Magazines

પ્રીતિ અને રેશમા .

By GS TEAM
6 Jun 20264 mins read
પ્રીતિ અને રેશમા                                    .

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- 'લેસ્બિયન' શબ્દ આવ્યો ક્યાંથી? ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ગ્રીસના લેસ્બોસ ટાપુ પર મહાન કવયિત્રી સાફો વસતી હતી, જેને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ હતું. તેના પરથી સજાતીય આકર્ષણ ધરાવનાર સ્ત્રીઓ 'લેસ્બિયન' કહેવાઈ.

આ૫ણા જેવા મોટા ભાગના ગુજરાતીઓની જીવનશૈલી પરંપરાગત હોય છે; કેટલાંક તેને રોટલી-દાળ-ભાત-શાક જીવનશૈલી કહે છે. 'નવપરિણીત' ('ધ ન્યૂલી વેડ્સ') અંગ્રેજી પુસ્તકમાં માનસી ચોક્સીએ ત્રણ એવાં યુગલોની વાત કરી છે, જેમણે સામાજિક રૂઢિઓને સ્વીકારી નથી. એમાંથી એક યુગલની વાત સાંભળીએ. આ નવલકથા નહિ પરંતુ સત્યકથા છે.

૧૯૮૯માં મુંબઈના મુલુંડમાં રેશમાનો જન્મ થયો ત્યારે તેની મા છાતી કૂટીને બેહોશ થઈ ગઈ. સૌને દીકરો જોઈતો હતો. કિશોરવયે રેશમા શામળી, ભરાવદાર, અને જિદ્દી હતી. તેનો બાપ ટોક્યા કરતો, 'આમ છાતી કાઢીને ન ચાલ. તું છોકરી છે, છોકરો નહિ.' સત્તરમી વર્ષગાંઠે દસ હજારનું દહેજ દઈ તેને પરણાવી દેવાઈ. લગ્નની રાતે તેણે પતિને પરખાવી દીધું, 'ખબરદાર અડયો છે તો! તારો હાથ તોડીને કૂતરાઓને ખવડાવી દઈશ!' પણ પતિના જોશ સામે તેનું કશું ચાલ્યું નહિ. લગ્નના ૬ વર્ષ પછી તેણે ત્રાસીને જંતુનાશક દવા પી લીધી. જીવનથી છુટકારો તો ન થયો પણ પતિથી છુટકારો થયો. તે પિયર ચાલી આવી. ચારેક વર્ષ પછી કોઈ સામાજિક પ્રસંગે દૂર દૂરના સગાં તેમને ઘરે આવ્યાં. તેમાં એક હતી પ્રીતિ, તેલંગાણાથી આવેલી દૂરની સગી, વય અઢાર. નાના ઘરમાં સૌ જોડાજોડ સૂતાં હતાં. તક મળતાં રેશમાએ પ્રીતિને પૂછી લીધું, 'તારા શરીરમાં પણ આગ લાગી? મારી જેમ?' કપ-રકાબી ધોતા પ્રીતિના હાથ થંભી ગયા. 'હા, લાગી.' બે અઠવાડિયાના રોકાણ દરમિયાન તે બન્ને દૂર સુધી ચાલતાં જતાં, રેશમા પ્રીતિનો ચોટલો ગૂંથતી, તેઓ ગીતો ગાતાં. પ્રીતિ પોતાના મા-બાપ સાથે તેલંગાણા જવા નીકળી ત્યારે રેશમાએ જાણી લીધું કે પ્રીતિની માને સાંધાનો દુખાવો રહે છે. થોડા દિવસો પછી ભાતભાતનાં આયુર્વેદિક ઓસડિયાં લઈને રેશમા પાંચસો માઈલનો પ્રવાસ કરીને તેલંગાણા પહોંચી ગઈ. હવે બેયને અડખેપડખે રહેવાની તક મળતી થઈ. તહેવારને દિવસે બેય ગામની સીમે આવેલા મંદિરમાં ગયાં. રેશમાએ પોતાનું સોનાનું લોકેટ પ્રીતિને કંઠે પહેરાવ્યું, 'શ્રીમતી પ્રીતિ રેશમા મોકેનવાર, મારી જીવનસંગિની!' મહિનાઓ વીતતા ગયા. પ્રીતિના મા-બાપને શંકા પડી-- શું રંધાઈ રહ્યું છે? તેમણે રેશમાને બેગ-બિસ્તરા સાથે હાંકી કાઢી.

બન્ને પ્રેમીઓએ નક્કી કર્યું કે ભાગી નીકળવું. તેઓ આદિલાબાદ સ્ટેશને મળ્યાં. જે પહેલી મળી તે ટ્રેન પકડી. મનમાડ સ્ટેશને યાદ આવ્યું કે અહીંથી તો શિરડી જવાય. ઊતરી પડયાં. શિરડીની ધરમશાળામાં બે રાત રોકાવાના બસો ચૂકવ્યા પછી માત્ર પચાસ બચ્યા હતા. સોનાનું લોકેટ દસ હજારમાં વેચ્યું. મંદિર પાસે ઓરડી ભાડે રાખી. પ્રીતિને અપરાધભાવ સતાવતો હતો. તેણે મોબાઈલથી બાપુને ફોન જોડયો. કશું બોલી ન શકી. ડૂસકું નીકળી ગયું. થોડા દિવસો પછી બે પડછંદ માણસોએ દરવાજો ખટખટાવ્યો, 'અમને ઓળખ્યા?' પ્રીતિના બાપે પુલીસ ફરિયાદ નોંધાવી હતી. મોબાઇલ નંબર પરથી તેમનું સરનામું પકડાઈ ગયું. ફરી રેશમા મુંબઈ- પ્રીતિ તેલંગાણા. ઓગણીસમે દિવસે મુંબઈના અંગ્રેજી ટેબ્લોઇડમાં તે બેની તસવીર છપાઈ. 'સત્યાવીસ વર્ષની ભાંડુપનિવાસી રેશમાને પુલીસે બળજબરીથી પોતાની સ્ત્રી-મિત્રથી અલગ કરી છે.' બીજી સવારે પ્રીતિ પર ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સિસમાંથી પ્રોફેસર કેતકી રાનડેનો ફોન આવ્યો. તેમણે વચન આપ્યું કે જો બન્ને સ્ત્રીઓની ઇચ્છા હશે, તો તેમની સંસ્થા તેમને એકઠાં કરવામાં મદદ કરશે. ત્યારે રેશમાએ પહેલી વાર 'લેસ્બિયન' શબ્દ સાંભળ્યો. પ્રોફેસરની મદદથી તેઓ નિરાશ્રિત સ્ત્રીઓના ગૃહમાં સાથે રહેતાં થયાં. બીજી બાજુ વરિષ્ઠ અદાલતમાં ઇંડિયન પીનલ કોડના ધારા ૩૭૭ ને પડકારતી અરજીની સુનાવણી ચાલતી હતી. ૧૮૬૦માં બ્રિટિશરોએ ઘડેલા આ કાયદા હેઠળ સજાતીય સંબંધ ધરાવનારને ૧૦ વર્ષની કેદ થઈ શકે. તે અગાઉ કેનેડાની સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે 'સજાતીય સંબંધ રાખવા એક વ્યક્તિગત લક્ષણ છે જે બદલી ન શકાય, અથવા બદલવા જતાં મોટું વ્યક્તિગત નુકસાન ખમવું પડે.' ચર્ચાઓ ચાલતી હતી- બહુમતિને રાજી રાખવા માટે વ્યક્તિસ્વાતંત્ર્યનો ભોગ આપવાનો? ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં ભારતની વરિષ્ઠ અદાલતે ચુકાદો આપ્યો કે સજાતીય સંબંધ રાખવો એ અપરાધ નથી. અદાલતે જર્મન ફિલસૂફ ગટેને ટાંક્યા, 'હું જેવો છું તેવો છું. મને જેવો ને તેવો સ્વીકારો.' ચુકાદો સાંભળીને બેંગલુરુની અદાલતના પ્રાંગણમાં લોકો નાચ્યાં, ચેન્નાઈમાં ટ્રાફિક સિગ્નલો પર ચોકલેટ વહેંચાઈ, મુંબઈમાં 'આઈ એમ ગે' ચીતરેલા ચહેરે લોકોએ સરઘસ કાઢયું અને ગુજરાતમાં એક 'ગે' રાજવીએ જાહેર કર્યું કે ભારતને સાચી આઝાદી આજે મળી!

રેશમા-પ્રીતિનું શું થયું? તેઓ ફરી શિરડી રહેવા ગયાં. હોટેલમાં નોકરીએ રહ્યાં. પણ પ્રીતિને ધીરે ધીરે પુરુષો પ્રત્યે આકર્ષણ ઉપજવા લાગ્યું. રેશમાની વિનંતીઓ અને ધમકીઓથી કંઈ ન વળ્યું. પ્રીતિએ તેલંગાણા જઈને એક યુવાન સાથે લગ્ન કરી લીધાં. સમાજના માનદંડો બદલાતા રહે છે. 'લેસ્બિયન' શબ્દ આવ્યો ક્યાંથી? ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ગ્રીસના લેસ્બોસ ટાપુ પર મહાન કવયિત્રી સાફો વસતી હતી, જેને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ હતું. તેના પરથી સજાતીય આકર્ષણ ધરાવનાર સ્ત્રીઓ 'લેસ્બિયન' કહેવાઈ. ગંમત એવી કે તે ટાપુનાં રહેવાસીઓએ ૨૦૦૮માં ખટલો માંડયો કે ખરા લેસ્બિયન તો અમે છીએ, અમારી બદનક્ષી થાય છે, હોમોસેક્સુઅલનો ઉલ્લેખ આ નામે ન થવો જોઈએ. કહેવાની જરૂર ખરી?' તેમનો ખટલો ડિસમિસ થઈ ગયો.