શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી? .

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન:
શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?
શું એ કરમાઈ જાય છે
તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
ને પછી વહેવા માંડે છે?
શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
ગળી ચાસણીની જેમ?
કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
બસ લચી પડે છે.
કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?
- લેન્ગ્સ્ટન હ્યુઝ (અનુ. : વિવેક મનહર ટેલર)
લેન્ગ્સ્ટન હ્યુઝનું સાહિત્ય આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલા દબાયેલા આત્માનો પડઘો પાડે છે. આ કવિતા વિશે અનુવાદક નોંધે છે, - 'હાર્લેમ' શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. સ્વપ્નની વાત આવે, પ્રગતિની વાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી.'
સ્વપ્ન એક એવી ચીજ છે જે દરેક માણસને અંદરથી જિવાડે છે. દરેકના મનના ખૂણામાં એક સપનું ફણગી રહ્યું હોય છે. કોઈને ગાયક બનવું હોય છે, કોઈને લેખક. કોઈ એક્ટર થવા માગે છે, તો કોઈને બિઝનેસનું મોટું સામ્રાજ્ય ઊભું કરવું હોય છે. કોઈને આખી દુનિયા ફરવી છે, તો કોઈને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય છે. પણ જીવનની સૌથી વિચિત્ર ઘટના એ છે કે લોકો પોતાનાં સપનાં જાતે મારી નાખે છે. ઘણી વાર મારવાં પડે છે. ક્યારેક સંજોગ જવાબદાર હોય છે, ક્યારેક અપૂરતા પ્રયત્નો.
સ્વપ્નને ટાળવામાં સૌથી કોમન વાક્ય છે એક જ છે, 'અત્યારે નહીં, પછી' અને આ 'પછી' ક્યારેય આવતું જ નથી. માણસ પોતાનાં સપનાંને ટાળે છે તેનું કારણ આળસ નથી, ભય છે. કઠોર પરિશ્રમનો નહીં, પણ પરિણામનો ભય મારી નાખે છે. તે વારંવાર વિચારે છે, મારાથી નહીં થાય તો? હું નિષ્ફળ જઈશ તો? લોકો હસશે તો? પરિણામે પોતાના જીવ જેવા વહાલા સ્વપ્નને તે કલ્પનાની બરણીમાં પૂરી દે છે. પછી કલ્પનામાં જ તે ફિલ્મનો હીરો બને છે, કલ્પનામાં જ એલન મસ્ક કે મુકેશ અંબાણી જેવો મોટો બિઝનેસમેન બનીને કરોડોનો બિઝનેસ કરે છે. પણ વાસ્તવિકતામાં તો ત્યાંનો ત્યાં જ હોય છે.
સપનાઓની સૌથી મોટી કરુણતા એ નથી કે તે પૂરાં નથી થતાં. મોટી કરુણતા તો એ છે કે તે આપણી અંદર જીવંત રહે છે. બહારથી બધું સામાન્ય દેખાય. નોકરી, પરિવાર, ઘર, સમાજમાં માન બધું જ હોય. છતાં મનના એક ખૂણામાં કોઈ અવાજ સતત બબડતો રહે છે કે, 'એ વખતે થોડો વધારે પ્રયત્ન કરી નાખ્યો હોય તો!' નિષ્ફળતા માત્ર એક ઘટના છે; પણ અફસોસ તો જીવનભરનો સાથી છે. તરછોડાયેલું સપનું જીવનભર વસવસાની વીણા વગાડયાં કરે છે. જે માત્ર આપણને જ સંભળાય છે.
જીવનના અંતિમ પડાવે પહોંચેલા લોકોના સંવાદોમાં એક વાત વારંવાર સાંભળવા મળે છે. તેમને તેમનાં કરેલાં કામોનો એટલો અફસોસ નથી હોતો જેટલો ન કરેલાં કામોનો હોય છે. કોઈ કહે છે કે કાશ સંગીત ન છોડયું હોત. કોઈ કહે છે કે કાશ સમયસર પ્રેમનો એકરાર કરી દીધો હોત. કોઈ કહે છે કે કાશ પોતાનો ધંધો ચાલુ કરી દીધો હોત. આ 'કાશ' મનમાં ત્રાસ આપતું રહે છે.
પ્રયત્ન પછી મળતી હારમાં એક આશ્વાસન તો હોય કે પ્રયાસ કર્યો'તો. હકીકતમાં માણસ સપનાઓને છોડતો નથી, બહાનાં નીચે દાટી દે છે. સમય નથી. પૈસા નથી. યોગ્ય તક નથી. પરિવારની જવાબદારી છે. પરિસ્થિતિ અનુકૂળ નથી. વગેરે. આમાંથી અમુક વાતો સાચી પણ હોય છે. પરંતુ દુનિયાના મોટાભાગનાં મહાન કામો અનુકૂળ પરિસ્થિતિમાં થયાં નથી.
સપનાઓનું પણ માણસો જેવું હોય છે. તમે તેને સતત અવગણતા રહો તો એ પણ તમને છોડીને જતું રહે છે.
લોગઆઉટ:
મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે'છે ઉત્તર,
વગડા કે'છે ચોર આ વસ્તી, પર્વત કે'છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી'તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.
- ગની દહીંવાલા








