વાગ્બીજ : વાણી પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો મંત્ર

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'જા, પુત્ર! આજથી તું પ્રખર બુદ્ધિમાન મહાકવિ તરીકે પ્રચલિત થઈશ અને વિશ્વભરમાં તારી ખ્યાતિ થશે. વાગ્બીજ મંત્રના પ્રભાવથી સાક્ષાત્ વાગ્દેવી તારી જિહ્વા પર બિરાજમાન રહેશે.'
મ હાદેવીની પ્રમુખ તંત્રસાધના સંબંધિત જેટલા પણ મંત્રો છે, એમાંના મોટાભાગના મંત્રોમાં વાગ્બીજ અંતર્નિહિત છે. શું તમે આ વાત નોંધી છે? સર્વપ્રથમ તો એ જાણી લઈએ કે વાગ્બીજ એટલે શું? તંત્રની નવમી મહાવિદ્યા દેવી મા માતંગીનો મૂળ બીજમંત્ર 'ઐં' (છૈહ-ય) વાગ્બીજ તરીકે ઓળખાય છે. 'વાક્' અર્થાત્ વાણી પ્રભુત્વ સ્થાપિત કરવા માટેની કારણભૂત ઊર્જા એટલે વાગ્બીજ. વૈદિક વિષયવસ્તુ સાથે તેને સાંકળીએ તો, દેવી મા મહાસરસ્વતીના મૂળ બીજમંત્ર તરીકે વાગ્બીજ પ્રચલિત છે. આ ઉપરાંત, શ્રીવિદ્યા સાધના અર્થાત્ દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરી સાથે પણ વાગ્બીજ મંત્ર ગહન રીતે સંકળાયેલો છે.
શરૂઆત કરીએ, શ્રીદુર્ગાસપ્તશતીમાં આપવામાં આવેલાં પ્રચંડ શક્તિશાળી 'નવાર્ણ મંત્ર' સાથે!
ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે ।
નવ અક્ષરના આ મંત્રનો આરંભ જ વાગ્બીજ સાથે થાય છે. વાગ્બીજ એ વાસ્તવમાં માત્ર વાણી જ નહીં, પરંતુ સાથોસાથ બુદ્ધિક્ષમતાનું પણ દ્યોતક છે. મહાકવિ કાલીદાસની મૂળ કથા પણ આ વાતની સાબિતી આપવાનું કામ કરે છે. કહેવાય છે કે નવ જન્મો સુધી મા કાલીની અપાર ભક્તિ કર્યા પછી પણ તેમને જ્યારે મા કાલીનાં દર્શન ન થયા, ત્યારે દસમા જન્મમાં તેઓ કાલીદાસ તરીકે પૃથ્વી પર આવ્યા. આ જન્મમાં તેઓ અત્યંત મૂર્ખ હતા અને લોકો દ્વારા ભયંકર અપમાનનો સામનો કરવો પડયો. તેઓ જ્યાં રહેતાં હતાં, ત્યાંના રાજાએ પોતાની દીકરી માટે સ્વયંવરનું આયોજન કરાવ્યું. રાજકુમારીની શરત એ હતી કે તે એવા રાજકુમારને જ પરણશે, જે અત્યંત બુદ્ધિમાન હોય. દૂરદેશાવરથી અનેક રાજકુમારો આવ્યા, પરંતુ તેને એકપણ વ્યક્તિમાં એવી બુદ્ધિક્ષમતા ન જણાઈ, જે પ્રમાણેની તેની અપેક્ષા હતી. અંતે, રાજા કંટાળ્યા અને પોતાની દીકરીની આ વર્તણૂંકથી ક્રોધિત પણ થયા. એમણે પોતાના દૂતને આદેશ આપ્યો કે આખા રાજ્યમાં જે સૌથી વધારે મૂર્ખ હોય, એવી વ્યક્તિને દરબારમાં બોલાવવામાં આવે અને રાજકુમારીને પરણાવી દેવામાં આવે.
આખા રાજ્યમાં ભ્રમણ કર્યા બાદ રાજાના દૂત કમ મંત્રીને કાલીદાસથી વધારે મૂર્ખ વ્યક્તિ બીજી કોઈ ન જણાઈ. કાલીદાસને પકડીને રાજા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. રાજાએ બિલ્કુલ વિલંબ કર્યા વગર રાજકુમારીના લગ્ન કાલીદાસ સાથે કરાવી દીધા. લગ્નની રાતે રાજકુમારીને ખ્યાલ આવ્યો કે તેનો પતિ મહામૂર્ખ છે અને તેણે કાલીદાસનું ખૂબ અપમાન કર્યું.
દુ:ખી થઈને કાલીદાસ મા કાલીના મંદિરમાં આવી ગયા અને માથું પટકીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમના મનમાં હવે જીવવાની ઈચ્છા મરી પરવારી હતી. જ્યારે તેઓ મૃત્યુના દ્વાર પર ઊભા હતાં, ત્યારે મંદિરના દ્વાર પર કોઈકના ટકોરાં સંભળાયાં. કાલીદાસે મંદિરના કપાટ અંદરથી બંધ કરી રાખ્યા હોવાને લીધે બહાર ઊભેલી વ્યક્તિ દ્વાર ખોલીને અંદર આવી શકે એમ નહોતી. આથી, કાલીદાસ દ્વાર પાસે ગયા અને આગંતુકને પોતાની ઓળખાણ આપવા જણાવ્યું. જવાબમાં દ્વાર બહાર ઊભેલી એક સ્ત્રીનો મધુર સ્વર પડઘાયો, 'તું જેને પુકારી રહ્યો છો, એ હ=હું જ છું... હું તારી અધિષ્ઠાત્રી દેવી મહાકાલી છું.'
કાલીદાસ આ વાત માનવા તૈયાર નહોતા. એમણે દ્વાર ખોલવાની ના પાડી દીધી. મા કાલીએ મમતાભર્યા સ્વરે અનેક વિનવણીઓ કરી, પરંતુ કાલીદાસને હવે કાલી પર ભરોસો નહોતો. તેમના મનમાં હતું કે પાછલાં જન્મોની જેમ આ જન્મમાં પણ કાલી એમને દગો દેશે અને પ્રગટ નહીં થાય.
અંતે, મા કાલીએ કહ્યું કે, 'પુત્ર, તને મારા ઉપર વિશ્વાસ ન હોય, તો કશો વાંધો નહીં. તને ભરોસો અપાવવા માટે મારી પાસે એક રસ્તો છે. તું જે કહીશ એ કરવા માટે હું તૈયાર છું.'
કાલીદાસે કહ્યું, 'હું કપાટ તો નહીં ખોલું, પણ માત્ર તિરાડ જેટલાં દ્વાર ખોલીને એમાંથી મારી જિહ્વા બહાર કાઢીશ. જો તું ખરેખર મારી મા હોય, આદ્યશક્તિ હોય, તો પરચો બતાવ. મારી બુદ્ધિમાં તું નિવાસ કર, હે જગતજનની! મને એક મહામૂર્ખમાંથી પ્રબુદ્ધ માનવ બનાવ.'
જેવી એમણે પોતાની જિહ્વા બહાર કાઢી કે તરત મા કાલીએ તેનો સ્પર્શ કર્યો, 'જા, પુત્ર! આજથી તું પ્રખર બુદ્ધિમાન મહાકવિ તરીકે પ્રચલિત થઈશ અને વિશ્વભરમાં તારી ખ્યાતિ થશે. વાગ્બીજ મંત્રના પ્રભાવથી સાક્ષાત્ વાગ્દેવી તારી જિહ્વા પર બિરાજમાન રહેશે.'
આ રીતે મૂર્ખ કાલીદાસ અંતે વાગ્દેવીની કૃપાથી મહાકવિ કાલીદાસ બન્યા અને અનેક મહાકાવ્યોની રચના કરી. વાગ્બીજ વિશે વધુ ઊંડાણપૂર્વકની રહસ્યમય ચર્ચા કરીશું આવતાં અઠવાડિયે.








