Get The App

વિવાદોથી સદા દૂર રહેનારો સચિન તેંડૂલકર

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Feb 29th, 2020

GS TEAM

Google News
Google News
વિવાદોથી સદા દૂર રહેનારો સચિન તેંડૂલકર 1 - image


સુકાનીપદ ગુમાવ્યા બાદ સચિને કહ્યું હતું કે 'તમે મને સુકાની તરીકે રોકી શકો,પરંતુ  ક્રિકેટ ખેલતા રોકી શક્શો નહીં અને હું ભારત તરફથી રમવા ચાહું છું.'

૨૦૧૧માં ક્રિકેટ વર્લ્ડકપમાં વિજય મેળવનારી ટીમે 'ક્રિકેટના ભગવાન' ગણાતા સંચિન તેંડૂલકરને ખભા પર બેસાડીને 'લેપ ઓફ ઓનર' કર્યું હતું અને એ સમયે આ દિગ્ગજ બેટ્સમેનની આંખમાં આંસુ આવી ગયા હતા. તે ક્ષણને છેલ્લા બે દાયકાની યાદગાર ક્ષણ તરીકે જાહેર કરવામાં આવી હતી. ખભા પર બેઠેલા સચિનનું સ્મરણ કરીને એ સમયે વિરાટ કોહલીએ કહ્યું હતું કે દોઢ દાયકા સુધી દેશના અરમાનોનો પોતાના ખભા પર ભાર લઈને ચાલનાર સચિનનું વિશ્વકપ બાદ આવું અભિવાદન થાય, તે સહજ ગણાય. સચિને પણ સતત બાવીસ વર્ષ સુધી જે વર્લ્ડકપનો પીછો કર્યો હતો, તે પ્રાપ્ત થયો તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

સચિન તેંડૂલકરના વ્યકિત્વનો વિચાર કરીએ તો એમ લાગે કે ભારતીય ક્રિકેટમાં સચિન સાથે મેળ બેસે તેવો સમર્થ ક્રિકેટર મળતો નથી. ધોની, ગાંગુલી, ગંભીર, ધવન, કોહલી અને રોહિત શર્મા આ બધાએ સચિન પાસેથી ઘણું મેળવ્યું છે, પરંતુ આ બધાથી સચિનનું વ્યકિતત્વ સાવ ભિન્ન પ્રકારનું જણાય છે.

કોઈ પણ વાતમાં વિરોધ જાગે નહીં, તેની સચીન અગાઉ અને આજે પણ સાવધાની રાખે છે, આથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે એની પાસેથી સુકાનીપદ છીનવી લેવામાં આવ્યું હોવા છતાં સચિને એ કામ કરનારી ક્રિકેટ ટીમની બહારના પરિબળો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો નથી. એનું સુકાનીપદ છીનવાઈ ગયું, તે પછી દસેક દિવસ સુધી એને એની નાખુશી એના હૃદયમાં છુપાવી દીધી હતી. સિલેક્ટરો કોઈ જુદી દિશામાં ચાલતા હતા અને સચિનની વિચારધારા કોઈ જુદી હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે લેવાયેલા વી.વી.એસ. લક્ષ્મણને એ એના સ્થાને ખેલે તેમ ચાહતો હતો, જ્યારે એને છેલ્લે જાણ થઈ કે એને ઓપનિંગમાં મોકલવાનું નક્કી કર્યું છે. ભારતનું સુકાનીપદ સચિનને માટે મહિમાવાન હતું, પરંતુ સુકાનીપદ એ એનું અંતિમ લક્ષ્ય નહોતું. એને ભારત તરફથી ખેલવામાં સૌથી વધુ ગૌરવ મહેસૂસ થતું હતું અને એ જ એને માટે અંતિમ બાબત હતી.

આથી એણે સુકાનીપદ ગુમાવ્યા બાદ એમ કહ્યું હતું કે 'તમે મને ભારતના સુકાની તરીકે રોકી શકો, પરંતુ તમે મને ક્રિકેટ ખેલતા રોકી શક્શો નહીં, મારે માટે ક્રિકેટ એ જીવનની સૌથી મહત્ત્વની બાબત છે અને હું ભારત તરફથી રમવા ચાહું છું.'

એક એવો પણ જમાનો હતો કે જ્યારે ભારતીય ટીમમાં સિલેક્ટરોના ષડયંત્રને કારણે સુકાનીઓ રાજીનામું આપતા હતા. વિનુ માંકડ અને પોલી ઉમરીગર જેવાએ ટીમના સિલેક્ટરો સાથે મેળ ન બેસતા એમનું રાજીનામું ધરી દીધું હતું. ૪૦ વર્ષના હેમુ અધિકારીને સુકાની (એક ટેસ્ટના) બનાવવામાં આવ્યા હતા. જ્યારે સચિન તેંડૂલકરના કિસ્સામાં એક જુદો અભિગમ જોવા મળે છે.

બિશનસિંહ બેદી હોય, હરભજનસિંહ હોય, ગૌતમ ગંભીર હોય કે પછી વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી હોય- એ બધાનાં વિધાનો વિવાદ જગાવતા રહે છે. વિરેન્દ્ર સહેવાગ પણ આમાં પાછો પડતો નથી. જ્યારે સચિન તેંડૂલકરની ખૂબી એ છે કે એણે પોતાનાથી ક્યારેય કોઈ વિવાદજનક વિધાન ન થાય એની પુરી જાગૃતિ રાખી છે. એ ક્રિકેટબોર્ડ સામે હોય કે પોતાના ખેલાડીઓના કંગાળ દેખાવ અંગે હોય, પણ એણે ક્યારેય આમાં વિવાદો જગાવવાનો ન તો પ્રયાસ કર્યો છે, ન તો એમાં એને રસ છે કે ન તો આવા વિવાદો એની પસંદ છે.

આથી રાજસભાના સભ્ય તરીકે એવો વિવાદ જાગ્યો કે સચિન તેડુલકરે રાજસભામાં બહુ ઓછો સક્રિય ભાગ લીધો છે અને મોટે ભાગે તો એ ગેરહાજર રહ્યા છે, ત્યારે એણે કશો જવાબ આપ્યો નહોતો. માત્ર નેવું લાખ રૂપિયા જેટલી રાજસભાના સભ્ય તરીકે મળેલી સેલરી એણે પ્રધાનમંત્રીના રિલીફ ફંડમાં આપી દીધી હતી.

એવી જ રીતે કાશ્મીરના પ્રશ્ન વિશે શાહિદ આફ્રિદીએ ટ્વીટ કર્યો હતો કે કાશમીરની સ્થિતિ 'ચિંતાપ્રેરક અને વ્યથા પહોંચાડનારી છે, 'નિર્દોષો ગોળીએ દેવાય ''છે અને તેથી યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા શા માટે એને અટકાવતી નથી. ત્યારે સચિને આવું બોલવા માટે એને ખખડાવી નાખ્યો નહોતો. માત્ર સીધોસાદો ઉત્તર આપ્યો કે 'ભારતને સંભાળનારા પુરુષો પૂરતા શક્તિશાળી છે. બહારની કોઈ વ્યકિતએ આપણે શું કરવું જોઈએ એ કહેવાની કશી જરૂર નથી.'

આવી જ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ દડા સાથે છેડછાડ કરી રહી છે તેનો પુરાવો કેમેરામાં ઝડપાઈ જતાં ઓસ્ટ્રેલિયાના સમર્થ ક્રિકેટરોની સામે વિરોધનો વંટોળ જાગ્યો હતો અને સુકાની સ્ટીવ સ્મિથ અને ઉપસુકાની ડેવિડ વોર્નરની હકાલપટ્ટી થઈ હતી, ત્યારે સચિન તેંડૂલકરે એટલું જ કહ્યું કે ક્રિકેટ એ 'જેન્ટલમેન્સ ગેઈમ' છે એન ે એના સાચા સ્વરૂપમાં ખેલવી જોઈએ. જે કંઈ બન્યું છે તે દુ:ખદ છે અને એ અંગે જે નિર્ણયો લેવાયા છે તે રમતની ગરિમાને જાળવનારા છે. જીતવું મહત્ત્વનું છે પરંતુ એથીય વધુ મહત્ત્વની બાબત કઈ રીતે જીત મેળવો તે છે અને પછીના દિવસે એ જ સચિન તેંડૂલકરે કહ્યું,'જે ક્રિકેટરોને દડા સાથે છેડછાડ કરવા માટે સજા થઈ છે તેના ફેમિલી સાથે સહાનુભૂતિ છે.'

આવી જ રીતે ૧૯૯૦ના ગાળામાં જ્યારે ભારતીય ખેલાડીઓમાં મેચ ફિંક્સિંગના કૌભાંડનાં છાંટા ઊડયા ત્યારે સચિને મૌન સેવવાનું ઉચિત માન્યું હતું. હકીકતમાં તો એના એકલાની પાસે આને વિશે અભિપ્રાય આપવાની નૈતિક ક્ષમતા (મોરલ ઓથોરિટી) હતી, તેમ છતાં એણે કોઈ આગેવાની લીધી નહીં. એવી જ રીતે આઈપીએલના કૌભાંડમાં પણ સચિન ખામોશ રહ્યો.

આમ સ્વભાવિક રીતે એનો અભિગમ વિવાદોથી દૂર રહેવાનો રહ્યો છે. આથી ઇન્ટરવ્યૂ વખતે ભાગ્યે જ એ કોઈ બોલ્ડ સ્ટેટમેન્ટ કરે છે અને મોટે ભાગે તો એ આવા વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂને ઠારી દેતો હોય છે. એવી જ રીતે એની પાસે કોઈ રમત સમીક્ષક 'ક્વોટ' માગે, તો પણ એ બહુ ઉત્સુક જણાતો નથી.

આમ છતાં આ મહાન દિગ્ગજ ખેલાડી કહે છે,'હું ભારત માટે ખેલતો હતો અને આજે ભારત યશસ્વી બને તેની પ્રાર્થના કરુ છું. પહેલાં ભારત માટે 'પ્લે'' કરતો હતો, આજે ભારત માટે 'પ્રે'( પ્રાર્થના) કરું છું.

ક્ષણનો સાક્ષાત્કાર

કોઈપણ સિધ્ધિને માટે સૌથી આવશ્યક શરત એ છે કે તમારી પાસે તમારા જીવનના ધ્યેય (ગોલ) અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. જીવનધ્યેયની અસ્પષ્ટતા એ જીવનમાં અંધાધૂંધી સર્જનારી બાબત છે. એ સ્પષ્ટતા થવી જોઈએ કે હું મારા જીવનના ક્યા ક્ષેત્રમાં આગળ વધવા ચાહું છું. એ મારા ધ્યેયને સિધ્ધ કરવા માટે મેં અત્યાર સુધી શું કર્યું છે અને શા માટે અત્યાર સુધી હું મારા એ જીવનધ્યેયને સિધ્ધ કરી શક્યો નથી. એ સર્જનાત્મકતા પ્રગટાવવાની પહેલી શરત છે. તમારા જીવનના સહુથી મોટા અવરોધને શોધી કાઢો અને પછી એના ઉકેલને માટે અને એના અવરોધને દૂર કરવા માટે તમારા મગજને કામે લગાડી દો અને એની પાછળ મહેનત કરીને મંડી પડો. તો તમારી સર્જનાત્મકતા પ્રગટયા વિના રહેવાની નથી.

તમને કેટલાંય ક્રિએટીવ, મૌલિક અને સહુમાં અનોખા પડી જાય તેવા ઉત્કૃષ્ટ વિચારો આવશે. જીવનમાં ધ્યેય તો દરેક પાસે હોય છે, પરંતુ એને કેવી સર્જનાત્મકતાથી સિધ્ધ કરવું, એના રસ્તા એણે શોધવા જોઈએ. આથી હું કહીશ કે જગતમાં પ્રત્યેક વ્યકિત સર્જનાત્મક શક્તિ ધરાવે છે. માત્ર જે વ્યકિત પાસે પોતાનું સુસ્પષ્ટ જીવનધ્યેય હોતું નથી. એને પોતામાં પડેલી સર્જનાત્મકતાનો સ્પર્શ થતો નથી અથવા તો એનો ખ્યાલ પણ આવતો નથી.

જીવનમાં અવરોધ આવે અને અટકી જનારી વ્યકિતઓ કોઈ સર્જનાત્મક કાર્ય કરી શક્તી નથી. ક્યાં તો એ નિરાશ થઈને બેસી જાય છે અથવા તો પોતાને માટે આ કામ અશક્ય છે એમ માનીને એનો વીંટો વાળી દે છે. વ્યકિત જ્યાં અવરોધ જુએ, ત્યાં તરત જ પોતાની શક્તિની લક્ષ્મણ રેખા આંકી દે છે અને એ લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકવાનું એ સાહસ કરતી નથી. જ્યારે તમારી સર્જનાત્મકતા તો ત્યારે જ પ્રગટ થાય, જ્યારે તમે અવરોધોને પાર કરીને પોતાની ક્ષમતા પુરવાર કરો. જેમ જેમ તમે પડકારો ઝીલતા જશો, તેમ તેમ તમને સ્વયંને આશ્ચર્ય થશે કે તમારામાં આટલી બધી શક્તિ નિહિત હતી અને આવાં આવાં કપરાં અવરોધોને તમે સફળતાથી પાર કરી શક્યા.

મનઝરૂખો

થિયેટરોથી ઊભરાતા અમેરિકાના પ્રસિદ્ધ બ્રોડવેમાં નિર્માતા ફલોરેન્સ ઝીગફેલ્ડ નાટયજગતમાં એક જાદુગર તરીકે જાણીતા હતા. તેઓ તદ્દન સામાન્ય સ્ત્રી કે પુરુષને કુશળ અભિનેતા કે અભિનેત્રીમાં પરિવર્તિત કરી શકવાની અપ્રતિમ કલા ધરાવતા હતા.

સાવ સામાન્ય વસ્ત્રોવાળી અને સાધારણ દેખાવ ધરાવતી સ્ત્રીમાં પણ અભિનયની સતત તાલીમ અને પરિશ્રમથી અસાધારણ ફેરફાર કરી શક્તા. રસ્તે કોઈની નજરે પણ ન ચડે એવી સ્ત્રીને આ નિર્માતા એને અતિ સુંદરતા અને પ્રબળ આકર્ષકતા સાથે રંગભૂમિ પર રજૂ કરી શકતા. સહુને આશ્ચર્ય થતું કે ફલોરેન્સ ઝીગફેલ્ડ કઈ રીતે આવું પરિવર્તન સર્જે છે ?

ફ્લોરેન્સ ઝીગફેલ્ડનો એક સિધ્ધાંત હતો કે પ્રત્યેક વ્યકિતને આત્મસન્માન આપવું. એનો આત્મવિશ્વાસ વધારવો. પોતાની જાતને સાવ સામાન્ય માનતી વ્યકિતને એની જાત વિશેની સામાન્યતાની દૃઢ અને બંધિયાર માન્યતામાંથી બહાર લાવવી. એના મનમાં પલાંઠી મારીને આસન જમાવી બેઠેલી લઘુતાગ્રંથિને દૂર કરવી. જીવન વિશેના નેગેટિવ અભિગમને પોઝિટિવ બનાવવો અને એમની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય, તે માટે અવિરત પ્રયાસ કરવો.

આવા માનસિક અભિગમની સાથે વ્યવહારુ દ્રષ્ટિ પણ અપનાવતા હતા. અઠવાડિયે માત્ર ત્રીસ ડોલર મેળવતી યુવતીઓનું મહેનતાણું એમણે ૧૭૫ ડોલર કર્યું ! નવોદિત કલાકારોની શક્તિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા.

નાટકના પ્રથમ પ્રયોગ વખતે એ મુખ્ય કલાકારોને શુભેચ્છાના તાર મોકલતા અને રંગમંચ પર કામ કરતી યુવતીઓની 'અમેરિકન બ્યુટી' તરીકે પ્રશંસા કરીને એમનામાં રહેલા આત્મવિશ્વાસને જગાડતા, એટલું જ નહીં, પણ તેઓ આગવી નાટયકલા ધરાવતા પ્રતિભાવના કલાકાર છે એવી અનુભૂતિ કરાવતા. આને પરિણામે કલાકાર જીવ રેડીને અભિનય કરતો તથા ફલોરેન્સ ઝીગફેલ્ડની શાબાશીને યોગ્ય પુરવાર થવા પ્રયત્ન કરતો. આ અનુભૂતિ કલાકારની પ્રતીતિ બની જતી હતી.

Tags :