Magazines

લુપ્ત થઈ રહેલી બહુરૂપીની કળા .

By GS TEAM
6 Jun 20264 mins read
લુપ્ત થઈ રહેલી બહુરૂપીની કળા                   .

- દુર્ગેશ ઉપાધ્યાય

- કળાકારને લોક તરફથી મળતી સરાહના અને પ્રોત્સાહન પણ આધુનિકતાના યુગમાં ઘટી ગયું, જેથી આ કળા મૃતપાય થઈ ગઈ

આ જે વીડિયો અને ટીવીના યુગમાં મનોરંજન જેટલું સુલભ બન્યું છે, તેટલું ઝડપથી આપણું લોક મનોરંજન કરતી લોકકળાઓ ભૂંસાતી-ભૂલાતી ચાલી છે. આ લુપ્ત થઈ રહેલી લોકકળાઓનું સંવર્ધન-સંમાર્જન અને ડિજીટેલાઇઝેશન થાય એ જરૂરી છે. કારણ કે તે નવી પેઢીના અભ્યાસુઓને ઉપયોગી થઈ શકે.

આ વિસરાતી જતી લોકકળાઓમાં એક લોકપ્રિય કળા, બહુરૂપીની કળા. જે હવે લુપ્ત થઈ રહી છે.

આપણો ફિલ્મી હીરો ગમે તેવો મેકઅપ કરી પડદા પર આવે તો તમે તરત તેને ઓળખી પાડો. પણ આ બહુરૂપીની કળા કરી ફરતા વ્યક્તિને તમે તેના રોલ મુજબ સાચો જ માની બેસો.

તમને રસ્તામાં કોઈ અટકાવી પોલીસના ડ્રેસમાં, પોલીસની અદાથી પૂછપરછ કરે તો તમે તેને એકવાર તો પોલીસ માની જ બેસો. પછી ખબર પડે કે તે સાચો પોલીસવાળો નથી, પણ બહુરૂપી છે. આવી આબેહૂબ કળા ધરાવતા કસબીઓ આજે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે, અને એ પેઢી ખલાસ થવાને આરે હોઈ, આ કળા હવે નામશેષ થઈ રહી છે. કારણ કે એમાં હવે વળતર નથી, એમ લાગતાં તે કળાકારોની નવી પેઢી અન્ય નોકરી-ધંધા તરફ વળી ગઈ છે.

મૂળ રાજસ્થાનના આ કલાકારો, જે ભાંડ અટકથી ઓળખાતા. તો કેટલાક બ્રાહ્મણ કુટુંબોએ પણ આ કળા અપનાવી હતી. જેમના માટે પેટિયું રળવાનું સાધન આ કળા હતી. તેઓ ગુજરાતમાં આવી ગામેગામ ફરી રોજ અવનવા વેશ ધારણ કરી ગામમાં ફરતા, જે તે વેશ લીધો હોય, તે વેશ મુજબ અભિનય કરે, સંવાદ બોલે, એ દ્વારા લોક મનોરંજન કરે, મહિના સુધી આ રીતે મનોરંજન કરી છેલ્લા દિવસોમાં ઉઘરાણું કરવા નીકળે. લોકો બે-પાંચ રૂપિયા આપે, તે રીતે જે એકઠું થાય તે લઈ બીજા ગામ ઉપડે.

આ કળાકારોને એક સમયે સમાજ તરફથી ભારે માન-પાન મળતું. આ કળા મૂળ રાજસ્થાનથી ઉદ્ભવેલી, પણ ગુજરાતમાં આવી વિકસી, ગુજરાતમાં તેને પ્રોત્સાહન મળ્યું. બંને રાજ્યોનું આ કળામાં સંમિશ્રણ થતાં કળાકારની બોલીમાં, રાજસ્થાની સાથે ગુજરાતીનું મિશ્રણ જોવા મળતું. આ કળા માત્ર મનોરંજન જ નહીં બલકે બુદ્ધિની ચકાસણી, જ્ઞાાન, ભક્તિની ભાવના અને લોક પરંપરા વિગેરે તેમાં જોવા મળતું.

કહેવાય છે કે, મેવાડમાં મનવા નામના એક બહુરૂપી થઈ ગયા, તેમણે સન્યાસીનો વેશ ધારણ કરેલો, અને ગામના પાદરે એક મંદિરમાં ધૂણી ધખાવી બેઠા હતા, ત્યારે ત્યાં એક વેપારી આવ્યો, તેમની સાથે સત્સંગ કર્યો, ત્યારે વેપારી તેને સાચો સાધુ સમજી પોતાના ઘરે આવવા વિનંતી કરી, તો તેણે પોતે બહુરૂપી હોવાનું જણાવ્યું, પેલો વેપારી એ સાંભળીને દંગ જ રહી ગયો.

આવા એ બહુરૂપી કલાકાર. આ કલાકારો, પઠાણનો વેશ, દૂધવાળો, લયલા-મજનુનો વેશ, મારવાડી શેઠ, ડોક્ટર, અર્ધનારી-નટેશ્વર, ગુરુ ચેલાનો વેશ (જેમાં ચેલાનું પપેટ હોય, અને બંને માટે બે પ્રકારે બોલી બોલે.) ઉપરાંત શિવજી, મહાકાળી, હનુમાનજી, સરસ્વતી, લક્ષ્મીજી, પાગલ, પોલીસવાળો, વકીલ, મદારી એમ જાત જાતના વેશ-રૂપ ધારણ કરે, દરેક વેશનાં કપડાં અને અન્ય સાધન સામગ્રી મોટેભાગે જાતે-હાથે બનાવેલી હોય, જેમકે ઘેટાના ઉનમાંથી મૂછો અને દાઢી બનાવે, ગદા કે મુગટ પૂંઠાં અને કપડાંથી બનાવે, તે સમયે મેકપ પણ કેવો ? કાજળ, કપડાં ધોવામાં વપરાય તે ગળી, ઝરી, ચંદન, હળદર, કંકુ, બોદાર જેવા પથ્થરમાંથી બનાવેલો પાવડર વિગેરે મેકઅપમાં વપરાતું.

જે વેશ ધારણ કરે, તેની અલગ બોલી, ઠસ્સો, જુસ્સો, તે મુજબની ચાલ-ઢાલ, નખરાં વિગેરે અપનાવે. પોલીસ ઈન્સ્પેક્ટર બને તો તે પ્રમાણેની કડકાઈ, ચાલ, સંવાદ વિગેરે જાતે તૈયાર કરી રજૂ કરે. આ કળા લોક સાથે સીધો સંબંધ ધરાવે, એટલે લોકમાં જઈ, સંવાદનું આદાન-પ્રદાન કરે, મૂળે તેનો હેતુ મનોરંજનનો જ હોય. આ કલાકારો અભિનય શીખવા કોઈ શાળા-મહાશાળામાં ન ગયા હોય, જાતે જ સમાજ જીવનનું નિરીક્ષણ ઝીણવટથી કર્યું હોય, તે અભિનયમાં ઉતારે. આ કળા મંચની નહીં શેરીની હતી. શેરીના લોકો કે છોકરાં આ કળાકારની પાછળ-પાછળ ફરે, એવું મનોરંજન પૂરું પાડે.

બહુરૂપીની કળા સામાન્ય રીતે બપોર પછી કે સાંજના સમયે પ્રદર્શિત કરે, કોઈ વેશ રાત્રિનો હોય, તો સાંજે ૭ પછી ભજવે. દેવ-દેવીના વેશમાં પવિત્રતા જાળવે, દૈવી શક્તિની આમન્યા પાળે. આ કળામાં માત્ર વાક્પટુતા અને અભિનય સર્વોપરી હોય, તેમાં સંગીતની જરૂર નહીં, પણ ક્યારેક ગીત કે ટૂંકી ગેય પંક્તિઓનો ઉપયોગ કરે. જોકે આ વેશના સંવાદો થોડી સેકંડ કે એક બે મીનીટના જ હોય, પણ એ ક્યારેક વેધક અને ચોટદાર પણ હોય.

સમાજ પરંપરામાંથી નીપજેલી આ કળાને અગાઉ રાજ્યાશ્રય પ્રાપ્ત થતો. પણ સમય જતાં એ બંધ થતાં આ કલાકારોને આર્થિક મુશ્કેલી ઉભી થઈ. વળી ઉઘરાણું કરવામાં પણ મુશ્કેલીઓ પડતાં, આ કલાકારો પોતાની કળા છોડી અન્ય વ્યવસાય, ધંધા તરફ વળી ગયા, બીજી બાજુ મનોરંજનનાં આધુનિક સાધનો અને માર્ગો વધવા માંડયા, જેથી તેમની કળાની કિંમત ન રહી, કળાકારને લોક તરફથી મળતી સરાહના અને પ્રોત્સાહન પણ આધુનિકતાના યુગમાં ઘટી ગયું, જેથી આ કળા મૃતપાય થઈ ગઈ.

આ કળાના કેટલાક વંશ-વારસો અને કળાના અંશો આજેય ક્યાંક જીવિત છે, તેની શોધ કરી, તેની જાળવણી કે આધુનિક ટેકનિકમાં રૂપાંતર કરી લેવાની જરૂર ખરી, તે માટે સરકારી ધોરણે પણ પ્રયત્નો થાય, તો આવનારી પેઢીને, લોકકળા - સંસ્કૃતિના અભ્યાસુઓને ઉપયોગી થઈ શકશે.