Get The App

હોળીના રંગોની સાઇડ ઈફેક્ટ .

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
હોળીના રંગોની સાઇડ ઈફેક્ટ                    . 1 - image

- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી

- સિન્થેટિક રંગોની આડઅસર આરોગ્ય માટે જોખમી છે. હોળી દરમિયાન ચહેરા પર રંગો વધુ ઘસાય છે એટલે આંખને હાનિ થાય છે. રંગોની સૌથી વધુ અસર ચામડી પર થાય છે

હો ળી એટલે રંગોથી આરંભાતો અને ગીતોથી ખીલતો ઉત્સવ. સવારથી જ લાઉડ સ્પીકર પર ગીતોની રમઝટ. ''બેલા ચમેલી કા સેજ બીછાયા, સોયે ગોરીકા યાર બલમ તરસે'' જેવા સદાબહાર ગીતોથી ભીંજાયેલો આ ઉત્સવ ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ગોવા, પશ્ચિમ બંગાળ, સાંગલા વેલી અને હમ્પીમાં પૂરજોશમાં જોવા મળે છે. હોળીના રંગો અનેક હોય છે પણ સામાન્ય રીતે બધા ગુલાલ કહે છે હિંદુઓમાં આ તહેવાર અનેક પરંપરા, વિવિધતા અને મસ્તીથી ભરપુર હોય છે.

હોળીના રંગોની તૈયારી અને તેની આડઅસર તે કુદરતી છે કે સિન્થેટિક છે તેના પર આધાર રાખે છે.

પ્રથમ આપણે સલામત અને ઈકોફ્રેન્ડલી એવા પરંપરાગત કે કુદરતી રંગોની બનાવટ જોઈશું.

(૧) લાલ રંગ : સુકવેલા જાસુદના પુષ્પો બીટરૂટ પાવડર અથવા લાલ સેન્ડલવુડમાંથી મેળવાય છે.

(૨) લીલો રંગ : પાલક, હીના પાવડર અને લીમડાના પાંદડાંથી બને છે.

(૩) ભૂરો રંગ : ઈન્ડિગો (ભૂરી)ના છોડ, જકારાન્ડાના પુષ્પોમાંથી તૈયાર થાય છે.

(૪) પીળો રંગ : ગલગોટાના પુષ્પો, ચણાનો લોટ, હળદર સાથે મિક્સ કરીને બનાવવામાં 

આવે છે.

આ પ્રકારના રંગો માટે સામાન્ય રીતે પુષ્પો, પર્ણો અથવા મૂળને છાયડામાં સુકવી પાવડર બનાવી ગરણીથી ગાળી, એરટાઇટ બરણીમાં રાખવામાં આવે છે.

આવા કુદરતી રંગો સસ્તા પડે છે પરંતુ લોકોનું ધ્યાન ચળકતા સિન્થેટિક રંગો પર વધુ હોય છે. આવા સિન્થેટિક રંગો જોખમી હોય છે પરંતુ વધુ સસ્તા હોવાથી અને સરળતાથી તૈયાર મળતા હોવાથી લોકો તેનો ઉપયોગ કરે છે.

આવા રંગોમાં ટેક્ષ્ટાઇલ રંગો, ભારે ધાતુ (સીસુ, પારો, ક્રોમિયમ) તેમજ ચળકાટ માટે કાચનો પાવડર વપરાય છે.

સિન્થેટિક રંગોની આડઅસર આરોગ્ય માટે જોખમી છે. હોળી દરમ્યાન ચહેરા પર રંગો વધુ ઘસાય છે એટલે આંખને હાનિ થાય છે. આંખ લાલ થવી, પાણી નીકળવું, કન્જકટી વાઈટીસ થવો અને કેટલીકવાર આંખનું દ્રશ્ય પણ ઝંખવાય છે.

રંગો વાળમાં ભરાતા તે સૂકાય જઈ તૂટે છે, વહેલા રાખોડી થઈ જાય છે અને રસાયણને કારણે વાળનું ખરવું અને બળતરાની તકલીફ થાય છે.

રંગોની સૌથી વધુ અસર ચામડી પર જણાય છે. ચામડીનું સુકાવું, બળવું, એલર્જીક ડર્કોટાઇટિસ, ખંજવાળ, લાલ ચકામા અને લાલ ધાબા (રેશીસ) પડી જાય છે.

સિન્થેટિક રંગો શ્વાસમાં જતા ઉધરસ આવવી, શ્વાસમાં તકલીફ જેવી અવસ્થા સર્જાય છે જેનો સત્વરે ઉપાય કરવો જરૂરી છે. ઘણીવાર લાંબા સમયની બિમારી પણ ચાલુ થઈ જાય છે.

ચામડીના છેદ વાટે ભારે ધાતુ લોહીના પ્રવાહમાં દાખલ થતાં તે લિવર, કિડની અને ચેતાતંત્રને અસર કરે છે. જોકે અવાર-નવાર રંગાતા રહો તો આવી ઉપાધી આવી પડે છે.

જોકે હોળીમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે રંગાય જાય છે એટલે રંગોની આડઅસરથી બચવા સવારથી તૈયાર રહેવું જરૂરી છે. નાના ચાંલ્લો પણ એલર્જી કરી શકે એ ના ભૂલશો.

હોળી રમતાં પહેલાં ચામડી અને વાળ પર મોઈસ્ચરાઇઝર અથવા તેલ લગાડી દો. રંગોને હળવા સાબુથી જલ્દીથી ધોઈ નાંખો, રંગોને તાકાત અજમાવી ચોળો નહિ. આંખના રક્ષણ માટે ગોગલ્સ પહેરી શકાય પણ સચેત રહેવું. મોં અને નાક પર રંગો ના લાગે એ માટે નમ્ર પ્રયાસ કરવો.

હોળી એ રંગો અને સંગીતનો ઉત્સવ છે. 'લોંગા ઈલાયચી કા બીડા લગાયા, ખાયે ગોરીકા યાર બલમ તરસે..'

એટલે ગુસ્સો થયા વિના સ્પોર્ટસમેન સ્પિરિટથી રંગો અને રંગાતા રહો... !!