શું આંચલ અનુપકુમાર માટે કલ્પવૃક્ષ સમાન હતી?

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- અનુપકુમાર ખુશ થાય એવું નવું પગલું આંચલે કયું ભર્યું ? એણે અધિકાર રૂપી રાવણની મંદોદરી નહોતું બનવું.
અ દાના પપ્પા અનુપકુમારને બ્લડ કેન્સર છે. ડૉક્ટરે કહ્યું છે કે એ થોડા દિવસના મહેમાન છે. પણ અનુપકુમારની જિજીવિષા ખૂબ જ વધી ગઈ છે. એ હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં પોતાના પલંગ પર ઊભા થઈ જાય છે અને ઘાંટા પાડીને કહે છે : 'ના મારે નથી મરવું, યમદેવ. આપની પાસે પણ ન્યાય નથી. હજી પરણ્યે આઠ વર્ષ માંડ થયાં છે, ત્યાં તમે મારા તેડાની તૈયારી કરી દીધી ? મારે જિંદગીને ભરપૂર માણવી હતી. મારી દીકરી અદા હજુ માંડ પાંચ વર્ષની છે. અને મારી પત્ની આંચલ માંડ અઠ્ઠાવીસની. એમને નોંધારાં મૂકી મને સ્વર્ગ મળે તો પણ મારે નથી જોઈતું. મારી પત્ની આંચલ માણસ નથી, દેવી છે. ભગવાનજીએ ઠાંસી ઠાંસીને સદ્ગુણો એનામાં ભર્યા છે. અને અદા, એને મૃત્યુ શું છે, એનો ખ્યાલ પણ નથી. એટલે જ મેં જિદ કરવાનું નક્કી કર્યું છે.'
એટલામાં આંચલ હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં પ્રવેશે છે. નાનકડી અદા કૂદકો મારીને અનુપકુમારને ગળે વળગી પડે છે. વાતાવરણ હળવું કરવા આંચલ પૂછે છે : 'અનુપ, તમે શાની જિદ કરવાનું નક્કી કર્યું છે ?'
પત્નીના શબ્દો સાંભળીને અનુપકુમારને જે કહેવું હતું તે કહેવાનો મોકો મળી જાય છે. અનુપકુમાર કહે છે : 'આંચલ, આજ સુધી તેં મારી એક પણ ઇચ્છા અધૂરી રાખી નથી. કેટલાંક લોકો કલ્પવૃક્ષ જેવાં હોય છે. માગનારને નિરાશ ન કરવા એને તેઓ ધર્મ માને છે. આવા ધર્મિષ્ઠ લોકો પૈકીની તું એક છે. હું ઇચ્છું છું કે ભવોભવ તું જ મને પત્ની તરીકે મળે.'
'તમારી લાગણી અને ભાવનાની હું કદર કરું છું, અનુપ. પણ મને એ તો કહો કે કલ્પવૃક્ષ તરીકે મારે તમારી કોઈ ઇચ્છા પૂરી કરવાની છે ?' - આંચલે ભોળાભાવે પૂછ્યું.
'આંચલ, મને પહેલાં વચન આપ, પછી હું મારી ઇચ્છા પ્રદર્શિત કરીશ.' અનુપકુમાર આંચલને બાંધી લેવાનો પેંતરો રચે છે.
'જાવ, આપ્યું વચન. બસ, હવે તો કહો.' આંચલે ઉત્સાહપૂર્વક કહ્યું.
'આંચલ તને ખબર છે ને કે આપણી વહાલી દીકરી અદા અને તારામાં મારા પ્રાણ અટક્યા છે. તમારા બન્ને પ્રત્યેના અગાધ પ્રેમને કારણે મેં તમને બન્નેને પરાવલંબી બનાવી દીધાં છે. તમે પાણી માગ્યું તો મેં દૂધ હાજર કર્યું છે. તારી પસંદ નાપસંદથી હું બરાબર પરિચિત છું. ઘરનું પ્રોવિઝન લાવવું, અદાનાં નવાં-નવાં વસ્ત્રો લાવવાં, લેઈટેસ્ટ ફેશનના ડ્રેસ લાવવા... આ બધું મારા જીવનનો એક ભાગ બની ગયો હતો. હવે તું જ કહે, મારી ગેરહાજરીમાં તમારા બન્નેની શી દશા થાય ? એટલે જ મને વચન આપ કે...' અનુપકુમાર અટકી જાય છે.
'હે હું એક સારી આયાબહેન રાખી લઉં જે અદા અને આપણા ઘરને સંભાળી શકે એમ જ ને ?' આંચલે કહ્યું.
'અરે બુધ્ધુરામ, અઠ્ઠાવીસ વર્ષની થઈ, પણ બીજાના મનનો મર્મ પારખતાં ન શીખી. આયા રાખવા માટે હું વચન માગું એવો ભોટ છું ?' અનુપકુમારે હસતાં હસતાં કહ્યું.
'તમારા પપ્પાએ બુધ્ધુને પુત્રવધૂ બનાવી, પછી એની પાસે શી અપેક્ષા રખાય ?'
'તો મારી શાણી પત્ની, મને વચન આપ કે મારા અવસાન પછી તું વહેલી તકે લગ્ન કરી મારી વહાલી પુત્રી અદા માટે નવા પપ્પા લાવીશ. જીવન એક બગીચો છે. માળીની જગ્યા ખાલી પડે એટલે બગીચાનો નવો માળી નીમવો જ પડે. મારી માગણીમાં કશું અનુચિત નથી. અને તેં મને વચન પણ આપ્યું છે' કહી અનુપકુમારે વચન માટે હાથ લંબાવ્યો.
પણ એની સામે જ આંચલ ચક્કર ખાઈને ભોંય પર પટકાઈ અને પડતાંની સાથે જ બેહોશ થઈ ગઈ. અનુપકુમારે જોરથી ચીસ પાડી, નર્સ-ડૉક્ટર દોડી આવ્યાં. ડૉક્ટરે બીજા પલંગ પર આંચલને સુવાડી. બ્લડ પ્રેશર ચેક કર્યું અને અનુપકુમારને કહ્યું, 'મિ. અનુપકુમાર, ચિંતા ના કરશો. થોડીવારમાં આંચલબેન હોશમાં આવી જશે. તેઓ અત્યંત લાગણીશીલ અને ભાવુક છે. કેમ કરતાં તમને સાજા કરી શકાય, એની કલાકો સુધી મારી સાથે ચર્ચા કરે છે. તમને સારવાર માટે પરદેશ લઈ જવા સુધીની એમની તૈયારી છે. મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ પત્ની તરીકેનો ઇલકાબ આપવો હોય તો તમારાં પત્ની આંચલબેનને જ આપવો જોઈએ. એમને દુ:ખ કે આઘાત પહોંચે એવી વાત કરવાનું ટાળજો.' ડૉક્ટર એમ કહીને વિદાય થયા.
પોતાના ડૂસકાંથી આંચલ જાગી ન જાય એટલે મોં પર રૂમાલ રાખી અનુપકુમાર રડતાં રહ્યા. એકાદ કલાક પછી આંચલે આંખ ખોલી. એટલામાં પોતાના મામા સાથે બહાર ચોકલેટ લેવા ગયેલી અદા આવી પહોંચે છે. અને તેના પપ્પા અનુપકુમારના ખોળામાં બેસી પૂછે છે : 'પપ્પા, તમને આ લોકો ઘેર કેમ આવવા દેતા નથી. તમારા વિના મને જરાપણ ગમતું નથી. હવે હું તમારી સાથે અહીં જ રહીશ. ખરૃંને મમ્મી ?'
રાત્રે આંચલના ભાઈ હૉસ્પિટલમાં રોકયા હતા એટલે આંચલે અદાને લઈને ઘેર જવાની તૈયારી કરી. પણ અદા પોતાના પપ્પાને છોડીને જવા તૈયાર નહોતી. એટલે આંચલ રડવા લાગી. આંચલને રડતી જોઈને અદાએ કહ્યું : 'મમ્મી, તું રડીશ નહીં. હું તારી સાથે ઘરે આવું છું બસ. મને પપ્પા વગર રાત્રે ઊંઘ આવતી નથી એટલે હું અહીં રોકાવાની જીદ કરું છું.'
'અદા બેટા, એકલા રહેવાની ટેવ પણ પાડવી જોઈએ. માન કે હું લાંબા ગાળા માટે પરદેશ જાઉં તો તારી મમ્મી મને થોડી જ રોકી શકે ?' અનુપકુમારે કહ્યું. તેમણે અદાના મામાને કહ્યું કે 'અદાને અને આંચલને કેન્ટીનમાં જમાડી દો, અને તમે પણ જમી લેજો.'
અદાએ કહ્યું : 'લો મોટાં બોલ્યા, અદાને કેન્ટિનમાં જમાડી દો. પપ્પા, બે દિવસ થયા, તમારા વગર હું નથી જમી કે નથી દૂધ પીધું. મમ્મી પૂછે ત્યારે હું જુઠ્ઠું કહેતી કે મેં જમી લીધું છે. અને પપ્પા મમ્મી પણ ક્યારે જમે છે તે મને ખબર નથી. પપ્પા, તમે પહેલાં જમી લો પછી અમે બધાં કેન્ટિનમાં જમવા જઈશું.'
અનુપકુમારે બારી બહાર નજર કરી. આકાશમાં વાદળોની વણઝાર હતી. ચંદ્ર ઢંકાઈ ગયો હતો. એક ઊંડો નિસાસો અનુપકુમારથી નંખાઈ ગયો અને વિચારવા લાગ્યા 'સંતો કહે છે કે આ સંસાર અસાર છે. સગાં-વહાલાં નો સંગ નકામો છે. પણ આ કથન દરેકને કેવી રીતે લાગૂ પડી શકે ? જેમને મન-હૃદય ઠારે એવો પ્રેમ માણવા મળ્યો હોય એને માટે તો આ સંસાર નિરર્થક નહીં પણ સાર્થક જ છે. હું ભાગ્યશાળી છું, પણ ભાગ્ય લૂંટારાની ભૂમિકા ભજવી રહ્યું છે.'
હૉસ્પિટલમાંથી ભોજન પિરસાયું. અદાએ પોતાના નાનકડા હાથે પપ્પાને કોળિયા ભરાવ્યા. પછી મામા સાથે કેન્ટિનમાં જમવા વિદાય થઈ. અને પછી મમ્મી આંચલ સાથે ઘેર જવા તૈયાર થઈ.
રાતના બે વાગે અનુપકુમારની તબિયતે પલટો લીધો. ડૉક્ટરોએ ખાસ્સી મહેનત કરી પણ તેઓ અનુપકુમારને બચાવી ન શક્યા.
ભાઈનો ફોન આવતાં જ આંચલ દોડી આવી. અનુપકુમારના મૃતદેહને જોઈ તે ભાંગી પડી. શબવાહિની આવી પહોંચી હતી.
સ્ટ્રેચરમાં અનુપકુમારના મૃતદેહને શબવાહિની તરફ લઈ જવાતો હતો, ત્યારે નિષ્પાપ અદાએ કહ્યું : 'થેન્ક યુ, મમ્મા. પપ્પાને ઘેર લઈ જવાની મારી ઇચ્છા તમે પૂરી કરી.' ત્યારે આંચલ અશ્રુધોધ ન રોકી શકી.
બધી જ ઉત્તરક્રિયા પતી. પપ્પાના મૃત્યુની વાત હવે અદાને સમજાઈ ગઈ હતી. અનુપકુમારના અસ્થિવિસર્જન માટે જવાનું આંચલે નક્કી કર્યું. પોતાના ભાઈને સાથે લઈ આંચલ હરિદ્વાર પહોંચી. સ્નાન માટે ગંગામાં ડૂબકી લગાવી. ત્યાં એને ભાસ થયો કે કોઈક હાથ લંબાવીને કશુંક માગી રહ્યું છે.
આંચલને યાદ આવી અનુપકુમારની અંતિમ ઇચ્છા - વચન લેવા માટે લંબાયેલો હાથ.... આંચલ સ્વગત બોલી, 'અનુપ, હૃદય પર પથ્થર મૂકી હું તમારી અંતિમ ઇચ્છા પૂરી કરીશ. આ વચન સાથે તને અંજલિ આપું છું.'
છએક મહિના સુધી આંચલ પોતાના મનને પુનર્લગ્ન માટે મનાવી ન શકી. પણ અનુપને આપેલા વચનને ખાતર એણે પોતાના ભાઈને પોતાને લાયક કોઈ વિધૂર પુરુષને શોધી કાઢવાની છૂટ આપી.
અને અધિકાર સાથે કોર્ટની રાહે આંચલે લગ્ન કરી લીધાં. લગ્ન પછી આંચલે ખુલ્લા દિલે વાત કરી : 'અધિકાર, અદા મારી અને અનુપની થાપણ છે. એનું જીવની જેમ તું જતન કરીશ તો જ અનુપનો આત્મા જ્યાં હશે ત્યાંથી તારી પર દુઆ વરસાવશે.'
અધિકારનો સ્વભાવ અત્યંત ખરાબ હતો. એટલે જ કંટાળીને એની પત્નીએ આત્મહત્યા કરી હતી.
એને આંચલ આંજ્ઞાંકિત રહે અને ઘરમાં પોતાનું રાજ રહે એ આશયથી આંચલ સાથે લગ્ન કર્યા હતા. ચતુર અધિકાર આંચલના સ્વભાવને પારખી ગયો હતો. પરંતુ અદા તેની આંખમાં કણાની જેમ ખટકતી હતી. આંચલનો બંગલો પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવા માટે અધિકારે લગ્ન પછી આંચલની ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું. આંચલની દરેક જરૂરિયાતનું એ ધ્યાન રાખતો હતો અને એને જરાપણ ઓછું ન આવે માટે અદાને પણ લાડ કરતો હતો.
પણ લગ્નના થોડા સમય વીતી ગયા પછી અધિકારે અદાને પજવવાનું શરૂ કર્યું. તેના અભ્યાસના સમયે લાઈટ બંધ કરી દે. દૂધમાં પાણી ઉમેરે, પોતાની પગચંપી કરાવે, જમવામાં પણ ઘરમાં જે બને તે જ અદાને ખવડાવવાનો આગ્રાહ રાખે. પણ અદા પોતાની મમ્મીને દુ:ખી નહી કરવા ખાતર નવા પપ્પા વિરૂદ્ધ કશી ફરિયાદ નહોતી કરતી. પણ અધિકાર આખો દિવસ આંચલ આગળ અદાની ફરિયાદો કર્યા કરતો હતો. આંચલને ખબર હતી કે અદા કોઈને પજવે તેવી નથી પણ અધિકાર તેને સાવકી પુત્રી ગણી પરેશાન કર્યા કરે છે. એકવાર અધિકારે જ્યારે અદા પર હાથ ઉપાડયો ત્યારે આંચલની ધીરજ ખૂટી ગઈ. તેણે કહ્યું : 'અધિકાર, જ્યાં મારી વ્હાલી દીકરી પર ત્રાસ ગુજારાતો હોય ત્યાં મારે નથી રહેવું. મને ખબર છે કે તેં પત્ની માટે નહીં, પણ મારા વૈભવશાળી બંગલા માટે મારી સાથે લગ્ન કર્યું છે. લે, આ બંગલાની ચાવી. હું અત્યારે જ અદાને લઈને તેનાં મામાને ઘેર જાઉં છું. અન્ય વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી અમે ત્યાં જ રહીશું. મારે મારી દીકરીને નર્કની વેદનાઓ ભોગવવા તારી પાસે નથી રાખવી.' - અને અદાને લઈને આંચલે ઘર છોડી દીધું હતું. એને રોકાવાનો આગ્રહ કરવાને બદલે અધિકારે કહ્યું : 'થેંક્યુ'
રાવણરૂપી અધિકારની મંદોદરી બનવાને બદલે પુત્રી અદા સાથે આંચલે નવું જીવન શરૂ કર્યું. એ દરરોજ મૃત પતિને પ્રાર્થના કરતી અને અનુપકુમારની બચતમાંથી એણે અબળાશ્રમ શરૂ કર્યો હતો જેનું નામ હતું : અનુપ અબળાશ્રમ. જ્યાં પીડિત મહિલાઓને વિના મૂલ્યે આશ્રય મળતાં. દરરોજ રાત્રે એ પતિ અનુપકુમારના ફોટા પાસે બેસી વાતો કરતી. અનુપ, હવે તો ખુશ ને ?









