સુપર કૉમ્પ્યુટર પણ જેની સામે પાછળ રહી જાય તેવું કુદરતે બનાવેલું માનવ મસ્તિષ્ક
અગોચર વિશ્વ - દેવેશ મહેતા
માનવીના મસ્તિષ્કનો ૯૭ ટકા જેટલો ભાગ અજ્ઞાાત, વણવપરાયેલો અને રહસ્યમય છે. આપણે ૩ ટકા જેટલા જ ભાગથી પરિચિત છીએ અને એટલામાંથી જ ઉપયોગ કરીએ છીએ
મસ્તિષ્ક વિજ્ઞાાનીઓ કહે છે કે માનવ મગજ ઈશ્વરે રચેલું એક અનુપમ, સર્વાધિક જટિલ, મહા વિસ્મયકારી કુદરતી યંત્ર છે જે માનવ શરીરનું નિયમન કરનાર એનું કેન્દ્રસ્થાન છે. માનવીના મસ્તિષ્કનો ૯૭ ટકા જેટલો ભાગ અજ્ઞાાત, વણવપરાયેલો અને રહસ્યમય છે. આપણે ૩ ટકા જેટલા જ ભાગથી પરિચિત છીએ અને એટલામાંથી જ ઉપયોગ કરીએ છીએ. ન્યૂરોલોજી વિજ્ઞાાન દર્શાવે છે કે મગજની બહાર ગ્રે મેટરમાં અનુમસ્તિષ્ક સેરિબેલમમાં ૧૨૦ અબજ અને મેરુદણ્ડમાં ૧ કરોડ ૩૫ લાખ તંત્રિકાઓ એની ઉપરાંત છે, એની સાથે સાથે 'ગ્લાયા' સ્તરની લગભગ એક ખર્વ જેટલી વધુ કોશિકાઓ આ ન્યૂરોન્સની સહાયક બની મદદ કરતી રહે છે. એમના મિલનસ્થળને તંત્રિકાબંધ (ન્યૂરોગ્લાયા) કહે છે. આ બધાના સંમિત્રિત, સહયોગી, સહકારી ક્રિયા કલાપોથી મસ્તિષ્કીય ચેતના પ્રગટ થાય છે.
બાયોલોજિસ્ટ રોબર્ટ કેમ્પબેલ એમના પુસ્તક 'સર્કિટ ઓફ સેન્સિઝ (Circuit of Senses) માં નિરૂપિત કરે છે કે આપણે આપણા મગજના દસ લાખમા ભાગથી જ પરિચિત છીએ! આપણા મગજમાં દસ અબજ કોષો છે અને તેમાંનો દરેકે દરેક કોષ બીજા કોષો સાથે ૨૫,૦૦૦ સહચર્ય સંબંધો બાંધવાની ક્ષમતા ધરાવે છે. આ દસ અબજ કોષોના દરેકના ૨૫,૦૦૦ સહચર્ય સંબંધોનો ગુણાકાર કરીએ તો દુનિયામાં અસ્તિત્વ ધરાવતા અણુઓની સંખ્યા કરતાં પણ તેનો આંક વધી જાય! એ રીતે મજ્જા કોષોની પ્રક્રિયાની લંબાઈ પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતરને ચાર ગણું કરવા જેટલી થાય.
સાયબરનેટિક્સ વિધિન અસ (Cybernetics within Us) નામના પુસ્તકમાં નેસોમા ઓકેચુકવુ (Nmesoma Okechukwu) દર્શાવે છે કે માનવ મગજ એક સેકન્ડમાં ૧૪૦૦૦,૦૦૦૦૦૦૦ ટ ૫૦૦૦૦૦૦ જેટલા છાપેલાં પુસ્તકના પૃષ્ઠો યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. મનુષ્ય મસ્તિષ્ક પર સંશોધન કરનારા શરીર વિજ્ઞાાનીઓએ મગજની મસ્તિષ્ક છાલ (સેરિબ્રલ કોર્ટેક્સ)માં આવેલા યાદશક્તિનું કાર્ય કરતા કોષોની સંખ્યાને આધારે આ અંક આપ્યો છે. પુસ્તકના છાપેલા પૃષ્ઠોને બદલે શબ્દોમાં કહેવાય તો પાછો આ અંક કેટલો બધો વધી જાય! શરીર વિજ્ઞાાનીઓ કહે છે કે મનુષ્ય ૭૫ વર્ષની ઉંમર સુધીમાં તેના સ્મૃતિપટ પર આશરે પચાસ કરોડ ખર્વ સૂચનાઓ, જાણકારીઓ, ચિત્રો વગેરે અંકિત કરી લે છે. કેનેડાની મોન્ટ્રિઅલ ન્યૂરોલોજિકલ ઈન્સ્ટિટયૂટના ડૉ. વાઈલ્ડર પેનફિલ્ડે સંશોધન કરી દર્શાવ્યું છે કે મસ્તિષ્કમાં આંતરિક ભાગમાં ટેમ્પોરલ કોર્ટેક્સ નામની બે કાળા રંગની પટ્ટીઓ આવેલી છે. ત્યાં પૂર્વસ્મૃતિઓનો સંગ્રહ થાય છે. તે તિરોહિત અવસ્થામાં હોય છે, એમને ફરી આવિર્ભૂત કરી શકાય છે. ડૉ. કાર્લ લેસ્લીએ 'એન્ગ્રામ (Engram)' એટલે કે સ્મૃતિની સંકેત છાપોના સ્થાનો વિશે જાણવા ઘણા પ્રયત્નો કર્યા હતા.
જ્યોર્જટાઉન યુનિવર્સિટી, અમેરિકાના પ્રાધ્યાપક, બોર્ડ સર્ટિફાઈડ ન્યૂરોસર્જન કાર્લ એચ. પ્રિબરામ હોલાગ્રાફિક થિયરી ઑફ બ્રેઈન આપી બહુ મોટું સંશોધન કર્યું. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટી ખાતે પણ અધ્યાપન અને સંશોધન કર્યું. તેમણે પ્રસ્થાપિત કર્યું કે મગજની દરેક મજ્જાપેશીઓના અંતે આવેલા ખાલી અવકાશ જેને મજ્જાચેતોપગમ ક્ષેત્રો (Nerve Synapses) કહેવામાં આવે છે ત્યાં વ્યક્તિકરણ પ્રતિરૂપો કે ભાતો (ઈન્ટરફિઅરન્સ પેટર્ન્સ) વિદ્યુત સંવેદી થઈ કાયમી વીજભારના રૂપમાં સંગ્રહિત થાય છે. મજ્જા ચેતોપગમ ક્ષેત્રોમાં થતા આ વિદ્યુત સાંવેદનિક અનુભવો, પ્રત્યક્ષીકરણ અને વિવિધ-ક્રિયા-આવડતોનું જ્ઞાાન 'હોલોગ્રામ'ના રૂપમાં સંગ્રહિત થાય છે. આ રીતે મગજનો કોઈપણ ભાગ કે ઘટક 'હોલોગ્રામ' જેવો હોવાથી બાકીના બધા ભાગને તેનું જ્ઞાાન સંક્રમિત કરી લે છે અને બાકીના બધાનું જ્ઞાાન પોતે ગ્રહણ કરી લે છે. તે આ રીતે મસ્તિષ્કને તમામ પ્રાણીઓ અને બ્રહ્માંડ સાથે જોડી રાખે છે. ન્યૂરોસાયન્ટિસ્ટ જ્હોન સી. લીલીએ પણ મસ્તિષ્ક સાથે મહત્વપૂર્ણ સંશોધનો કર્યા છે.
આદિ શંકરાચાર્યજી, વલ્લભાચાર્ય મહાપ્રભુજી પાસે અકલ્પ્ય એવી અસાધારણ સ્મૃતિશક્તિ હતી. તેમને તમામ વેદો સ્મૃતિબદ્ધ અને કંઠસ્થ હતા એટલું જ નહીં તે વેદોના અનુલોમ, વિલોમ પ્રકારથી પણ પાઠ કરી શકતા હતા. ચૈતન્ય મહાપ્રભુ પણ 'એકશ્રુતિધર' શક્તિ ધરાવતા હતા જે કોઈપણ વસ્તુને તત્કાળ યાદ કરવાની ક્ષમતા આપે છે. સ્વામી વિવેકાનંદમાં ફોટોગ્રાફિક અને આઈડેટિક (Eidetic) મેમરી હતી. લિયોનાર્ડો દ વિન્સી અને નિકોલા ટેસ્લામાં પણ ફોટોગ્રાફિક મેમરી હતી. સી. એસ. લેવિસ (Lewis) મિલ્ટનનું આખું 'પેરેડાઈઝ લોસ્ટ' મહાકાવ્ય મોઢે હતું અને કોઈ એનું ગમે તે પૃષ્ઠ ખોલી એક-બે શબ્દ બોલે પછી તે ત્યાંથી આગળ બોલવા લાગતા અને જ્યાં સુધી કહેવામાં આવે ત્યાં સુધી બોલ્યે જ રાખતા.
હનાવા હોકીચી જાપાનના મુસાશી પ્રાંતમાં રહેતો હતો. તે સાત વર્ષનો હતો ત્યારે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી પરંતુ તે હિંમત હાર્યો નહીં. તેણે વિદ્વાન લોકોને બોલાવીને અભ્યાસ ચાલુ રાખ્યો. તે મેધાવી અને અસાધારણ સ્મરણ શક્તિ ધરાવતો હતો. તેણે તેની બૌદ્ધિક પ્રતિભાને એટલી પ્રખર બનાવી કે તેણે ૪૦૦૦૦૦ હસ્તલિપિની વિષયસૂચી તૈયાર કરી હતી. એ પછી તેણે એવું પુસ્તક બનાવ્યું જેના ૨૮૨૦ ખણ્ડ છે. આવું વિશાળ પુસ્તક આજ સુધી દુનિયામાં કોઈએ તૈયાર કર્યું નથી. તેણે વાગાક્સેમાં એક સ્કૂલ પણ ખોલી હતી જ્યાં તે જાપાની સાહિત્ય ભણાવતો. તેણે એવી ક્ષમતા વિકસાવી હતી કે આંખેથી દેખાતું ન હોવા છતાં તે બીજી ઈન્દ્રિયો થકી જોઈ શકતો અને પુસ્તકો વાંચી શકતો હતો. સોવિયેત રશિયાની રોઝા કુલેશોવા (૧૯૫૫-૧૯૭૮) નામની રશિયન છોકરી પણ 'ડર્મો-ઓપ્ટિકલ પર્સેપ્સન' પ્રવિધિથી આંગળી કે શરીરના બીજા ભાગોથી જોઈ શકતી અને વાંચી શકતી હતી.
લિથુયાનિયાનો રેવી એલિજા નામનો માનવી પણ અસાધારણ યાદશક્તિ ધરાવતો હતો. તેને ૨૦૦૦ પુસ્તકો પૂરેપૂરા યાદ હતા. અનેક લોકોએ કેટલીય વાર એ પુસ્તકોમાંથી ગમે તે પૂછવાની એની કસોટીઓ લીધી હતી જેમાં તે હમેશાં સફળ રહેતો. ફ્રાન્સના રાજનેતા લિયાન ગેમ્વાયને વિક્ટર હ્યુગોનું સાહિત્ય અત્યંત પ્રિય હતું. એમની નવલકથા અને કાવ્યોના પુસ્તકોના હજારો પૃષ્ઠો એમને યાદ હતા. તે એ પૃષ્ઠોની વિગતો કલાકો સુધી કડકડાટ બોલી જતા. એમાંથી એક શબ્દ પણ આઘોપાછો થતો નહોતો!
જર્મનીના એક લાયબ્રેરિયન નેથુરિન બેરિસ લોકો સાથે કરેલા વલોપાતને અક્ષરશ: યાદ રાખી તેનું પુનરુચ્ચારણ કરી શકતો હતો. જે ભાષાઓ તેને આવડતી ન હોય તેમાં બોલાયેલા વાક્યો પણ યાદ રાખી શકતો અને તેનું હૂબહૂ પુનરાવર્તન કરી બોલી બતાવતો હતો. એક પ્રયોગ દરમિયાન જુદી જુદી ૧૨ ભાષાઓ બોલતા લોકોને એકત્રિત કરી તેમની વચ્ચે વાર્તાલાપ કરાવ્યો. મેથુરિનને તે વખતે ત્યાં હાજર રખાયો. બાર વ્યક્તિઓએ એક જ સમયે આપસમાં કરેલી વાતો તેણે સાંભળી પછી બારેબાર લોકોના તેમની ભાષાઓમાં બોલાયેલા તમામ વાક્યોને એ જ ક્રમમાં એક પણ શબ્દના ફેરફાર વગર વારાફરતી, એક પછી એક બોલી બતાવ્યા.
વરમોન્ટ નિવાસી આઠ વર્ષનો જેરા કોલબર્ન ગણિતનો શાસ્ત્રીય અભ્યાસ પણ અદ્ભુત ગાણિતિક શક્તિ ધરાવતો હતો. કાગળ કે પેનનો ઉપયોગ કર્યા વિના તે કેવળ મગજથી ગણતરી કરીને ગણિતના અઘરા પ્રશ્નોના જવાબ સરળતાથી આપી દેતો હતો. ભારતના રાજસ્થાનના દૂદૂ કસ્બામાં રહેનાર ઈરફાન નામના યુવાનને અદ્ભુત ગણિતજ્ઞા કહેવાય છે. વિસ્મયકારક બાબત એ છે કે તે કશું ભણેલો નથી તેણે કદી હાથમાં પુસ્તક પકડયું નથી. તે કેલ્ક્યુલેટરમાં પણ ન સમાય એવી લાંબી ગણતરી કાગળ-પેન વિના કેવળ મગજથી તત્કાળ કરી દે છે. તમે તેને કોઈ વ્યક્તિની ઉંમર કહો તો તે કેટલા દિવસ, મિનિટ અને સેકંડો જીવ્યો તે પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધીમાં તો જણાવી દે છે. તે ગમે તેટલા લાંબા સરવાળા, ગુણકાર, ભાગાકાર, બાદબાકી કેવળ મગજથી ગણતરી કરીને કહી દે છે. વિસ્મયકારી બાબત એ છે કે ઈરફાનને ખુદ ખબર નથી કે તેનામાં આ શક્તિ ક્યાંથી અને કેવી રીતે આવી!