લાગણી : સ્વર્ગનો ઉલ્લાસ કે નર્કનો વિષાદ! .

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- જે લોકો લાગણીની અતિ તીવ્રતા અનુભવતા હોય છે. અતિ તીવ્રતાથી લાગણી અનુભવનાર વ્યક્તિ સમય જતાં પોતે જ લાગણીઓનો થાક અનુભવે છે..
અ મારી રીના એટલી બધી 'ઈમોશનલ' છે કે તમે એને સહેજ પણ ઠપકો આપશો, કે તરત જ એ ચોધાર આંસુએ રડવા માંડશે. કોલેજિયન મહેશને એના પિતા સહેજ મોટા અવાજે બોલે કે તરત જ એનો 'મૂડ' 'ઓફ' થઈ જાય છે. બિચારા જયેન્દ્રભાઈ એટલા બધા લાગણીભર્યા છે કે એમના નિકટના સ્વજનનું અવસાન થયું હોય, તો પણ એ સ્મશાને જઈ શકતા નથી! માયાભાભીને કોઈ માઠા સમાચાર આપવા હોય, તો ખૂબ ધ્યાન રાખવું પડે, કારણ કે એ કોઈપણ દુ:ખદ સમાચાર સાંભળતા જ પોક મૂકીને રડી પડે છે અને અંતે બેભાન બની જાય છે.
આવા જુદા જુદા પ્રકારનાં 'લાગણીશીલ' માણસો તમને મળ્યા હશે અથવા તો તમે પોતે પણ એવા હશો. હકીકત એ છે કે કેટલીક લાગણીશીલ વ્યક્તિઓ પોતાની જાતને અતિ લાગણીશીલ માનવા લાગે છે. જો એ વ્યક્તિ પ્રભાવશાળી હોય, તો બીજા સૌ કોઈને એ લાગણીહીન કે અસંવેદનશીલ કહીને પોતાને ઊંચા આસને બેસાડે છે. હકીકતમાં કોઈ વ્યક્તિ અતિ લાગણીશીલ હોતી નથી, પરંતુ એણે એવા બનવાનું સ્વીકાર્યું હોય છે. એ એની લાગણીને ઘેલછાથી પ્રગટ કરવાનું પસંદ કરે છે. કોઈપણ ઘટનાને અતિ લાગણીશીલતાથી જોઈને પોતે એમાંથી ઉદ્ભવતા લાગણીવેડાને પોતાના સ્વભાવની વિશિષ્ટતા તરીકે ખપાવે છે.
હકીકતે લાગણી માનવીની મોંઘેરી મૂડી છે. લાગણી અનુભવવી એ પ્રત્યેક વ્યક્તિ માટે સાહજિક છે. કોઈ પણ ઘટના પરત્વે સારી કે ખોટી લાગણી થઈ શકે છે. તમે એનો આનંદ અનુભવી શકો છો અને એનું દુ:ખ પણ અનુભવી શકો છો; પરંતુ અહીં તો તમે એ લાગણીને યોગ્ય રીતે અનુભવવાને બદલે એના ગુલામ બની જાવ છો. એને તમારા પર પ્રભુત્વ જમાવવાની તક આપો છો. આનું પરિણામ એ આવે છે કે જીવનના કપરા પ્રસંગોએ તમે સ્વસ્થતા ધારણ કરવામાં નિષ્ફળ જાવ છો.
સ્વસ્થતા, સાતત્ય અને દ્રઢતા એ સુંદર જીવન જીવવા માટેની આવશ્યક બાબતો છે. ભગવાન બુદ્ધ, સંત તુકારામ, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ કે પૂજ્ય શ્રી મોટાની સ્વસ્થતાનું સ્મરણ કરો. તમારી એ સ્વસ્થતા પર તમારી અતિ લાગણીશીલતા આઘાત કરશે અને એને પરિણામે તમને સતત સુખ કે દુ:ખમાં જ રાખશે. વ્યવહાર જગતમાં તમે કેટલીક વ્યક્તિઓને મળો, ત્યારે હંમેશાં રોદણાં રડતી હોય છે. તમે પૂછો કે ન પૂછો, તો પણ પોતાના દુ:ખની વાત પ્રગટ કરીને ખોબે ખોબે આંસુ સારતી હોય છે. એમને આંસુ સારતા જોઈને એમ લાગે કે જાણે હવે એ બીજા દુ:ખની રાહ જોઈને બેઠા છે! આવી વ્યક્તિ સાથે તમે વાતચીત કરો, ત્યારે એ હંમેશાં લાગણીની ઉત્કટતાથી વાત કરતી હોય છે એને ત્યાં કામ કરવા માટે ૨ામો આવ્યો ન હોય, તો એ એવી ૨ીતે વાત ક૨શે કે જાણે મોટો ધરતીકંપ સર્જાયો હોય અને એનું ઘર જમીનદોસ્ત થઈ ગયું હોય!
લાગણી આપણા જીવનમાં ઉલ્લાસભર્યું સ્વર્ગ સર્જી શકે છે અને અત્યંત દુ:ખભર્યું નર્ક પણ સર્જી શકે છે. એ જેટલો ઉલ્લાસ આપતી હોય છે, એવી રીતે વિષાદ પણ આપતી હોય છે; લાગણીથી અભિભૂત થવાને બદલે એને યોગ્ય સંદર્ભમાં સમજવી જોઈએ. એ લાગણીને ગરિમાંથી અનુભવવી જોઈએ, પણ એના ચકર ચકર ઘૂમતા ચગડોળમાં કૂદકો મારીને ચઢી જવું જોઈએ નહીં. લાગણીનું વિશ્વ વ્યક્તિના અભિગમનું સર્જન છે.
દુ:ખની સ્થિતિ જાગે તો સીધા ઈશ્વરને 'વોરન્ટ' મોકલીએ છીએ અને જો સુખની લાગણી સાંપડે તો ઈશ્વરને સહેજે યાદ કર્યા વિના સુખોપભોગ કરી લઈએ છીએ. દુ:ખ આવતાં દોષનો સઘળો ટોપલો આપણાં કર્મો પર ઓઢાડીએ છીએ. આ જન્મનું કોઈ કારણ ન મળે, તો ગતજન્મનો પ્રભાવ ગણીએ છીએ; પરંતુ સુખની લાગણી આવતાં એ આપણું પોતાનું સર્જન હોય એવો ગર્વ અનુભવીએ છીએ. સુખપ્રાપ્તિ સાથે ઈશ્વરને નહીં જોડીને માણસે ઘણાં દુ:ખોને નિમંત્રણ આપ્યું. હકીકતમાં તો સુખ અને ઈશ્વર એ એકબીજા સાથે જોડાયેલા છે.
માત્ર લાગણીના આધારે જીવન જીવી શકીએ નહીં. લાગણીઓ તો અતિ ચંચળ છે. એ વારંવાર બદલાતી હોય છે અને ક્યારેક તો વ્યક્તિને ખબર પણ ન હોય, એ રીતે ય પરિવર્તન પામતી હોય છે. જરા વિચાર કરી જુઓ કે સવારના આપણે ઊઠીએ ત્યારે અને રાત્રે સૂઈએ ત્યારે કેવી લાગણી અનુભવતાં હોઈએ છીએ? એવું પણ બને કે રાત્રે નિદ્રાધીન થતી વખતે ખૂબ આનંદમાં હોઈએ અને સવારે ઊઠીએ ત્યારે ચહેરા પર વિષાદ હોય! એક સમયે જે બાબતમાં આપણને આનંદ આવતો હોય, તેના પ્રત્યે થોડા દિવસો બાદ અરુચિ પણ થાય છે.
લાગણીની ચંચળ ગતિનો તરવરાટ દરિયામાં સર્જાતાં ઊંચા મોજાં જેવો છે. મોજાનું પાણી ખૂબ ઉપર જાય અને છેક ઉપર ગયા બાદ જોરથી નીચે પડે, એ જ રીતે લાગણીઘેલા માનવીની લાગણી ખૂબ ઊંચે જતી હોય છે અને પછી જોશભેર પાછી નીચે આવતી હોય છે.
જો એ સતત ઊંચે રહે તો એના જીવનમાં અવ્યવસ્થા આવે છે અને આવી પ્રબળ લાગણીને કારણે વ્યક્તિ માનસિક ઉશ્કેરાટ અથવા તો ડિપ્રેશન અનુભવતી હોય છે. એના કેમિકલ મેક-અપમાં અસમતુલન હોય, તો પણ એ લાગણીની રીતે બિમાર રહે છે અને પોતાના જીવનમાં લાગણીઓને છૂટો દોર આપી દે, તો પણ એ દુ:ખી રહે છે.
જે લોકો લાગણીની અતિ તીવ્રતા અનુભવતા હોય છે. એમના જીવનમાં 'ઇમોશનલ બ્રેક-ડાઉન' આવતા હોય છે. અતિ તીવ્રતાથી લાગણી અનુભવનાર વ્યક્તિ સમય જતાં પોતે જ લાગણીઓનો થાક અનુભવે છે, અંદરથી ભાંગી પડે છે અને રોજિંદા જીવન-કાર્યમાં એ થાકી જાય છે. વારંવાર દુ:ખનાં આઘાતોનો ઉશ્કેરાટભર્યો અનુભવ કરવાને લીધે એના ચિત્તની સ્વસ્થતા નંદવાઈ જાય છે, પછી નાની-નાની બાબતો પણ એના મનને અતિ પ્રભાવિત કરે છે. પરિણામે એ જુદી જુદી લાગણીઓથી ઉશ્કેરાતો રહે છે.
આવી 'ઇમોશનલ' ભરતી અને ઓટ એ વ્યક્તિના ચિત્ત પર ઘણો સ્ટ્રેસ સર્જે છે અને એની એડ્રિનલ ગ્રંથિઓ નબળી થઈ જાય છે, એટલું જ નહીં પણ એના શરીરમાં આવી માનસિક તનાવવાળી પરિસ્થિતિનો મુકાબલો કરી શકે એવાં સ્ત્રાવો પણ ઘટાડી દે છે. આ પરિસ્થિતિમાં એ વિચારવું જોઈએ કે વ્યક્તિ નાની-નાની બાબતોમાંથી એની લાગણીઓનું સમતુલન ગુમાવતો નથી ને?
એવી ઘણી વ્યક્તિઓ જોઈ છે કે ફ્લાઇટ મોડી પડે ત્યારે કે ટ્રાફિકમાં ફસાઈ જાય, ત્યારે ગુસ્સાથી અપશબ્દો બોલતી હોય છે, એ ખૂબ ધૂંઆપૂંઆ થઈ જાય છે અને એની લાગણીઓ પર કાબૂ રાખી શકતો નથી, તેથી વિના કારણે કે કોઈ નાનું કારણ મળતાં એ ગુસ્સે થઈ જાય છે. આનો અર્થ એ કે તમારી આવી લાગણીઓ તમારા વ્યક્તિત્વ પર પ્રભુત્વ મેળવી રહી છે. હકીકતમાં તમારી લાગણીઓ તે તમે નથી, કિંતુ કોઈપણ ઘટનાનો તમે અનુભવ કરો છો, તે અનુભવ તમારા અસ્તિત્વનો અંશ છે.
પ્રણયમાં નિષ્ફળ ગયેલો કવિ હતાશ થઈને વૃક્ષોને રડતાં જુએ છે, આકાશ એને ઉદાસીન લાગે છે, આસપાસની સૃષ્ટિ ગમગીન ભાસે છે. આનું કારણ એ કે કવિ લાગણીની આંખે જુએ છે; પરંતુ જીવનમાં માત્ર લાગણીની જ આંખ નથી. વ્યક્તિ પાસે આત્મા છે, ચૈતન્ય છે અને એ બધું એના શરીરમાં વસે છે. લાગણી એ તો એના સમગ્ર અસ્તિત્વનો એક નાનકડો અંશ છે, સમગ્ર અસ્તિત્વ નથી. જો એ લાગણી વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ બની જાય, તો એક મોટો ભય ઊભો થાય છે.
કામ, ક્રોધ કે લોભની લાગણી જ વ્યક્તિના વ્યક્તિત્વનું કેન્દ્ર બની જાય, તો થાય એવું કે વ્યક્તિનો આત્મા અને એનું ચૈતન્ય એની એ લાગણીના ગુલામ બની જશે. પરિણામે આવી વ્યક્તિ સતત ગુસ્સાથી ઘેરાયેલી રહેશે, એનામાં વાસના હશે તો એનું સમગ્ર જીવન વાસનામય બની જશે અને એ સતત પોતાની ભૂખી વાસનાને તૃપ્ત કરવા માટે દોડધામ કરતો રહેશે. આથી જો વ્યક્તિ લાગણી પરનો કાબૂ ગુમાવીને માત્ર લાગણીઘેલો થઈને જીવે, તો વ્યક્તિ એના અસ્તિત્વનો અને આત્માનો દ્રોહ કરે છે. સુખના દિવસોમાં આપણી લાગણીઓ પ્રમાણમાં વ્યવસ્થિત હોય છે; પરંતુ કસોટીકાળમાં વ્યક્તિ ઘણીવાર લાગણી પરનો કાબૂ ગુમાવી દે છે અને ત્યારે એનું વર્તન આઘાતજનક લાગે છે, આથી વ્યક્તિત્વને લાગણીઘેરું બનાવવાની આવશ્યકતા નથી, બલકે જીવનમાં જાગતી લાગણીઓ પર કાબૂ કે નિયંત્રણ મેળવવાની જરૂ૨ છે.









