શાળાની શેરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'જો શેરુ, તને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો અમારો કોઈ ઈરાદો નહોતો… પણ અમે તને રમાડીએ, જમાડીએ, તારું અને તારાં બચ્ચાંઓનું આટલું બધું ધ્યાન રાખીએ તો પણ તું અમારા બાળકોને ડરાવે તે કેવી રીતે ચાલે?'
જાગૃતિ 'નિર્મોહી'
વેકેશન ખૂલ્યું. પહેલા જ દિવસે શાળાના દરવાજે એક કૂતરી આવીને બેઠી. તે બાળકો સાથે એકદમ ભળી ગઈ. શાળાનાં પ્રિન્સિપલ ઝીલબેને બાળકોને ખવડાવ્યું અને કૂતરીને પણ ખાવાનું આપ્યું. એના માટે નવી ડિશ અલગ કાઢી અને બાળકોને સૂચના આપી, 'આ ડિશમાં કોઈ જમતાં નહીં, આ ફક્ત આને ખવડાવવા માટે મૂકું છું.' એક વાટકો પાણીનો અલગ ભરી દીધો.
બીજા દિવસથી તો શાળા કૂતરીનું ઘર બની ગયું હતું. બાળકો, ઝીલબેન અને દીપકસર બધાં એને જમવાનું આપતાં. કૂતરીબેનને તો મજા આવી ગઈ. બાળકો સાથે એ ખૂબ રમતી. એ દેખાવે ધોળી અને એવી ક્યુટ હતી કે પહેલી જ નજરે સૌ કોઈને ગમી જાય. બાળકોએ તેને નામ આપી દીધું, 'શેરુ'.
શેરુ તો એના પરિવાર સાથે શાળામાં વસી ગઈ. શેરુના પરિવારમાં ચાર સાવ નાનાં નાનાં ગલૂડિયાં હતાં. શેરુને શાળામાંથી જમવા ઉપરાંત દૂધ પણ આપવામાં આવતું હતું. દીપકસરે બાળકોને સૂચના આપી, 'રિસેસમાં જમ્યા પછી જે વધે એ શેરુની ડિશમાં મૂકવું. રજા હોય એ દિવસે ખાસ યાદ કરી રોટલો આપી જવો. ઘરેથી વધ્યું હોય એ શેરુ માટે લાવવું.'
આમ, શેરુની જિંદગી સરસ ગોઠવાઈ ગઈ. ઝીલબેનને રસ્તા પર રઝળતાં જનાવરોથી બહુ બીક લાગતી. શાળામાં આવી ઝીલબેન અંદરનો દરવાજો બંધ કરી દે. બહાર નીકળે તો હાથમાં સોટી રાખે.
ધીમે ધીમે શેરુ દીપકરના વર્ગમાં આવતી થઈ ગઈ. ક્યારેક એ ઝીલબેનના ક્લાસમાં પણ બેસે. એક દિવસ નિત નામનો વિદ્યાર્થી શેરુને ખાવાનું આપવા ગયો. એને કોણ જાણે શું સૂઝ્યું કે એ શેરુના સાવ નાનકડા બચ્ચા સાથે મસ્તી કરવા લાગ્યો. શેરુને આ ન ગમ્યું. એ જોરથી ભસી અને એક પંજા ઊગામ્યો. નિતને એનો નખ વાગી ગયો. પછી તો શેરુ જેને જુએ એની સામે ભસવાનું ચાલુ કરી દે.
ઝીલબેન ડરી ગયાં. શેરુ બાળકોને કરડી બેસશે તો? આવું થાય તો ડોક્ટર પાસે જઈને ઇંજેક્શનો લેવા પડે. ના, ના, આવી પરિસ્થિતિ ઊભી ન દેવાય.
ઝીલબેને વાલીઓને વાત કરી. એક વાલીએ કહ્યું, 'બેન, આનો એક રસ્તો છે. કૂતરી અને એનાં બચ્ચાંને બાચકામાં ભરીને દૂર કશેક છોડી આવીએ તો છૂટકારો થાય.'
ઝીલબેન ફક્ત એેટલું જ બોલ્યાં, 'ભલે.'
શેરુ અને તેનાં બચ્ચાંઓને બાચકામાં ભરીને લઈ જવામાં આવ્યાં. શાળા સૂની સૂની થઈ ગઈ.
બાળકોને હવે શેરુ વગર જરાય ગમતું ન હતું. એમને તો એવું લાગતું હતું કે જાણે કોઈ સ્વજન ઘર છોડીને કશેક જતું ન રહ્યું હોય! બાળકો તો ઠીક, ઝીલબેન પણ શેરુને મિસ કરવા લાગ્યાં હતાં.
ચાર-પાંચ દિવસ માંડ પસાર થયા હશે. ઝીલબેન સ્કૂલના ગેટ પાસે વાલીઓ સાથે વાત કરતાં ઊભાં હતાં ત્યાં તો અચાનક સામે શેરુ દેખાઈ. એ દોડતી દોડતી સ્કૂલ તરફ આવી રહી હતી. તેને જોઈને બાળકો તો ખુશ થઈ ગયાં, પણ ઝીલબેન સહેજ ડરી ગયાં. એ ચૂપચાપ જોતાં રહ્યાં. શેરુ દોડતી દોડતી ઝીલબેન પાસે જ આવી. ઝીલબેન હવે ગભરાયાં. આ શેરુ મને કરડશે કે શું?
પણ આ શું? શેરુ તો ઝીલબેનના પગની નજીક મોં નીચું કરી, પોતાના પગ લાંબા કરી બેસી ગઈ. જાણે માફી ન માગતી હોય કે તે દિવસે તમારા સ્ટુડન્ટ મિતને મારો નખ લાગી ગયો હતો તે બદલ સોરી! ઝીલબેન બોલ્યાં, 'જો શેરુ, તને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો અમારો કોઈ ઈરાદો નહોતો… પણ અમે તને રમાડીએ, જમાડીએ, તારું અને તારાં બચ્ચાંઓનું આટલું બધું ધ્યાન રાખીએ તો પણ તું અમારા બાળકોને ડરાવે તે કેવી રીતે ચાલે?'
શેરુની આંખોમાં આંસુ આવી ગયાં. જાણે કહેતી ન હોય કે હવે પછી ક્યારેય કોઈ બાળકને નહીં ડરાવું, ક્યારેય મોટે મોટેથી નહીં ભસું! વિદ્યાર્થીઓએ બહુ વિનંતી કરી એટલે ઝીલબેન શેરુને ફરીથી સ્કૂલની અંદર રાખવા માટે માની ગયાં. બાળકો તો ખુશ ખુશ થઈ ગયાં. એમણે અને દીપકસરે શેરુને ખાવાનું આપ્યું. શેરુએ ચુપચાપ ખાઈ લીધું. હવે એ બિલકુલ શાંત અને ડાહી થઈ ગઈ હતી. તે દિવસથી શેરુ શાળામાં મોજથી રહે છે અને ફરે છે. એને જોઈને બાળકો અને શિક્ષકો સૌ આનંદિત રહે છે!








