Magazines

ઑરવવું, ગારવવું અને પાણત .

By GS TEAM
6 Jun 20264 mins read
ઑરવવું, ગારવવું અને પાણત                     .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- શહેરના માણસો એ.સી.ની ઠંડકમાં જે રોટલી-રોટલા મિષ્ટાન્ન આરોગે છે તેના ઉત્પત્તિસ્થાન અંગે જો વિચાર કરે તો, એના જન્મદાતા પ્રત્યે ભાવ જન્મે

કો ઈ એકાદ તરસ્યા માણસને, કોઈ એકાદ તરસ્યા ઝાડને અને કોઈ એકાદ તરસ્યા છોડને પાણી પાનારાં તમે જોયાં હશે. એ વખતે પાણી પીનાર અને પાનાર બંનેની ભાવસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે? પાનારની આંખોમાં, ચહેરા ઉપર કશુંક આપ્યાનો અને પાણી પીનારના ચહેરા ઉપર જે પરિતોષની રેખાઓ જન્મે છે એ સૃષ્ટિનો તંતુ ચલાવે છે કોઈક કોઇકનું ધ્યાન રાખે છે એ જ જીવન છે. આમ તો ઇશ્વર એ અર્થમાં સૌથી મોટો દાતા છે અને સૃષ્ટિ ઉપરના સકળ જીવોમાં લેવાની લાચારી છુપાયેલી હોય છે. ઇશ્વર વિરાટ પાણીતી છે.

આજે ખેતરમાં પાણી પીવડાવી ખેતરના છોડવાને જતનપૂર્વક જે ઉછેરે છે એ ખેડૂતની વાત કરવી છે. ત્રણ શબ્દો જાણીતા છે. ઑરવવું, ગારવવું અને પાણત. પાણી પાવાની ક્રિયા એ પાણત. પાણી પીવડાવનાર પાણતિયો અથવા પાણતી, પાણતીના ખભે પાવડો હોય. બોરનું કે કૂવાનું પાણી ઢાળિયા વાટે કે ભૂંગળાં વાટે ખેતરમાં આવે ત્યારે ક્યારા બાંધેલા ખેતરમાં પાણતી શું કરે છે? માટીનાં બારણાં ખોલે છે. પાણીને પ્રવેશ કરાવે છે. પછી ક્યારો ધરાઈ જાય એટલે પાવડા વડે એ માટીનાં બારણાં બંધ કરે છે. માટીનાં બારણાં ઉઘાડી ખેડૂત ખેતરના ચહેરા ઉપર જે ઉગાડ લાવે છે તે અનન્ય હોય છે. ફણગા ફૂટે છે. અંકુરો થાય છે. માટીમાંથી અંકુરો બહાર નીકળે છે - એવાં ખેતરોમાં તો ખેડૂતના ઉમંગોને અંકુર ફૂટેલા જોઈ શકાય. ધીરે ધીરે અંકુર વૃદ્ધિ પામે મીલી સેન્ટિમીટર ક્ષણે ક્ષણે વિકાસ થાય એ વિકાસમાં જીવના જીવનની વૃદ્ધિ છે. ખેડૂત જીવન બક્ષે છે - એને આપણે માત્ર પાણતિયો પાણી કરે છે એમ કહી વાત પુરી કરીએ છીએ. પાણત કરેલાં ખેતરો આહાર લીધેલા ઋષિ જેવાં દેખાય! પ્રસન્નતા જ પ્રસન્નતા ! કોરાં ખેતર અને પાણી કરેલાં ખેતરોને સાથે રાખીને જોઇએ તો વધારે સ્પષ્ટ રીતે આ વાતને સમજી શકાય. કોરાં ખેતરોમાંથી નિસાસાની વરાળો બહાર આવે છે ક્યારેક ભાવશૂન્યતા વરતાય છે, જ્યારે પાણી પાયેલાં ખેતરો દૂધ પીધેલાં, ધાવણ ધાવેલાં વાછરાં-(વાછરડાં) જેવાં હોય છે. વાછરડામાં જે ચૈતન્ય છે એ ધાવણનું છે. એવું જ ખેતરનું પણ છે - પાણી અને પાણતિયો બંનેને યશ આપવો જોઇએ.

ઘંટીમાં ઓરાય, મોંઢામાં ઑરાય અને પેટમાં ઑરાય એમ ગામડાનો ખેડૂત તો જાણે છે. 'ઑરવવું' - 'ગારવવું' શબ્દોનાં અર્થ પરત્વે 'સાર્થ જોડણી કોશ' મૌન છે ખેતરે સાવ પ્હેલીવાર ખેડીને લાંબા લાંબા પાળિયા કરી જે પાણી પવાય તે ઑરવવું. કેટલીક જગ્યાએ ગારવવું કહે છે. મૂળ તો 'ઓરવું' હશે. ઉમેરવું, અંદર નાખવું એવો અર્થ છે. પ્હેલી ખેડ પછી ખેતરમાં પાણી અપાય, ઉમેરાય તે ઑરવવું. 'ઓરણી' શબ્દ 'ચાવડું'નો પર્યાય છે એમાં પણ બીજ ઑરવામાં આવે છે. ઓરવાની ચીજ વસ્તુ અનાજ, બી વગેરે 'ઓરણી' દ્વારા ઓરવામાં આવે. ઓરવવુંમાં પાણી જમીનમાં ઊતરે છે. વસ્ત્રો સુકવવાની દોરીને વળગણી કહેવાય પણ ક્યારેક પણ ક્યારેક કોઈ જગ્યાએ તેને પણ 'ઓરવણી' કહે છે. ખેતરમાં પ્રથમ પાણી અપાઈ જાય, બી નાખ્યા પૂર્વે ભીનું કરેલા ખેતર તે ઓરવેલું કહેવાય. ઓરવવાની ક્રિયાને ઓરવણ કે ગારવણ કહે છે એ છુટ્ટુ પાણી ખેતરમાં જાય એટલે માટી ગારા જેવી થઇ જાય તેના ઉપરથી 'ગારવણ' કહેતા હશે કે શું? અનાજ બી, જમીનમાં નાખ્યા પૂર્વે જે સિંચાઈ થાય, પાણી અપાય તેનું મહત્ત્વ હોય છે. ચારે ખૂણે ખેતર પલળી જાય. પછી તડકો ખાય. ફરી ખેડાય પછી બી નંખાય. એવી લચપચ માટીની ગારનો ગોળો બબનાવ્યો હોય તેને ગારિયું કહે છે. કોઈ કામ ન કરે અને સમય જ પસાર કરે ત્યારે પણ 'ગારિયાં' કાઢે છે એમ કહે છે. 'ઓરવો' શબ્દ વહાણ ઊભા રહેવાની જગ્યા માટેનો છે. ગામડામાં 'ઑરવણ' અને 'ગારવણ' એકમેકના પર્યાય તરીકે ખેડૂતો બોલે છે. સમયસર ઑરવણ ગારવણ કરવાથી પછીનો મોલ તૈયાર કરવા પૂરતો વખત મળી રહે છે. ઑરવણ-ગારવણ કરનાર મજૂર કે ખેડૂતને 'પાણતી' કહે છે. 

પાણતિયો કેવી કેવી મુશ્કેલીઓ ભોગવે છે? તે પરત્વે કોઇની નજર ગઇ નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસું બધી જ ઋતુમાં તેનું કામ ચાલુ રહે છે. જ્યારે રાતની વીજળી અપાતી ત્યારે ખેડૂત અંધારી રાતે કેવી રીતે ખેતરમાં પાણી વાળતો હશે ? ફાનસનું ટમટમિયું હોય તો હોય, ક્યારેક ચાંદા-તારાને અજવાળે પણ પાણત કરતો હોય છે. હાડ થીજવી નાખે એવી ઠંડી હોય અને ભાદરવા જેવો તાપ હોય ત્યારે પણ રાતે પાણી કરનાર પાણતીને કશાની બીક લાગતી નથી. સુનકાર રાત્રિ, પક્ષીઓનાં ક્યારેક અવાજ કોઈ શિયાળ, નીલગાય કે ભુંડનો અવાજ તેને ચમકાવી જાય છે. 'ભૂત' જેવા શબ્દની એને જાણ હોય છે પણ એ કાઠો થઇ પાણત કરે છે. મનના કોઈ ખૂણે એને પણ ભૂતનો ડર તો લાગે છે. બીડી, ચલમ એનાં સાથીદાર બને છે. પાવડો એનું હથિયાર છે. માટી એની મા છે. માટીના સહારે કામ કરે જાય છે. ક્યારામાં અંકુરાતા છોડવા તેના આયખાની આશા છે અનાજના ખડકાતા ગંજેગંજમાં એનો હિસ્સો છે પણ ક્યાં કોઈ એને યાદ કરે છે?

શહેરના માણસો એ.સી.ની ઠંડકમાં જે રોટલી-રોટલા મિષ્ટાન્ન આરોગે છે તેના ઉત્પત્તિસ્થાન અંગે જો વિચાર કરે તો, એના જન્મદાતા પ્રત્યે ભાવ જન્મે. પાણતિયો અને પાણત અન્ન ઉત્પાદનની પ્રક્રિયાનો જબરજસ્ત હિસ્સો છે. આપણે પણ ઇશ્વરની કૃપાના પાણત દ્વારા જ જીવનની સફર પાર કરી શકીએ છીએ.