Get The App

ચિલ્લાવાને બદલે 'ચિલ' મારો : ફુરસદની ફાલતુ મોજ માણો !

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

Updated: Mar 1st, 2020

GS TEAM

Google News
Google News
ચિલ્લાવાને બદલે 'ચિલ' મારો : ફુરસદની ફાલતુ મોજ માણો ! 1 - image


બધી વાતમાં બોધ ગોતવાની આદત બૂરી છે, અને તમામ જગ્યાએ મેસેજ, મોરાલિટી અને મોટીવેશનથી મગજનો મઠ્ઠો થઇ જાય !

આ જીંદગી એક જડી છે આપણને, પહેલા કેવી હતી અને હવે કેવી હશે એખબર નથી. તમને કુતૂહલ થાય ને જીજ્ઞાાસા સંતોષાતા સ્પાર્કની મોજ આવે એ બધું નોલેજ મેળવો

હમણા મલંગ ફિલ્મ જોઈ. કોઈ ગ્રેટ ક્લાસિક નથી. એ જ 'કાઉન્ટર ઓફ મોન્ટે ક્રિસ્ટો'ના રિવેન્જ ડ્રામાની ૧૦૦૮મી આવૃત્તિ છે. પણ તો ય રિફ્રેશ થઇ જવાયું. સવા બે કલાકની હથોડાછાપ કન્ફ્યુઝડ 'લવ આજકાલ' કરતાં વધુ સરસ રીતે આજની જનરેશનની બિન્દાસ લવસ્ટોરી 'મલંગ'માં ક્લેરિટી અને કોન્ફિડન્સથી બતાવાઈ છે. વધુ પડતા ચાંપલા ચીબાવલા થયા વિના અડધો ગ્રામ પણ વધારાની ચરબી ન ધરાવતી દિશા પટ્ટણીએ એની કમનીય કાયાને લહેરથી સેલિબ્રેટ કરી છે, ને કોઈ બનાવટી બોગસ શરમ વિના દિગ્દર્શક મોહિત સૂરીના કેમેરાએ એને ઝીલી છે.

નો જેન્ડર બાયસ. સ્ત્રીઓને સીસકારાં બોલાવવા માટે નકશીદાર ડાયમંડ કટ બોડી બનાવી આદિત્ય રોય કપૂરે પણ 'અંગપ્રદર્શન' કર્યું છે. હાયવોય વાયોલન્સ કરવાને બદલે કોરિયન સ્ટાઇલનું ઢાંસૂ ઢાંસૂ ઢિશૂમ ઢિશૂમ છે. અનિલ કપૂરનો ઝક્કાસ વિન્ટેજ સ્વેગ છે. ધુઆંધાર છતાં મેલોડિયસ એવું મ્યુઝિક છે. કમાઈ જાય છતાં રિલેક્સ થઇ ટાઈમપાસ કરવો ગમે એવું સસ્પેન્સ છે. બીજું શું જોઇએ બે કલાકમાં ?

લૂક. આનો અર્થ એવો નથી કે ગંભીર, થોટ પ્રોવોકિંગ, ક્રિએટીવ સિનેમા (કે કોઈ પણ આર્ટ) ખરાબ છે. અહીં જ પેરેસાઇટ જેવી ફિલ્મે ઓસ્કાર જીત્યો એ પહેલા બે ભાગમાં એની પ્રશસ્તિગાથા લેખો હતા. પણ પછી આખી જીંદગી હોસ્પિટલની કેન્ટીન જેવું જ ખાવાનું હોય તો પૃથ્વી પરથી તમામ મસાલા, ખાંડ, ઘી, તેલ, ગોળ, નમકનો નાશ કરવો પડે. બેઝિકલી, એવું લુખ્ખું, ફિક્કું, બેસ્વાદ ખાવાથી તમે લાંબુ જીવી શક્તા હો તો એવા સો વરસ જીવીને કરવાનું શું ? એ જ બાફેલી દૂધી ને કોબીના પાંદડાં ખાવા માટે વધારાના વરસો જીવવાનું ?

રિયલ આર્ટ પછી એ ગંભીર આર્ટહાઉસ સિનેમા હોય કે અઘરું લાગતું શાસ્ત્રીય સંગીત. એના ગુણગ્રાહી જાણકારોને તો જલસો કરાવે જ છે. માટે એનો કોઈ વાંધોવિરોધ નથી. પણ કલા માત્રમાં ધરાર કોઇને કોઈ મેસેજ ઘુસાડી દેવાનો એક નવો રોગ આજકાલ કોરોનાવાઇરસ કરતાં વધુ ઝડપે આપણને વળગ્યો છે. એની આ મોકાણ છે. નોર્મલ જનરલ પીપલને પહેલા સિનેમા કનેક્ટ થાય, એટલે વાત ત્યાંથી છેડી. બન્યું એવું કે ભારતમાં જેટલી ઝડપથી વસતિ વધે છે, એટલી ઝડપથી જ્ઞાાન નથી વધતું. અને લાઇફમાં સ્ટ્રેસ વળી વધે છે, એટલે આવક ઓછી હોય તો ય એના ઉકેલ માટે ખર્ચ કરવો ગમે છે.

એમાં અક્ષયકુમાર અને આયુષ્યમાન ખુરાનાની સોશ્યલ મેસેજ આપતી મિડલ ક્લાસ ફિલ્મો ચાલી નીકળી. બોલિવૂડ તો ટ્રેન્ડની બાબતે કોપીકેટ છે. કોમેડી હોય કે દેશ ભક્તિ, જ્યાં ચૂલો દેખાય ત્યાં હાંડલી ચડાવી દેવાની. શરૂઆતની આવી ફિલ્મો સાચે જ મજેદાર હતી. ફિલમ જેવા સશક્ત અને આમ જનતા સુધી પહોંચતા પ્રભાવી મિડિયામાં અમુક મુદ્દા આવે ને ચર્ચાય એ જરૂરી હતું, અને એ થયું એ માટે એ કરનારા તમામને બે હાથે સલામ.

પણ પછી વધુ પડતી ટીટ્વેન્ટી રમવામાં ક્રિકેટર ટેસ્ટ ક્રિકેટની મૂળ બેટિંગ ભૂલી જાય ને ધબાય નમ: થઇ જાય એવો અતિરેક થવા લાગ્યો. જેમ પંજાબી સૂફી ઢાળના એકના એક ઢાળના રાગડાઓએ કાન પકવીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું ઉઠમણું કરી નાખ્યું, એવું હવે ફિલ્મોની વાર્તાના એન્ટરટેઇનમેન્ટમાં થઇ રહ્યું છે. બધા હોડમાં પડયા છે, કોઈ ઇતિહાસનું પાનું ફાડીને, કોઈ પ્રેરણાપિયુષ પીવડાવતી બાયોપિકની સ્ટોરી ન્યુઝપેપરમાંથી ઉપાડીને, કોઇ વાસ્તવમાં ન હોય એવો ડોઝ રાષ્ટ્રવાદ ને દેશભક્તિનો બટાકાપૌંઆ પરની સેવની જેમ ભભરાવીને, કોઈ પરિવાર કે સંબંધો બાબતે સ્ટેન્ડ લઇને, કોઇ ગે રાઇટ્સના વકીલ બનીને, કોઈ મહિલા સશક્તીકરણનો ઝંડો ઉંચકીને, કોઈ શોષિતપીડિતવંચિતનું રૂદન તારસ્વરે સંભળાવીને...

ફરી વાર, ન તો આ ખોટું છે. ન એની સામે વાંધો છે. પણ દર શુક્રવારે સિનેમાઘરમાં કોઈ પરીક્ષા પહેલાના એકસ્ટ્રા ક્લાસની જેમ ગંભીર માસ્તરિયા ચશ્મા ચડાવીને ભણાવવા જ લાગે તો થિએટરને બદલે મેથ્સના ક્લાસરૂમમાં ઘૂસી ગયા હોય એવું લાગે. ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોના ઉમળકા જ ભૂતકાળ બની જાય, કારણ કે મિડલ ક્લાસ ફિલ્મોનું બજેટ પણ ટીવી સ્ક્રીનમાં સમાઈ જાય એવું મિડલ ક્લાસ હોય. એ માટે દોડીને શા માટે કોઈ પૈસા ખર્ચે, ટીવીમાં ટેસથી ટાંટિયા લંબાવીને ઘેર ન જોઇએ ?

ચિલ્લાવાને બદલે 'ચિલ' મારો : ફુરસદની ફાલતુ મોજ માણો ! 2 - image

એક તો આમ પણ આમ આદમીને હજાર જાતના ટેન્શન ઘેરી વળેલા છે. એમાંથી જરાક હળવા થવા એ ફિલ્મ જોવા જાય, ત્યાં ય કોઇક એનો કોલર પકડીને કોઈ બાબાની જેમ કાનમાં ધર્મોપદેશ ફુંકવા લાગે તો બેશક જાને દે, થોડી હવા આને દે જેવી ફીલિંગ થાય.

તો શું ફોર્મ્યુલાસ્ટિક ફિલ્મો બનાવવાની ? એની એ ફૂવડ કોમેડી પીરસવાની ? ડાકુઓ અને ગેંગસ્ટરોની વાસી વાર્તાઓ કહેવાની ? ના રે. જરાય નહિ. કોંગ્રેસથી કંટાળીને ભાજપને ચૂંટયો હોય એ નવી તાજગી માટે, એની એ વાતના પુનરાવર્તન માટે નહિ. એમ જ આ બધી ફિલ્મ્સ રિજેક્ટ કરી હોય ઓલરેડી એટલે તો સલમાનની ય એવી ફિલ્મો બોર કરે છે હવે પબ્લિકને અને રજનીકાંતની યે ! પણ જરાક રસપ્રદ રીતે નવી વાર્તાઓ કહી શકાય ને ? કોઈ અશ્વિની ભટ્ટ સ્ટાઇલનું નિતાંત જકડી રાખતું થ્રીલર બનાવી શકાય. કોઈ હળવાશથી ખડખડાટ હસાવતી પ્રિયદર્શન-નીરજ વોરાની આજે ય જેના ડાયલોગ્સ લોકો મીમમાં વાપરે એવી ફિલ્મ બનાવી શકાય. મગજમાં મેસેજનો બોજ રાખ્યા વિના ફ્રી ફ્લો ક્રિએટીવિટી વહેવા દઇને. અરે મસ્ત નશો ચડે તેવી ઇનોસન્ટ રોમેન્ટિક બબલી ફિલ્મો બેતાબ, દિલ, લવસ્ટોરી વગેરે જેવી મધુર ગીતો સાથે બનાવી શકાય (હજુ ય પરિવારને પ્રેમ સામે વાંધો પડે એ એવરગ્રીન પ્લોટ લાઇફમાં ભજવાય જ છે ને !) હવાઈ ગયેલી વેફર જેવી હોરર ફિલ્મોને બદલે સાચે જ ડરાવતી ભૂતની ફિલ્મો બનાવી શકાય. મદહોશ ઇરોટિક ટેમ્પટેશન બતાવી શકાય.

પણ એ માટે પેલો બોજ હટાવવો પડે કે આપણે મહાગુરૂ થઇને તમામને મોટીવેટ કરવા છે, ભણાવવા છે, નૈતિકતાની અગરબત્તી પ્રગટાવીને માહોલ સાવ જ સ્વચ્છ કરી નાખવો છે. સિમ્પલ, બટ એન્ટરટેઇનિંગ એન્ડ ઇનોવેટીવ પણ આર્ટ હોઈ શકે. કસબથી, કૂનેહથી સપાટી પર હળવીફૂલ અને સરળ લાગતી વાતમાં ય અવનવા બારીક રેફરન્સ પોઇન્ટનું ખૂબીપૂર્વક નકશીકામ થઇ શકે. પણ એ માટે પેલા જાતે જ પહેરી લીધેલી આંટાળી પાઘડીના વજનદાર 'પ્રીચર' મોડમાંથી બહાર આવવું પડે.

અને કમનસીબે આ રોગ વધતો વકરતો જાય છે. બધે જ. પુસ્તકમેળાઓમાં ખૂબ ભીડ ઉભરાય છે. ઘણા રદ્દી જેવા પુસ્તકો ય વેંચાઈ જાય છે ચપોચપ. પણ સરસ વાર્તાઓના, કવિતાઓના, રહસ્યકથાઓના, રમૂજના, નાટકોના પુસ્તકોની બીજી આવૃત્તિ નથી થતી. રસપ્રદ પણ લાંબી નવલકથા વાંચવાનો તો જાણે કોઈ પાસે સમય જ નથી. બધાને બસ ઝટ ઝડપથી મહાન બનવાની, સફળ બનવાની, વિજેતા થવાની, પાસ થવાની રેડીમેઇડ ઔષધિઓ જ ગળી જવી છે. સેલ્ફ હેલ્પ, મોટીવેશન, આત્મકથા, પ્રેરણાદાયી જીવન ચરિત્રો... આ ખોટું નથી. સરસ પાચનતંત્ર વિકસાવવા માટે કાયમ સ્વાદિષ્ટ જ ન ખાધા કરાય. આંતરડા બગડે. વચ્ચે ઉપવાસ પણ 'ફળાહાર' (મનલુભાવન એવું ચટાકેદાર બ્રેક આપતું ટિપિકલ ગુજ્જુ 'ફરાળ' નહિ) ખાતર અનિવાર્ય છે. પણ માત્ર એ ઉપદેશ જ આપ્યા કરશો, તો જીંદગીના ધ્યેય-લક્ષ્ય તો ઠીક, તમે પોતે કેટલા બોર થઇ જશો એ કદી વિચાર્યું છે ?

મીટૂ પછી તો નટખટ નખરાળી ભમરાળી ચેટ કરવામાં ય ભલભલાને બીક લાગતા હરિભજનની ધૂન ચડાવી બેઠાં છે. જાહેર સમારંભોમાં કપડાં ય બધા ઠાવકાં જ પહેરી જાય છે. ગાડીઓ ય સફેદ જ રાખવાની. વાતો ડાહીડાહી કરવાની, નહિ તો વળી નાહક કોઇકની લાગણી દુભાઈ જાય એટલે જોક મારવા ને કાર્ટૂન ચીતરવામાં ય તમામ જ્ઞાાતિ ધર્મ નેતાગણ અભિનેતાગણનું ધ્યાન રાખવાનું. આ વર્ષના આરંભે બ્રિટનમાં એક એરલાઈન કંપનીએ માફી માંગવી પડી. શા માટે ખબર છે ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, એવું ક્રૂ સંબોધનમાં કહે, એમાં જેન્ડર બાયસ દેખાય છે. એમાં એલજીબીટીક્યૂ (લેસ્બીયન, ગે, ટ્રાન્સજેન્ડર, બાયસેકસ્યુઅલ વગૈરાહ વગૈરાહ)ની લાગણી દુભાઈ જાય છે, એટલે ! જેન્ડર ન્યુટ્રલ સંબોધન કરવું ! બોલો, આ તે કેવો અળવીતરાઈનો અતિરેક !

આમ ને આમ ચાલ્યું તો ક્યારેક મરદની મૂછો અને લલનાઓની લિપસ્ટિકને ય ઓફેન્સીવ ગણી લેશે આ સુધારક સમાજના વેવલાવેદિયાઓ ! ખોટું ખરાબ હોય એ જરૂર વખોડવાનું હોય પણ સહજ આનંદ ને આકર્ષણની મસ્તીમાં ય નહિ રહેવાનું ? તો પછી રોબોટને આપણામાં ફરક શું ? પબ્લિક લાઇફમાં ચોક્કસ ડિસિપ્લીન જોઈએ, જેમ કે, જાહેર રસ્તા પર. પણ પ્રાઇવેટ લાઇફમાં ય મોકળા નહિ થવા દેવાના કોઈને ? બધાએ ધરાર કોઈ ધાર્મિક મઠની જીંદગી જ જીવવાની ? ને પાછા ધર્મગુરુઓ સંગીતના જલસા ગોઠવી ખુદ બક્ષીશાઈ ભાષામાં કહીએ તો બરફનું પેંગ્વીન સહરાના રણની રેતી પર પગે દાઝતા જેવા ઠેકડા મારે એવી અદામાં નાચતા હોય ! ગુડ. નર્તન એ તો પ્રાકૃતિક સ્વભાવ છે. ન આવડતું હોય એ ય એકલા એકલા નાચી લે. બાથરૂમમાં. પણ નાચવું ગમે છે, એ સ્વીકારવું નથી. એટલે ઉપર ભક્તિના બનાવટી વરખ ચોંટાડવા પડે છે. ફિલ્મીગીતોના ઢાળમાં ભજન કમ્પોઝ કરવા પડે છે. આના કરતાં બીચ પર કેમ્પફાયર કરીને કૂદકા મારવાવાળી જવાન જનરેશન વધુ પ્રામાણિક અને પારદર્શક તો ખરી !

આ તો પેલા જૂના રંગલાના ગીત જેવું થયું. ચોકલેટ ખાને મેં ટેન્શન હૈ (દાંત સડી જાય), દૂધ પીને મેં ટેન્શન (એનિમલ રાઇટ્સનું વેગનીઝમ)... એમાં વળી જાહેરાતો તમારી પાસે આ નથી, તે નથી, ફલાણું લો, ને ઢીકણું તો માણો જ કહી લલચાવ્યા કરે. જીંદગી ચોવીસ કલાકની ને કરવાના એજન્ડા ચુમ્માલીસ. કેમ ભેગું થાય બધું ?

હમણાં જાપાનમાં ૧૧૨ વર્ષના સત્તાવાર રીતે જગતના સૌથી વધુ વૃદ્ધ દાદાજી શાંતિથી સ્વધામ સિધાવી ગયા, કોઈને ય નડયા કનડયા વિના. એમને થોડા સમય પહેલા એમના તંદુરસ્ત દીર્ઘાયુનું રહસ્ય પૂછાયું તો એનો જવાબ આપેલો, 'હું ખુશ રહું છું !' વાહ ક્યા બાત હૈ. માન ગય ઉસ્તાદ. મોજમાં રહેવું. પેલા વાઇરલ જોક મુજબ : 'તમારી ખુશીનું રહસ્ય શું ?', 'હું કોઈ સાથે દલીલ નથી કરતો', 'પણ એવું થોડું હોય ?', 'તો એમ રાખો. આવજો !' ખી ખી ખી

ખુશ થવાનું ન હોય. એમાં બીજું કશુંક જોઈએ. ખુશ રહેવાનું હોય. જેમાં આપણી જાત જોઈએ. લોકોને લાઇફમાં આવી પડેલા ટેન્શન ઓછા હોય એમ ઉધાર ટેન્શન લેવાની ખુજલી બહુ હોય છે. કેટલાક નવરી બજાર લવરીખોરોને સતત 'ફલાણા પર તમે શું માનો છો ?' 'ઢીંકણા પર કેમ કશું કહેતા નથી ?'-ની ખંજવાળ હોય છે, જેનો ચેપ એ બીજાનેે લગાડવા ધસી જાય છે.

હમણાં એક પ્રોગ્રામમાં આર.જે. દેવકીએ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો. 'તમે આના પર કેમ કશું કહેતા નથી'- એવું પૂછતા કોઈ એન્થુ ટ્રોલીયાને કહેવામાં આવ્યું કે, 'તમે જાણો છો, ને તમારી પાસે નવરાશ છે ને. તો તમે કહો. અમારી પાસેથી જ બધી અપેક્ષા શા માટે રાખો છો ?' વેલ સેઇડ. રોજ સવારે ઉઠો ને છાપા વાંચવાની ટેવ હોય તો એકસોને એકાવન નવી ઘટનાઓ બન્યા કરતી હોય. કોલમના સબ્જેક્ટ તરીકે કોઈ વાતમાં રસ લેવાનો હોય એ બરાબર. પણ દરેક પર મનોમંથન કરી રિએક્શન આપવા જાવ તો પાગલ થઈ જાવ. એવી સળી કરનારાઓને સાવરણેથી ઝૂડીને સાફ જ કરી નાખવાના હોય. એમનું કોઈ સાંભળે એવી લાયકાત કેળવી ન હોય એ લોકો ઝૂમરીતલૈયાથી વિવિધ ભારતીમાં ગાયનનું પોસ્ટકાર્ડ લખનારની જેમ બીજાની ગળે ચોંટી પડે. તમારે જો પ્રસન્નચિત્ત ને શાંત રહેવું હોય તો રસ સિવાયની નકામી ફાલતુ ઘટનાઓ ફટાફટ ડિલીટ કરતા શીખવું પડે. બધું ઘાસ સોહામણું ન હોય, બધાં ફળ મીઠા ન હોય. ખડ વધી જાય તો જીવાત પણ વધે.

અમુક ઘટનાઓ આપણી આસપાસ સાયક્લિક રીતે બન્યા કરે. ધરમના ઝનૂની ગોબરમાં સડતા કીડાઓ પાસે કોઈ ઢંગનું કામ હોતું નથી. એટલે તો એમની ઓળખની તલાશ કોઈના ઇશારે નાચતા કઠપૂતળા થવામાં એ પૂરી કરે છે. એવા ઉધામા ને ઉત્પાત કર્યા જ કરવાના સમયાંતરે. ખપ પૂરતી માહિતી સિવાય એવા નેગેટીવિટી, કડવાશ ને કાળાશથી ભરપુર સામસામા ઝેર ઓકતા વિડિયોઝ પણ શા માટે જોવા જોઈએ ? એટલો સમય કોઈ ભૂલકાંને વ્હાલ કરો કે વડીલની સેવા કરોને આપણા કુટુંબમાં. બે ગમતા ગીત સાંભળો, ત્રણ સારી ફિલ્મો જુઓ ને ચાર સારા પુસ્તકોના પાના ફેરવો. મોબાઇલ ને ટી.વી.માં મચ્છી માર્કેટ જામી પડી હોય તો આપણે નાક ખોસવું ફરજીયાત નથી !

ફુરસદ બહુ મોંઘી જણસ છે, યારો. જીવનમાં ત્રીજો ભાગ ફરજીયાત ઉંઘવા આરામ કરવામાં જતો રહેવાનો છે. બાકી, સમૂહજીવનની જવાબદારીને અંગત જીવનના શોખ માટે કમાવામાં, એ કામ શીખવામાં. રોજીંદા કામ તો ઉભા જ હોય હિપ્પોપોટેમસ જેવું વિકરાળ મોં ફાડીને. આમાં લવ ચેટ કરવાનો ટાઇમ નથી, તો હેટમાં ક્યાં વેડફવો ? જવાનીની સ્ફૂર્તિ અમુક વર્ષો સુધી હોય. અચાનક કોઈ જંઝીર નાખી દેતી બીમારી વળગી શકે. કોઈ પણ ઘડીએ ખંજરની જેમ મોત આવીને આપણે ફટાકિયો કરી શકે. ત્યારે એકનું એક તો હરિસ્મરણ પણ કંટાળાજનક કસરત બની જાય. મૂકો માથાકૂટ. તેલ લેવા ગયું બધું. જે એક રવિવાર મળ્યો, એને સરખો માણી લો ને ! ખુશીનો અહેસાસ તમને તંદુરસ્ત રાખશે. તમારી પૃથ્વી પરની પળો રોશન બનાવશે. બીજા માટે નહિ તો ખુદને માટે જીવી લો. હેવ ફન. નજીકના ઘણાં કાયમ રિસાયા જ કરે, તો કેટલા કલાકો બરબાદ કરશો એમને મનાવ્યા જ કરવાના. ન સમજે તો લીવ ઇટ (છોડો) એન્ડ લિવ ઇટ (જીવો) !

આ જીંદગી એક જડી છે આપણને, પહેલા કેવી હતી અને હવે કેવી હશે એખબર નથી. તમને કુતૂહલ થાય ને જીજ્ઞાાસા સંતોષાતા સ્પાર્કની મોજ આવે એ બધું નોલેજ મેળવો. પણ ખાલીખોટા ઇતિહાસની ભૂલોના અને ભવિષ્યના મોક્ષના સવાલો પૂછવામાં એને વેડફી નથી નાખવાની. આજની નિરાંતને ભસાભસને બદલે હસાહસ કરી ઉજવી નાખવાની છે. મર્યા પછી અળસિયું થાવ કે અજગર - કોઈ ફરક નથી પડવાનો કારણ કે મેમરી જ નથી રહેવાની અત્યારની. માટે ડરો નહિ. કોઈને પરેશાન કરતા ક્રાઇમ એટલે ન કરો કે અંદરની ફૂરસદના ફોતરાં છોલી નાખશો. જરૂર પૂરતી મહેનત કરો, પણ એ મહેનતની મજા માણી શકાય એટલો બ્રેક પણ ઘટમાળને સ્ટોપ કરીને ખોટા કોઈને કેવું લાગશે એના ટેન્શન લીધા વિના લો. યાદ રાખવું, આપણે જે છીએ એ માટે કદી કોઈની માફી માગવાની જરૂર નથી. બી યોર સેલ્ફ. ગમે તે કરો પણ આપણા આનંદ કોઈના અભિપ્રાયો પર આધારિત ન રાખો ! નો ચિલ્લમ ચિલ્લી, જસ્ટ ચિલ

ફાસ્ટ ફોરવર્ડ

'જે પોતાની પાસે ન હોય એવી કોઈ વિદ્યા કે કળા બીજાની પાસે હોય તો એની ઇર્ષા નહિ પણ ઇજ્જત કરવી !' (મોરારિ બાપુ)

Tags :