવાની મજા આવતી હોઈ તેઓ તેમને જમાડતાં હોવાને કારણે તેમની સોસાયટીમાં વાનરો આવવાની ઘટનામાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે વાનરોને ખૂબ ભૂખ હોય અને તેમને વધુ ખોરાક ન મળે તો તેઓ હુમલાખોર બની જતાં હોવાનું કહેવાય છે.
જોકે વાનરોના આ ત્રાસમાંથી લોકોને બચાવવા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) અને થાણે મહાનગરપાલિકા (ટીએમસી) બંને સાથે મળી કાર્યરત છે. પકડાયેલા વાનરોને થાણેના આદિવાસી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી રહ્યા છે. જોકે બીજા ઉપાય રૂપે એનિમલ બર્થ કંટ્રોલ (એબીસી) જેવી સ્કિમ શરુ કરવામાં આવે તો કદાચ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે. જોકે તે માટે બીએમસી અને ટીએમસી ઉપરાંત અન્ય એક જુદો વિભાગ શરુ થાય તો સરળતા રહેશે તેવું પ્રાણીપ્રેમીઓનું કહેવું છે.
બીજી તરફ બોરીવલી- પૂર્વમાં આવેલા નેશનલ પાર્ક નજીક રહેતાં લોકોને તો અત્યાર સુધી ઝૂંડમાં આવતા વાંદરાનો ઉપદ્રવ સતાવતો હતો જ, પણ હવે તો આ ઉપદ્રવ નેશનલ પાર્કથી પાંચેક કિ.મી. દૂર આવેલા રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. જેમ કે રાજેન્દ્રનગર વિસ્તારના વાંદરા તેના નાના બચ્ચાના ટોળા સાથે અવારનવાર ઉધામા મચાવે છે.
બોરીવલીના રાજેન્દ્રનગરને અડીને જ ફૂડ કોર્પોરેશન નિગમના અનાજ ગોદામો આવેલા છે જ્યાં છેલ્લા થોડા વખતમાં ઘણા વૃક્ષો કાપી નંખાયા છે. નેશનલ પાર્કમાં પણ વૃક્ષોની પૂરતી સલામતી નથી. વાંદરા અને અન્ય પ્રાણીઓને ખાવા માટે પૂરતી સામગ્રી નહીં મળતી હોય તો તે અન્યત્ર જવા પ્રેરાય એ સાવ નૈસર્ગિક બાબત છે. થોડાં સમય પહેલાં રાજેન્દ્રનગરના પત્રકાર સદનમાં વાંદરાનું બચ્ચુ બીજા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાં ગ્રીલ લાગેલી હોવા છતાં તેને પાર કરીને બારી પાસે આવ્યું હતું, પણ બારીને કાચ હોવાથી તે અંદર નહોતું આવી શક્યું અને રસોડાની ચીજવસ્તુઓ બચી ગઇ હતી. જો કે ઘરની મહિલા અણધાર્યો વાંદરો જોતા ડરી ગઇ હતી. આ પહેલા બોરીવલીના કાર્ટર રોડ નં.૫ અને નં.૪માં વાંદરા ટોળામાં આવતા જે આજે પણ ક્યારેક દેખા દે છે. વાંદરાના આ ટોળા ઘરમાં ઘૂસી કોઇકને કોઇ ચીજવસ્તુ ઉપાડી જાય છે આમ ધીરે ધીરે વાંદરાનો ઉપદ્રવ વધી રહ્યા છે, જે અંગે નેશનલ પાર્કના સત્તાવાળાઓએ પર્યાપ્ત પગલાં લેવા જરૂરી છે.
થોડાં દિવસ પૂર્વે બોરીવલીની કોર્ટમાં વાંદરો ઘૂસી ગયો ત્યારે એ ઘટના મોટાભાગના અખબારોમાં સમાચાર રૂપે પ્રગટ થઈ હતી. પરંતુ વાંદરાનો ત્રાસ એકલા મહાનગર મુંબઈને જ નથી. અમદાવાદ અને પાટનગર દિલ્હી તો દાયકાથી વાનરભાઈના પરાક્રમોને કારણે હેરાન-પરેશાન છે.
પાટનગર દિલ્હીમાં વાંદરાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો દિવસે પણ ઘરના બારી-બારણાં બંધ રાખવા મજબૂર બન્યા છે. ભૂલેચૂકેય બારી ખુલ્લી રહી ગઈ તો વાનર સળિયા વચ્ચેથી અંદર ધસી આવે છે અને જે વસ્તુ હાથમાં આવે તે ઉપાડીને લઈ જાય છે. જો તમે વાનરને ભગાડવાનો પ્રયાસ કરો અને એ તોફાને ચડે તો લાઈટ-પંખા, ફર્નિચર, કાચના વાસણોનો ખુડદો બોલાવી દે.
રાત દિવસ રાજકીય કાવાદાવા રમતા અને મોટા મોટા ભાષણ કરતા રાજકીય નેતાઓ ઉંદર, બિલાડી અને વાંદરાથી ડરે ત્યારે સામાન્ય જનતાને નવાઈ પણ લાગે અને ગમ્મત પણ થાય. દિલ્હીના વિદેશી બાબતોના ખાતાના અધિકારીઓને છેલ્લા ઘણાં દિવસોથી વાંદરાના જૂથે ખૂબ પરેશાન કરી મૂક્યા છે. છેવટે આ સરકારી અધિકારીઓએ વાંદરાની ટોળકીને ભગાવવા માટે તેમની જ જાતના લંગુરનો ઉપયોગ કર્યો. વાંદરાની જુદી જુદી પ્રજાતિ હોય. લાલ મોઢાવાળા બબુન, ચિમ્પાઝી, ગોરીલા અને લંગુર વગેરે. લંગુર અન્ય પ્રકારના વાંદરા કરતાં વિશિષ્ટ અને જુદા હોય. લંગુરને આખા શરીરે વાળના ઝૂમખાં હોય અને તેના ચહેરા ફરતે પણ વાળનું ગોળ ફરતું ઝૂમખું હોય. આ લંગુરને જોઈને બીજા તોફાની વાંદરા ભાગી જાય તે વાત અહીં વધુ મહત્ત્વની અને આશ્ચર્યજનક છે.
મૂળ વાત જાણે એમ છે કે વિદેશ ખાતાની ઓફિસ ફરતે દરરોજ વાંદરાની ટોળકીઓ હૂકાહૂક કરતી રહે છે. વાંદરા ઓફિસરોની બેગ, ભોજનનું ટિફિન, અને અન્ય ચીજવસ્તુઓ આંચકી લે. કોઈ વખત અચાનક ત્રાટકીને હુમલા કરે તો ઘણી વખત બારીમાંથી અંદર ઘૂસી જઈને આખી ઓફિસને વેરણછેરણ કરી નાખે. મહિલા કર્મચારીઓ ગભરાઈને દોેડાદોડી કરી મૂકે. ઉપરાંત મંત્રાલયમાં રોજેરોજ આવતા વિદેશી પ્રતિનિધિમંડળોના સભ્યો પણ ભારતીય વાંદરાના ત્રાસમાંથી બાકાત નથી રહ્યા.
છેવટના ઉપાયરૂપે વિદેશ ખાતાના મંત્રાલયના અધિકારીઓએ અમુક ખાસ વ્યક્તિઓની સલાહ મુજબ લંગુરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. લંગુરને જોઈને વિદેશ ખાતાની કચેરીની આજુબાજુ કૂદાકૂદી કરતા વાંદરા ચારે તરફ નાસભાગ કરવા લાગ્યા. પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ભાગદોડ કરતા નેતાઓની જેમ વાંદરાઓ વિદેશ ખાતાની કચેરીને પડતી મૂકીને સંરક્ષણ ખાતાની કચેરી તરફ ભાગી ગયા. આમ વિદેશ ખાતાની બંદરિયા ટોળકી નાસીને સંરક્ષણ ખાતામાં ભરાઈ ગઈ. માનવીના પૂર્વજો ગણાતી વાનર જાતિ જબરી ચાલાક નીકળી.
હવે સરકારી અમલદારો પરદેશી મહાનુભાવોને ભારતના મારુતિ નંદનોથી કઈ રીતે બચાવવા તેની મુંઝવણમાં પડી ગયા છે.
ડિફેન્સ ખાતાના સ્ટાફના બ્રિગેડીયરો કે સચિવો ટેલીફોનમાં વાત કરતા હોય ત્યા ં જ અરધેથી વાત કપાઈ જાય છે. પછી ખબર પડે છે કે વાંદરાઓએ ટેલિફોેનનાં વાયર કાપી નાંખ્યા છે. કમ્પ્યુટરનાં કેબલ દ્વારા જે સગવડ મળતી હતી તે વાયર પણ વાંદરાઓએ કાપી નાંખ્યા છે. એક મેજર સાહેબ તેની કેબિનમાં આવીને કમ્પ્યુટર ખોલે છે ત્યારે કમ્પ્યુટરમાંથી આખી ડેટા ગાયબ થઈ જાય છે. ડિફેન્સ ખાતાના ચીફને શંકા પડે છે કે કદાચ આમાં 'વિદેશી હાથ' (પાકિસ્તાન) હોય.
દિલ્હીની સચિવાલય આજુબાજુની કેટલીક વાંદરીઓ ખૂબ જ હિંસક છે. ડિફેન્સ ખાતાના એક સ્ટાફને વાંદરી એટલી જોરથી કરડી ગઈ કે તેણે ઈંજેક્શન લેવા હોસ્પિટલમાં દોડવું પડેલું. એક વખત વિદેશ ખાતાને પાણી પૂરું પાડતી ટેંકમાંથી વાંદરાનું મડદું મળેલું. તેને કારણે જુનિયર સેક્રેટરીની આખી પલટણને કમળો થયો હતો. દિલ્હીની સુધરાઈ હવે વાંદરાના આ આક્રમણને ટાળવા ઉપાયો કરે છે. વાંદરાને પકડવાનો રસ્તો એક મદારીએ બતાવ્યો છે. સાંકડા મોંવાળી કાચની બરણીમાં એપલ (સફરજન) રખાય છે. વાંદરો એ લેવા માટે બરણીમાં હાથ ઘાલે છે પછી હાથ સપડાઈ જાય છે.
દિલ્હીનાં વાંદરા રિહસસ જાતનાં વાંદરા છે તેના નિષ્ણાત પ્રોફેસરની મદદ સરકારે લીધી છે. આ પ્રોેફેસરે વાંદરાના ઉપદ્રવને કેમ ટાળવો તેનો એક લાંબો અહેવાલ અને પુસ્તક લખેલ છે. દિલ્હીના ઘણા ફ્લેટોમાં પણ વાંદરા ઘુસી જાય છે. ઘરમાં આવીને વાંદરા ફ્રીજ ખોલીને વણનોતર્યા મહેમાન બનીને ફળ ખાઈ જાય છે. દિલ્હીના એક વિસ્તારમાં તગડા બનેલા વાંદરાએ એક ઝાડમાંથી ફળ ખેરવવા એટલા જોરથી વૃક્ષ હલાવ્યું કે આખા વિસ્તારની વીજળી ડૂલ થઈ જાય તે રીતે વીજળીના વાયરો તોડી નાંખ્યા હતા. એક બીજી ઘટનામાં વાંદરાની આખી પલટને બસનો કબજો લઈને ઉતારુને બસમાં પેસવા જ દીધા નહોતા.
ઉત્તરાખંડમાં દહેરાદૂન આસપાસના વિસ્તારના લોકો વાનરોના ત્રાસથી પરેશાન છે. તેથી ત્યાંના વનવિભાગે વાનરોનો જન્મ દર ઘટાડવા માટે ગર્ભનિરોધક ગોળીઓ તૈયાર કરી છે. આ ગોળીઓ માદા વાનરને ખોરાક સાથે ખવડાવવામાં આવે છે. દિલ્હીમાં લાલ મોઢાવાળા (રિહસસ) વાનરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. આશરે ૩૦,૦૦૦ વાનરો પાટનગર દિલ્હીને ધમરોળે છે. એવું કહેવાય છે કે લાલ મોઢાંવાળા વાંદરા એકમાત્ર લંગૂરથી ડરે છે. ગુજરાતમાં વાનરની આ પ્રજાતિ મોટા પાયે જોવા મળે છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાંદરા (લંગૂર) પાળીને મોટી સોસાયટીઓ અને સરકારી કાર્યાલયોની બહાર બેસાડી રાખવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે!
દિલ્હીમાં તો છેલ્લા દસ વર્ષથી વાનરનો ત્રાસ છે. પરંતુ હમણાં થોડા મહિનાથી મુંબઈમાં પણ વાંદરાનો ત્રાસ વધી ગયો છે. છેલ્લા બે મહિનાથી મેમણવાડા, ડોંગરી, કામ્બેકર સ્ટ્રીટ, ઈબ્રાહિમ મોહમ્મદ મર્ચન્ટ રોડના રહેવાસીઓને પાંચ વાનરની ટોળી રંજાડી રહી છે. રોજ ચિચિયારી પાડી ધસી આવતી આ વાનરટોળી બે-ત્રણ કલાક સુધી મહિલા રહેવાસીઓેને પરેશાન કરી મૂકે છે.
રોજ આ વાનરો દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની સંખ્યા વધતી જાય છે. આ પાંચ તોફાની વાનરો મોબાઈલ ફોેન, કાંડા ઘડિયાળ, ભરેલા પાકીટ તફડાવવામાં માહેર છે અને પ્રસંગોપાત ફળ-શાકભાજી સફાચટ કરી જાય છે અને ફર્નિચરનો પણ ખુરદો બોલાવી દે છે. આ વાનરો ખાસ કરીને બી વોર્ડના ગીચ વિસ્તારોમાં જ ત્રાટકે છે.
આ વાનરટોળીનાં કરતૂતોેનો ભોગ બની ચૂકેલા રહેવાસીઓની લાગણીનો પડઘો પાડતાં ભૂતપૂર્વ નગરસેવકે જણાવ્યું હતું કે આ વાનર તાલીમ પામેલા છે. તેમના હલનચલન અને તેમની ચોરીની ચીજવસ્તુઓની પસંદગી જોતાં આ બાબતે કોઈ શંકા રહેતી નથી. ગીચ વિસ્તાર અને જાતજાતનાં કેબલના જાળાં મારફત આ વાનરટોળી પસંદગીના ફ્લેટમાં ધૂસી જઈ પોતાનો કમાલ બતાવે છે.
કાંબેકર સ્ટ્રીટમાં ભોેંયતળિયે રહેતી કુલસુમ નામની ગૃહિણીનો દિવસ સવારે છ વાગ્યે વાનરોની ચિચિયારી સાથે શરૂ થાય છે. આ વાનરો બંધ બારીની જાળી પર સતત હાથ પછાડે છે અને પાઈપલાઈન્સ પર કૂદ્યા કરે છે. કુલસુમે જણાવ્યું હતું કે એક દિવસ હું બારી બંધ કરવાનું ભૂલી ગઈ અને બાજુના ફ્લેટમાં કપડાં ધોતી હતી ત્યારે જાતજાતનાં અવાજો સાંભળી વાનરટોળીને ભગાવવા દોડી ત્યારે ફ્લેટમાં જઈને જોયું તો શાકભાજી રસોડામાં વેરવિખેર પડી હતી. જોકે તેણેે ઉમેર્યું હતું કે છ મહિના પૂર્વે આ વાનરો પહેલી વાર દેખાયા ત્યારે મુસીબત નહોતા. એ સમયે કેનેડાથી પાછા ફરેલાં કુલસુમના ભાઈ અને તેમના કુટુંબ માટે જીવતાજાગતા વાનરો જોવાનો આનંદ અનેરો હતો, કેમ કે આ કુટુંબે માત્ર ટીવીમાં જ વાનર જોયા હતા. હવે તો વાનરટોળીનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે બાળકોને એકલા રહેવા દેવાનું શક્ય જ રહ્યું નથી.
વાનરટોળીના પરાક્રમોને કારણે ઘણાના છતનાં નળિયા તૂટી જવાથી ઘરમાં સતત કચરો પડે છે. બીજી બાજુ હવે ખાવાપીવાની ચીજો પણ સંતાડીને રાખવી પડે છે.
આ વાનરટોળીએ વર્તાવેલા ત્રાસ સામાજિક મેળાવડાઓમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે રાજ્યના વન વિભાગના અધિકારીઓએ આ દૂષણને ગંભીરતાથી લીધું નથી. થોડાં સમય પૂર્વે મ્યુનિસિપલ કમિશનરે મુખ્ય વનસંરક્ષકે આ વાનર પકડવા તેમના કર્મચારીઓને તાલીમ આપવા અથવા વિશેષ સેલ રચવાની વિનંતી કરતો પત્ર લખ્યો હતો. સુધરાઈએ પ્રાણીઓના દૂષણ તેમની જવાબદારી ન હોવાનું જણાવી ઉમેર્યું હતું કે વિશેષ સેલ રચવા માટે ભંડોેળ જોઈએ અને અમે ખોટમાં કારોબાર ચલાવીએ છીએ.
વાંદરાઓ દ્વારા કરાતા હુમલાઓની સમજૂતી આપતા સંજય ગાંધી નેશનલપાર્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેના માટે ત્રણ વાતો કારણભૂત છે.
એક તો એ કે ઘણીવાર કેટલાક મદારીઓ વાંદરાઓને ખેલ કરતા શીખવે છે. પછી જો પૂરતી કમાણી ન થાય તો તેઓ પોતાના વાંદરાને છોેડી મૂકે છે. આવા વાંદરાઓ પછી પોતાના જાતભાઈઓ સાથે હળીમળી શકતા નથી. એટલે તેઓ ખોરાક મેળવવા માટે છેવટે દુકાનો પર અને ઘર પર ધાડ પાડે છે.
વાંદરાઓના હુમલા માટે બીજું કારણ તેની કરાતી પજવણી છે. બાળકો અને બીજા બધા જ્યારે વાંદરાને પજવે છે ત્યારે પેલો બિચારો ડરનો માર્યો હુમલો કરી બેસે છે.
ત્રીજું કારણ છે હાઈડ્રોફોબિયા (પાણીથી ડર લાગવો) અમુક વાંદરાઓ હાઈડ્રોફોબિયાથી પીડાતા હોય છે. કોઈ વાંદરો પાણી સામે લાંબો સમય પોતાના પ્રતિબિંબને તાકી રહ્યા બાદ છળી ઉઠીને લોકો પર હુમલો કરી બેસે છે.
પેલા અફસરે જણાવ્યું હતું કે આ સમસ્યાના ઈલાજ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે મદારીઓને વાંદરા પાળતા અટકાવવા જોઈએ.