પર્યુષણનાં રહસ્યો અને આપણી અધ્યાત્મયાત્રા

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- આત્માની ઉપાસનાની વિસ્મૃતિ અને આત્માથી દૂર રહેલો માણસ પરમાત્મા સુધી પહોંચી શક્તો નથી, ત્યારે પર્યુષણનું ચોથું પગથિયું કહે છે કે સર્વથા આત્માની અને પરમાત્માની ઉપાસના કરવી
પ ર્વો અને તહેવારો આનંદભેર ઉજવવામાં આવે છે, પણ એ તહેવારની મૂળ ભાવના અને એનું રહસ્ય ઘણીવાર ભૂલાઈ જાય છે. ક્યારેક એને પરિણામે જન્માષ્ટમી જેવો તહેવાર કે જેમાં શ્રીકૃષ્ણએ અન્યાય અને અનાચારથી ભરેલા જગતમા જન્મ લઇને સત્ય અને ધર્મનો પ્રકાશ પાથર્યો, તે જુગારાષ્ટમી બની ગયો છે. આથી સૌથી મહત્ત્વની વાત એ છે કે તહેવારની પાછળ રહેલી ભાવનાને જાણવી જોઇએ અને તહેવારનાં દિવસો દરમિયાન એનું વિવેકપૂર્ણ આચરણ કરવું જોઇએ. વિશ્વનાં ચારેય ખંડોમાં જૈન ધર્મનાં પર્યુષણ પર્વ દરમિયાન આધ્યાત્મિક પ્રવચનોની યાત્રા સમયે આ ભીતરની ભાવના પર સદાય ભાર મૂક્યો છે અને એ પ્રમાણે પર્યુષણ પર્વની ઉજવણી કરવાનો અનુરોધ કર્યો છે. આથી તો એન્ટવર્પ જેવા શહેરમાં વસતો જૈનસમુદાય મહાવીર જન્મવાચનનાં દિવસે સૌથી વધુ તપ કરનારને સપના ઉતારવાનું સન્માન આપે છે.
તો ક્યાંક અડધોઅર્ધ બોલીઓ અગાઉથી નક્કી થઇ જાય છે, જેને પરિણામે ખૂબ ઓછી બોલી કરીને મહાવીર જન્મની ઉજવણી થાય છે. જગતમાં આવા પ્રયોગો મેં (કુમારપાળ દેસાઈ) કર્યા, ત્યારે એક નવી ભાવના એ જોવા મળી કે લોકો વધુને વધુ તપશ્ચર્યા અને ધર્મજ્ઞાન તરફ વળી રહ્યા છે. આજ સુધી પર્યુષણના અર્થનો ભાગ્યે જ વિચાર કરવામાં આવ્યો છે, ત્યારે અષ્ટમંગલનાં સંદર્ભમાં પર્યુષણની જુદાં જુદાં ગ્રંથોમાં પ્રાપ્ત થતી આઠ વ્યાખ્યાઓ લઇને આપણે વિચાર કરવાનો પ્રારંભ કર્યો છે.
એની પહેલી વ્યાખ્યા परिसमन्तात् उप-समीपे, समं मनो यस्यां सा पर्युसमना કહે છે કે જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે સર્વ પરિસ્થિતિમાં સમભાવ રાખવો, કારણ કે આપણા ભૂતકાલીન અને વર્તમાનકાલીન શુભ-અશુભ કર્મોનાં ફળ રૂપે જ અનુકૂળતા અને પ્રતિકૂળતા સાંપડતી હોય છે. એ પછી પર્યુષણની બીજી વ્યાખ્યા છે 'પર્યુપશમના' ગ્રંથો કહે છે परिसमन्तात् उपसमर्न એટલે કષાયોનું ઉપશમન કરવું. 'કષ્' એટલે સંસાર અને 'આય' એટલે લાવનારા.
જીવનમાં માનવી ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોથી ઘેરાયેલો રહે છે અને એમાં પણ ક્રોધ એ તો આખા કુટુંબમાં આગ સળગાવનારો બને છે અને તેના ઉદાહરણ રૂપે આપણે ચંડકૌશિક સર્પની કથા જાણીએ છીએ. ક્રોધને કારણે એની કેવી દશા થઈ. પૂર્વ ભવમાં એ ઉગ્ર તપસ્વી હતો, છતાં ક્રોધના આવેશમાં આવીને શિષ્યને મારવા દોડયા અને થાંભલા સાથે અથડાઈને કાળધર્મ પામ્યા. ત્યારબાદ કેટલાંક ભવ પછી એ ચંડકૌશિક પાંચસો તાપસના સ્વામી તરીકે આશ્રમમાં સાધુ રૂપે વસતા હતા. એમના ઉદ્યાનમાં કેટલાંક રાજકુમારો ફલ તોડતાં હતાં અને તેઓ કુહાડી લઇને દોડયા, પણ વચ્ચે કૂવો ન દેખાયો અને ઊંધે કાંધ પડેલા ચંડકૌશિક તાપસના માથામાં કુહાડી વાગી અને મૃત્યુ પામ્યા.
જુઓ, કેવી ઉત્તરોત્તર દુર્દશા થાય છે. એ પછી ત્રીજા ભવમાં દ્રષ્ટિવિષ સર્પ તરીકે જન્મ્યા. આનો અર્થ એ થયો કે પહેલા સાધુના ઉપાશ્રયમાં હતા, એ પછી તાપસનાં આશ્રમમાં ગયા અને અંતે ઘનઘોર, જંગલમાં વનમાં વાસ કરવો પડયો. પહેલા વૃદ્ધાવસ્થામાં, પછી યુવાનીમાં અને છેલ્લે તો જન્મથી જ સર્પ તરીકે એમનો જીવ ક્રોધિત રહેતો હતો. પહેલા રજોહરણ લઇને શિષ્યને મારવા દોડયા હતા, પછી કુહાડીથી રાજકુમારોને મારવા દોડયા અને છેલ્લે સર્વવિનાશક દ્રષ્ટિવિષથી પ્રભુ મહાવીરને ડંખ આપ્યો. આમ ક્રોધને કારણે માનવીની કેવી દુર્દશા થાય છે તે અહીં જોવા મળે છે.
'દસવૈકાલિકસૂત્ર' (૯-૩૮) નામના આગમગ્રંથમાં કહેલી આ વાત સહુએ આ પર્વ દરમિયાન ધારણ કરવા જેવી છે. એમાં
કહ્યું છે,
ઉવસમેણ હણે કાહં - ઉપશમથી ક્રોધને નષ્ટ કરો
માણં મદ્દવયા જિણે - મૃદુતા દ્વારા માનને જીતો
માયં ચ ડજ્જવભાવેણ - સરળતા દ્વારા કપટભાવ દૂર કરો
લોભં સંતોસઓ જિણે - સંતોષ વડે લોભ પર વિજય મેળવો
અને અહીં બીજા અષ્ટમંગલ શ્રીવત્સની વાત કરીએ તો તીર્થંકરોનાં હૃદયમાં સ્થાન પામેલ શ્રીવત્સ દ્વારા એમના હૃદયમાં રહેલી સમસ્ત જીવો પ્રત્યેની નિષ્કામ કરુણા-પ્રેમનું સૂચન મળે છે અને આપણા જીવનમાં પણ જીવો પ્રત્યેના દ્વેષભાવ આદિ દૂર કરીને સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાનો ઉપદેશ આપે છે.
પર્વાધિરાજ પર્યુષણનું ત્રીજું પગથિયું છે, 'ક્ષમા દ્વારા આત્મોન્નતિ સાધવાની' આને માટે પર્યુપક્ષમણા શબ્દ પ્રયોજાયો છે. पर्युपक्षमणा परिस्मन्तात् उपसमीपे क्षमणा क्षमा पर्युपक्षमणा - જે કોઈને પીડા પહોંચાડી હોય તેની પાસે જઇને અર્થાત્ સામીપ્યવૃત્તિ રાખીને ક્ષમાયાચના કરવી જોઇએ. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈપણ પ્રાણી પ્રત્યે કોઈ દોષ થયો હોય તો એના નિવારણ અર્થે હૃદયપૂર્વકની ક્ષમા માગવી જોઇએ. આ શા માટે ? તો આપણી પાછળ લાગેલો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મોને કારણે માનવી સંસારમાં પરિભ્રમણ કરે છે.
આમ ક્ષ એટલે ગાંઠ અને મા એટલે મારવી. આમ મનમાં રહેલી વેર અને દ્વેષની ગાંઠને દૂર કરવી તેનું નામ ક્ષમા. પરિણામે,
ક્ષમા શસ્ત્ર છે મૈત્રીનો વિકાસ સાધવાનું
ક્ષમા મંત્ર છે આધ્યાત્મિક ઉજ્જવળતાનો
ક્ષમા ઉત્તેજનામાંથી શાંતિ તરફ લઇ જાય છે.
ક્ષમા સ્ત્રોત છે અહંકાર વિસર્જનનો
ક્ષમા જ્યોત છે પરિવારના સૌહાર્દની
ક્ષમા અહંકારમાંથી વિનમ્રતા તરફ લઇ જાય છે.
ક્ષમા અમૃત છે આ અવનિનું
ક્ષમા દ્વાર છે ધર્મના મહાલયનું
ક્ષમાનું રસાયણ માનવને મહામાનવ બનાવે છે.
ક્ષમા સ્વમાંથી પરમાં જાગવાની પ્રેરણા આપે છે.
આવી ક્ષમા તમને જોવા મળશે આચાર્યશ્રી ચંડરુદ્રાચાર્યના ચરિત્રમાં. જેઓ પોતાના વૃદ્ધ ગુરુને ખભે બેસાડીને વિહાર કરતા હતા, ત્યારે ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતા એમણે ચંદ્રરુદ્રાચાર્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો, પરંતુ જ્યારે ગુરુને ખ્યાલ આવ્યો કે પોતાના આ શિષ્યને કેવળજ્ઞાન થયું છે, ત્યારે શિષ્યને પગે પડી ક્ષમાયાચના કરી. આ રીતે ત્રીજું અષ્ટમંગલ નંદ્યાવર્તનું છે, જે માનવીને સતત અધ્યાત્મ માર્ગે ધીરજ ગુમાવ્યા વિના આગળ વધવાનો સંદેશ આપે છે.
અહીં ત્રીજું અષ્ટમંગલ નંદ્યાવર્તનું સ્મરણ થાય. જે મધ્યમની ધરી દ્વારા ગોળ ગોળ ફરાવનો ભાવ ધરાવતો નંદ્યાવર્ત માનવીને સતત આધ્યાત્મિક માર્ગે આત્મોન્નતિના પંથે હિંમત હાર્યા વિના પ્રગતિશીલ અને અગ્રેસર બનવાનો સંદેશ આપે છે. જે પ્રભુ મહાવીરે અપ્રમાદથી આપ્યો.
હવે પહોંચીએ પર્યુષણના ચોથા સોપાને અને ચોથું સોપાન એટલે કે ચોથી વ્યાખ્યાનો અર્થ છે परिसमन्तात् उपासना 'પર્યુપાસના' શબ્દનું પ્રાકૃત ભાષામાં 'પજ્જોસણા' શબ્દથી રૂપાંતર બને છે. પરિ સમન્તાત્ ઉપાસના કરીશું? કોની ઉપાસના ? શરીરની ઉપાસના, શણગારની ઉપાસના, સ્પર્ધાની ઉપાસના, સંગ્રહની ઉપાસના. હકીકતમાં આત્માની ઉપાસનાની વિસ્મૃતિ અને આત્માથી દૂર રહેલો માણસ પરમાત્મા સુધી પહોંચી શક્તો નથી, ત્યારે પર્યુષણનું ચોથું પગથિયું કહે છે કે સર્વથા આત્માની અને પરમાત્માની ઉપાસના કરવી. આત્માની ઉપાસનાના માર્ગેથી જ પરમાત્માનું દર્શન થઇ શકે. 'જે એગં જાણઈ, તે સવ્વં જાણઈ' - એણે સર્વ પ્રકારે આત્માની આરાધના કરવી જોઇએ જેથી એ પરમાત્માની નજીક પહોંચી શકે. આ સંદર્ભમાં અનાથી મુનિ અને સમ્રાટ સંપ્રતિનું હૃદયસ્પર્શી દ્રષ્ટાંત હવે પછી જોઈશું.









