Magazines

મૈત્રી : ભરતી-ઓટ વિનાનો મહાસાગર

By GS TEAM
2 Aug 20252 mins read
મૈત્રી : ભરતી-ઓટ વિનાનો મહાસાગર

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

પ્રેમ હોય કે મૈત્રી, બે જીવ હંમેશા અલગ હોય છે. પણ જ્યારે તેઓ પરમને એકલા પામી નથી શકતા ત્યારે તેઓ સાથે હાથ ઊંચા કરે છે.

- ખલીલ જીબ્રાન

આપણી માનવ જાતની એક કમનસીબી છે. તેણે મૈત્રીની જેટલી અદભુત વ્યાખ્યાઓ આપી છે તેટલી જ અદભુત મૈત્રીના ખાસ દ્રષ્ટાંતો નથી આપ્યા. તમે જુઓતોે વરસના ત્રણસો પાંસઠ દિવસોમાં મૈત્રીનો દિવસ તો એક જ : ૩ ઓગસ્ટ. આ આક્રમક જગતને તો પળે-પળે મૈત્રીની જરૂરિયાત છે. 

વિશ્વમાં કેટલીક ચેતનાઓ માત્ર પ્રેમ-મૈત્રી જેવી ઋજુ સંવેદનાઓ જીવવા જ આવેલી. તેમાંની શિરમોર એટલે ખલિલ જિબ્રાન. (૧૮૮૩-૧૯૩૧) તે જીવ્યો માત્ર અડતાલીસ વર્ષ પણ પળે-પળે સદીઓ જેવું સર્જ્યું અને જીવ્યો. તેનું જીવન પ્રેમ મૈત્રીનું જ્યોતિર્મય દ્રષ્ટાંત છે. તેને એક બાર્બરા યંગ નામની કવિયત્રી મિત્ર હતી. જીબ્રાનના જીવનના છેલ્લા દિવસો અને શ્વાસોની તે સાક્ષી હતી. તે દિવસોના તેમની વચ્ચેના એક સંવાદમાં મૈત્રીની ઊંડાઈ અને ઉંચાઈની આપણને ભાળ મળે છે.

જીબ્રાન તેને પૂછે છે 'વિશ્વના શબ્દકોશમાંથી તારે જો માત્ર સાત શબ્દો જ બચાવવાના હોય તો તું ક્યા શબ્દો બચાવીશ ?' ત્યારે બાર્બરા યંગ કહે છે, 'ઈશ્વર, જીવન, પ્રેમ, સૌદર્ય, પૃથ્વી અને...' તેણી બોલતા અટકી ગઈ અને પછી જીબ્રાનને કહે, 'બાકીના બે શબ્દો તું આપ...' ત્યારે જિબ્રાન કહે છે, 'તું સૌથી વધુ મૂલ્યવાન એવા બે શબ્દો તો ભૂલી ગઈ. તેના વિના અન્ય શબ્દો તો નિરર્થક છે - નિર્બળ છે. તું અને હું.'

આ સાત શબ્દો નથી પણ મૈત્રી વિશ્વના સાત આલોક છે. આ મૈત્રી મેટા કે સુપર મેથ્સ છે; જો તેમાં બેમાંથી એકની પણ બાદબાકી થાય તો કોઈ વધુતું નથી - કાંઈ બચતું નથી. મિત્ર કે મૈત્રી પામીએ એટલે જીવન યાત્રાનો અંત નથી આવતો પણ ત્યારે આરંભ થાય છે. એક મેકની આંખો મળી અને હાથ પકડયા તે પ્રારંભ છે. સંબંધ થકી તો લંબાઈ અને પહોળાઈ મળે છે પણ જ્યારે તેમાં ઊંચાઈ અને ઉંડાઈ ઉમેરાય છે ત્યારે મૈત્રી ખીલે છે. જીબ્રાન તો કહેતો કે તમારો મિત્ર એ તમારી ઝંખનાઓ, પ્રાર્થનાઓ અને અભિપ્સાઓનો પરમ અસ્તિત્વે આપેલો ઉત્તર છે. અલૌકિક મિત્ર થકી તો આપણે જીવન આસ્થા અને પરમની આસ્તિકતા પામતા હોઈએ છીએ. તે બાર્બરાને કહેતો 'આપણે મિત્રો છીએ. મારે તારી પાસેથી અને તારે મારી પાસેથી કશું નથી જોઈતું. આપણે તો માત્ર જીવન વહેંચીએ છીએ.'

મૈત્રીમાં આપણે; ચાલતી વખતે પૃથ્વી, શ્વસતી વખતે વાયુ, નિખરતી વખતે આકાશ, વહેતી વખતે જલ વહેંચીએ છીએ.