Magazines

ડ્રાઈવિંગ સીટ પર દૈત્ય સવાર થઇ ન જવો જોઈએ

By GS TEAM
1 Mar 20266 mins read
ડ્રાઈવિંગ સીટ પર દૈત્ય સવાર થઇ ન જવો જોઈએ

- શૂન્ય શિસ્ત શૂન્ય સહન શક્તિ  : પરિવારજનો કરતા કેટલાકને તેમના વાહન વ્હાલા હોય છે 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ, સ્માર્ટ સિટી બનાવીએ કે મોંઘી ગાડીઓ વસાવીએ, પણ જો આપણે રસ્તા પર એક મનુષ્ય તરીકે વર્તી ન શકીએ, તો આપણી સભ્યતા શૂન્ય છે. 

- આપણો તનાવ કે  દબાવેલો ગુસ્સો  જાહેર માર્ગ પર કોઈ અન્ય વાહન ચાલક પર પાશવી રીતે ઉતારવાનું લાયસન્સ આપણને નથી મળ્યું હોતું 

થો ડા દિવસો પહેલા બનેલી ઘટનાએ માનવતાને ફરી એકવાર શરમાવી દીધી છે. રસ્તાની વચ્ચે આડેધડ મોટરસાયકલ ચલાવતા બે  છોકરાને પાછળથી આવતી કારના ચાલકે માત્ર હોર્ન વગાડીને સાઈડમાં ચાલવા માટે ઈશારો કર્યો. આટલી સામાન્ય બાબતમાં  બાઈક સવારો  એટલા  ઉશ્કેરાઈ ગયા  કે તેઓએ  કાર રોકાવી, બોલાચાલી કરી અને જોતજોતામાં કાર ચાલકની હત્યા કરી નાખી.

અન્ય એક ઘટના જોઈએ તો શહેરની નામાંકિત કોલેજનો વિદ્યાર્થી તેના મિત્ર જોડે બાઈક પર જતો હતો. અચાનક એક કાર રોંગ સાઈડ પરથી ભયજનક રીતે બાઈક પાસેથી પસાર થઇ. બાઈક સવારે 'આવી રીતે ચલાવાય?' તેમ માત્ર ઈશારો કર્યો અને કાર તરફ પાછળ વળીને સહેજ જોયું. કાર પરત આવી બાઈક સવાર પર કાર ડ્રાઈવરે તિક્ષણ હથિયારથી હુમલા કર્યો અને બાઈક સવારનું મોત નીપજાવ્યું.

આવી ઘટનાઓ હવે વધુ એક ન્યુઝ આઈટમ બનીને ભુલાઈ જવાતી હોય છે.   સવાલ એ થાય છે કે, શું આપણે ૨૧મી સદીના સભ્ય સમાજમાં જીવી રહ્યા છીએ કે મધ્યયુગીન જંગલિયત તરફ પાછા વળી રહ્યા છીએ? શું એક હોર્નનો અવાજ કે વાહનની સામાન્ય ટક્કર કોઈના અમૂલ્ય જીવ કરતાં વધુ કિંમતી થઈ ગઈ છે? આપણને આપણું ટુ વ્હીલર અને કાર આપણા પરિવારજનો કરતા પણ વ્હાલી છે? વાહનને શહેરમાં અકસ્માત થાય તો માની લો કે વીમો ન હોય તો પણ  બહુ તો કેટલા રૂપિયાનું નુકશાન થાય.

શૂન્ય સહન શક્તિ 

આજના સમયમાં માણસ પાસે ટેકનોલોજી છે, સુખ-સુવિધાઓ છે, મોંઘી ગાડીઓ છે, પણ એક વસ્તુનો ભારે દુષ્કાળ છે - અને તે છે 'ધીરજ'. રસ્તા પર નીકળતી વખતે દરેક વ્યક્તિ જાણે કોઈ અદ્રશ્ય યુદ્ધ લડવા નીકળી હોય તેમ વર્ર્તે છે. મનોવિજ્ઞાનની ભાષામાં આને 'રોડ રેજ' (Road Rage) કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં આ એક સામાજિક કેન્સર છે.

પહેલાંના સમયમાં જો રસ્તા પર બે વાહનો અથડાતા, તો લોકો નીચે ઉતરીને નુકસાન જોતા, એકબીજાની ખબર અંતર પૂછતા અને 'ભાઈ, જોઈને ચલાવો' કહીને છૂટા પડતા. આજે દ્રશ્ય બદલાઈ ગયું છે. આજે વાહન અડકે એટલે સીધો કોલર પકડાય છે, અપશબ્દો બોલાય છે અને વાત લોહીની નદીઓ વહેવડાવવા સુધી પહોંચી જાય છે. આ ઘટતી જતી ક્ષમાવૃત્તિ એ સાબિત કરે છે કે આપણો સમાજ માનસિક રીતે બીમાર થઈ રહ્યો છે.

આંકડાકીય ભયાનકતા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડાઓ અનુસાર, ભારતમા માર્ગ અકસ્માતોમાં થતા મોતમાં આશરે ૧૦ થી ૧૨ ટકા કિસ્સાઓ એવા હોય છે જેમાં અકસ્માત બાદ થયેલી હિંસા અથવા 'રોડ રેજ' જવાબદાર હોય છે. ગુજરાત જેવા શાંત ગણાતા રાજ્યમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં રોડ રેજના કિસ્સાઓમાં ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હિંસા કરનારાઓમાં ૧૬થી ૩૫ વર્ષના યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, જે દર્શાવે છે કે નવી પેઢીમાં આવેગ પરનો કાબૂ ખતમ થઈ રહ્યો છે.

અહંકારનું પ્રદર્શન

વાહન એ હવે માત્ર મુસાફરીનું સાધન નથી રહ્યું, પણ લોકો માટે સ્ટેટસ સિમ્બોલ અને 'પાવર'નું સાધન બની ગયું છે. જ્યારે કોઈ વ્યક્તિ રસ્તા પર ખોટી રીતે વાહન ચલાવે અને તેને ટોકવામાં આવે, ત્યારે તેને પોતાની ભૂલ દેખાવાને બદલે પોતાનું 'અપમાન' દેખાય છે. 'તું મને શીખવાડશે?', 'જાણે છે હું કોણ છું?' - આ અહંકાર જ વિવાદનું મૂળ છે. લોકો પોતાની સામાજિક વગ કે આર્થિક શક્તિનું પ્રદર્શન રસ્તા પર હિંસા કરીને કરવા માંગે છે.

શિસ્તનો અભાવ

આ કિસ્સાઓ વધવા પાછળનું એક મોટું કારણ વધતો જતો માનસિક તનાવ છે. આર્થિક ખેંચતાણ, કૌટુંબિક ઝઘડા કે ઓફિસનો ગુસ્સો માણસ રસ્તા પર કાઢે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઘર કે ઓફિસેથી ઉશ્કેરાયેલી નીકળે છે, ત્યારે રસ્તા પરનો નાનકડો ઈશારો પણ તેના માટે વિસ્ફોટક બની જાય છે. આપણા દેશમાં નાગરિક શિસ્તનો ભારે અભાવ છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ગ્રીન લાઈટ શરુ થાય પછી સીધા જઈ રહેલા વાહન ચાલકોને આંતરી ડાબી બાજુથી જમણી બાજુ વાહનને અચાનક વળાંક આપવો, યુ ટર્ન લેવો કે ચાલુ ગ્રીન લાઈટ વખતે વાહનો પસાર થતા હોય ત્યારે તેને અટકાવી રસ્તો ક્રોસ કરવો તે તો  હવે સહજ બની ગયું છે. આવા લોકો સામે  તમે થોડી તીખી નજરે જુઓ તો તમારો પીછો કરીને મારામારી કે હત્યા કરી શકે. કેટલાક તો ફોન કરીને તેના ભાઈબંધોને મારામારી લઈને બોલાવતા હોય છે. ચાલુ  વાહને મોબાઈલ વાપરવો કે ગમે ત્યાં વાહન ઉભું રાખી દેવું એ જાણે આપણો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ આપણે વર્તીએ છીએ. જ્યારે કોઈ કાયદાનું પાલન કરનાર નાગરિક આ બાબતે ટોકે, ત્યારે નિયમ તોડનાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે હિંસક બની જાય છે. શિસ્તનો અભાવ એ જંગલિયતની પહેલી નિશાની છે.

કાયદાનો ડર નથી 

રસ્તા પર હિંસા કરનારા તત્વોમાં કાયદાનો ડર રહ્યો નથી. તેમને લાગે છે કે મારામારી કરીને કે ધમકાવીને તેઓ છૂટી જશે. મોટા ભાગના કોઈ રાજકારણી, રાજકીય પક્ષ, અધિકારી કે તેમની જ્ઞાતી કે સમાજના પીઠબળના જોરે આવી જંગલિયત આચરે છે. કેટલાકને હિન્દી અને સાઉથ ફિલ્મોની અસર હોય છે.   રસ્તા પર હથિયાર ઉઠાવનાર કે જીવલેણ હુમલો કરનારનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ થશે અને તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સખત સજા થશે, તે દિવસે જ આવી ઘટનાઓ  અટકશે. પોલીસ પ્રશાસને પણ આવા કિસ્સાઓમાં માત્ર સામાન્ય ફરિયાદ નોંધીને સંતોષ માનવાને બદલે કડક કાયદાકીય કલમો લગાડવી જોઈએ.પોલીસે વાહનનું ઓચિંતું ચેકીંગ વધારવું જોઈએ. અન્ય રાજ્યોમાં કારમાંથી તલવાર, હોકી, ચેઇન વગેરે મળી આવવાનું પ્રમાણ ચોંકાવી દે તે વધ્યું છે. વીમો તો હોય છે 

નવાઈની વાત એ છે કે પ્રત્યેક વાહનનો વીમો તો હોય જ છે. ખોટો દાવો કરો તો પણ સી.સી.ટી.વી.ના ફૂટેજ પણ ઉપલબ્ધ હોય છે. સામી વ્યક્તિને કહેશો કે જે નુકશાન કે વાહનમાં લિસોટા, ગોબો પડયો છે તેનું વળતર આપી દો તો પણ સામી વ્યક્તિ સંમત થતી હોય છે. પણ આવી કોઈ સમાધાનકારી વાતો વગર મારામારી કે હત્યાં કરવી તે તો પાશવી જ કહેવાય.

સ્વયં સંયમ : રસ્તા પર નીકળતી વખતે મનને શાંત રાખવાની પ્રેક્ટિસ કરો. જો કોઈ તમારી સાથે ગેરવર્તન કરે, તો વળતો જવાબ આપીને તમારી મર્યાદા ન ઓળંગો. યાદ રાખો,અસંસ્કારી જોડે  દલીલ કરવી એ પણ એક પ્રકારની મુર્ખામી છે.

'સોરી' કહી હાથ જોડી દેવા  : જો તમારાથી ભૂલ થઈ હોય, તો તુરંત હાથ જોડીને માફી માંગી લો. એક નાનકડું 'સોરી' મોટી હિંસાને રોકી શકે છે.

પરિવારને યાદ કરો : જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે ઘરે તમારી રાહ જોતા તમારા બાળકો, પત્ની કે માતા-પિતાનો ચહેરો યાદ કરો. તમારી એક સેકન્ડની ઉશ્કેરાટ તમારા પરિવારને કાયમ માટે અનાથ કરી શકે છે. તમે હુમલાખોર હશો તો પણ પરિવાર કાયમ માટે સહન કરશે.

કાયદાનું પાલન : ટ્રાફિકના નિયમો માત્ર દંડથી બચવા માટે નથી, પણ વ્યવસ્થા જાળવવા માટે છે. જો દરેક વ્યક્તિ પોતાની લેનમાં ચાલે અને યોગ્ય સિગ્નલ આપે, તો ઘર્ષણના પ્રસંગો જ નહીં બને.

સ્માર્ટ સીટીથી કંઈ ન થાય 

આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ, સ્માર્ટ સિટી બનાવીએ કે મોંઘી ગાડીઓ વસાવીએ, પણ જો આપણે રસ્તા પર એક મનુષ્ય તરીકે વર્તી ન શકીએ, તો આપણી સભ્યતા શૂન્ય છે. રસ્તો એ મંજિલ સુધી પહોંચવાનું માધ્યમ છે, સ્મશાન સુધી પહોંચવાનું નહીં. 'રોડ રેજ' એ સભ્ય સમાજ માટે કલંક છે.

જ્ઞાન પોસ્ટ 

રસ્તા પર  પર લોહી નહીં, પણ સુરક્ષા, સંસ્કાર અને સંયમ વહેવા જોઈએ.