મારું જીવન તરસ્યાનું જળ થાજો! .

- આજકાલ-પ્રીતિ શાહ
- મારું સ્વપ્ન છે કે ઉત્તરપ્રદેશમાં દરેક જગ્યાએ સ્વચ્છ જળ મળે, જો મને કોઈનું સમર્થન મળે તો દરેક વર્ગ સુધી સ્વચ્છ જળ પહોંચાડવાનું માધ્યમ બનવા માગું છું.'
પ્રા ચીન સમયમાં રાજાઓ કે શ્રેષ્ઠીઓ ગામે ગામ વાવ, કૂવા બંધાવતા અને વીરડા ગળાવતા હતા. એ જ સાર્વજનિક પીવાના પાણીના સ્ત્રોતો હતા. સમય જતાં પરિસ્થિતિ બદલાઈ અને આજે પણ ઘણા લોકો પાણીની પરબ બંધાવીને જળસેવા કરે છે. કરસનદાસ માણેકના 'જીવન અંજલિ થાજો' કાવ્યમાં 'ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો' એવી પંક્તિ એટલે યાદ આવી કે ઉત્તરપ્રદેશના મિર્જાપુરથી પાંસઠ કિમી. દૂર જંગલ મહલ નામનું સાવ નાનું ગામ આવેલું છે. એમાં ઘનશ્યામ મૌર્ય અને તેની પત્ની શશિ લતા તેમના ત્રણ સંતાનો સાથે રહે છે અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘનશ્યામ મૌર્ય રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને લાકડાની હાથગાડી પર પાણીની મોટી ટાંકી મૂકીને અંધારામાં જ પોતાની જળયાત્રા શરૂ કરે છે. એમણે ગામના ચાર રસ્તા પર કે તેની મુખ્ય જગ્યા પર લોખંડની ઘોડી પર મોટા માટલા મૂક્યા છે. જ્યાં જ્યાં એમણે માટલા મૂક્યા છે, ત્યાં જઈને આગલા દિવસનું પાણી કાઢી, માટલાને ચોખ્ખા કરીને તેમાં તાજું પાણી ભરે છે. કેટલીક જગ્યાએ સુતરાઉ ટુવાલ, ચપ્પલની એક જોડ તો ક્યારેક બિસ્કીટ કે મીઠાઈ મૂકે છે. તેની પાછળનો તેનો હેતુ એવો છે કે જે લોકો પોતાના સીમિત સંસાધનોથી દિવસની શરૂઆત કરે છે, જેમની પાસે પગમાં પહેરવાના ચપ્પલ નથી, તેમને થોડી મદદ થઈ શકે.
આ પહાડી વિસ્તારમાં દૂષિત પાણી આવે છે. આવા દૂષિત પાણીથી ગામમાં કેટલાય લોકો બીમાર પડે છે. દૂષિત પાણીથી થતી આ બીમારીમાં તેમની માતા પણ સપડાઈ હતી. ઘનશ્યામની માતાને ૨૦૧૫માં એનીમિયાની બીમારી થઈ અને તેનું કારણ આ દૂષિત પાણી હતું, જે એના ગામના કેટલાય પરિવાર વર્ષોથી પીતા હતા. માતાની સારવાર પાછળ આશરે દોઢ લાખ ખર્ચ કર્યો, પરંતુ ૨૦૧૭માં તેમનું અવસાન થયું.
ઘનશ્યામને માતાના અવસાનનો એટલો ઊંડો આઘાત લાગ્યો કે તેણે નક્કી કર્યું કે માતાને બચાવી શક્યો નહીં, પણ હવે એની યાદમાં અન્ય લોકોની ભલાઈ માટે કામ કરીશ. ઘનશ્યામ મૌર્ય પાસે એટલા પૈસા હતા નહીં કે દૂષિત પાણીનો કોઈ ઈલાજ કરાવી શકે. ન તો બોરવેલ કરાવી શકે તેમ હતા કે ન ફિલ્ટર પ્લાન્ટ નખાવી શકે તેવી સ્થિતિ હતી. ઘનશ્યામ મૌર્યએ થોડા ઉધાર પૈસા લઈને માટીનો ઘડો ખરીદ્યો. ધીમે ધીમે ઘડાની સંખ્યા વધતી ગઈ. મૌર્ય દંપતીએ નક્કી કર્યું કે તેઓ ઠેર ઠેર ફરીને લોકોને પીવાનું સ્વચ્છ પાણી આપશે. ઉનાળાના ચાર મહિના સવારે અને સાંજે માટીના ઘડાઓમાં પીવાનું સ્વચ્છ પાણી ભરે છે. આ માટલાંઓને સ્ટેન્ડ પર રાખવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારમાં ચારસો માટલાં રાખ્યાં છે. ચોમાસાની ઋતુમાં તો ક્યારેક અન્ય કારણોસર માટલાં ફૂટી જાય છે, તેથી જ્યારે તેમની આર્થિક પરિસ્થિતિ થોડી સારી થાય ત્યારે માટલા ખરીદીને રાખી મૂકે છે. તેઓ કહે છે કે, 'આજે પણ મારી પાસે પૈસા નથી અને જ્યારે શરૂઆત કરી ત્યારે પણ મારી પાસે પૈસા નહોતા. દૂષિત પીળા પાણીને કારણે મારી માતાનું મૃત્યુ થયું તો હવે સ્વચ્છ પાણી પહોંચાડીને કોઈને મદદ કરીને તેની સહાય તો થઈ શકે.'
ઘનશ્યામ મૌર્યની સફર અહરૌરા બજારથી શરૂ થાય છે. ત્યાં આર.ઓ. મશીનની કેટલીક દુકાનો પાંચસો લીટર પાણીની ટેન્કને નિ:શુલ્ક ભરવા દે છે. પાણીની ટેન્ક ભરીને બજાર, બસ સ્ટેન્ડ, મજૂર ભઠ્ઠી, લાકડાનું ગોડાઉન અને બાંધકામનાં સ્થળો પર પાણી પહોંચાડે છે. પહેલા તો તેમની પાસે બેટરી સંચાલિત રીક્ષા હતી, તેથી સિત્તર - એંશી કિમી.ના વિસ્તારમાં પાણી પહોંચાડતા હતા, પરંતુ હવે હાથગાડી હોવાથી માંડ વીસેક કિમી. ચાલીને જઈ શકે છે. આટલા વિસ્તારમાં પણ સવારે જે માટલાં ભર્યાં હોય તે ખાલી થઈ જાય પછી બીજી વાર તેમાં પાણી ભરવા નીકળે છે. સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં આશરે એક હજાર લીટરથી વધુ પાણીની વહેંચણી કરે છે. ઘણી જગ્યાએ તો લોકો રાહ જોઈને ઉભા હોય છે કે મટકાવાલા આવશે અને સ્વચ્છ પાણી પીવા મળશે.
ઘનશ્યામ મૌર્ય અને તેમના પત્ની શશિ લતા પાસે સરકારી નોકરીનું કાર્ડ છે, પરંતુ તેમની કોઈ પાસે કાયમી કામ નથી. બાવન વર્ષના ઘનશ્યામ મૌર્ય જે જગ્યાએ પાણી લઈને પહોંચે છે, ત્યારે તેમના આવવાથી લોકો ખુશ થઈને 'મટકા મૅન, મટકા મૅન' કહીને ધન્યવાદ આપે છે. આવા અભિનંદનોની વર્ષા તેમને માટે પ્રેરણાસ્ત્રોત બનીને પ્રોત્સાહન પૂરું પાડે છે, કારણ કે ગામના કેટલાક લોકો તેને પાગલ કહે છે અને પૂછે છે કે ત્રણ સંતાનોના પિતા, જેને નથી નોકરી કે નથી કોઈ સંપત્તિ કે જમીન તે પોતાના ઘરની જરૂરિયાતો પૂરી કરવાને બદલે અન્ય લોકોને પાણી પીવડાવવામાં પોતાનો દિવસ કેમ વ્યતીત કરે છે? આવા અનેક પ્રશ્નો અને ટીકાટિપ્પણી ઘનશ્યામ મૌર્યએ ઘણી વાર સાંભળ્યા છે, પરંતુ તે એક જ જવાબ આપે છે, 'જીવનમાં આનાથી મોટી સફળતા અને આનંદ બીજો શું હોઈ શકે? જ્યારે હું કોઈને સ્વચ્છ પાણી પીતા જોઉં છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે. મારું સ્વપ્ન છે કે ઉત્તરપ્રદેશમાં દરેક જગ્યાએ સ્વચ્છ જળ મળે, જો મને કોઈનું સમર્થન મળે તો દરેક વર્ગ સુધી સ્વચ્છ જળ પહોંચાડવાનું માધ્યમ બનવા માગું છું.'
યાતનાની વચ્ચે ઊભી છે ચાંગમિલા
વ્યક્તિની સાથે જીવનમાં કંઈ પણ બને તેનાથી નિરાશ ન થવું. ઈશ્વરે આપેલી પ્રતિભાનું પોષણ કરીને મજબૂત અને સાહસિક બનવું તો ચોક્કસ સારું પરિણામ મળશે
દ્ર ઢ સંકલ્પ, લગન અને સતત પુરુષાર્થ વ્યક્તિને કેવી સફળતા અપાવે છે તે મણિપુરની યાંગમિલા જિમિકના જીવનમાં જોવા મળે છે. ૨૧ વર્ષની ઉંમરે યાંગમિલાને સામાજિક કલંક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. અવિવાહિત સિંગલ મધર તરીકે પોતાના નવજાત શિશુને ઉછેરવાની જવાબદારી તેના શિરે આવી. બાળકના પિતાએ કે પરિવારે ન તેના પુત્રની જવાબદારી લીધી કે ન ભરણપોષણ આપ્યું. ભાવનાત્મક અને આર્થિક સહાય વિના એણે પોતાના પુત્રને ઉછેરવાનો હતો. યાંગમિલાના પિતાએ ઘણી મદદ કરી, પરંતુ તેમના અવસાન પછી ફરી પાછી એકલી પડી ગઈ. પરિવારમાં આર્થિક મુશ્કેલીને કારણે દસમા ધોરણમાં જ અભ્યાસ છોડી દીધો હતો, તેથી સારી નોકરી મળે તેવી કોઈ આશા નહોતી. પરંતુ હિંમત હાર્યા વિના પોતાનું અને પોતાના પુત્રના ભરણપોષણ માટે શાકભાજી વેચી, નાની ચાની દુકાન ચલાવી, જૂના કપડાં વેચવાનું કામ કર્યું તેમજ મરઘાંપાલનનું પણ કામ કર્યું.
૨૦૧૫માં તેણે પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં મળતાં જંગલી ફળોનો ઉપયોગ કરીને ઘરે અથાણાં અને મીઠાઈ બનાવવાનું શરૂ કર્યું. આ સમયે પાર્ટિસિપેટરી એક્શન ફૉર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ત્યારબાદ કેન્દ્રીય વિજ્ઞાાન કેન્દ્ર, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રીસર્ચ, ઇમ્ફાલમાં મીઠાઈ બનાવવાની તાલીમ લીધી. તે સમયે તેની પાસે પાંચસો રૂપિયા હતા. તેમાંથી આંબળાનો ડબ્બો અને ખાંડ ખરીદ્યા અને તેની મીઠાઈ બનાવીને વેચવા નીકળી પડી. કેટલાક પેકેટ મિત્રોને ભેટ આપ્યા અને દુકાનો પર જઈને મીઠાઈના નમૂના આપ્યા. આજે એ વાતને યાદ કરતાં કહે છે કે મોટાભાગની મીઠાઈ પૈસા વગર વહેંચી હતી, તેમ છતાં તેમાંથી સાડા છસો રૂપિયાની કમાણી થઈ. આ પૈસામાંથી યાંગમિલાએ આંબળા અને આબુબુખારા ખરીદ્યા. તેમાંથી મીઠાઈ અને કેન્ડી બનાવીને વેચી તેમાં તેને એક હજાર રૂપિયા મળ્યા. નાનકડી શરૂઆતમાં સફળતા મળી તેથી તેનો ઉત્સાહ વધ્યો. યાંગમિલાએ પોતાનાં ઉત્પાદનો વેચવા માટે ૨૦૧૬માં શિરીન પ્રોડક્ટ નામની કંપની સ્થાપી. શિરીન પ્રોડક્ટ અંતર્ગત તે ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે અને સમગ્ર મણિપુર ઘણા સ્ટોરમાં તેનું વેચાણ થાય છે. તેનાં ઉત્પાદનોની માંગ વધતાં તેણે અથાણાં, કેન્ડી, જામ અને સ્કવૉશ બનાવવાનું શરૂ કર્યું છે. ઉખરૂલના પર્વતીય વિસ્તારોમાં મળતા આંબળા, પ્લમ, જામફળ, જંગલી ઓલીવ જેવા અનેક ફ્રૂટનો ઉપયોગ કરે છે અને તેનો એક વિશિષ્ટ સ્વાદ હોવાથી લોકો વધુ પસંદ કરે છે. ઉખરૂલના તેના ઘર પાસે પાંચ હજાર સ્કવૅર ફૂટની જગ્યામાં કિચન ગાર્ડન બનાવ્યું છે. તેમાં તે બ્રોકલી, મકાઈ, મૂળા, લેટસ, મગફળી, ભંગજીરા વગેરે ઉગાડે છે. ભંગજીરા પૂર્વોત્તર ભારત અને ઉત્તરાખંડમાં વિશેષ મળે છે. જેની વિશિષ્ટ સુગંર્ં હોય છે. પોતાના વ્યવસાયને વધુ વિસ્તારવા માટે ૨૦૧૭માં કૃષિ વિજ્ઞાાન કેન્દ્રની વર્કશોપમાં ભાગ લીધો અને નવાં ઉત્પાદનો બનાવતા શીખી. આજે યાંગમિલા ચાળીસ જેટલા ઉત્પાદનો બનાવે છે.
આજુબાજુના વીસ ગામોના એકસો ખેડૂતો પાસેથી ફ્રૂટ અને શાકભાજી મેળવે છે. તેણે લાકડાનું ઓવન, ગેસ સ્ટવ અને અન્ય ઉપકરણો વસાવ્યાં. આજે તેની સાથે સ્થાનિક છ મહિલાઓ કામ કરે છે. તેમાંથી ચાર મહિલા આખો દિવસ અને બે મહિલા અડધો દિવસ આવીને યાંગમિલાને સહાય કરે છે. તે હવે કેન્ડી, અથાણા, જામ, સ્કવૉશ ઉપરાંત કેક પણ બનાવે છે. તેનાં ઉત્પાદનો મણિપુર, અસમ, નાગાલેન્ડ, મુંબઈ અને દિલ્હીમાં વેચાય છે. તે પ્રદેશના વાઇલ્ડ ઓલિવ, પ્લમ્સ, વાઈલેડ એપલ, આંબળા, કીવી, જંગલી પ્લમ જેને અંબાડા પણ કહે છે તેનો એક વિશિષ્ટ સ્વાદ હોવાથી તેની માંગ વધતી રહે છે. તે દિલ્હી, ગોહત્તી અને શિલોંગમાં યોજાતા પ્રદર્શનોમાં ભાગ લે છે. પાંચસો રૂપિયાથી શરૂ કરેલો વ્યવસાય આજે મહિને એક લાખ રૂપિયાનું વેચાણ ધરાવે છે.
યાંગમિલા પોતાના વ્યવસાયને વધારવા ઇચ્છે છે, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળે, પરંતુ છેલ્લાં થોડા સમયથી મણિપુરમાં ચાલતા સંઘર્ષથી તેના વ્યવસાય પર પણ અસર પડી છે. ત્રણ જિલ્લામાં તેનો માલ જતો બંધ થઈ ગયો છે. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ ઑર્ડર મેળવે છે. ઉખરૂલ જેવા નાના ગામમાં રહીને યાંગમિલાએ સફળ આંત્રપ્રેન્યોરની કારકિર્દી ઘડી, તેથી સ્થાનિક લોકો અને મણિપુરના સત્તાધીશોએ અભિનંદન પાઠવ્યા. ૨૦૨૦નો વિજ્યાલક્ષ્મીદાસ આંત્રપ્રેન્યોરશિપ ઍવૉર્ડ અને ૨૦૨૧નો અસમ વિમેન આંત્રપ્રેન્યોર્સ ઍવૉર્ડ તેને પ્રાપ્ત થયા છે. યાંગમિલાએ ત્રણ વર્ષની ઉંમરે માતા ગુમાવી. પિતાએ બીજા લગ્ન કર્યા. સાત ભાઈબહેનો હોવાથી પૂરું શિક્ષણ પ્રાપ્ત ન કરી શકી અને સિંગલ મધર તરીકે પુત્રને ઉછેર્યો - આ બધા કપરા સંજોગો હોવા છતાં તેનામાં કોઈ નિરાશાનો ભાવ કે કટુતા જોવા નથી મળતી. તે તો કહે છે કે વ્યક્તિની સાથે જીવનમાં કંઈ પણ બને તેનાથી નિરાશ ન થવું. ઈશ્વરે આપેલી પ્રતિભાનું પોષણ કરીને મજબૂત અને સાહસિક બનવું તો ચોક્કસ સારું પરિણામ મળશે.









