હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે
સોના વાટકડી રે - નીલેશ પંડયા
'હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે...' બહુ જ જાણીતું લોકગીત છે. અહીં નાયિકાની એક આંખમાં હર્ષ તગતગે છે તો બીજીમાં વિરહની વ્યાકુળતા
હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે
મારાં મનડાં ઉદાસીમાં હોય રે
ઢોલે રમું ને...
હું તો દાંતણ કરું ને હરિ સાંભરે રે
મારાં દાંતણિયાં લળી લળી જાય રે
ઢોલે રમું ને...
હું તો ભોજન કરું ને હરિ સાંભરે રે
મારાં ભોજનિયાં લળી લળી જાય રે
ઢોલે રમું ને...
હું તો મુખવાસ કરું ને હરિ સાંભરે રે
મારા મુખવાસિયા લળી લળી જાય રે
ઢોલે રમું ને...
જી વનની તમામ દિશાઓ અને ખૂણાઓ ભરેલા હોય તોય એનો ઉમંગ-ઓચ્છવ લોકગીતમાં પ્રગટે ને એકાદ દિશા કે ખૂણે ખાલીપો વર્તાતો હોય તોય એ લોકગાણામાં વ્યક્ત થાય કેમકે લોકગીતનું પોત જ છે સ્ત્રીના મનોભાવો. નવમાંથી કોઈપણ રસ એના જીવતરમાં આવે, એ લોકગીતમાં અભિવ્યક્ત થાય જ એટલે જ તો આપણી પાસે નવેય રસનાં લોકગીતો છે.
'હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે...' બહુ જ જાણીતું લોકગીત છે. અહીં નાયિકાની એક આંખમાં હર્ષ તગતગે છે તો બીજીમાં વિરહની વ્યાકુળતા. સુખના અવસરે હંમેશા પોતાનાથી દૂર હોય એવા સ્વજનોની યાદ આવ્યા વિના ન રહે એ સનાતન સત્ય આ લોકગીતમાં ગાવામાં આવ્યું છે. ઢોલના તાલે રાસ રમતી રમણી સાસરિયે સુખી હશે નહીંતર તો એનાથી રમવા કેમ જઈ શકાય? રાસ લેતાં પોતાનો પરદેશી પિયુ હાજર હોય, એ સાથી બનીને ગરવી ગોરીને ગોળ ગોળ ઘૂમતાં નિહાળતો હોય એ પરિકલ્પના જ નારીને હરખઘેલી કરી મુકે છે પણ અફસોસ કે વહાલો તો વિદેશ વસ્યો છે!
ઢોલે રમતાં તો એ સાંભર્યો જ, ઉપરાંત ડગલે ને પગલે એની યાદ આવી જાય છે. દાંતણ કરતાં, ભોજન અને મુખવાસ આરોગતાં પણ સાજનનું સ્મરણ થઇ રહ્યું છે ને એટલે જ તો એ ક્રિયાઓમાં પોતે તન્મય નથી થઇ શકતી, એનું ધ્યાન હંમેશા વિચલિત થયા કરે છે. વિરહિણી નારીનાં લક્ષણો લોકગીતની આ નાયિકામાં વર્તાઈ રહ્યાં છે.
આ લોકગીત કોણે ગાયું? ભગવાન રામનાં પત્ની સીતાએ?શિવપત્ની સતી કે પાર્વતીએ? કે પછી કૃષ્ણભાર્યા રુક્ષ્મણીએ? કોણ ઢોલે રમવા ગયું ત્યારે હરિ સાંભર્યા? આ ગીત કોઈ આમ નારીએ ગાયું હશે. હરિ એટલે એનો પરણ્યો. આપણે ત્યાં પતિને પરમેશ્વર માનવાની પરંપરા ક્યાં નવી છે! સામે 'હરિ' એ પણ નારીને સીતા, પાર્વતી, રુક્ષ્મણી માનીને સન્માન આપવું જરૂરી છે.