સ્વામી રામ : તંત્ર-ઉપાસકના જીવનમાં સમાધિનો પહેલોવહેલો અનુભવ!

- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ
- 'મને સમાધિનો અનુભવ કરાવવાનું વચન આપ્યું હોવા છતાં હજુ સુધી કોઈ અનુભૂતિ થઈ નથી, ગુરુદેવ! બારને બદલે ઓગણીસ વર્ષ વીતી ચૂક્યાં હોવા છતાં કોઈ પ્રગાઢ અનુભવ થયો નથી.'
સ્વા મી રામ ભારતીય આધ્યાત્મિક વિશ્વમાં એક એવું નામ છે, જે અનેકાનેક સંવાદ અને વિવાદ બંનેનું કારણ રહ્યું છે. માત્ર આટલું જ નહીં, અધ્યાત્મજગત અને વિજ્ઞાનજગત વચ્ચેની ખૂટતી કડીઓ જોડવાનું ભગીરથ કાર્ય પણ એમના થકી જ થયું છે. આધુનિક વૈજ્ઞાાનિકોએ સ્વામી રામ પર કરેલાં પ્રયોગો થકી જાણ્યું કે કુંડલિની શક્તિ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કુંડલિની સહસ્રાર ચક્ર સુધી પહોંચે ત્યારે મગજ સંબંધિત આધુનિક ઉપકરણો પણ અમુક ચોક્કસ ગતિવિધિઓને પ્રણાલીમાં નોંધી શકે છે, એવું સાબિત કરનાર સંત એટલે
સ્વામી રામ.
શ્રીવિદ્યા તંત્રસાધનાનાં એક પ્રખર ઉપાસક હોવાની સાથોસાથ હિમાલયની સિદ્ધપરંપરા સાથે એમનો ગાઢ સંબંધ રહ્યો, પરંતુ જૂજ લોકોને એ વાતની જાણ છે કે માત્ર પાંચ વર્ષની ઉંમરે સ્વામી રામને એમના ગુરુ દ્વારા દત્તક લઈ લેવામાં આવેલા!
બાળક જો પૂર્વજન્મોનાં સંસ્કાર અને પુણ્ય પહેલેથી લઈને આવ્યું હોય, તો અને તો જ આટલી નાની ઉંમરે તેની આધ્યાત્મિક પ્રગતિ સંભવ બની શકે. એમના ગુરુએ વચન આપ્યું હતું કે બાર વર્ષની અંદર સમાધિનો અનુભવ થશે. પાંચ વર્ષના બાળકને સમાધિ એટલે શું વળી, એ તો કદાચ ખબર ન હોય પરંતુ ગુરુએ કહ્યું એટલે સમર્પણભાવ સાથે એક પછી એક સાધના કરવાની શરૃઆત કરી.
એક, બે, ત્રણ, ચાર... અમ કરતાં કરતાં બાર વર્ષ વીતી ગયાં! સ્વામી રામ હવે સત્તર વર્ષના જુવાનજોધ યુવાન બની ચૂક્યા હતા અને નિરંતર ગુરુસેવાની સાથોસાથ સાધનાનાં માર્ગે અગ્રેસર હતા, પરંતુ હજુ સુધી એમને સમાધિનો કોઈ અનુભવ નહોતો થયો. એમણે વધુ સમય રાહ જોવાનું નક્કી કરીને સાધના કરવાનું ચાલુ રાખ્યું.
જોતજોતામાં બીજા સાત વર્ષ વીતી ગયાં અને હવે સ્વામી રામ ચોવીસ વર્ષની ઉંમર વટાવી ચૂક્યાં હતાં. અંતે, ધીરજ ખૂટયાં બાદ તેઓ એક દિવસ પોતાના ગુરુની ગુફામાં ગયા અને ફરિયાદનાં સ્વરે કહ્યું, 'મને સમાધિનો અનુભવ કરાવવાનું વચન આપ્યું હોવા છતાં હજુ સુધી કોઈ અનુભૂતિ થઈ નથી, ગુરુદેવ! બારને બદલે ઓગણીસ વર્ષ વીતી ચૂક્યાં હોવા છતાં કોઈ પ્રગાઢ અનુભવ થયો નથી.'
ગુરુએ કહ્યું, 'તારે હજુ વધારે સમય આપવાની જરૃર છે. સાધના કરવી પડશે.'
સ્વામી રામાએ અનેક દલીલો કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ ગુરુનું વલણ સ્પષ્ટ હતું.
'તારે હજુ તપવાનું બાકી છે, તું હજુ પણ સંપૂર્ણપણે તૈયાર નથી થયો સમાધિ માટે!'
આ સાંભળીને સ્વામી રામ વધુ હતાશ-નિરાશ થઈ ગયા. ભાવાવેશમાં આવીને એમણે નિર્ણય કરી નાખ્યો અને ગુરુને કહ્યું, 'ઠીક છે, તો પછી હું ગંગામાં ડૂબકી મારવા જઈ રહ્યો છું. જળમાં ગરકાવ થઈને હું મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ.'
ગુરુ પણ ગાજ્યા જાય એવા નહોતાં. એમણે સામે કહ્યું, 'સારું! પણ એક કામ કરજે. ગંગામાં ડૂબકી માર્યા પછી તારો નિર્ણય બદલી ન જાય એ માટે પીઠ પર ભારે ભરખમ શિલા બાંધીને કૂદકો મારજે; જેથી પછીથી નદીની બહાર આવવાની ઈચ્છા થાય કે પછી સંકલ્પશક્તિ નબળી પડે તો પણ તારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન બચ્યો હોય.'
આ સાંભળીને સ્વામી રામ વધુ આક્રોશે ભરાયા. મનમાં ધુઆંપુઆં થતાં થતાં તેઓ પોતાની જાત સાથે સંવાદ સાધી રહ્યાં હતાં, 'આ તે વળી કેવા ગુરુ? ભવસાગરમાંથી પાર ઉતારવાની વાત કરવાને બદલે સામે ચાલીને પોતાના શિષ્યને આત્મહત્યા કરવાની સલાહ આપી રહ્યા છે. જો આમ જ કરવું હતું, તો પછી મને દત્તક કેમ લીધો? ખોટા વચન કેમ આપ્યા? સમાધિના નામે છેતરામણી લાલચ કેમ આપી?'
સ્વામી રામ હવે આક્રોશમાં આવી ચૂક્યાં હતાં. એમણે પોતાના નિર્ધારને વધુ દ્રઢ બનાવ્યો. ગુરુને અંતિમ વખત પ્રણામ કરીને તેઓ આત્મહત્યા કરવાના મજબૂત નિર્ણય સાથે ગુફાની બહાર જવા માટે નીકળ્યાં કે તરત...
(ક્રમશઃ)








