યાહૂ! : ડિજિટલ યુગમાં ખોવાયેલી ડિજિટલ કંપની!
સમયાંતર - લલિત ખંભાયતા
એક સમયે યાહૂ ઈન્ટરનેટનો પર્યાય બનેલું નામ હતું. આજે ડિજિટલ સર્વિસ અને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓની બોલબાલાનો યુગ છે.. ત્યારે યાહૂ ક્યાં ખોવાઈ ગઈ છે?
ફેબુ્રઆરી ૨૦૦૮
'માઈક્રોસોફ્ટ'ના સીઈઓ સ્ટિવ બાલમેરે ફોન કરીને યાહૂના સર્વેસર્વા જેરી યાંગને કહ્યું કે અમને યાહૂ ખરીદવામાં રસ છે. માઈક્રોસોફ્ટે યાહૂના મૂલ્ય તરીકે ૪૪.૬ અબજ ડૉલરની ઑફર કરી હતી. રકમ ઘણી મોટી હતી. થોડા વિચાર કરીને દસેક દિવસ પછી યાહૂએ જવાબ મોકલાવ્યો કે અમારી કંપનીની પ્રતિષ્ઠાના પ્રમાણમાં આ રકમ ઓછી છે, ઑફર મંજૂર નથી.
૨ માર્ચ, ૧૯૯૫ના દિવસે સ્થપાયેલી કંપની યાહૂનું મૂલ્ય પાંચ જ વર્ષમાં વધીને શૂન્યમાંથી ૧૨૫ અબજ ડૉલર નોંધાયુ હતું. એ કંપનીને આ કિંમત ઓછી લાગે એમાં નવાઈ ન હતી. માઈક્રોસોફ્ટ તરફથી બાલમેરે થોડા વિચાર કરીને ફરી કિંમત વધારી ૫૦ અબજ ડૉલર સુધી આપવાની તૈયારી દર્શાવી.. એ ઑફર પણ યાહૂએ ઠૂકરાવી દીધી. ડિજિટલ યુગની આજે જેટલી બોલબાલા છે એટલી ત્યારે ન હતી, પરંતુ આવનારા સમયમાં બોલબાલા ઉભી થવાની હતી એ માઈક્રોસોફ્ટને ખબર હતી. માટે જ ગૂગલ સામે પોતાનું સ્થાન મજબૂત કરવા માઈક્રોસોફ્ટની ઈચ્છા યાહૂ ખરીદી લઈને ગૂગલ સામે મજબૂત હરિફાઈ કરવાની હતી. ઇન્ટરનેટના ઇતિહાસની એ બીજા નંબરની સૌથી મૂલ્યવાન ડીલ હતી પણ યાહૂને રસ ન પડયો તે ન જ પડયો.. વાત ત્યાં ખતમ થઈ.
જુલાઈ ૨૦૧૬
અમેરિકાની 'વેરિઝોન કમ્યુનિકેશન' નામની કંપનીએ યાહૂને ખરીદવા માટે તૈયારી દર્શાવી. યાહૂના ત્યારે મન્થલી એક્ટિવ યુઝર્સ (મહિને ઓછામાં ઓછો એક વખત યાહૂનો વપરાશ કરતાં હોય એવા) ૧ અબજથી વધારે હતા. માટે વેરિઝોને યાહૂને તેની લોકપ્રિયતા પ્રમાણે કિંમત ચૂકવી ૪.૮૩ અબજ ડૉલર! જે કંપનીએ ૫૦ અબજ ડૉલરની ઑફર ઠૂકરાવી હતી, જેનું મૂલ્ય એક સમયે સવાસો અબજ ડૉલર હતું એ પાંચ અબજ ડૉલર કરતાં પણ ઓછી કિંમતમાં વેચાઈ ગઈ!
સમયનું ચક્ર ફરી ગયું. ૨૦૧૬માં યાહૂ એમ કહેવાની સ્થિતિમાં ન હતી કે આ કિંમત અમારા માટે ઓછી છે!
યાહૂ આવતીકાલે તેનો ૨૫મો સ્થાપનાદિવસ ઉજવશે. ૧૯૯૪માં શરૂ થયા પછી ૧૯૯૫ની ૨જી માર્ચે તેનો કંપની તરીકે આરંભ થયો હતો. દુનિયાએ જ્યારે નવા મિલેનિયમ (૨૦૦૦)માં પ્રવેશ કર્યો ત્યારે જે અગ્રણી કંપનીઓએ દુનિયાને ડિજિટલ જગત, ઈન્ટરનેટ, ઈન્ફર્મેશન ટેકનોલોજીનો રસ્તો બતાવ્યો હતો એમાં એક આગળપડતું નામ યાહૂનું હતું. આજે જ્યારે દુનિયામાં ડિજિટલાઈઝેશનની બોલબાલા છે, ત્યારે આ કંપની ક્યાં ખોવાઈ ગઈ છે? જાણવાનો પ્રયાસ કરીએ..
'સ્ટેનફોર્ડ યુનિવર્સિટી'માં ભણતા બે વિદ્યાર્થી જેરી યાંગ અને ડેવિડ ફિલોએ ડિરેક્ટરી બનાવી, નામ રાખ્યું : 'ડેવિડ એન્ડ જેરીસ ગાઈડ ટુ ધ વર્લ્ડ વાઈડ વેબ'. એક જમાનામાં સમૃદ્ધ ઘરમાં પીળા કલરની 'યલૉ પેઝિસ' નામે ઓળખાતી ટેલિફોન ડિરેક્ટરી રહેતી હતી. એ પ્રકારે ડેવિડ-જેરીની ડિરેક્ટરી ટેલિફોન નંબર માટેની નહીં પરંતુ વેબસાઈટ માટેની હતી. વેબની હતી એટલે એ ડિરેક્ટરી ચોપડી જેવી નહીં, ઓનલાઈન હતી. એ યુગમાં નવી નવી વિવિધ પ્રકારની વેબસાઈટ શરૂ થઈ રહી હતી. વેબસાઈટોની વધતી સંખ્યા વચ્ચે કામની વેબસાઈટ શોધવાનું કામ અઘરું હતું. એટલે એવા પ્લેટફોર્મની જરૂર હતી, જ્યાં વેબસાઈટોની નોંધ થઈ હોય અને જરૂર હોય એવી વેબસાઈટ શોધી શકાય.
શરૂઆતમાં તો સ્ટેનફોર્ડના જ વિદ્યાર્થીઓએ તેનો વપરાશ શરૂ કર્યો. તેનો વપરાશ વધ્યો એટલે બીજા વર્ષે ૧૯૯૫ના જાન્યુઆરીમાં નામકરણ કર્યું 'યાહૂ'. આ શબ્દ જોનાથન સ્વિફ્ટની જગવિખ્યાત સાહસકથા 'ગલિવર્સ ટ્રાવેલ્સ'માંથી લેવાયો હતો. એ વાર્તામાં યાહૂ નામના વાનર જેવા અતિ શક્તિશાળી સજીવો આવતા હતા. સાઈટ તરીકે યાહૂ પણ અતિ શક્તિશાળી હતું, માટે નામ ખોટું ન હતું. સામાન્ય રીતે લાંબા નામમાંથી તેનું ટૂંકુ નામ બને પણ યાહૂનું નામકરણ થયા પછી તેનું લાંબુ નામ 'યેટ અનધર હાયરારકિઅલ ઑર્ગેનાઈઝ્ડ ઓરેકલ' એવુ પણ રખાયું. પાછળથી આશ્ચર્ય ચિહ્ન પણ ઉમેરાયું કેમ કે એક કંપની યાહૂ નામનો સોસ બનાવતી હતી.
ડિરેક્ટરીમાંથી નામ સર્ચ થઈ શકે એ માટે યાહૂના સર્ચ એન્જીનની શરૂઆત થઈ. એ વખતે યાહૂનો કોઈ મજબૂત હરિફ હતો નહીં, સુવિધા સારી હતી એટલે લોકપ્રિયતા વધી. એ સ્થિતિનો લાભ લઈ બીજા વર્ષે કંપની શેર માર્કેટમાં ગઇ અને ૮૯.૬ કરોડ ડૉલરની સંપત્તિ એકઠી કરી શકી. કંપની ચલાવવા અને વિસ્તારવા માટે એ રકમ ઘણી હતી. એ જમાનામાં તો અસાધારણ હતી.
યાહૂની આગેકૂચ
બે વર્ષમાં તો વેબસાઈટના પેજવ્યૂની સંખ્યા વધીને ૧ અબજને પાર થઈ. યાહૂએ પણ પોતાની પાંખો ફેલાવી અમેરિકા બહાર દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા દેશોમાં કામકાજ શરૂ કર્યું. ૧૯૯૮માં જાપાનના નગાનો શહેરમાં 'વિન્ટર ઑલિમ્પિક'ના સમાચારો યાહૂએ સતત આપીને નવી શરૂઆત કરી. મોબાઈલ ફોન યુગ શરૂ થયો એ સાથે જ ૧૯૯૯માં યાહૂએ મોબાઈલમાં ખુલી શકે એવી સાઈટ શરૂ કરી દીધી. ૨૦૦૦ની સાલમાં તો ભારતમાં યાહૂની શરૂઆત થઈ. એ પ્રસંગે શમ્મી કપૂરને ખાસ હાજર રખાયા કેમ કે તેમના ફિલ્મી ગીતમાં 'યાહૂ...' શબ્દો આવતા હતા. અમેરિકામાં એ વખતે ટેકનોલોજી કંપનીઓનું મૂલ્ય ખુબ ઊંચુ આંકવાની ફેશન શરૂ થઈ. એ વખતે યાહૂનું મૂલ્ય વધીને સવાસો અબજ ડૉલર અંકાયું, જો ખોટું હતું. એ ખોટો તો ખોટો આંક અમેરિકાની દાયકાઓ જૂની કંપની ફોર્ડ, જનરલ મોટર્સ અને ડેમલર ક્રાઈસલની કુલ નેટવર્થ કરતાં વધારે હતો!
પણ એ વખતે યુગ યાહૂનો હતો એટલે કોઈને ખામી ધ્યાને આવી નહીં. પરંતુ થોડા સમય પછી 'ડોટકોમ બબલ' નામનો એ પરપોટો ફૂટી ગયો અને આસામાને ઉડતી ઘણી કંપનીઓ જમીન પર આવી, કેટલીક તો પેટાળમાં ઉતરી ગઈ. યાહૂના સદ્ભાગ્યે એવી સ્થિતિ ન આવી પરંતુ મૂલ્ય ઘટીને ૧૦ અબજ ડૉલર થયું. બીજી તરફ મેઈલ સર્વિસ, મેસેન્જર, સમાચાર, સ્પોર્ટ્સ વગેરે વિભાગોને કારણે યાહૂની વેબ સર્ફિંગ કરનારો વર્ગ વધતો જતો હતો.
ઈન્ટરનેટની દુનિયામાં જેને સફળતા મળે એ કંપનીઓ બહુ ટૂંકા ગાળામાં આખા જગતમાં છવાઈ જતી હોય છે. યાહૂનું પણ એવુ જ થયુ. કંપનીને નામ-દામ બન્ને મળતાં થયા. ૧૯૯૬માં આખા જગતમાં યાહૂના માત્ર ૫૦ જ કર્મચારીઓ હતાં, જેમનુ કામ સાઈટ વધુ જોવાય એવી ગોઠવણ કરવાનું હતું. એ ગોઠવણ થતી ગઈ અને સાઈટ જોવાતી થઈ. ૧૯૯૯માં તો યાહૂના બન્ને માલિકોની વ્યક્તિગત સંપતિ ૮-૮ અબજ ડૉલરે પહોંચી ગઈ.
૨૦૦૧માં યાહૂ દુનિયામાં સૌથી વધુ જોવાતી સાઈટ બની અને દોઢ વર્ષ સુધી એ ક્રમ જાળવી રાખ્યો. ત્યારે વધુ એક સર્ચ એન્જિન નામે ગૂગલ માર્કેટમાં આવી ચૂક્યુ હતું. યાહૂએ ૨૦૦૨માં ગૂગલને ખરીદવાની ઑફર કરી અને ગૂગલે ૧ અબજ ડૉલર જેવી ઊંચી કિંમત માંગી. થોડા સમય ચર્ચા ચાલી એ પછી ગૂગલે વેચાવાનો વિચાર માંડી વાળ્યો... વધુ એક વખત એવો પ્રસંગ આવ્યો જ્યારે યાહૂએ ગૂગલને ખરીદી લેવાની તૈયારી કરી. એ ડીલ પણ ન થઈ. એ કથા લાંબી છે પરંતુ વાત ટૂંકમાં એટલી કે યાહૂની ચડતી હતી. ચડતી પછી પડતી આવી શકે એ વાતની યાહૂના સંચાલકોને કદાચ ખબર ન હતી.
અને પછી પીછેકૂચ
પડતીની પણ શરૂઆત થઈ. ડોટકોમ બબલ પછી યાહૂનું મૂલ્ય ઘટતું ગયુ. યાહૂએ ઘણી કંપનીઓ ખરીદી અને એમાંથી કેટલીક એવી હતી, જેનો કોઇ ખાસ ઉપયોગ ન હતો. તો વળી ખરીદવા જેવી કંપનીઓ ન ખરીદી. જેમ કે ત્યારે યાહૂ પાસે ફેસબૂક ૧ અબજ ડૉલરમાં ખરીદી લેવાની તક હતી. યાહૂએ તક જતી કરી. એવા એક પછી એક નિર્ણયો લેવાતા હતા, ત્યારે હરિફ ગૂગલ યુઝર્સને જોઈએ એ સર્વિસ પૂરી પાડી રહ્યું હતું. યાહૂની ઈ-મેઈલ સર્વિસ સામે ગૂગલની જી-મેઈલ સુવિધા આવી. માત્ર ગૂગલ નહીં બીજી કેટલીક નેટ-સર્વિસ પણ એવી આવી જેમાં યાહૂને તકલીફ પડી. જેમ કે 'યાહૂ આન્સર' નામની સર્વિસ હતી, તેના બદલે લોકો આજે 'ક્વૉરા' વાપરે છે. યાહૂએ ફોટો સાઈટ 'ફ્લિકર' ખરીદી લીધી અને શરૂઆતમાં તેનો ખાસ્સો વપરાશ થયો, પણ હવે 'ઈન્સ્ટા'ના જમાનામાં ફ્લિકરના કોઈ લેવાલ નથી. યાહૂની મ્યુઝિક સર્વિસ 'બ્રોડકાસ્ટ ડોટ કોમ' હતી, પરંતુ લોકો ગૂગલની સાઈટ 'યુટયુબ' વાપરે છે.
એટલે ૨૧મી સદીના આરંભે થોડા સમય યાહૂની બોલબાલા રહી પરંતુ પછીથી એ સ્થાન ગૂગલે લઈ લીધુ. યાહૂ કરતા ગૂગલ સર્ચ એન્જીન તરીકે વધારે સરળ હતું, વધારે ઝડપી હતું અને વધારે ઉપયોગી હતુ. બસ વાત ત્યાં જ પતી ગઈ. લોકો યાહૂને ભુલી ગૂગલ વાપરતા થયા.
૨૦૦૫માં ૧ અબજ ડૉલર ખર્ચીને એ વખતની નવી-સવી ચાઈનિઝ કંપની 'અલીબાબા'એ યાહૂમાં ૪૦ ટકા હિસ્સો ખરીદ્યો. યાહૂએ તેની સાથે જ રહેવાને બદલે ૨૦૧૨માં અલીબાબાથી છેડો ફાડયો. જગતની સૌથી મોટી પૈકીની એક ઈ-કોમર્સ કંપની અલીબાબાનો વિકાસ આજે અજાણ્યો નથી. યાહૂએ જોડાણ રાખ્યું હોત તો સંભવત તેની લોકપ્રિયતા આસમાની હોત અને સંપત્તિ ૮૦ અબજ ડૉલરથી ઉપર પહોંચી ગઈ હોત.
યાહૂએ વધુ એક ભૂલ કરી મેરિસા મેયરને સીઈઓ બનાવીને કરી. મેરિસાએ ઘણા એવા નિર્ણયો લીધા જે યાહૂને ભારે પડયા. ખાસ કરીને મેરિસાએ નાની-મોટી ૫૩ કંપનીઓ ખરીદી લીધી, જે બધી કદાચ યાહૂ માટે ઉપયોગી ન હતી. માટે જ્યારે યાહૂ ૨૦૧૭માં વેચાઈ ગઈ ત્યારે મેરિસાએ પણ યાહૂમાંથી રાજીનામું આપી દેવું પડયું. પછી તો યાહૂના નામે ડેટા સલામત ન હોવાનો, સરકારને માહિતી પૂરી પાડતી હોવાનો, પ્રતિબંધિત હોય એવી સામગ્રીનો પ્રસાર-પ્રચાર કરવાનો.. એવા ઘણા વિવાદો થયા. એ વિવાદોથી ફાયદો કે નુકસાન થાય એવી સ્થિતિમાં ત્યારે કંપની રહી ન હતી.
એક જમાનો હતો જ્યારે ઈન્ટરનેટ પર પ્રવેશની શરૂઆતનું પ્રથમ પગથિયું યાહૂ હતુ. ઇન્ટરનેટ પર પ્રવેશ જ યાહૂમાં પ્રથમ ઈમેઈલ એકાઉન્ટ ખોલાવીને થતો હતો. પ્રથમ સર્ચ એન્જીન તરીકે યાહૂ વાપરતા હતા. આજે લોકો ઇન્ટરનેટ પર અનેક એકાઉન્ટ ખોલાવે છે અને એમાં ઘણી વખત તો છેલ્લુ નામ પણ યાહૂનું નથી હોતું!
યાહૂના બે સ્થાપક
જેરી યાંગ
૧૯૬૮માં તાઈવાનમાં જન્મેલા જેરી જ યાહૂ પાછળનું મૂળ ભેજુ હતા. ૧૯૭૮માં અમેરિકા આવ્યા પછી ત્યાં જ તેનો ભણતર-ઉછેર થયા હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. યાહૂના સ્થાપક જેરી ૨૦૦૭થી ૨૦૦૯ સુધી સીઈઓ પણ રહ્યા હતા. ૨૦૧૨માં તેમણે યાહૂ છોડી દીધું હતુ.
ડેવિડ ફિલો
૧૯૬૬માં વિસ્કોન્સિનમાં જન્મેલા ડેવિડનો ભેટો જેરી સાથે સ્ટેનફોર્ડમાં જ થયો હતો. માસ્ટર ડીગ્રી માટે ડેવિડે અહીં એડમિશન લીધું હતું. પીએચડી કરતી વખતે અનેક લિન્ક્સ શોધીને સાચવવી પડતી હતી અને એ સમસ્યાનો છૂટકારો મેળવવા માટે જ તેમણે પોતાનું સર્ચ એન્જીન વિકસાવવાનો નિર્ણય લીધો હતો. એ હજુ પણ યાહૂ સાથે જોડાયેલા છે.
યાહૂની આજની સ્થિતિ
યાહૂને સાવ તાળાં નથી લાગી ગયા, તેનો એક ચાહકવર્ગ આજે પણ યાહૂ
વાપરે છે અને યાહૂની સર્વિસથી સંતૃષ્ટ પણ છે. એટલે...
જાન્યુઆરી ૨૦૨૦ની સ્થિતિ મુજબ આખી દુનિયામાં સૌથી વધુ વપરાતુ સર્ચ એન્જીન બેશક ગૂગલ છે. ગૂગલના વપરાશકારો ૯૨.૫૧ ટકા છે, બિંગના ૨.૪૫ અને યાહૂના ૧.૬૪ ટકા છે. યાહૂના સૌથી વધુ વપરાશકારો અમેરિકામાં છે. કુલ ટ્રાફિક પૈકી ૪૯ ટકા એકલા અમેરિકામાંથી આવે છે. એ પછી તાઈવાન, યુ.કે., ફ્રાન્સ જેવા દેશોમાં યાહૂનો વપરાશ થાય છે.
ભારતમાં પ્રથમ પાંચ ન્યુઝ એન્ડ મીડિયા સાઈટમાં યાહુ ત્રીજા ક્રમે છે. જાન્યુઆરી ૨૦૨૦માં યાહૂની ઈન્ડિયન સાઈટ પર ૯.૮૦ કરોડ યુઝર્સ આવ્યા હતા.
વેબ ટ્રાફિક પર ધ્યાન રાખીને લિસ્ટ તૈયાર કરી સાઈટ એલેક્સાના રેન્કિંગ પ્રમાણે દુનિયામાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતી સાઈટોમાં યાહૂનો ક્રમ ૧૨મો છે. એટલે કે એ દુનિયાની બારમી સૌથી લોકપ્રિય સાઈટ છે. યાહૂની સાઈટ પર આવનારો યુઝર સરેરાશ ૪.૨૬ મિનિટ ત્યાં રોકાય છે.
ગૂગલના કર્મચારીઓની સંખ્યા ૧ લાખ, ૧૦ હજાર જેટલી છે, જ્યારે યાહૂના કર્મચારીઓ દસ હજાર છે!
સૌથી વધુ ૨૭.૮ ટકા લોકો જીમેઈલનો વપરાશ કરે છે. એ પછી એપલની મેઈલ સર્વિસ, આઉટલૂક.. વગેરેનો નંબર લાગે છે. સૌથી વધુ વપરાતી મેઈલ સર્વિસમાં યાહૂ મેઈલનો હિસ્સો ૬.૩ ટકા છે અને નંબર પણ ૬ઠ્ઠો છે.