તારા બધા તોહમત મને મંજૂર છે... .

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'કાવેરીના ગયા મહિને જ લગ્ન થઈ ગયા હતા. તે સાસરે હતી. સારું ચાલ હું જાઉં છું. જિંદગી બીજો અવસર આપે તો ફરી મળીશું.'
અ મદાવાદની જાણીતી એલ ડી આર્ટ્સ કોલેજમાં નવું સત્ર શરૂ થઈ ગયું હતું. એક તરફ નવા સવા કોલેજ આવેલા ઉત્સાહિત યુવાનોનું ઝુંડ કેમ્પસમાં મધમાખીઓની જેમ ફરતું હતું તેમ જૂના ભમરાઓ પણ આમતેમ આંટા મારતા હતા. હજી ચોમાસાની શરૂઆત થઈ નહોતી પણ યુવાવસ્થાની માદકતા કેમ્પસમાં ફેલાયેલી દેખાતી હતી. તડકાની વચ્ચે પણ સ્નેહ અને વાસનાના ત્રાજવે તોળાતો પ્રેમ ચારેકોર ફરી રહ્યો હતો.
લગભગ અગિયાર વાગ્યા અને બેલ વાગ્યો. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં જતા રહ્યા અને થોડાઘણા કેન્ટિન તરફ તો કેટલાક લાઈબ્રેેરી તરફ ચાલવા લાગ્યા. કેમ્પસ લગભગ ખાલી થઈ ગયું હતું. કેટલાક સિનિયરો તેમના બેરોજગાર સુપરસિનિયરો અને કહેવાતા વિદ્યાર્થી નેતાઓ સાથે કેન્ટિનના બાંકડા ઉપર ક્રાંતિ કરી રહ્યા હતા. ઘરમાં પડદા બદલાતા નહોતા, ચાદર બદલાતી નહોતી પણ અહીંયા બેસીને તેઓ દેશ બદલવાની ક્રાંતિ કરતા હતા.
આવી જ ક્રાંતિની વાતો વચ્ચે એક કાળા રંગની ચકચકાટ રેન્જરોવર કાર આવીને ઊભી રહી. બધું ધ્યાન તે ગાડી તરફ ગયું. ગાડીમાંથી એક સુંદર યુવતી નીચે ઉતરી. તેણે આમતેમ જોયું અને કેન્ટિન પાસે બેઠેલી કેટલીક યુવતીઓને હાથ કર્યો અને તેમના તરફ ચાલવા લાગી. આ યુવતીઓ કેન્ટીનની બહાર અને પાર્કિંગની પાસે બનાવેલી પાળી ઉપર બેઠી હતી.
'અરે, વિભા પટેલ પંડયા પોતે? આજે દિવસ કઈ બાજુથી ઉગ્યો કે તેમણે આ ગરીબ ખાનામાં પાછું ફરવું પડયું?' - કેન્ટિનમાં બાંકડે બેઠેલા એક સિનિયર છોકરાએ કોમેન્ટ કરી અને બધા હસી પડયા.
'લાઈબ્રેરી જોવા આવ્યા હશે? જૂના પ્રસંગો, જૂની લાગણીઓ અને જૂના કાંડ યાદ કરવાના હશે. બાકી અત્યારે અહીંયા આવીને કરવાનું પણ શું?' - એક છોકરો બોલ્યો.
'મેડમના પ્રેમના કારણે તો પટેલને નોકરી છોડવાનો વારો આવ્યો હતો. પુસ્તકોની લેવડ દેવડમાં ક્યારે લવલેટર આપવા લાગ્યા ખબર જ ના પડી અને કોલેજે બંનેને રવાના કરી દીધા હતા. નક્કી કોઈને મળવા કે પછી કોઈની ભલામણ માટે આવ્યા હશે?' - એક છોકરી બોલી.
'વિભા પોતાનો અભ્યાસ પૂરો કરવા આવી છે. તમારે જરાય દોઢડહાપણ કરવાની જરૂર નથી. બીજી વાત, પટેલની ખબર નથી પણ અત્યારના પ્રિન્સિપાલ મેડમ વિભાના માસી છે. તમને લોકોને ક્યાંક મુશ્કેલી ના પડે તે જોજો?' - નમિતા બોલી અને પેલા બધા જ હસતા બંધ થઈ ગયા.
'ચાલ વિભુ, આ લોકો સામે બેસવાની કોઈ જરૂર નથી. આમેય હવે બાર વાગ્યે આપણો ક્લાસ શરૂ થશે. આપણે ક્લાસમાં જ જઈએ. આ નકામા માણસો મૂડ ખરાબ કરશે.' - કિન્નરીએ પણ કહ્યું અને ચારેય જણા ઊભા થઈને જવા લાગ્યા. પેલું ટોળું નીચું મોઢું રાખીને બેસી રહ્યું.
કોલેજના બિલ્ડિંગમાં દાખલ થવા દરમિયાન વિભા કેટલાક પરિચિતોને મળી અને કેટલાક અજાણ્યા ચહેરા પણ તેણે જોયા. લગભગ ચાર વર્ષે તે કોલેજમાં પરત આવી હતી. તે લાઈબ્રેરી પાસેથી પસાર થઈ. બે ઘડી ત્યાં ઊભી રહીને અંદર જોતી રહી અને આખી જિંદગી તેની સામે ફરી ઉપરી આવી.
વિભા ત્યારે સેકન્ડ યરમાં ભણતી હતી અને લાઈબ્રેરિયન કેવલ પટેલના પ્રેમમાં પડી હતી. છ મહિનાનો પ્રેમ અને ઘરમાં પિતાને ખબર પડી ગઈ.
વિભાના પિતાએ તાકીદે પોતાની વગ વાપરીને કેવલને નોકરીમાંથી કાઢી મુકાવ્યો. વિભાની પણ કોલેજ અટકાવી દીધી. યુવાનીનો પ્રેમ ક્યાં માનવાનો હતો. બંનેએ બંડ પોકાર્યું અને ભાગીને લગ્ન કરી લીધા. ગામડેથી પાંચ વર્ષ પહેલાં નોકરી કરવા આવેલા કેવલ પાસે રહેવા માટે એક નાનકડું ઘર હતું. વન બી એચકેના મકાનમાં ભાડે રહેતો હતો.
બંનેનો ઘર સંસાર મંડાયેલો હતો અને સુખેથી ચાલતો હતો. થોડા પ્રયાસ કર્યા બાદ કેવલને શહેરની એક સ્કૂલમાં લાઈબ્રેરિયન તરીકે નોકરી મળી ગઈ હતી. તેમનો સંસાર ધીમે ધીમે ચાલતો હતો. વિભા માટે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ હતું.
ધનાઢય પિતાની એકની એક દીકરી અનેક લાડકોડથી ઉછરી હતી. તેણે અત્યાર સુધી ક્યારેય જતું કર્યું નહોતું કે સહન કર્યું નહોતું. હવે બધું જ એકાએક કરવાનું આવ્યું હતું. તેમ છતાં તેણે જીવન ધીમે ધીમે પાટે ચડાવ્યું હતું. મુશ્કેલી ઘણી પડતી હતી પણ હવે ક્યાંય જવાય એવું નહોતું અને કોઈને કહેવાય એવું નહોતું.
લગ્નને એકાદ વર્ષ થયું અને થોડું સામાન્ય થવાયું ત્યાં જ કેવલની મમ્મી અને બહેન ગામડેથી અહીંયા આવી ગયા. કેવલની મમ્મીને ટીબી થયો હતો અને તેની બહેન માટે મૂરતીયો શોધવાનો હતો. વિભા માટે તો આ જવાબદારી આભ તૂટવા જેવી જ હતી. વિશાળ બંગલામાં રહેલી વિભા જ્યાં દરેકનો પોતાનો રૂમ હતો તેને હવે એક જ બેડના ઘરમાં ચાર લોકોએ રહેવાનું હતું.
વિભાએ શરૂઆતમાં તો પ્રયાસ કર્યો પણ તેનાથી સહન થયું નહીં. એક જ બાથરૂમ ચાર લોકો વાપરે. એક જ ટોઈલેટ ચાર લોકો વાપરે. ઘરમાં ક્યાંય પ્રાઈવસી જેવું મળે નહીં. ધીમે ધીમે ઝઘડા શરૂ થવા લાગ્યા. વિભા વારંવાર કેવલને દબાણ કરવા લાગી કે તેની મમ્મી અને બહેનને ગામડે મોકલાવી દે. તું આ લોકોને પૈસા મોકલાવી દે પણ અહીંયાથી રવાના કરે.
કેવલ અને વિભા વચ્ચે હવે સતત અણબનાવ શરૂ થઈ ગયા હતા. વારંવાર ઝઘડો થતો. ઘણી વખત વિભા ટિફિન પણ બનાવતી નહીં અને રસોઈ પણ કરતી નહીં. કેવલની મમ્મી બધું જ સમજતી હતી પણ શરીર સાથ આપતું નહોતું. તેની બહેન શક્ય એટલી મદદ કરતી અને ઘરના કામ કરતી પણ વિભાને કોઈ આનંદ નહોતો.
એક દિવસ વિભાના ઘરે તેના માસીના દીકરાના લગ્નની કંકોત્રી આવી. વિભા જીદ કરીને તે લગ્નમાં ગઈ અને કેવલ બિચારો લાચારીથી તેને જોતો રહ્યો. વિભા ગઈ તે ગઈ... ત્યારબાદ પંદર દિવસ સુધી તેના કોઈ સમાચાર નહોતા. પંદર દિવસ બાદ કેવલના ઘરે એક કવર આવ્યું જેમાં છૂટાછેડાની નોટિસ હતી.
કેવલ જાણતો હતો, તેણે નોટિસ સ્વીકારી લીધી. તેને કોર્ટના ચક્કર ચાલુ થઈ ગયા અને વિભા ફરી પોતાના ધનાઢય પિતાના મહેલમાં આનંદ કરવા લાગી હતી. તેને ઘણી વખત કેવલ યાદ આવતો પણ ફરી પેલી ગરીબી અને એડજસ્ટમેન્ટ પણ યાદ આવી જતા અને તે મન મનાવી લેતી.
એકાએક કોલેજનો બેલ રણક્યો અને વિભા વર્તમાનમાં પટકાઈ. તે પોતાની બહેનપણીઓ સાથે ક્લાસમાં ગઈ અને બે લેક્ચર ભરીને ઘરે રવાના થઈ ગઈ. ઘરે પહોંચી તો ઘરના બગીચામાં જ પપ્પાને બેઠેલા જોયા. તેમની સાથે તેમના વકીલ મહેતા અંકલ અને તેમની આસિસ્ટન્ટ તથા પપ્પાનો પીએ એમ બધા બેઠા હતા.
'આવ વિભા. મહેતા અંકલ તારી જ વાત કરતા હતા. પરમદિવસે આપણી કોર્ટની ડેટ છે. આપણે એલિમની આપવા અથવા તો સમાધાન કરીને છૂટાછેડા આપવાની નોટિસ બજાવી છે. કોર્ટે કેવલને જવાબ આપવા બોલાવ્યો છે. હવે આપણે છૂટા થઈ જઈશું.' - પપ્પાના પીએ પંડયા કાકા બોલ્યા.
'પંડયાજી એના કરતા પણ વધારે મારી દીકરી પછી જશે અમેરિકા. કિશોર પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. બસ આપણે ખાલી હા પાડવાની છે.' - વિભાના પપ્પાએ કહ્યું. વિભા તે બધાની સામે જોઈ રહી.
'પપ્પા, આપણે પછી વાત કરીશું.'- વિભા એટલો જવાબ આપીને ઘરમાં જતી રહી.
બે દિવસ બાદ કોર્ટમાં જવાનું આવ્યું. વિભા વહેલી સવારે કોર્ટમાં જવા જાતે જ નીકળી ગઈ. તે ગાડી લઈને સીધી જ કેવલના ઘરે પહોંચી. કેવલના ઘરે તાળું હતું. તેણે આસપાસ પૂછયું તો ખબર પડી કે કેવલ પોતાના ગામ જવા નીકળ્યો છે. તે થોડીવાર પહેલાં જ બસસ્ટેશન ગયો.
વિભા સીધી જ બસસ્ટેશન પહોંચી. તેણે જોયું તો કેવલ બસની રાહ જોતો એક બાકડા ઉપર બેઠો હતો. તે કેવલ પાસે જઈને ઊભી રહી.
'વિભા તું આવી. મને ગમ્યું. હું તને જ યાદ કરતો હતો. હું ગામડે જાઉં છું.' - કેવલે કહ્યું અને વિભા તેની સામે જોઈ રહી.
'કેમ તું અચાનક ગામડે જાય છે?' - વિભાએ ધીમે અવાજે પૂછયું.
'મમ્મીનું અવસાન થયું છે. ગામડે સમયસર દવા થતી નહોતી અને ગઈકાલે રાત્રે દેહ છોડી દીધો.' - કેલવે રડમસ અવાજે કહ્યું.
'... અને કાવેરી?' - વિભા ધ્રુજતા અવાજે બોલી.
'કાવેરીના ગયા મહિને જ લગ્ન થઈ ગયા હતા. તે સાસરે હતી. સારું ચાલ હું જાઉં છું. જિંદગી બીજો અવસર આપે તો ફરી મળીશું.'
'કોર્ટમાં જજને અને તારા પિતાને કહેજે મને તારા બધા જ તોહમત મંજૂર છે. ડાયવોર્સના પેપર તને કુરિયર કરી દીધા છે. ભુલચુક માફ કરજે.' - કેવલ બોલ્યો અને સામે આવેલી બસમાં ચડી ગયો.








