Magazines

'બેટા યશસ્વી, તું જીતી અને હું હાર્યો' : પ્રણવકુમારનો પશ્ચાતાપ

By GS TEAM
6 Jun 20267 mins read
'બેટા યશસ્વી, તું જીતી અને હું હાર્યો' : પ્રણવકુમારનો પશ્ચાતાપ

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'પપ્પાજી, ધનની તુલનામાં સંસ્કારને શા માટે તમે તુચ્છ ગણો છો? પ્રારબ્ધ પાસે ધન નથી, પણ તે અંત:કરણનો અમીર છે' યશસ્વીનો વેધક સવાલ!

પુ ત્ર પ્રાપ્તિની કામનામાં પ્રણવકુમાર ત્રણ પુત્રીઓના પિતા બન્યા... મોટી યશસ્વી, વચલી ઓજસ્વી અને નાની મનસ્વી. અને હવે પુત્રસુખ પોતાના ભાગ્યમાં લખાયું જ નથી એમ માની એમણે પુત્રીઓને પુત્રવત ગણી તેમના વ્યક્તિત્વવિકાસમાં પૂરતો રસ દાખવવા માંડયો. પ્રણવકુમારની શરાફી પેઢી દર વર્ષે ધકતી કમાણી કરી આપતી હતી, એટલે પૈસાની કશી ખોટ નહોતી. પોતાની મિલકતની વ્યવસ્થા માટે સુયોગ્ય જમાઈની તેમને તલાશ હતી.

ત્રણ પુત્રીઓમાં તેમને સૌથી મોટી પુત્રી વહાલી હતી, યશસ્વી. કેટલી શાણી અને સુશીલ છોકરી! અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી, સ્વભાવે શાંત, મિતભાષી અને નમ્ર ... નિર્દોષ અને નિખાલસ... ગોરોવાન, કાળી ભમ્મર આંખો, અને સંસ્કારોથી ઓપતું વ્યક્તિત્વ...

પિકચર જોઇને પાછી ફરેલી બહેનો, મનસ્વી અને ઓજસ્વી સવારે નવ નવ વાગ્યા સુધી પથારીમાં ઘોરતી હોય ત્યારે યશસ્વી વહેલી સવારે ઊઠી, દેવપૂજા કરે એન મમ્મી સીમાદેવીને ગૃહકાર્યમાં મદદ કરે. એ જોઇને પિતા પ્રણવકુમારની છાતી ગજ ગજ ફૂલતી અને તેઓ કહેતા : 'બેટા, તારા સ્વરૂપે પરમેશ્વરે મારા ઘરમાં દીકરો જ મોકલ્યો છે. હું પુત્ર નહીં હોવાનું દુ:ખ નાહક છાતીએ વીંઢારીને ફરું છું. તારાં લગ્ન ટાણે દુનિયા દેખતી રહી જશે કે એક બાપ પોતાની દીકરીના દામનમાં તેના વજન કરતાં ય વધુ સોનું-ચાંદી ઠાલવી શકે છે.'

પણ યશસ્વીના ચહેરા પર આ બધા શબ્દો સાંભળી કશું જ પરિવર્તન થતું નહીં. એટલે તેનાં મમ્મી સીમાદેવી કહેતા : 'યશસ્વી, તું તો સાવ ગાંડી છે. તારી બીજી બે બહેનો તારા પપ્પાની ખુશામત કરીને મોજ મજા કરે છે, ત્યારે તું તેમની પાસે ફૂટી કોડીય નથી માગતી. બોલ્યા વગર તો બાપેય કાવડિયું નહીં પરખાવે... યશસ્વી દીકરીઓમાં સૌથી મોટી તું છે. તારા લગ્નમાં જે પ્રમાણે તારા પપ્પા વ્યવહાર કરશે, તે જ રીતે બીજી બહેનોને પણ મળશે... એટલે જરા બોલતી - ચાલતી રહે બેટા, જમાના પ્રમાણે જીવતાં શીખ.'

ત્યારે યશસ્વી કહેતી : 'મમ્મી, મને કોઈ માનભેર લઇ જાય, એટલા માટે પ્રલોભન રૂપે તેને કશું આપવા માટે તમે સૌ તૈયાર થાઓ, એનો શો અર્થ? મારા પિતાની સંપત્તિ નહીં, મારા વ્યક્તિત્વ તરફ આકર્ષાય એના વિષે હું વિચાર કરી શકું.'

'હવે વ્યક્તિત્વની વાત છોડ.. રૂપિયાનું જોર હોય ત્યાં વ્યક્તિત્વનો કોઈ ભાવ પૂછતું નથી. તારા હાથ માટે તો લોકો ક્યારના પડાપડી કરે છે... વાયડાશ કરીશ તો રહી જઈશ સોળના ભાવમાં' અને યશસ્વી મમ્મીની વાતને હસી કાઢતી. પણ એક સવારે યશસ્વીએ પ્રારબ્ધ પર પસંદગીનો કળશ ઢોળી તેની સાથે લગ્ન કરી લીધા છે, એવી વાત કરી, ત્યારે ઘરમાં તોફાન મચી ગયું. યશસ્વીના પપ્પા પ્રણવકુમારને માથે તો જાણે આભ તૂટી પડયું કારણકે તેમના એક મિત્રના પુત્રને યશસ્વી માટે તેમણે મનોમન પસંદ કરી રાખ્યો હતો અને એની પૂર્વ તૈયારી રૂપે પેઢીમાં ભાગીદાર પણ બનાવી દીધો હતો. યોગ્ય સમયે તેઓ જાહેરાત કરવાના હતા... યશસ્વી સીમાદેવી તથા પ્રણવકુમારની સૌથી લાડકી દીકરી હતી...શાણી.. સમજુ... સંસ્કારી. પણ યશસ્વીએ બન્નેેને  પૂછ્યા વગર એકાએક લગ્નનો ધડાકો કર્યો એટલે બન્ને સ્તબ્ધ થઇ ગયાં હતાં.

યશસ્વીના મમ્મી સીમાદેવીને એ વાતનું દુ:ખ હતું કે યશસ્વી મીંઢી નીકળી તેના પપ્પા પ્રણવકુમારને એ વાતનું દુ:ખ હતું કે યશસ્વીએ જાતે પતિની પસંદગી કરીને પુત્રી તથા જમાઈને પોતાને ઘેર રાખવાનો તેમનો પ્લાન ઊંધો વાળી નાખ્યો હતો. યશસ્વીની બહેનો મનસ્વી અને ઓજસ્વીને એ વાતનું દુ:ખ હતું કે દીદીએ ઓર્ડિનરી મધ્યમ વર્ગના યુવકને પતિ તરીકે પસંદ કર્યો.

સીમાદેવી અને પ્રણવકુમારે યશસ્વીની ખૂબ જ ઝાટકણી કાઢી, પણ યશસ્વીએ કશો જ પ્રતિવાદ ન કર્યો. એણે એટલું જ કહ્યું : 'પપ્પા, લગ્નનો પ્રશ્ન તમે સૌ મમત્વ, જિદ, પ્રતિષ્ઠા અને પૈસાના માપદંડને ખ્યાલમાં રાખ્યા સિવાય વિચારો તો સારું - ઘરજમાઈ બનનાર જ સસરાના ઘર પ્રત્યે લાગણી ધરાવે છે એ ખ્યાલ ખોટો છે. ઘરજમાઈ બનનારની દ્રષ્ટિ ઘરની મિલકત તરફ વધુ અને ઘરની દીકરી તરફ ઓછી હોય છે. શરતો લગ્નની પવિત્રતાને અભડાવે છે અને તેથી જ કશી ય શરતોની આડ લઇને હું લગ્ન કરવા ઇચ્છતી નહોતી.'

... પ્રારબ્ધ મધ્યમવર્ગીય યુવક છે. તેની પાસે ધન ભલે ઓછું હોય, પણ અંત:કરણનો અમીર છે. ધનની તુલનામાં સંસ્કારને શા માટે તમે તુચ્છ ગણો છો? એ જ હું સમજી શક્તી નથી. કન્યાદાન દેવાના તમારા અભરખા વણસંતોષ્યા રહી જશે, પણ હું નથી માનતી કે પુત્રી કોઇને દાનમાં આપવાનો વિષય હોય. અને પપ્પાજી કન્યાદાન માટે તો મારી નાની બે બહેન ઓજસ્વી અને મનસ્વી તો છે જ. એટલે આપના અને મમ્મીના અભરખા પૂરાં થઇ જશે.

યશસ્વીનું બદલાયેલું સ્વરૂપ જોઇને પ્રણવકુમાર અને સીમાદેવી આશ્ચર્યચકિત થઇ ગયા હતાં. પ્રણવકુમારે ગુસ્સામાં કહ્યું : 'યશસ્વી, તેં તારી મરજી મુજબ સાદાઇથી કોર્ટની રાહે લગ્ન કરી લીધા છે... તો પછી અહીં બાપના ઘરે કેમ પડી રહી છે ? હું તને કોઈ કરિયાવર કરીને વળાવીશ એવી આશા રાખતી હોય તો ભૂલી જજે. તને કે પ્રારબ્ધને એક ફૂટી કોડી પણ મારા તરફથી મળવાની નથી. તારે અહીંયા બાપના ઘરે રહેવાના દિવસો પૂરા થઇ ગયા છે, હવે તું જા તારે સાસરે પ્રારબ્ધના ઘરે, અહીં બાપના પૈસે લહેર કરી છે, હવે પ્રારબ્ધના બે રૂમના મકાનમાં ગરીબીની મજા પણ માણી લે, દુ:ખ પડશે ત્યારે આ ઘર જ તને યાદ આવશે. પણ અમારી કોઈ આશા રાખીશ નહીં.'

અને બીજે દિવસે યશસ્વી પ્રારબ્ધના ઘરે ચાલી ગઈ, ત્યારે પ્રણવકુમારે અન્ય પુત્રીઓની હાજરીમાં કહ્યું હતું : 'આજથી હું બે જ પુત્રીઓનો પિતા છું.'

બાકીની બે બહેનો ઓજસ્વી અને મનસ્વીએ પોતાના લગ્નનો નિર્ણય સંપૂર્ણપણે પિતા પ્રણવકુમાર ઉપર જ છોડયો હતો. કારણ કે તેમને ખબર હતી કે પિતાની મરજી વિરુધ્ધ પરણનારને કાવડિયું પણ મળવાનું નથી. અને પ્રણવકુમારે બન્ને પુત્રીઓનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી અમીર પરિવારમાં કર્યાં હતાં. બન્ને બહેનોને મોં માગ્યા દાગીના, વસ્ત્રો, રાચરચીલું અને ગાડી ભેટમાં આપ્યા હતા. લગ્નમાં યશસ્વીને આણંત્રણ પણ આપ્યું નહોતું.

'બિચારી યશસ્વી, મારી ત્રણેય દીકરીઓમાં સૌથી દુ:ખી દીકરી.' યશસ્વીના મમ્મી સીમાદેવી એક ઊંડા નિસાસા સાથે પ્રણવકુમાર સમક્ષ પોતાની મનોવેદના વ્યક્ત કરતાં... પણ યશસ્વીના પપ્પાના પેટનું પાણી પણ હાલતું નહીં. યશસ્વીનું નામ પડતાંની સાથે જ તેમની આંખમાંથી જાણે કે અંગારા વરસવા લાગતા. સીમાદેવી પરિસ્થિતિ સંભાળી લેતાં. અને વાતને બીજે માર્ગે વાળી યશસ્વીના પિતા પ્રણવકુમારને ઠંડા પાડવાની કોશિશ કરતાં.

પરંતુ પુત્રીઓના લગ્ન બાદ એક ભયંકર હતાશા પ્રણવકુમારના મનને ઘેરી વળી હતી. ધીરધારના ધંધામાં તેમને રસ રહ્યો નહોતો. મહિનાઓ સુધી તેઓ પેઢી પર જતા ન હતા. પરિણામે પ્રણવકુમારના મિત્રના એ પુત્રએ જેને યશસ્વી સાથે લગ્ન કરાવવાના હેતુથી ભાગીદાર બનાવવામાં આવ્યો હતો, તેણે ઓફિસના સ્ટાફને પોતાની તરફેણમાં લઈ બધાં પૈસા પોતાના નામે ટ્રાન્સફર કરી પેઢીને દેવાદાર બનાવી કાચી પાડી નાખી હતી.

વૃદ્ધાવસ્થામાં પ્રણવકુમાર સાવ લાચાર બની ગયા હતા. યશસ્વી સિવાયની બન્ને પુત્રીઓ અને જમાઈને તેડાવી તેમાંથી કોઈ એકને પોતાની સાથે રહેવા તેમણે વિનંતી કરી હતી. પરંતુ પુત્રી અને જમાઈઓ જાણતાં હતાં કે 'હવે પપ્પાના હાથ સાવ ભીંસમાં છે, તેમની સાથે રહેવાથી જપ્તી, વોરંટ અને કોર્ટના ધક્કા સિવાય કશું જ હાથમાં નથી આવવાનું...અને એ બન્ને દીકરી - જમાઈઓ 'પ્રસંગોપાત' આવતા જતા રહીશું'નું આશ્વાસન આપી વિદાય થઇ ગયા હતાં.

અને એક સવારે, યશસ્વી પોતાના પતિ પ્રારબ્ધ સાથે આવી પહોંચી હતી. પરંતુ પ્રણવકુમારને યશસ્વીનું આગમન રુચ્યું નહોતું. રોષે ભરાયેલા પ્રણવકુમારને યશસ્વીએ કહ્યું હતું : 'પપ્પાજી, મેં તમારું ઘર ત્યજ્યું છે, તમને નથી ત્યજ્યા. હું તમારી પુત્રી છું. એટલે તમારા તરફનાં મારાં કેટલાંક કર્તવ્યો પણ છે. પ્રારબ્ધની પત્ની બની એટલે તમારી પુત્રી નથી મટી ગઈ. મારી જરૂર હોય ત્યારે પિતાના ઘર તરફ ફરજ બજાવવાની ભાવનાને ન તો પ્રારબ્ધ ઠુકરાવી શકે કે ન તો આપ. હવાલા વહેપારમાં પડાય, સંબંધમાં નહીં. નવો સંબંધ જોડવા માટે પુરાણા સંબંધને દફનાવી દેવાની જરૂર મને ક્યારેય લાગી નથી, અને લાગશે પણ નહીં. હું તમારી લાડકી દીકરી યશસ્વી છું એ તમે પણ ભૂલ્યા નથી અને હું પણ ભૂલી નથી. હું અને પ્રારબ્ધ તમારી સાથે છીએ. તમારા રોષ કે જીદને અમારી ફરજને આડે ન આવવા દેશો પપ્પાજી, બે હાથ જોડીને મારી આપને વિનંતી છે.'

અને પ્રણવકુમારની આંખોમાંથી આંસુ અસ્ખલિત રીતે વહી રહ્યાં હતાં. તેમણે કેવળ એટલું જ કહ્યું : 'યશસ્વી, આવ મારા દીકરા, તેં તો દીકરી તરીકે આ ઘરમાંથી વિદાય લીધી હતી, પણ આજે દીકરો થઇને પાછી આવી છે. તારા પપ્પાને માફ કરીશ ને બેટા ? પ્રારબ્ધકુમાર આવો અહીં મારી પાસે બેસો. સીમા ઊભી ઊભી શું જોયા કરે છે ? જા જલ્દીથી આરતીની થાળી લઈ આવ, મારે યશસ્વી અને પ્રારબ્ધની આરતી ઉતારી ઘરમાં પ્રવેશ કરાવવો છે.' યશસ્વી તું જીતી છે અને હું હાર્યો છું પણ તારા જેવી પુત્રીઓ જીતે એમાં જ પુત્રીઓની શોભા છે.'