કુસ્તીમાં ભારતીય પહેલવાનીના નવા રવિની સોનેરી ચમક
Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
ઘરના ઘી-દૂધ પી ને ઉછરેલા રવિ દહિયાની મજબૂત પકડમાંથી દુનિયાના ભલભલા પહેલવાનો છૂટવા માટે ફાંફાં મારતા હોય છે
પહેલવાનોના ગામ નાહરીમાં જન્મેલા રવિને અખાડામાં ઉતરતાં પહેલા ઘરની આથક પરિસ્થિતિ અને પરિવારની માનસિકતા સામે બાથ ભીડવી પડી
ભારતીય પરંપરામાં જે કેટલીક બાબતો વર્ષોથી વણાઈ ગયેલી છે, તેમાં કુસ્તીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમી સંસ્કૃતિ જ્યારે વિશાળ એરિનામાં ગ્લેડિયેટર્સને ભૂખ્યા પ્રાણીઓની સામે નાંખીને જિંદગી અને મોતના લોહિયાળ જંગને એક ખેલની જેમ માણવાની ઉત્ક્રાંતિ સુધી પહોંચ્યા હતા, ત્યારે ભારતમાં બાહુબળના કૌશલ્યને મલ્લયુદ્ધ તરીકે પ્રાધાન્ય મળ્યું હતુ. આ જ પરંપરામાં ઠેર ઠેર અખાડામાં યૌવનના જોશની સાથે સાથે ચપળતા અને સમયસૂચકતાની કસોટી સમાન કુસ્તીના દાવપેચ શીખતાં. એક સમયે રાષ્ટ્રવ્યાપી કુસ્તીની પરંપરા હવે ગણતરીના શહેરો સુધી સમેટાઈ ગઈ છે, પણ તે અત્યારે જે પરિધિમાં છે, ત્યાં તેણે પોતાનો પગદંડો - સુગ્રીવના પગની જેમ જમાવી રાખ્યો છે.
કુસ્તીનો મુખ્ય અખાડો એટલે હરિયાણા જેની ખ્યાતિ એક સમયે કુરુક્ષેત્ર તરીકેની હતી. મહાભારતની મહાભીષણ પરાક્રમોની ભૂમિમાં આજે પણ એવા બાહુબલી રત્નો પાકે છે કે, જે ે દેશ-દુનિયામાં પોતાના દેહસૌવની સાથે પહેલવાનીને કારણે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. વિશ્વની દરેક રમતની જેમ પહેલવાની એટલે કે કુસ્તીમાં પણ યુરોપીયનોએ પોતાની સંગઠન શક્તિથી વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓ માટે તેમને અનુકૂળ એવા આંતરરાષ્ટ્રીય નિયમો સ્થાપિત કરી દીધા છે કે, જેના કારણે ભારતીય પરંપરાગત કુસ્તીને તેમાં બંધબેસતા સમય લાગે પણ ૨૧મી સદીના પ્રારંભ સાથે ભારતીય કુસ્તીએ અખાડાની માટીમાં રગદોળાવાની સાથે કૃત્રિમ મટ પર રમાતી કુસ્તીમાં પણ પ્રવિણતા હાંસલ કરી છે. સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત જેવા ઓલિમ્પિક ચંદ્રકો સુધી પહોંચેલા ભારતીય સિતારાઓને પગલે બજરંગ પુનિયા બાદ હવે ભારતીય પહેલવાનીમાં નવા રવિ (કુમાર દહિયા)નો ઉદય થયો છે.
રાજધાની દિલ્હીમાં ખેલાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ઈરાન, કિર્ગીસ્તાન, કઝાખસ્તાન જેવા દેશોના ૫૭ કિલોગ્રામ વજન ધરાવતા પહેલવાનોની વચ્ચે પાંચ ફૂટ સાત ઈંચની ઉંચાઈ ધરાવતા રવિ કુમાર દહિયાએ ઐતિહાસિક સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. રવિની સફળતામાં ગૌરવ લેવા જેવી બાબત એ રહી કે, એશિયન કુસ્તીની ફ્રિસ્ટાઈલની સ્પર્ધામાં તેનો સુવર્ણ એ ભારતીય પહેલવાને જીતેલો એકમાત્ર સુવર્ણ હતો. રાષ્ટ્રીય કુસ્તીમાં તો પ્રભાવશાળી દેખાવની સાથે રવિએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વિશ્વના ૨૩ વર્ષથી ઓછી ઉંમરના કુસ્તીબાજોમાં રજત સફળતા મેળવનારા રવિએ માત્ર ૨૨ વર્ષની ઉંમરે કુસ્તીની વિશ્વ ચેમ્પિયનશિપમાં સૌપ્રથમ વખત ભાગ લીધો હતો અને પહેલા જ પ્રયાસમાં કાંસ્ય સિદ્ધિ હાંસલ કરવાની સાથે ટોકિયો ઓલિમ્પિકમાં પ્રવેશવાની લાયકાત પણ પ્રાપ્ત કરી લીધી હતી. કારકિર્દીના પહેલા જ ઓલિમ્પિકમાં વિરાટ સિદ્ધિઓને હાંસલ કરવા છતાં રવિએ તેના પગને જમીન પર રાખ્યા. તેના સ્વભાવ અને વર્તનમાં આજે પણ તેના ચંદ્રકોની જરા પણ ચમક જોવા મળતી નથી અને આ જ તેની વિશેષતા છે.
ભારતીય પહેલવાનોમાં નવા સિતારા તરીકે ઉભરી આવેલા રવિ કુમાર દહિયાને માત્ર અખાડામાં જ સંઘર્ષ કરવો પડયો છે, તેવું નથી. જિંદગી અને પરિસ્થિતિઓ દરેકની સામે એવા પડકારો ફેંકે છે - કે જે દેખાવમાં તો મહાકાય મલ્લ જેવા હોય છે. આખાડાની કુસ્તીના હરિફને હરાવવો આસાન હોય છે, પણ ભાવનાત્મક અને માનસિક સ્તરે ખેલાતા કુસ્તીના મુકાબલામાં જીતવા માટે શરીરનું નહી, પણ મનનું બળ કામમાં આવે છે અને આવી કુસ્તી જ વ્યક્તિત્વનું અને ચારિત્ર્યનું ઘડતર છે. રવિની સામે પણ ભાગ્યએ ગરીબીથી લઈને અપુરતા સંસાધનો, પારિવારિક નારાજગી અને કુસ્તીની તાલીમના અભાવ જેવા ઘણા વિઘ્નોની પથારી પાથરી રાખી હતી, પણ તેમાંથી એક પણ તેને અટકાવી શકી નહી.
રવિના ઈરાદાને વ્યક્ત કરતાં તેના ગુરુ વિરેન્દર કુમાર પોતાના અગવા લહેકામાં કહે છે કે, ઉસકા જૂનૂન થા કી કુસ્તી કરની હી હૈ. બસ, યહીં બાત ઈસકો યહાં તક લે આઈ હૈ. ગુરુના શબ્દોમાં તેમના શિષ્યની જ નહી પણ તેના પરિવારના સંઘર્ષની મૂક કથાઓ છુપાયેલી છે. હરિયાણાના સોનેપલ જિલ્લાના નાહરી ગામ એ પહેલવાની માટે જાણીતું છે. અહીં ઘરે ઘરે એક થી એક ચડે તેવા પહેલવાનો છે અને તેઓ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. પહેલવાનીથી ધબકતા ગામમાં એક સામાન્ય પરિવારમા જન્મેલા રવિનું બાળપણ અભાવોની વચ્ચે ઉછરતાં ગ્રામ્ય બાળક જેવું હતુ.
રાકેશ દહિયા ભૂમિહીન ખેડુત હતા એટલે તેઓ ભાડે કે પછી ભાગમાં ખેતર રાખતા અને ખેતી કરીને ગુજરાન ચલાવતા. પરિવાર કાળી મજૂરી કરતો ત્યારે જિંદગીનું ગાડું આગળ ગબડતું. ગામના બાળકોની સાથે રમતાં રમતાં જ રવિ સહજતાથી કુસ્તી તરફ આકર્ષાયો. રોજ સવારે ઉઠીને આખાડામાં જઈને કસરત કરવી અને પહેલવાનોને મુકાબલા ખેલતાં જોઈ રહેવાનું તેને ખુબ ગમતું. રવિ ૧૦-૧૧ વર્ષનો હતો, ત્યારે સુશીલ કુમાર પહેલી વખત બેઇજીંગ ઓલિમ્પિકમાં ભારત માટે કાંસ્ય જીતી લાવ્યો. આ પછી તો તેના સન્માનનો સિલસિલો ચાલ્યો અને હરિયાણામાં તો સુશીલના કોચ મહાબલી સતપાલે શિષ્યને હાથીની સવારીનું સન્માન આપ્યું હતુ
સુશીલના સન્માનની રવિ પર ઘણી મોટી અસર થઈ. તેને લાગવા માંડયું કે, કુસ્તી જ તેને હાથીની સવારી સુધી પહોંચાડી શકે છે. જોકે દહિયા પરિવાર તેના સૌથી મોટા પુત્રને કુસ્તીના અખાડામાં ઉતરવા દેવા તૈયાર નહતો. જોકે નાની ઉમરે પણ રવિ પોતાના ઈરાદા પર મક્કમ હતો. આખરે માતા-પિતાનું હૃદય બાળ હઠની સામે પીગળી ગયું અને તેને નવી દિલ્હીમાં છત્તસાલ સ્ટેડિયમમાં ચાલતાં અખાડામાં મહાબલી સતપાલની દેખરેખ હેઠળ કુસ્તીની તાલીમ માટે મૂક્યો. રવિનું કુસ્તીના અખાડામાં પગ મૂકવાનું સ્વપ્ન તો સાકાર થયું અને આ હજુ શરુઆત હતી. તેને કોચ વિરેન્દરની સીધી દેખરેખમાં મૂકવામાં આવ્યો. નાનકડા રવિનું ધ્યાન છત્રપાલ સ્ટેડિયમમાં રહેતા અન્ય પહેલવાનો રાખતાં.
જોકે, તેના પિતા રાકેશને તેની ચિંતા રહેતી. તેઓ દરરોજ સવારે નાહરીથી નિકળીને ૪૦ કિલોમીટરનો પ્રવાસ ખેડતાં અને છત્રસાલ સ્ટેડિયમ આવતા અને પુત્રને માટે ઘરના દુઘ-ઘી લઈ આવતા, જેથી અખાડામાં પાડેલા પરસેવામાં તેનું શરીર ના નીચોવાઈ જાય. રવિ અને તેના સાથીઓ ઘણી વખત રાકેશને સમજાવતા કે, રોજ આવવાની જરુર નથી શા સારું આટલી તકલીફ લો છો ? ત્યારે રાકેશ હસીને જવાબ આપતાં કે, પુત્ર માટે તકલીફ શેની ? ગામડાંના દહી-દૂધની તોલે શહેરના દહી-દૂધ આવે ?
બરોબરીના હરિફોની વચ્ચે રહીને ઉછરેલા રવિની કારકિર્દીને ધીરે ધીરે નિખાર મળવા માંડયો. પહેલવાનીમાં જેટલું ધ્યાન ખેલાડીના સ્વાસ્થ્ય અને ટેકનિકનું રાખવાનું હોય છે, તેટલું જ ધ્યાન તેની માનસિકતાનું પણ રાખવાનું હોય છે, કારણ કે ખરાખરીના મુકાબલામાં પહેલવાન એક ક્ષણ પણ નબળો પડે એટલે તે જ પળ તેની જીતને હારમાં પલ્ટી નાંખે. રવિએ તેનો સૌપ્રથમ મેડલ ૨૦૧૫માં ૧૭ વર્ષની વયે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેળવ્યો, જ્યાં તેને રજત સફળતા હાંસલ થઈ. આ પછી તો તેની આથક હાલતમાં સુધારો આવ્યો, પણ સુવર્ણ ગુમાવ્યાના રંજને કારણે તેણે સખત મહેનત જારી રાખી.
રવિએ બે વર્ષ બાદ ફરી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેમાં તેનો સુવર્ણ નક્કી જ હતો, પણ સેમિફાઈનલમાં ઈજા થતાં તેને ચંદ્રક ગુમાવવો પડયો. આ પછી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં તેની ઈજા વધુ ગંભીર બની અને તેને એક વર્ષ રાહ જોવી પડી. ઈજામાંથી સાજા થયા બાદ તેણે તેના ઈંતજારની પળેપળનો હિસાબ જાણે તેના હરિફો પાસેથી લેવાનો શરુ કર્યો અને રોમાનિયામાં રમાયેલી ૨૩ વર્ષની યુવા વયના કુસ્તીબાજોની સ્પર્ધામાં રજત સફળતા મેળવી. આ પછી છત્રસાલ સ્ટેડિયમમાં તેને ૨૦૧૨ના ઓલિમ્પિકમાં કાંસ્ય જીતનારા યોગેશ્વર દત્તનો રુમ ફાળવવામાં આવ્યો.
એશિયન કુસ્તીમાં થોડા માટે કાંસ્ય ચૂકી જનારા રવિએ ૨૦૧૯ની વિશ્વ ચેમ્પિયનશિપમાં ૫૭ કિગ્રામમાં કાંસ્ય સફળતા મેળવતા ટોકિયો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવી લીધો. આ પછી ઓલિમ્પિકના વર્ષમાં જીતેલો એશિયન સુવર્ણએ તેની પ્રતિભાને સોનેરી ચમક આપી છે અને આ ચમક સાથે હવે તે જાપાનના ટોકિયો શહેરમાં વિશ્વના ટોચના પહેલવાનોને પડકારવાની તૈયારી કરી રહ્યો છે.