તમારું મન માત્ર ટ્રાન્સલેટરનું કામ કરે છે
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
તમારે નિ:શબ્દ થવું હોય તો બીજો ઉપાય છે કે તમે બાહ્ય પરિસ્થિતિ અને શબ્દોથી થતાં પ્રાગટય વચ્ચેની 'સ્પેસ'ને, અવકાશને કે અંતરાલને સમજો
બહાર કોઈ ઘટના બનતી જુએ, કોઈ સામે પડેલી ચીજ કે વસ્તુ નિરખે અથવા તો પરિચિત કે અપરિચિત પરિસ્થિતિ નિહાળે અને 'આદતથી મજબૂર' માનવી તરત જ એને ઉતાવળે શબ્દોમાં પ્રગટ કરી દેશે. આ શબ્દો એ જીવન વ્યવહારને માટે જેટલા ઉપયોગી છે, એટલા જ એ જીવનદ્રષ્ટિ કે અધ્યાત્મ માટે અવરોધક અને દિવાલ પણ બની શકે છે. નવલિકાકાર 'ધૂમકેતુ'એ એક સ્થળે કહ્યું છે કે, 'માનવીના બધા પ્રશ્નો આમાંથી ઉભા થાય છે. એ શબ્દનું મૂલ્ય સમજતો નથી અને વાણીની ધાણી ફોડયા કરે છે.'
આપણે અગાઉ પહેલું પગથિયું વિચાર્યું કે તમે બાહ્ય પરિસ્થિતિનો પ્રતિભાવ આપવાને બદલે અર્થાત્ તત્ક્ષણ વાણીનો સહારો લેવાને બદલે એને શબ્દરૂપે પ્રગટ થતી થોડીવાર થંભાવી દો. કદાચ આ મુશ્કેલ લાગશે કારણ કે આપણે આદતથી મજબૂર બની ગયા હોઈએ છીએ, પરંતુ આને માટે અભ્યાસ કેળવાય તો વ્યક્તિને માટે બાહ્ય પરિસ્થિતિનો નિ:શબ્દતાથી પ્રતિભાવ આપવો શક્ય છે.
પ્રથમ સોપાન તો એ છે કે જગતની સુંદરતાને એક 'દ્રશ્ય'રૂપે તમારા મનમાં સ્થિર કરો. સહેલગાહે ગયા હો અને કોઈ કુદરતી સૌંદર્યથી નીતરતું રમણીય દ્રશ્ય જુઓ, તો એ દ્રશ્યને તત્કાળ શબ્દથી પ્રગટ કરવાને બદલે તમારા ચિત્તમાં એને દ્રશ્યરૂપે જડી રાખો. જીવનની આહ્લાદક સ્મૃતિઓ સથવારો કે સહારો બની રહે છે. જરા આ કોલમ વાંચતા થોભી જઈને આંખો બંધ કરીને બાળપણમાં માતા તમને લાડ લડાવતી હતી, એ દ્રશ્યનો વિચાર કરો. કોઈ સુંદર ઘટનાથી પ્રગટેલા આનંદનાં દ્રશ્યોને પુનર્જિવિત કરો. 'ભૂતકાળને ભૂંસી નાખો' એમ વારંવાર કહેવામાં આવતું હોવાથી માણસે પોતાની ભૂતકાળની દુ:ખદ સ્મૃતિઓની સાથોસાથ સુખદ સ્મૃતિઓને પણ ભૂંસી નાખે છે અને પરિણામ એ આવ્યું કે વર્તમાનમાં જીવતા અને ભવિષ્યનું વિચારતા માણસે ભૂતકાળની સ્મૃતિઓ કે તેના અવિસ્મરણીય દ્રશ્યો જોવાની સહેજે આદત નથી. પ્રગાઢ પ્રેમમાં પડેલું યુગલ જ્યારે પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળતું હોય છે, ત્યારે કેટલો બધો આનંદ અનુભવતા હોય છે.
તાજેતરમાં વિખ્યાત અભિનેતા અને આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના પુત્ર અભિષેકના ૪૪મા જન્મદિવસે પોતાના પિતા હરવંશરાય બચ્ચન સાથેની તસવીર શેર કરી અને લખ્યું - 'જ્યારે મોડી રાત્રે અભિષેકનો જન્મ થયો. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અને આખો દિવસ એના આવવાની ઉત્સુકતામાં રહ્યો. આખરે અભિષેકનો જન્મ થયો અને એક ખુશી અને ઉત્સવનો માહોલ બની ગયો, દાદાજીનો આશીર્વાદ' અભિષેકના ૪૪મા જન્મદિવસે અમિતાભે પિતાની યાદનું સ્મરણ કર્યું. આ છે સ્મૃતિઓની જાહોજલાલી.
ભૂતકાળના પ્રસંગમાંથી આનંદ મેળવવાની આ સાહજિક માનવીય વૃત્તિ છે. જિંદગીની બીજી મોજને તમે જેમ જાણો છો, તમે ક્યારેય એકાંતમાં આવી ભૂતકાળની મધુર સ્મૃતિનું સ્મરણ કરો, તો એ સ્મૃતિ તમારા ચિત્તમાં આજે પણ પ્રસન્નતાની લહેર જગાવશે.
તમારે નિ:શબ્દ થવું હોય તો બીજો ઉપાય છે કે તમે બાહ્ય પરિસ્થિતિ અને શબ્દોથી થતાં પ્રાગટય વચ્ચેની 'સ્પેસ'ને, અવકાશને કે અંતરાલને સમજો. કોઈ પણ અનુભવ થાય એટલે એનું શબ્દ રૂપાંતર કરવાને બદલે મનને થોડી 'સ્પેસ' આપો. જરા જુઓ, નીરખો અને પછી તત્કાળ એનું શબ્દમાં રૂપાંતર કરવાને બદલે તમે થોભી જાવ, ગાઢ જંગલમાં વૃક્ષોની વચ્ચેથી ધીમે ધીમે ઊગતો સૂર્યોદય જુઓ કે પછી ખડક પરથી રૂમઝુમ ચાલે વહેતું ઝરણું જુઓ અથવા તો આકાશમાં એક જ દિશામાં ટોળાબંધ ઉડતાં પક્ષીઓ જુઓ અને બસ, માત્ર 'જુઓ' જ. સહેજે બોલશો નહીં
આ જોવાની ક્રિયાને શબ્દનું રૂપ આપવાથી થોડીવાર અળગી રાખો. પહેલાં આ જોવા અને બોલવા વચ્ચેનો 'ઇન્ટરવલ' થોડો રહેશે. એવું પણ બનશે કે તમારી સમીપની વ્યક્તિઓ આવેગ કે અહોભાવથી એના સૌંદર્યનું શબ્દો દ્વારા વર્ણન કરતી હશે અને ત્યારે તમે નિ:શબ્દ હશો. ધીરે ધીરે આ ઇન્ટરવલ વધારતા જાઓ અને તેમ તેમ શબ્દ સ્વરૂપે પ્રગટ કરવાની આદત ધરાવનારા આપણે તત્કાળ એવું નહીં કરીએ. તમને જેે કોઈ અનુભવ થશે એને તરત જ શબ્દમાં રૂપાંતર કરનારું તમારા ચિત્તનું મશીન અટકી જશે.
આ વિલક્ષણ અનુભૂતિ તમને એક નવો અહેસાસ આપશે કે શબ્દો પ્રગટ કરીને થતાં આનંદ કરતા નિ:શબ્દતાનો આનંદ વધુ હોય છે. બાહ્ય જગત વિશે બોલવા કરતા જોયાં કરવું વધારે ગમવા લાગશે. ધીરે ધીરે વસ્તુ અને વાણી વચ્ચેનો 'સ્પેસ' વધતો જશે. તમને એક લાભ એ થશે કે તમે જે વસ્તુને જુઓ છો, તેને સર્વાંગી રીતે જોઈ શકશો. પછી ઘટાદાર વૃક્ષની વચ્ચે ઉગતા સૂર્ય તરફ જ માત્ર તમારી દ્રષ્ટિ નહીં રહે, પણ તમારા મનની ફ્રેમમાં એ સૂર્યોદય, એ વૃક્ષો, આસપાસની સૃષ્ટિ અને ઉપરનું આકાશ એ બધું ઝડપાઈ જશે. શબ્દથી પ્રગટ થતી અનુભૂતિ સપાટી પરની હોય છે, જ્યારે નિ:શબ્દતા એ તમને સર્વાંગી ભીતરી અનુભૂતિ આપશે.
આપણે જોયું છે કે, ઘણા સમર્થ વક્તા પણ અમુક ઘટના જોઈને એમ કહે છે કે, 'આને હુંં શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.' કદાચ એ સાચું બોલતા હોય કે અસત્ય બોલતા હોય, પરંતુ વાસ્તવમાં આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે શબ્દો અધૂરા જ નહીં, અપૂર્ણ જ નહીં, બલ્કે વ્યર્થ બની જતા હોય છે. રામાયણમાં તુલસીદાસના 'રામચરિત માનસ'માં જ્યારે હનુમાનની સેવાની સ્વયં શ્રીરામ પ્રશંસા કરે છે, ત્યારે હનુમાન કશોય પ્રત્યુત્તર આપ્યા વિના મૌન બની જાય છે. ઊંડા પ્રેમમાં ડૂબેલી વ્યક્તિઓ પણ અનુભવે છે કે પ્રેમને કોઈ ભાષા હોતી નથી અને નિ:શબ્દ થઈ જાય છે. મહાકવિ કાલિદાસના 'અભિજ્ઞાાન શાકુંતલ'માં રાજા દુષ્યંતના પ્રેમનો પ્રતિભાવ શકુંતલાની આંખો આપતી હોય છે, વાણી નહીં.
આનો અર્થ એ થયો કે એમાં અભિવ્યક્તિ હોય છે, પરંતુ શબ્દો હોતા નથી. કદાચ સાચા પ્રેમનો મર્મ જ એ છે કે જ્યાં નિ:શબ્દતા હોય. આજના સમયમાં તો આવો નિ:શબ્દ પ્રેમ લગભગ મરી પરવારી ચૂક્યો છે. વ્યક્તિ એકબીજાની સાથે સતત વાતો કર્યા કરતી હોય છે અને વધુ તો બંને મોબાઇલ સાથે બીઝી હોય છે.કદાચ હવે પછી પ્રેમાલાપનું સાધન વાણી નહીં, પણ મોબાઇલ બની રહેશે.
દ્રશ્ય એને વાણીમાં પ્રગટ કરવાની 'સ્પેસ' કે અવકાશ જેમ વધતા જશે, તેમ તેમ એક નવો અનુભવ થશે. અત્યાર સુધી જેવું દ્રશ્ય જોયું કે તરત જ એને શબ્દોમાં ટ્રાન્સલેટ કરવાનું કામ તમારું મન કરતું હતું. મનની આ ટ્રાન્સલેટરની ભૂમિકા હવે થોડી બદલાઈ જશે. ધીરે ધીરે વ્યક્તિને સમજાશે કે જેને અત્યાર સુધી શબ્દથી પામતો હતો, એ તો જુદી રીતે પામવાની બાબત છે. એને ખ્યાલ આવશે કે જોવું અને બોલવું વચ્ચે ઘણું મોટું અંતર છે. જેમ જેમ એ અંતરનો અનુભવ વ્યક્તિને થશે, તેમ તેમ એની યાંત્રિકતા ઓછી થશે અને ધીરે ધીરે એનું મન એવું કેળવાઈ જશે કે એનો ખ્યાલ આવશે કે આજ સુધી શબ્દને કારણે જે અનુભૂતિને પામી શક્યો નહોતો, એવી વિલક્ષણ અનુભૂતિનો હવે એને અનુભવ થાય છે. અને આ પછી આ 'સ્પેસ' અંગે, વચ્ચેના 'ઇન્ટરવલ' અંગે એ જેમ જેમ વધુ ને વધુ સભાન થતો જશે તેમ તેમ શબ્દો આથમતા જશે, અને એની અનુભૂતિ તીવ્ર બનતી જશે.
ધીમે ધીમે વ્યક્તિના મનને શબ્દ વિના વર્તવાની ટેવ પડશે અને જેમ જેમ એ શબ્દ કે ભાષા વિનાની વર્તશે, તેમ તેમ ખ્યાલ આવશે કે આ શબ્દોની પાર પણ અનુભૂતિ હોય છે. આવી નિ:શબ્દતાનો વિચાર કરવાને બદલે આપણે તો શબ્દોને સીધેસીધા બાંધી રાખવાના મૌનનો વિચાર કરીએ છીએ. વસ્તુ, મન અને ભાષાના ત્રિકોણને સમજવાને બદલે કેટલાક સીધે સીધા મૌનમાં ઉતરી જાય છે અને સાથોસાથ એ ભૂલી ગયા કે માનવ વ્યવહારને માટે ભાષા અનિવાર્ય છે. માનવ ચેતનાના વિકાસમાં ભાષાનું મોટું પ્રદાન છે અને ભાષા વિના એ માનવી એ જીવી કે વિકસી શકતો નથી.
વળી આવી રીતે મૌનમાં ઉતરેલો માનવી નિ:શબ્દતાનો વિચાર કરતો નથી, પરંતુ મૌન છે, માટે એક શબ્દ પણ બોલાઈ જાય તો એ ખોટું, નાનીશી વાત થઈ જાય તો પણ મોટું નુકસાન એમ બંને માનવા લાગે છે.
આવી બોલવા પરની બંધી એ મૌનનો હેતુ નથી. આમાં વ્યક્તિ મનથી તો બોલતી જ હોય છે, માત્ર એને શબ્દરૂપે પ્રગટ કરતી હોતી નથી. અહીં તો માત્ર એટલી જ વાત છે કે આ શબ્દો પ્રયોજવાની આદત તમને એના ગુલામ બનાવી દે નહીં તેનો ખ્યાલ રાખો. શબ્દોની લગામ તમારા હાથમાં રાખો, ધારો ત્યારે અંકુશમાં લઈ શકો અને ધારો ત્યારે પ્રયોગ કરી શકો, પરંતુ સાથોસાથ એ પણ વિચારો કે આ શબ્દો તમારા મનને પરિસ્થિતિનો અનુવાદ કરનારું મશીન બનાવી દે છે. એ મશીનમાંથી બહાર આવો. જીવનમાં થોડી સ્પેસ બનાવો જેથી તમે એ બાહ્ય પરિસ્થિતિ અને તમારી ચેતનાને જુદી જોઈ શકો અને જેમ જેમ આનો અભ્યાસ વધતો જશે, તેમ તેમ બાહ્ય જીવનને અનુભવવાની એક નવી દ્રષ્ટિનો અનુભવ થશે. જીભને કારણે થતા વિવાદો ્અને વિખવાદો દૂર થશે. આપણે જાણીએ છીએ કે તલવારના ઘા રૂઝાય છે, પણ વાણીના ઘા રૂઝાતા નથી. મનને શબ્દોથી થોડું દૂર લઈજાવ અને પછી જગતને જુઓ તો જગતની બાહ્ય ઘટનાઓને જોવાની એક નવીન દ્રષ્ટિ પ્રાપ્ત થશે.