કોકરોચ સામેના વિગ્રહમાં વિજ્ઞાનનો પરાજય

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- વાંદા કોઈપણ જાતનો ખોરાક ખાતા પહેલાં જરાક 'સેમ્પલ' ચાખી જુએ છે! ખરાબ સ્વાદવાળો કે ઝેરી પદાર્થ તે તરત જે પારખી શકે છે
આ પણા દેશમાં એકસાથે ઘણા બધા નવા કોક્રોચ (વાંદા)નો જન્મ થયો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એક કેસ સંદર્ભે એવી ટિપ્પણી કરી હતી કે બેરોજગાર યુવાનો કોક્રોચ જેવા હોય છે. તેઓ વાંદાની જેમ કોઇ મકસદ વિના, ચોક્કસ ધ્યેય વગર રખડી ખાતા હોય છે. એવું કંઇક કહેવાનો તેમનો ઉદ્દેશ કદાચ હશે. ખેર, જે હોય તે પણ આ ઘટના પછી દેશના કેટલાક યુવાનોમાં રોષ ફેલાયો છે અને તેમણે કોક્રોચ પાર્ટીની સ્થાપના કરી છે. ઇન્સ્ટાગ્રામ પર રેકોર્ડબ્રેક ફોલોઅર્સ મેળવ્યાં.
જો કે આપણે જેને વાંદા કે વંદો કહીએ છીએ તેને આ નવી ચળવળ સાથે કોઇ નિસ્બત નથી. કારણ કે કુદરતનું આ અનોખું સર્જન વાંદો તો સદાબહાર છે. અંગ્રેજીમાં વાંદાને (કોક્રોચ) ને બહુવચનમાં કોક્રોચીજ કહે છે પરંતુ એ આખો શબ્દ બોલવાને બદલે અમેરિકનો વાંદાને 'રોચીજ' કહે છે. મોટાભાગના અમેરિકન ઘરોમાં વાંદા હવે પગદંડો જમાવીને બેઠા છે. દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન કરતાં ઉંદરો સામે લાંબો સમય યુદ્ધ ચલાવ્યા પછી અમેરિકાએ હવે વાંદા સામે વિગ્રહ જાહેર કરવો પડયો છે. આખો દિવસ કામ કરતી કે બની-ઠનીને ફરતી ફેશનેબલ અમેરિકન ગૃહિણીઓ તો વાંદાના ત્રાસથી તંગ આવી ગઈ છે. બાથરૂમ, સંડાસ, વોસબેસીન, રસોડું, કબાટ, પુસ્તકો, ફર્નિચર, પલંગ જ્યાં જગ્યા મળી ત્યાં વાંદા લાંબી મૂછી જેવા એન્ટેના લઈને છુપાતા ફરે છે અને અચાનક દેખા દે છે. વાંદાની જાત એટલી તો ચબરાક છે કે કોઈ નવું મકાન તૈયાર થાય અને તેમાં રહેવા માટે માણસ આવે તે પહેલાં ત્યાં પહોંચી જાય છે. દીવાલોની તિરાડોમાં કે કોઈ પોલાણમાં લાપી લગાડી હોય તો તે કોતરીને ત્યાં ઘર બનાવી લે છે! એકવાર ફ્લેટમાં માનવ વસવાટ શરૂ થાય પછી તો પૂરતો ખોરાક મળી જ રહેવાનો છે એવી સૂઝ ધરાવતા વાંદા નવું ઘર ખાલી હોય ત્યારે તાજા લગાડેલા રંગોમાં ભેળવેલાં સરસમાંથી પણ પોષણ મેળવી કામ ચલાવે છે. (સરસમાં હાડકાંનો રસ હોય છે) ન્યુયોર્ક શહેરના એન્ટોમોલોજિસ્ટ આઈઝનરના જણાવ્યા મુજબ પોસ્ટલ સ્ટેમ્પની પાછળના ભાગમાં લગાવેલા ગુંદર પર એક વાંદો મહિનાઓ સુધી નિભાવ કરી શકે છે. જંતુશાસ્ત્રીઓ માટે પણ વાંદાની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે.
છેલ્લાં ૩૪ કરોડ વર્ષથી વાંદા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. ઉત્તર ધુ્રવથી દક્ષિણ ધુ્રવ સુધી બધે જ વાંદાનું અસ્તિત્વ જોવા મળે છે. જર્મનીમાં વાંદાને 'સ્કાર્લન' કહે છે. ફ્રેન્ચ લોકો તેને 'બ્લાદ્દીસ' કહે છે. સ્પેનીશના લોકો વાંદાને 'કુકરાચાસ' કહે છે. બ્રિટન અને અમેરિકામાં વાંદા 'કોકરોચ' અથવા માત્ર 'રોચીઝ' તરીકે ઓળખાય છે. વાંદા મારવાનો પાવડર પણ રોચીઝ પાવડર તરીકે ઓળખાય છે. વિજ્ઞાનીઓ જણાવે છે કે માત્ર વાંદો જ આવા પ્રકારનો જીવ છે જેની ઉત્પત્તિ કરોડો વર્ષ પૂર્વે થઈ ત્યારથી આજ સુધી તેનામાં કોઈ જ ફેરફાર નોંધાયો નથી. આ તારણ બાલ્ટીક સમુદ્રના કિનારેથી ત્રણ કરોડ વર્ષ પહેલાનાં વાંદાના અવશેષ મળી આવ્યા તેના પરથી કાઢવામાં આવ્યું છે.
અણુશસ્ત્રો તેમ જ ચીન, ઈરાન, રશિયા અને ઈઝરાયલ સુધીના દેશોના લશ્કરી લફરાંની ચર્ચા કરવા અમેરિકાના સેનેટરો જ્યાં બેસે છે તે સેનેટગૃહ પણ વાંદાના ત્રાસથી મુક્ત નથી. સેનેટરોની પાટલી પર દોડતા વાંદાને જોયા પછી ઘણા સેનેટરોને ઊબકા આવવા માંડયા હતા. ભેગાં મળીને તેમણે વોશિંગ્ટન ખાતેના કૃષિ મંત્રાલયને પત્ર લખી સેનેટ હાઉસમાંથી વાંદાના નિકાલ માટે આજીજી કરવી પડી.
જંતુશાસ્ત્રીઓ માને છે કે આજથી ચાર-પાંચ કરોડ વર્ષ પૂર્વે પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં વાંદા હશે. ઉક્રાંતિ ક્રમ મુજબ વાંદામાંથી જ તીતીઘોડા અને બીજા ઊડતાં જંતુઓ યા બીટલ (વાંદા જેવા દેખાતાં જીવડાં) વિકાસ પામ્યાં હશે. અત્યારે પૃથ્વી પર વાંદાની બે હજાર જાત જોવા મળે છે. આફ્રિકામાં લીલા, પીળા, લાલ અને નારંગી વાંદા થાય છે. પા ઈંચથી માંડીને ત્રણ ઈંચ લાંબા વાંદા જોવા મળે છે. મોટાભાગના વાંદા જંગલોમાં સડતી વનસ્પતિ અને સડેલાં લાકડામાં રહીને તેમનો સંસાર ચલાવે છે. માનવ વસાહતમાં વાંદાનું આગમન તો માત્ર ૪૦૦ વર્ષ પૂર્વે થયું હોવાનું મનાય છે. જુદા-જુદા દેશો વચ્ચે વહાણવટું શરૃં થયું અને ધંધા-વેપારનો વિકાસ થયો તેની સાથે-સાથે વાંદા પણ એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી ગયા. માલસામાનના ખોખાંઓ સંતાયેલા વાંદા એક દેશની વખારો કે ખેતરોમાંથી બીજા દેશમાં પ્રસરવા માંડયા. દરિયા વચ્ચે વહાણોમાં તો વાંદાનો ઉપદ્રવ ભારે હોય છે.
જ્યારે એપોલો અવકાશયાન ચંદ્ર પર જવાનું હતું ત્યારે અવકાશયાત્રીઓએ તેમના યાનમાં વાંદો જોયો હતો. રશિયાના વિજ્ઞાનીઓએ અવકાશમાં માઇક્રો ગ્રેવિટી સ્થિતિમાં વાંદાનો અભ્યાસ કર્યો હતો. નાદેઝદા એટલે કે આશા નામના આ માદા વાંદાએ અવકાશમાં ગર્ભધાન પામેલાં જીવતા વાંદાને જન્મ આપ્યો હતો. આ રીતે અવકાશમાં ગર્ભાધાન પામેલા ૩૩ વાંદાઓનો બેચ રશિયન વિજ્ઞાનીઓએ તૈયાર કર્યો છે. દરિયાઈ જીવો વિશે સંશોધન કરતાં કેટલાક વિજ્ઞાનીઓ દરિયાઈ વાંદા (બેથીનોમસ)ની પણ શોધ કરી છે. સમુદ્રનાં પાણીમાં સો મીટરની ઊંડાઈએ અંધારી છાજલીઓ નીચે મોટા પ્રમાણમાં દરિયાઈ વાંદા જોવા મળે છે. એલેકઝાંડર અગાઝીઝે સૌ પ્રથમ દરિયાઈ વાંદાની ભાળ મેળવ્યા પછી હવે આવા વાંદાને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. મરીન બાયોલોજીસ્ટ એન રુડલોએ પકડેલા કેટલાક દરિયાઈ વાંદા ૩૫ સેન્ટીમીટર (૧૪ ઈંચ) લાંબા છે. એ વાંદાને તો સાત જોડી પગ હોય છે અને દરેક પગની નીચે અણીવાળા હૂક હોય છે. તેનાં જડબાં એટલાં શક્તિશાળી છે કે નાની માછલીને પકડીને તેનું લોહી ચૂસી શકે છે. કેટલીકવાર આ દરિયાઈ વાંદા મોટી માછલી કે બીજા દરિયાઈ જીવનું શરીર પણ કોતરી ખાય છે.
આફ્રિકા અને ચીનમાં વાંદાનો ખોરાકમાં ઉપયોગ થાય છે. ચીનમાં વાંદાનો સૂપ બને છે. આપણે ત્યાં કેટલીક ગૃહિણીઓ જમતી વખતે વાંદો જુએ તો જમી શકતી નથી. જ્યારે શાંગહાઈમાં ચીની સ્ત્રીઓ જમતા પહેલાં 'ચુચઈ' તરીકે ઓળખાતો વાંદાનો સૂપ પીએ છે. ઘેર આવેલા મહેમાનોને બાસુંદી ખવડાવવાનો આપણે ત્યાં મહિમા છે એવું જ મહત્ત્વ ચીની સ્ત્રીઓને મન મહેમાનોને વાંદાનું સૂપ પિવડાવવામાં છે. ચીનમાં વાંદાનો ઉપયોગ કરીને દવા પણ બનાવાય છે. ચીનાઓ અને આફ્રિકનો ભલે વાંદા ખાય. બીજા દેશોમાં હોટલની કોઈ વાનગીમાં વાંદો મળી આવે તો ગ્રાહક અને હોટેલમાલિક વચ્ચે તડાફડી થઈ જાય. કોઈપણ હોટેલ-રેસ્ટોરાંવાળા તેમના 'કિચન'માં ગમે તેટલી સ્વચ્છતા રાખવા મથે તો પણ વાંદાથી મુક્તિ પામી શકતા નથી.
વાંદા સપાટ, લીસું શરીર ધરાવે છે. નર વાંદાને ચળકતી પાંખો હોય છે. માદા વાંદાને પણ ક્યારેક નાની પાંખ જોવા મળે છે. વાંદાના શરીરમાં ઉપલાં આવરણમાં તેલ અને મીણ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ હોવાથી વાંદો પાણી વગર પણ લાંબો સમય જીવી શકે છે. સાધારણ રીતે વાંદાને છ પગ હોય છે. આ પગ પર ઝીણી રુંવાટી હોય છે, લાંબા મજબૂત પગને કારણે વાંદો બીજાં કોઈ પણ જીવડાં કરતાં વધુ તેજ ગતિએ દોડે છે. વાંદાને મારવાની દરેક જાતનાં જતુંનાશક દવા નાકામિયાબ બનવા લાગી ત્યારબાદ તેની શરીરચના વિશે વધુને વધુ સંશોધન થયું. સાવ સાદું સીધું દેખાતું આ જીવડું ખૂબ જ કપરી પરિસ્થિતિમાં પણ આસાનીથી રહી શકે છે. કોઈ પણ જાતનો ખોરાક ન મળે તો વાંદો ગુંદર, કાગળ, સાબુ વગેરે ચીજો પર નભે. વાંદાના શરીર પર જ આવરણ હોય છે તે એટલું જાડું છે કે માનવી પણ સહન ન કરી શકે એટલાં વધુ પ્રમાણમાં અપાતા રેડિએશન વાંદો સહન કરી લે છે. વાંદાની એક જાત એવી છે જેને ૪૮ કલાક સુધી પૂરેપૂરો થિજાવી દેવાય તો પણ તે જીવતો રહે છે!
વાંદા કોઈપણ જાતનો ખોરાક ખાતા પહેલાં જરાક 'સેમ્પલ' ચાખી જુએ છે! ખરાબ સ્વાદવાળો કે ઝેરી પદાર્થ તે તરત જે પારખી શકે છે. વાંદાની કેટલીક જાત એવી છે ભય લાગે ત્યારે દૂર ભાગી જાય છે. પરંતુ ફ્લોરીડા (અમેરિકા)માં વાંદાની એક એવી પણ જાત થાય છે જે તેના પર હુમલો કરનારા પર એક જાતનો પ્રવાહી છાંટે છે. આ પ્રવાહીથી બળતરા થાય છે. દક્ષિણ અમેરિકામાં અને વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓ પર 'મોડેરિયા' નામે ઓળખાતા વાંદાને છંછેડવામાં આવે તો એ દુર્ગંધ મારતો ગેસ છોડે છે. વાંદાના શરીરમાં સૌથી મહત્ત્વનું અંગ તેની મૂછો છે. એરિયલ જેવી આ મૂછોને જીવશાસ્ત્રીઓ 'પાલ્વી' કહે છે. બે નાના કદના વાળ ખોરાકનો ટેસ્ટ કરવા વપરાય છે. જ્યારે લાંબી મૂછ જેવા વાળ સ્વાદ, ગંધ અને કોઈનો સ્પર્શ પારખી શકે છે. આ વાળના છેડા ભાલાની અણી જેવા તીક્ષ્ણ હોય છે. એવી જ રીતે રીંગની અંદર ગોઠવેલા સ્ક્રૂ જેવા બારીક વાળ હોય છે. આ ઝીણા વાળ બહારની કોઈ ચીજના સંપર્કમાં આવતાં જ અંદર ખેંચાય છે એને સ્પર્શનો સંદેશો વાંદાને પહોંચી જાય છે. એવી જ રીતે વાળના ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો ગંધ પારખવાનું કામ કરે છે. ખોરાકની શોધમાં ભટકતો વાંદો મૂછો હલાવીને આગળ વધતો દેખાય છે. મૂછનું મહત્ત્વ એટલું બધું છે કે વાંદાની આંખો ન હોય તો પણ તે મૂછો વડે બધું જ કાર્ય કરી શકે. તેના પગમાં 'વાઈબ્રેશ સેન્સર' હોય છે. આસપાસમાં જરા પણ ધૂ્રજારી થાય, કોઈ વ્યક્તિનાં પગલાં પડે તો વાંદાને ખબર પડી જાય.
બેકરી, શાકભાજીની દુકાનોમાં, હોટેલ-રેસ્ટોરાં અને બીજા ખાદ્યપદાર્થો વેચતી દુકાનોમાં ફ્લોર મિલ્સ, લાઈબ્રેરીમાં વાંદા વધારે જોવા મળે છે. વાંદાને પ્રકાશ નથી ગમતો તેથી મોટે ભાગે તે રાત્રે જ બહાર નીકળે છે. રાત્રે લોકો ઘરમાં સૂઈ જાય અને લાઈટો બંધ થાય પછી જ અંધારામાં ખોરાકની શોધમાં વાંદા બહાર નીકળે છે. આપણે રાત્રે પાણી પીવા ઉઠીએ ત્યારે રસોડાની લાઈટ ચાલુ થતાં જ ચારે તરફ ફરતા વાંદા નાસભાગ કરે છે.
અરે, વાંદાની ચઢાઇથી ત્રાસીને કોઇએ પોતાનો ભવ્ય મહેલ જેવો આવાસ બદલવો પડયો હોય તો એ છે તુર્કીના પ્રમુખ એર્ડોગન. દાયકા પૂર્વે તેમણે વાંદાના ત્રાસમાંથી મુક્તિ મેળવવા ૩૯ અબજ રૂપિયા ખર્ચીને નવો આલિશાન મહેલ પોતાના માટે બનાવડાવ્યો હતો. ખાસ નોંધવા જેવી વાત એ છે કે મચ્છર, માંકડ, ઉંદર વગેરેનો ત્રાસ ગામડાં-શહેરોમાં સરખો જ હોય છે, જ્યારે વાંદાનો ત્રાસ ગામડાં કરતાં શહેરમાં વધુ હોય છે. તેનું મુખ્ય કારણ અન્ડરગ્રાઉન્ડ ગટર સિસ્ટમ છે. ગામડામાં ભૂગર્ભ ગટર હોતી નથી. ભૂગર્ભ ગટર વાંદાઓના વિકાસ માટે સૌથી અનુકૂળ સ્થળ ગણાય છે. ગટરોના ઢાંકણાં નીચે જ વિપુલ પ્રમાણમાં વાંદા ભરાઈ રહે છે.
બીજા જંતુના પ્રમાણમાં વાંદાનું પ્રજનન ચક્ર અતિ ઝડપી છે. એક વાંદો દર વરસે એક લાખ બચ્ચાં પેદા કરી શકે છે. જોકે આટલી પ્રજોત્પત્તિ વાસ્તવમાં થતી નથી. ચોમાસા દરમિયાન તેમનું પ્રજનન ચક્ર શરૂ થાય છે. દર મહિને વાંદા ઈંડા મૂકે છે. એક સાથે સરેરાશ ૩૦ થી ૩૨ ઈંડા મૂકે છે. શરૂઆતનો સમય માદા પોતાના પેટ સાથે જોડાયેલા થેલીમાં જ ઈંડા લઈને ફરે છે. ૧૫ થી ૭૨ દિવસ વચ્ચે ઈંડામાંથી સફેદ રંગના
વાંદા બહાર આવે છે ત્યારબાદ ઝડપથી તેનો રંગ બદલાય છે અને તે પુખ્ત વયનો બની જતાં દોડાદોડ શરૂ કરે છે. દરેક પુખ્ત વયનો વાંદો સરેરાશ ૪૦૦ દિવસ જીવે છે. કામોત્તેજક બનેલો વાંદો સિસોટી મારી માદાને બોલાવે. એ જ રીતે માદા નર વાંદાને આકર્ષવા શરીરમાંથી એક પ્રકારનો રસ કાઢે છે. 'ફેરોમોન્સ' તરીકે ઓળખાતા આ રસની ગંધથી નર વાંદો આકર્ષાય છે. માડાગાસ્કરમાં જોવા મળતા વાંદા સિસોટી વગાડે છે તે ૧૨ ફૂટ દૂર સંભળાય છે. માદા વાંદાના રસની સુગંધ નર વાંદો ૪૦ ફૂટ દૂરથી પારખી લે છે.
પેસ્ટીસાઈડ બનાવતી એક કંપનીના ઑફિસર જણાવે છે કે શહેરોમાં વાંદાનો ઉપદ્રવ ગેસ સિલિન્ડરથી પણ ફેલાય છે. દવા છંટાવીને ઘર જંતુમુક્ત કર્યું હોય તો પણ થોડા દિવસમાં વાંદા ઘરમાં દેખા દે છે. ગેસ સિલિન્ડરના તળિયે ચોટેંલા વાંદા એક ઘેરથી બીજા ઘેર જાય છે.
કોઈ પ્રસંગે જમણવાર યોજાયો હોય અને ત્યાં જમનારા લોકોને ફૂડ પોઈઝનિંગ થાય તો તેમાં મોટાભાગે ગરોળીને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ વાંદા ખોરાકી ઝેર ફેલાવવામાં એટલો જ ભાગ ભજવે છે. ગંદકીમાં મહાલતા વાંદા શરીર અને પગ પર અમીબા, ઈ-કુલી, સાલ મોનેલ્લા અને બીજાં કેટલાક પ્રકારનાં રોગિષ્ટ જીવાણું લઈને ફરે છે. ખોરાકની શોધમાં આમ તેમ ભટકતા હોય ત્યારે જ્યાં ત્યાં પગનો અને શરીર પરનો કચરો ઠાલવતા જાય છે. જે ટાઈફોઈડ, મરડો, કોલેરાથી માંડીને મગજની બીમારી પણ ઉપજાવી શકે છે. કેટલાંક વર્ષ પહેલાં બારમાં ધોરણમાં બાયોલોજી વિષયના અભ્યાસક્રમમાં વાંદાના ડિસેકશન (ચીર-ફાડ)નો સમાવેશ થતો હતો. ત્યારે કોલેજ સંચાલકો તરફથી પ્રતિનંગ આઠથી દસ રૂપિયાના ભાવે વાંદા ખરીદી થતી હતી.
વાંદાને મારવા સૌથી વધુ દવાઓ અમેરિકામાં શોધાઈ છે. સોડિયમ ક્લોરાઈડ, બોરાક્સ, સોડિયમ ફ્બુસિલિકેટ, રોટેનોન પાઈરેશ્રમ વગેરે પાવડર તેને મારવા માટે વપરાય છે. વાંદાને મારવાની દવાનો વર્ષે ૨૫૦ કરોડ ડોલરનો વેપલો થાય છે. કેટલીક અમેરિકન ગૃહિણીઓ રાત્રે ટોર્ચ લઈને અંધારામાં બેસી રહે છે. અવારનવાર ટોર્ચ ચાલુ કરીને જ્યાં વાંદા દેખાય ત્યાં ખાસ પ્રકારના ચોકથી કૂંડાળા કરે છે. ખાસ કરીને દીવાલોના તિરાડમાંથી વાંદાની મૂછ જેવા વાળ દેખાય તો ત્યાં મોટું કુંડાળું કરે. પછી દિવસે કુંડાળાવાળા ભાગ પર પાવડર છાંટે છે. ઈંચના સોળમાં ભાગ જેટલી બારીક તિરાળમાં એ ઘૂસી જઈ શકે છે. તાજેતરમાં વાંદાને મારવા માટે ક્લોરડેન, ડાઈલ્ડ્રેન અને માલાથિયોન નામની અક્સીર દવા શોધાઈ છે. કેટલાક લોકો વાંદાના દરમાં પીળા ફોસ્ફરસની પેસ્ટ બનાવીને લગાડે છે.
જીવશાસ્ત્રીઓને એક વાતની ઘણી નવાઈ લાગે છે અને ત્યાં તેઓ કુદરતને દાદ દે છે. એ છે વાંદાની ગજબનાક પ્રતિકારક શક્તિ. વાંદાની દરેક નવી પેઢી જુદી જુદી જંતુનાશક દવાથી 'ઈમ્યુન' બનીને જન્મે છે. દાખલા તરીકે અગાઉ વાંદા ડી.ડી.ટી. પાવડરથી મરી જતા. છેલ્લા દોઢ દાયકાથી તે ડી.ડી.ટી. પાવડર હજમ કરી જાય છે. નવી પેદાશમાં લોહીમાં રહેલું એન્ઝાઈમ ડી.ડી.ટી. ટૉક્સિક પદાર્થને બિનઝેરી બનાવી દેતું હતું. આ પ્રતિકારકશક્તિ વાંદાને કુદરતે આપેલી દેન છે.
અમેરિકન જીવશાસ્ત્રીઓ કહે છે મનુષ્ય પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યો તે પહેલાં વાંદા પૃથ્વી પર આવ્યા. તેમની નાબૂદીના તમામ પ્રયાસોનો તેમણે પ્રતિકાર કર્યો. કિરણોત્સર્ગની પણ તેમની પર કોઈ અસર થતી ન હોવાથી અણુયુધ્ધમાં કદાચ માનવજાતનું નિકંદન નીકળી જશે પણ વાંદાઓનું અસ્તિત્વ ટકી રહેશે એવું મનાય છે.
તો પણ અમેરિકામાં વાંદા સામે નવેસરથી જંગ શરૂ થયો છે. જંતુનાશક દવાની શોધ કરતા કેટલાક અમેરિકન વિજ્ઞાનીઓ એવું રસાયણ વિકસાવી રહ્યા છે જેથી વાંદાએ સજાતીય વૃત્તિ કેળવે એટલે કે હોમોસેક્યુયલ બની જાય તો એનું પ્રજનન અટકાવી શકાય. યેલે યુનિવર્સિટી ખાતે શોધાયેલી બીજી એક દવા વાંદાને જાતીય રીતે ખૂબ ઉશ્કેરે છે. તેના પરિણામે પાછળથી વધુ શિથિલ થઈને પ્રજનન કામમાં મંદ બની જાય.
વાંદાની વસતિ પર અંકુશ મૂકવા બીજી એક પધ્ધતિનું પણ સંશોધન ચાલી રહ્યું છે. 'હોર્મોનલ કંટ્રોલ' નામે ઓળખાતી આ નવી પધ્ધતિમાં વાંદાના શરીરમાંથી એવા પ્રકારનું હોર્મોન અલગ પાડવાની કોશિશ થઈ રહી છે જેના દ્વારા વાંદાના જાતીય જીવનનું નિયમન થતું હોય છે. મોટા પ્રમાણમાં આવા હોર્મોન્સ એકઠા કરી શકાય તો જંતુનાશક દવાને બદલે આવા હોર્મોન્સનો જ છંટકાવ કરી શકાય. એ હોર્મોન્સને કારણે વાંદાનો વિકાસ રુધાય અને વાંદા પ્રજનન કાર્ય માટે નકામા બની જાય.
વાંદાનું વંધ્યીકરણ કરવા માટે પણ સંશોધન ચાલી રહ્યું છે. તેમાં પ્રયોગશાળાની અંદર મોટા પ્રમાણમાં વાંદા ઉછેરીને પછી નર વાંદાઓનું એક્સ-રે રેડિએશન વડે વંધ્યીકરણ કરવામાં આવશે આવા વાંદા નપુંસક બની જશે તેથી નવી પ્રજાત્પત્તિ નહીં કરી શકે.
મુંબઈમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના બાયોલોજિકલ એન્ડ એગ્રિકલ્ચર ડિવિઝને વાંદાની વસતિ પર અંકુશ લાવી શકાય એ માટે અનોખા પ્રકારની પધ્ધતિ વિકસાવી છે. આ પધ્ધતિ હેઠળ એવી જાતના પરોપજીવી જંતુઓ શોધી કાઢવામાં આવ્યાં છે જે વાંદાના ઈંડાને ખોરાક બનાવીને ગુજારો કરે છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે માદા વર્ષમાં લાખથી વધુ બચ્ચાં પેદા કરી શકતી હોવા છતાં દર પાંચ-છ દિવસ માદા થોડા જ બચ્ચાં ઈંડા રૂપે જણે છે. વાંદાના દરની આસપાસ ઉછરતા કેટલાક પરોપજીવી જીવાણું વાંદાના ઈંડા ખાઈ જાય છે. આવા જીવાણું દરેક ઘરમાં છોડવામાં આવે તો વાંદાએ મૂકેલા બધાં જ ઈંડા સફાચટ થઈ જાય એટલે પેદાશ અટકતી જાય.
વાંદા મારવાની અને વાંદાની વસતિ અટકાવવાની દવા શોધનારા જીવશાસ્ત્રીઓ માને છે કે વાંદા સામેના વિગ્રહમાં મનુષ્યજાતિનો વિજય થશે જ એ હજુ ય ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કુદરત ફરીવાર કરામત કરે તો માનવીએ વાંદાની સાથે જ જીવવું પડશે. અત્યારે તો ગૃહિણીઓને તો એક જ સલાહ આપવાની કે ઘર શક્ય તેટલું સ્વચ્છ રાખી ખાદ્યપદાર્થોને વ્યવસ્થિત ઢાંકીને વાંદાનો ઉપદ્રવ ટાળી શકાય એટલો ટાળવો. બાકી જંતુનાશક દવાથી હંમેશાને માટે વાંદાના ત્રાસમાંથી મુક્તિ મળવાની નથી.








