આ પૃથ્વી સોલો પરફોર્મન્સ નથી, ભવ્ય કોન્સર્ટ છે

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
આ પણે પૃથ્વીના સેવકો છીએ. તેના ઘાવ-ઘ સરકાના ઉપચાર માટે આવ્યા છીએ. જેના થકી આપણને પણ શાતા વળે છે. આવો સૃષ્ટિના બધા જ વૈવિધ્ય, સૌંદર્ય અને વિસ્મયને વહાલા કરીએ.
- વાંગારી માથ્થાઈ
આપણી આખી પૃથ્વી વસ્તુઓનો મોલ નથી કે ઉત્પાદોનું ગોડાઉન નથી પણ ચૈતન્યનો આનંદમેળો છે- વિસ્મયલોક છે. તેનો માત્ર ઉપયોગ નથી કરવાનો, જવાબદારી પણ નિભાવવાની છે. તેની જાણકારી પૂરતી નથી તેને સાંચવવાની પણ છે.
આપણી-આજની માનવ સભ્યતા સ્વ-કેન્દ્રી કે આત્મમુગ્ધ છે. તેની સેલ્ફીમાં અન્યની જગ્યા જ નથી. જે. કૃષ્ણમૂર્તિ કહેતા હતા કે 'આ પૃથ્વી પ્રેમ અને સંભાળ માટે છે. આ મારી અને આ તારી એવા ભાગ પાડવા માટે નથી. આંગણામાં વૃક્ષ વાવીને તેને મારું કહેવું મુર્ખતા છે.' આ સ્વ-કેન્દ્રી મનને બહાર તરફ વાળવાની જરૂર છે. 'માત્ર માનવી' એવું ભૂલીને પૃથ્વી પર જીવતાં દરેક જીવને સ્વીકારવાની અને સન્માનવાની જરૂર છે. સમગ્ર બ્રહ્માંડ સાથેની મૈત્રીનો પ્રારંભ તો આપણા આંગણામાં ગાતી-નાચતી દૈયડ સાથેની મૈત્રીથી થાય છે. આ માટે મનનું વલણ બદલીશું તો બાહ્ય સંબંધો રૂપાંતરિત થશે. જ્યાં અને જ્યારે આપણી સંવેદના અને સ્નેહ નથી ત્યાં અને ત્યારે જવાબદેયતા નથી. આ પૃથ્વી પર આપણાથી પણ ક્યાંય વધારે કાળથી વસતાં નિવાસી જીવો છે. આમાંના ઘણાં આપણી સ્વાર્થી આક્રમકતાને કારણે ખતમ થઈ ગયા તો ઘણા છેલ્લા શ્વાસ લે છે. આખી પૃથ્વી પરની બધી ચેતનાઓ કે જીવન પર માત્ર માણસની માલિકી નથી. તેથી આજે પૃથ્વી સાથે આધિપત્યની નહી આદાન-પ્રદાનની, સંઘર્ષની નહીં સંવાદની જરૂર છે. આ પૃથ્વી એક ભવ્ય કોન્સર્ટ છે-કોઈ સોલો પરફોર્મન્સ નથી. ચાલો, તેના લય અને તાલમાં જોડાઈએ. આ પૃથ્વીને મનને બદલે હૃદયથી પામીએ, તેને મનોરંજન માટે નહીં પણ આત્મીય, સંવેદનશીલ અને સત્વશીલ નિસ્બત માટે સાચવીએ. પૃથ્વીની પીડાને સાંભળીએ, સમજીએ અને તેની પ્રજ્ઞાાને આદર આપીએ.
ભલેને આપણને નદી, વૃક્ષ, પંખી, ફૂલનું નામ ન આવડે પણ તેની સાથે દોસ્તી તો કરી શકાય છે. તેને પ્રેમ કરવા માટે તેની જાણકારી અનિવાર્ય નથી. માત્ર તેના પાવક અસ્તિત્વને સ્નેહથી સ્વીકારવાનું છે, તેના આત્મગૌરવને સન્માનવાનું છે. ભલેને અન્ય સજીવ સાથેનો અર્થપૂર્ણ સંબંધ ન સમજાય પણ આનંદ અને વિસ્મય સાથે તેમને મળી તો શકાય ને. નગરનાં તટે આપણને મળવા આવેલ નદી એઠવાડ માટે નથી પણ મહેમાન છે. તેને આવકારીએ. ચાલો, એક વખત મન ઘરે મૂકીને વનને હૃદયસહ મળવા જઈએ, જાણકારી જતી કરીને મધપુડો બનાવતી મધમાખી જોઈએ. સૌંદર્ય શબ્દ ઈશ્વરનો પર્યાયવાચી છે તે ભૂલવા જેવું નથી. વેદોમાં 'પૃથ્વી સૂક્ત' નામે અનેક મંત્રો, સૂક્તો છે. અથર્વવેદમાં તો પૃથ્વી સૂક્તના ૬૩ મંત્રો છે.
રીચાર્ડ લૂવ કહે છે કે આ માંદી માનવજાત 'નેચર ડેફીસીટ ડિસઓર્ડર'થી પીડાય છે. તેનામાં વિટામિન 'એન' (નેચર) ની ઉણપ છે. આ 'એન' શરીર-મન-પ્રકૃતિના સંયોજનથી મળે છે. કદાચ, આવતા દિવસોમાં ડોક્ટર્સ પ્રિસ્ક્રીપ્શનમાં આવું લખશે;
પિલ્સ નહીં પાર્કમાં જાવ, જીમમાં નહીં જંગલમાં જાવ, પિક્ચર નહીં પતંગિયા જુઓ, સ્ક્રીન નહીં સુર્યાસ્ત જુઓ.









