આ નાગ ટીંબડી નગર સાથે સંબંધનો સંકેત આપે છે એનો ચહેરો ! - સંજય માંકડિયા
ઝાકળઝંઝા - પરાજિત પટેલ
બલરામે પડીકી ખોલીને એમાં નો ભુકો ખાઈ લીધો.. ને માત્ર બે જ મિનિટમાં એ ચક્કર ખાઈને પડી ગયો ! સાધુ ઉર્ફે નારાયણે એને લાત લગાવીને કહ્યું :'અબ તુ કુત્તે કી મોત મરેગા...'
'દે ના હૈ તો દે દે, ન દેના હૈ તો ચુપ મર..'
એક વિચિત્ર સાધુ આખાય નગરના માર્ગો પર ફર્યા કરે છે. બજારમાં જાય છે, દુકાનો સામે ઊભો રહે છે... આ વિચિત્ર વાક્ય બોલે છે. મહોલ્લે મહોલ્લે ફરે છે. કાપડ બજારમાં જાય છે, સોસાયટીઓમાં જાય છે... ઘર ઘરની સામે ઊભો રહે છે... જો પાછું આ વાક્ય તો ખરું જ. !' દેના હૈ તો દે દે, ન દેના હૈ તો ચુપ મર...' સહુ જોઈ રહે છે. એને જોઈને સહુને આશ્ચર્ય થાય છે.. એમાં એનું પેલું વાક્ય સાંભળીને તો સહુ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે ! બાપરે, ખરો સાધુ છે આ ! લાંબી લાંબી જટા છે, મોટી અને લાંબી દાઢી છે, સાપોલિયા જેવી મુછો છે ! ઊંચો-પુરો અને કદાવર કાયા વાળો છે સાધુ ! આમ ફરે છે, તેમ ફરે છે, હાથમાંનો ચીપિયો પછાડે છે.. ને કશું માગતો નથી.. કશું લે તો નથી ! બસ, એક જ વાત : 'દેના હૈ તો દે દે, ન દેના હૈ તો ચુપ મર...'
આવો સાધુ તો ભાઈ, પહેલીવાર જોયો ! આખા ડિલ પર રાખ ચોળી છે, કપાળમાં સાપણનું તિલક કર્યું છે.. આંખો લાલઘૂમ છે ! હાથમાં લોખંડનો ચીપિયો છે ! વેપારીઓ કલ્પે છે કે, હિમાલયથી આવ્યો છે ! છોકરાં માને છે કે : 'બાવો કોઈને પકડવા આવ્યો છે !' સ્ત્રીઓ માને છે કે : 'કોક ઘાયલ દિલવાળો સાધુ છે !' ચીપિયો બે વાર પછાડે છે.. એટલે સટોડિયા ધારી લે છે : 'આજે જરૂર દૂરી આવશે... સિધ્ધ મહાત્મા આમ જ આંકડા આપે છે !'
ને દૂરી આવે પણ છે, ને આખીય જુગારી આલમમાં વાત ફેલાઈ જાય છે: 'આનુ નામ તે સાચો સંત ! જોયું ? ચીપિયા દ્વારા જ આંકડો આપી દે છે !'
આ નાનકું નગર હિલોળે ચઢ્યું છે : 'અલ્યા, અજાણ્યો સાધુ આવ્યો છે ને ન સમજાય એવું બોલે છે ! જરૂર કોઈ રહસ્ય છે' હોઈ કહે છે : 'બાવજી, મારો હાથ જોઈ આપો ને !' પણ બાવજીને ક્યાં કશી પડી છે ? એ તો એક જ વાત કહે છે : ' ન દેના હો તો ચુપ મર...'
આપવું હોય તો આપો નહીંતર જબાન બંધ રાખો ચુપ મરો..
શું જોઈએ છે સાધુને ?
શાની જરૂર છે એને ?
શું માગે છે એ ?
એક અંગ્રેજીનો ભણેશરી તો બોલી ઊઠયો ! :'વ્હાટ ઈઝ હી વોન્ટ ? વ્હોટ ઈઝ હીઝ ડિમાન્ડ ?' કોઈને એનામાં સંત દેખાય છે, કોઈને એનામાં મહર્ષિના દર્શન થાય છે, તો કોઈ વળી તેને નાટકિયો કહે છે :'જબરૂ નાટક કરી રહ્યો છે સાધુ !'
આખુ આ નગર, નામે નાગ ટીંબડી હેલકારે ચઢી ગયું છે ! જ્યાં જુઓ ત્યાં આ સાધુની જ વાત:' જોયો સાધુ ?'
'જોયો, જોયો !!'
'વિચિત્ર લાગે છે નહિ !'
'બાવા તો હોય જ આવા !'
'બાવો નથી !'
'તો ?'
'મને તો કોઈ મહાન સંત જ લાગે છે ! એની આંખો, એની કાયા ને એના શબ્દો જ કહી આપે છે કે, આ કોઈ સાધારણ સાધુ નથી !'
'તો ?'
'સંત શિરોમણિ લાગે છે ! સિધ્ધ મહાત્મા લાગે છે !'
'પગ પકડી લો એના. ઉધ્ધાર થઈ જશે! આવા સિધ્ધ મહાત્માનાં આ શહેરમાં પગલાં કયાંથી ? નાગ ટીંબડી શહેરનું કલ્યાણ થઈ જશે !'
તો કોઈ વળી જૂદું જ કહે છે :'સાધુના ચહેરામાં મને કશીક ઓળખાણના અણસાર વર્તાય છે ! તમે શું કહો છો ?'
:'આ સંજયભાઈ માંકડિયાને પૂછો ! એ મોટા શહેરમાં રહી આવ્યા છે. એમને સંધીય ખબર પડે ! તમને શું લાગે છે, સંજયભાઈ ?'
'મને ય એવું જ લાગે છે... સાધુને પહેલા ક્યાંક જોયો હોય એવું લાગે છે ! આ નાગ ટીંબડી નગર સાથે કશાક સંબંધનો સંકેત આપે છે એનો ચહેરો !'બોલ્યા મિ. માંકડિયા.
'શું થાય ? એના ચહેરો જટા,મૂછો ને દાઢીના વાળથી ઢંકાયેલો છે ! ચહેરાનો પાંચમો ભાગ દેખાતો નથી..'
સાંજ પડે છે ને સાધુ કાલીમાના મંદિરે જાય છે... મંદિરની પાછળ જ થોડેક દૂર સ્મશાન છે... પાછળની ઓરડીમાં પડી રહે છે, ને સ્મશાન તરફ જોયા કરે છે ! હા પુજારી આપે તે ખાઈ લે છે : બોલે છે :'તુમારા ભલા હોગા પુજારીજી, યેે કાલીમા કા મંદિર બડા તીર્થ બન જાયેગા'
'સાચે જ ?'
'મેં કભી જૂઠ નહીં બોલતા.. ઉપરવાલા જો સંકેત દેતા હૈ, વો સચ્ચા હી હોતા હૈં !'
સાંજ પડે છે, સાધુ મંદિરમાં આવી જાય છે.
એકવાર સાધુએ પુજારીને પૂછ્યું :'યહાં કોઈ બલરામ હૈ ?'
'હૈ ન ! બડા આદમી હૈ !' પુજારીએ કહ્યું :'એક વાત કહું, બાવજી ?' આ શહેરમાં બધા એનાથી ડરે છે ? દ્રવ્યનો પાર નથી, ને નેતાઓ હાર્યે એને સાઠગાંઠ છે. આગેવાન છે તે અહીંનો ? પણ બાપજી, બલરામ તો બડો હરામી છે...'
'સમજ ગયા'
'શું ?'
'બલરામ બડા નાગ હૈ ! સબકો ડસતા હૈ...'
- હવે તો આખા ય નાગટીંબડી શહેરમાં ઘેર ઘેર વાત ફેલાઈ ગઈ હતી :'એક સાધુ આવ્યો છે શહેરમાં ! વિચિત્ર વિચિત્ર બોલે છે ! સટોડિયા ખુશ છે. એ ચીપિયો પછાડે છે ! સાધારણ સાધુ નથી, કોઈ સિધ્ધ મહાત્મા લાગે છે ! આપણા શહેરનો બેડો પાર કરી નાખશે ! આવા સિધ્ધ તપસ્વીનાં પગલા આપણા આ નાનકડા નગરમાં ક્યાંથી ? માનીલો કે આ નગરનાં ભાગ્ય ખુલી ગયાં ! કિસ્મતના દરવાજા ઊઘડી ગયા !'
બલરામના કાને પણ આ વાત આવી :'હૈ ? આવો સિધ્ધ તપસ્વી આ શહેરમાં આવ્યો છે, ને મને મળ્યો નથી ? નિયમ તોડયો છે આ સાધુએ !' આ ગામમાં કોઈપણ આવે તો આ બલરામની પહેલી મુલાકાત લેવી પડે ! ધંધો કરવા વેપારી આવ્યો છે ? મહીને આટલા આપી જજે ! કોઈ બીલ્ડર આવ્યો છે ? મહીને આટલા હજાર આપી જજે ! ઘર લેવું છે ? દસ હજાર આપી જજે.
બલરામની હાક છે ધાક છે ને જબરદસ્ત પ્રભાવ છે ! એ ધારે તે કરે છે ! એ બગડે પછી થઈ રહ્યું ? પોલીસ ઈન્સ્પેક્ટર પણ એના ઈશારે કામ કરે છે ! જો કામ ન કરે, તો ફોજદારની ફાંદ ઉતરી જાય ! તરત જ બદલીનો ઓર્ડર મળી જાય ! કોઈ રૂપાળી ઓરત એની નજરમાં આવી જાય તો ?
આવી બન્યું એવું !
આવી બન્યુ એના વરનું
બલરામ તો બલરામ છે. શ્યામવર્ણી કાયા છે. મોટી મોટી આંખો છે. લાંબી લાંબી મૂછો છે. ચૂંટણી ટાણે ઉમેદવારો એની કદમ બોસી કરે છે. સભામાં એ કહી દે :'આપણે રંગલાલને મત આપવાનો છે એના નિશાન 'ઉડન ખટોલા' પર બટન દબાવવાનું છે ! સમજ્યા સહું ? ના સમજ્યો હો એવો કોઈ હોય તો કહેજો, આ બલરામ એને પળવારમાં સમજાવી દેશે !'
ને એમ જ થાય !
રંગલાલ જ ચૂંટાય !
ઉડનખટોલો જ ઉડાઉડ કરે !
કુરજીસ બજાવે છે નેતાઓ ! મિનિસ્ટરો સુધી એની પહોંચ છે... ને આ બાવો ? શહેરમાં આવ્યો છે, ને મને મળ્યો નથી ? ચાલ, હું જ એને મળી આવું !
ને એ દિવસે એ કાલીમાના મંદિર પહોંચી ગયો. સાધુના રૂમમાં ગયો ! સાધુએ એને જોયો :ને ચોંકી ઉઠયો સાધુ :'યહી બલરામ હૈ, જિસકો મેં ઢૂંઢ રહા થા !'
બલરામે હાથ જોડયા.
બોલ્યો :'બાવજી, મારી એક ચિંતા છે...'
'ક્યાં'
'મેરી બીબી કો બચ્ચા નહીં હોતા !'
'ઉસકો લેકર આઓ !'
- બલરામ તો ગયો... પણ જટાધારી સાધુને ભૂતકાળ તરફ દોરી ગયો :'એને આઠ વરસ પહેલાનો નારાયણ દેખાયો ! એની ખૂબસુરત પત્ની દેખાઈ ! એનું નામ શ્યામા ! રૂપાળી શ્યામા ! પરી જેવી શ્યામા ! સ્વર્ગની અપ્સરા જેવી શ્યામા !' નારાયણ સુખી હતો ! શ્યામા એને ખૂબ ગમતી ! બેય સુખથી જીવન વ્યતીત કરતા હતા ! છુટક કામ કરીને ગુજરાન ચલાવતો હતો નારાયણ ! ત્યાં જ દુ:ખનું વાદળું ત્રાટક્યું ! ઓચિંતુ જ તોફાન આવ્યું !
શ્યામા ને બલરામે જોઈ... એણે રસ્તામાંજ એનો હાથ પકડયો :' ઊભી રહે અપ્સરા !'
'શું છે ??'
'નારાયણની પાછળ રૂપને શા માટે રગદોળી નાખે છે.. આવી જા મારા બંગલે'
'ના !'
'ના ? આ બલરામ કદી ના સાંભળવા ટેવાયેલો નથી ! તારે રૂપિયા જોઈએ છે ? ને એણે નોટોની થોકડી કાઢીને શ્યામાના હાથમાં મૂકી દીધી' રૂપિયાનો ઢગલો કરી નાખીશ... સુખી કરીશ.. નારાયણ તને યાદ પણ નહીં આવે !
શ્યામા ચુપ રહી .
તે બીજે દિવસે એક માણસ નારાયણના ઘેર આવ્યો :'તારી ઘરવાળીને બલરામ બોલાવે છે...'
'શું કામ ?'
'એની તો મને ખબર નથી... કંઈક કામ તો હશે જ ને !'
:'ભલે.. આવે છે શ્યામા ! તું જા !'
- શ્યામાની સાથે નારાયણ પણ બલરામના બંગલે ગયો. ! ને પછી તો જે દૃશ્ય નારાયણે જોયું, એ જોઈને તો નારાયણના ક્રોધનો પાર ન રહ્યો ! બલરામને શ્યામાનો હાથ પકડયો હતો ને ક્રોધમાં આવીને નારાયણે બલરામને થપ્પડ મારી દીધી :'હરામખોર ! આવા ધંધા કરે છે ?'
ને બલરામના માણસોએ નારાયણને પકડી લીધો. બલરામે એના પર તમાચાનો વરસાદ વરસાવ્યો. ગજવામાંથી ચાકુ કાઢયું અને બોલ્યો :'સાંભળી લે, બદમાશ ! આજથી શ્યામા મારી છે.. ભાગવું હોય તો ભાગી જા.. શહેર છોડીને ! નહીતર આ ચાકુ બહુ ધારદાર છે... તારા પેટમાં ઘૂસી જતા વાર નહી કરે...' ને લાત લગાવતાં બોલ્યો :'ભાગ કૂત્તા, ભાગ ! શ્યામા મારી છે...' ને નારાયણ ગભરાઈ ગયો.. તમાચાને કારણે ચહેરો સુઝી ગયો હતો... એ મોત ભાળી ગયો હતો.. એ મૂઠ્ઠીઓ વાળીને ભાગ્યો... ન ઘેર ગયો... ન શહેરમાં રહ્યો.. બસ, શહેરના સીમાડા વળોટી ગયો નારાયણ ! આઠ આઠ વરસો વહી ગયાં. આ વાત પર !
બીજે દિવસે બલરામ શ્યામાને લઈને આવ્યો. બલરામ પુજારી સાથે વાત કરી રહ્યો હતો.. ને શ્યામા ? સાધુ સાથે ! એ બોલી :'લાખ છુપાવો ચેહરો, પણ બોલો, તમે મારા નારાયણ છો ને ? હું સુખી નથી.. મારા જેવી તો કૈંક છે. લઈ લો બદલો આ હરામી હાર્યે...'
બલરામ આવી ગયો.. સાધુએ કહ્યું.. :'લો બલરામજી યહ પડીકી લેલો ! ઔર શ્યામાજી, તુમ ભી યહ પડીકી લેલો... ને બેયના હાથમાં અલગ અલગ પડીકી મુકી સાધુ બોલ્યો :'પાની કે સાથે ખા જાવ...' ફિર મેં આશીર્વાદ દેતા હૂં..
બલરામે પડીકી ખોલીને એમાં નો ભુકો ખાઈ લીધો.. ને માત્ર બે જ મિનિટમાં એ ચક્કર ખાઈને પડી ગયો ! સાધુ ઉર્ફે નારાયણે એને લાત લગાવીને કહ્યું :'અબ તુ કુત્તે કી મોત મરેગા...' ને શ્યામાનો હાથ પકડીને સાધુ અર્થાત્ નારાયણ ભાગી ગયો... મલક પાર ઉતરી ગયા બંને જણ ! એ ક્યાં ગયાં એનો કોઈ પત્તો ન લાગ્યો ! હા, આખું નાગ ટીંબડી શહેર નિરાંતના શ્વાસ લે છે. કારણ ? કારણ કે શહેરમાંથી બલરામની બાદબાકી થઈ ગઈ છે. નારાયણે આપેલી પડીકે એનું કામ માત્ર અડધા કલાકમાં જ કરી નાખ્યું હતું : ને એને મળી ગયુંહતું મોત ! એના મરણ પછી કેટલાકે કહ્યું :'શહેરમાંથી પાપ ટળ્યું !' 'હરામી હરગમાં જતો રહ્યો !' :'હરગમાં નહીં ?' 'તો ?' 'હરામી નરકમાં ગયો !' 'એજ લાગનો હતો એ પાપી !' ને નાગ ટીંબડી નગર ઝેરીલા નાગના ગયા પછી આજે તો ખુશખુશાલ છે !