Get The App

યૌવનને સુખી થતાં પણ આવડે છે અને બીજાંને સુખી કરતાં પણ આવડે છે

કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Updated: Feb 29th, 2020

GS TEAM

Google News
Google News
યૌવનને સુખી થતાં પણ આવડે છે અને બીજાંને સુખી કરતાં પણ આવડે છે 1 - image


માતૃપ્રેમ અને પત્નીપ્રેમ વચ્ચે અટવાતા આપણા જેવા યુવકોની મનોદશા સૂડી વચ્ચે સોપારી જેવી છે. નથી આપણે વિદ્રોહી બની શકતા કે નથી પત્નીને રિઝવનારા પતિ બની શકતા !  

''અનુગ્રહ, તેં નાસ્તો કર્યો ?''

''અને દૂધનો ગ્લાસ કેમ અડધો ભરેલો છે ?''

''તારી સ્કૂલબેગ મેં તૈયાર કરી દીધી છે, તેં જોઇ લીધી ?''

મમ્મી અનુમતિ અનુગ્રહને એક પછી એક પ્રશ્નો પૂછે જ જતી હતી. એના પ્રશ્નોના જવાબમાં નર્યું વાત્સલ્ય ઝરતું હતું.

અનુગ્રહની નાની બહેન કિનારા મમ્મીના પ્રશ્નો સાંભળતી હતી. એવામાં મમ્મી તાડૂકી : ''ઊભી-ઊભી અમારી વાતો સાંભળવાને બદલે રસોડામાં પડેલાં એંઠાં વાસણો સાફ કરી નાખ.''

''પણ મમ્મી, એ કામ માટે તો કામવાળી રાખેલ છે. મારે એ બધું નકામું શીખવાની શી જરૂર ?'' કિનારાએ કહ્યું..

''બેસ, બેસ છાની માની ચાંપલી ! તું જીન્સનું પેંટ અને ટી-શર્ટ પહેરે છે, એટલે એમ માની બેઠી છું કે તું અનુગ્રહ સમોવડિયણ છું ! તારા પપ્પાનો સ્વભાવ તો તને ખબર છે ને ! સારું છે કે તેમની બદલી બહારગામ થએલી છે એટલે બે મહિને એક વાર ઘેર આવે છે ! તેમને મન દેવીદેવતાઓનું વસ્ત્ર પરિધાન આદર્શ છે. તેમની દલીલ છે કે કોઇ દેવીએ આધુનિક ડ્રેસ પહેર્યો છે ? સ્ત્રી તો સાડીમાં જ શોભે ! મારાં લગ્ન વખતે મારી મમ્મીએ મારી બેગમાં એક ડઝન આધુનિક ડ્રેસ ભરેલા, એમાં સાડીની બાદબાકી !  પણ મારાં જૂનવાણી સાસુમાએ મને એ બેગ ખોલવા જ ન દીધી ! અને રંગબેરંગી સાડીઓનો ઢગલો મારી સમક્ષ ખડકી દીધો ! મેં માન્યુ હતું કે તારા પપ્પા મારો પક્ષ લેશે. પણ એમની અંધ માતૃભક્તિ આગળ પત્નીહિત નબળું સાબિત થયું ! મારાં સાસુમાએ મને નોકરી કરવાની પણ છુટ ન આપી. મારી ઈચ્છાઓને દાબીને મારે જીવવું પડયું ! કદાચ એટલે જ એ સુખ મને ન મળ્યું, એ સુખ હું તને માણવા નહીં દેવા માટે જિદ કરતી હોઇશ ! એમાં મારી સાયકોલોજી પણ કામ કરતી હશે ! તારા લગ્નની બાબતમાં પણ મારો કક્કો ચાલવાનો નથી ! તારા પપ્પા અને તારાં દાદીમા જ તારા ભાવિ જીવનનો નિર્ણય કરવાનાં છે. એમાં એમની જૂનવાણી માન્યતાઓ જ કામ કરવાની છે. એટલે હું તને તેમને ગમે તે રીતે તારું ઘડતર કરવા માગું છું. બાકી હું કાંઇ આધુનિક ફેશનની દુશ્મન નથી ! પતિ સાથે અગ્નિની સાક્ષીએ લગ્નના ફેરા એ સ્ત્રીના સ્વાતંત્ર્ય અને ગૌરવને ભસ્મીભૂત કરવાનું સામાજિક કાવતરું બને તો લગ્ન પવિત્ર બંધન બનવાને બદલે ફાંસીનો ગાળીઓ જ બને ! બેટા, મારા પર ખોટું ના લગાડીશ. તારા પપ્પા અને દાદીમાએ ભવિષ્યમાં તને મધ્યમવર્ગના એવા ઘરમાં પરણાવી દીધી, જ્યાં બધાં જ કામ જાતે કરવાનું તારા નસીબમાં લખાય, તો તું લાચાર ન બને, એ ખાતર હું તને સ્ત્રીની મર્યાદાને શીખવવા માગું છું'' - મમ્મી અનુમતિ બોલતાં - બોલતાં રડી પડયાં..

મમ્મીના શબ્દો કિનારાને સ્પર્શી ગયા. મમ્મીની લાચારી જ એના કડકાઇભર્યા વર્તન માટે જવાબદાર છે, એ વાત એને સમજાઇ ગઇ ! એણે મનોમન મમ્મીની પુત્રી બનવાને બદલે મિત્ર બનવાનો  નિર્ણય કર્યો.

મમ્મીને ખુશ રાખવા એણે નાના ભાઇ અનુગ્રહની વધુ કાળજી રાખવાનું શરૂ કર્યું. મમ્મીને દીકરો વહાલો છે, દીકરી નહીં, એ ખ્યાલ એણે મનમાંથી કાઢી નાખ્યો. મમ્મીને મનાવીને એણે પાર્ટટાઇમ નોકરીની 'પરમીશન' પણ મેળવી લીધી  !

કિનારાએ મમ્મીની 'કાયાપલટ'નો કાર્યક્રમ શરૂ કરી દીધો. દરરોજ નાની-નાની ભેટો કિનારા મમ્મી માટે લાવી. એક દિવસ બ્યૂટીપાર્લરમાં પોતાની સાથે મમ્મીને પણ લઇ ગઇ ! ત્યાં અનુમતિએ જોયું કે ૫૦ વર્ષની આધેડ મહિલાઓ પણ બ્યુટી ટ્રિટમેન્ટ લેતી હતી ! કિનારાની એક પરિચિત આન્ટીએ તેને પૂછ્યું : ''કિનારા, તારી સાથે આ 'બાઇ' કોણ છે. તારી મમ્મી જેવી નથી લાગતી ! તારા જેવી મોડર્ન યુવતીની મમ્મી આવી સીધી-સાદી ન હોય !''

કિનારાએ એમને ટોક્યાં એટલે પેલાં મેડમ બોલતાં બંધ થઇ ગયાં. પણ બ્યુટિશિયન લેડીએ કિનારાના ઈશારા મુજબ તેની મમ્મીને પકડીને મેક અપ ચેર પર બેસાડી દીધાં.. શરૂઆતમાં અનુમતિને એ બધું ન ગમ્યું, પણ બીજી મહિલાઓના ચહેરાનો નિખાર જોઇને એમનાં પણ રૂપાળા દેખાવાનાં અરમાન જાગી ઊઠયાં.

અનુમતિ પુત્રી કિનારાના પ્રભાવ હેઠળ આવવા લાગ્યાં. કિનારા કહે તે પહેલાં જ તેઓ બ્યુટીપાર્લર સાથે આવવા તૈયાર થઇ જતાં.. એમની હેર સ્ટાઇલ પણ બદલાવા લાગી.  અનુમતિમાં એક નવી અનુમતિ આકાર લઇ રહી હતી.

બદલાતી જીવન શૈલીનો પ્રભાવ ખાનપાનમાં પણ વરતાવા લાગ્યો. સીધા સાદા ભોજનને બદલે ચટાકેદાર વાનગીઓ, પીઝા, સ્પ્રિંગરોલ, બર્ગર, વગેરેનો અનુમતિના ઘરમાં પગપેસારો જોઇ તેનાં સાસુ આનંદાનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. તેઓ કિનારાને ધમકાવા લાગ્યા.. એમને લાગ્યું કે અનુમતિના 'નવા અવતાર' માટે કિનારા જ જવાબદાર છે ! એમણે કિનારાને કહ્યું : ''દીકરી વંઠે તો મા તેને સુધારે, પણ મા વંઠે તો એને કોણ સુધારે ? તારા પપ્પાની ગેરહાજરીમાં તારી મમ્મીને તેં ઊંધે રવાડે ચઢાવી દીધી છે ! મેં માંડ તેને આધુનિકતાથી અળગી રાખી હતી. તેં એને ભરમાવીને ભ્રષ્ટ કરી નાખી. તારા પપ્પાને ખબર પડશે તો..''

આનંદાદાદી આગળ બોલે તે પહેલાં જ કિનારાએ તેમને રોકતાં કહ્યું : ''દાદી, મારા પપ્પા ઉર્ફે તમારા દીકરાને ઉશ્કેરીને તમારા હાથમાં શું આવશે ? ક્લેશ અને કંકાસ ? મમ્મીનું આધુનિક રૂપ જોઇ તમારે હરખાવું જોઇએ, તેને બદલે તમે તેને વગોવો છો ? સ્ત્રીઓ એકબીજાને ઠારવાને બદલે બાળવામાં રસ લશે તો સમાજ ક્યાં જઇને અટકશે ? એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે મિત્ર જેવો વ્યવહાર દાખવે તો ઘર નંદનવન બની જાય ! આજનાં ધારાવાહિકો પણ સ્ત્રીને ઉદાર અને સહિષ્ણુ બનવાને બદલે ઈર્ષ્યા અને દ્વેષનો કુસંદેશ આપી રહી છે, એ ચિંતાજનક છે. દાદીમા, હું આપની આમન્યા રાખું છું પણ મારી મમ્મીની જેવી 'આજ્ઞાાંકિતા' બનવાનું મને ન શીખવાડશો. પરિણીત પુત્ર પર કોઇ પણ માતાએ પોતાના સંકુચિત વિચારો લાદવાનું પાપ ન જ કરવું જોઇએ. વડીલનું કામ નાનેરાંની ઢાલ બનવાનું છે. એમની ઉપર તલવાર ઉગામવાનું નહીં.. મારી મ્મીને આઝાદ વાતાવરણ હેઠળ શ્વાસ લેવાનો અધિકાર આપવો એ પુત્રી તરીકે  મારી ફરજ છે !''

કિનારાની દલીલો સાંભળી  આનંદાદેવી  સમસમી ઊઠયાં :

રાત્રે બધાંના સુઇ ગયા બાદ તેમણે પોતાના પુત્ર અભિવંદનને ફોન કર્યો અને પોતાની પુત્રવધુ અનુમતિ તથા પૌત્રી કિનારાના સ્વચ્છંદી વર્તનની મીઠું-મરચું ઉમેરીને ફરિયાદ કરી. ગમે તે ભોગે બદલી કરાવીને ઘરનું બગડતું જતું વાતાવરણ રોકવા ઘેર પાછા ફરવાનો તેમણે પુત્રને આદેશ આપ્યો.

અભિવંદન 'શ્રવણવ્રતી' હતા. માતાના શબ્દો તેમને મન અનુલ્લંઘનીય હતા. બીજે દિવસે એમણે બોસ સમક્ષ ત્રણ મહિનાની રજા અને ટ્રાન્સફર માટેની અરજી રજૂ કરી. બોસે દોઢ મહિનાની રજા મંજૂર કરી અને ટ્રાન્સફર માટે અરજી હેડ ઓફિસે મોકલી આપી.

બોસના મનમાં એ વાતની જિજ્ઞાાસા હતી કે એકાએક એવું તે શું બન્યું કે અભિવંદન  ત્રણ મહિનાની રજા અને ટ્રાન્સફર  માટે અધીરો બની ગયો !

સાંજે બોસ શરદેન્દુ  અભિવંદનના  ક્વાર્ટર પર મળવા પહોંચી ગયા !

અભિવંદને પોતાની માતા આનંદાદેવીના ફોનની વાત કરી અને ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે, તેવી ફરિયાદ બોસની સહાનુભૂતિ માટે કહી સંભળાવી. બોસ શરદેન્દુને લાગ્યું : આવ ભાઇ હરખા, આપણે  બન્ને સરખા.'

શરદેન્દુ પણ એકલા જ રહેતા હતા. અભિવંદનને પૂછ્યું : ''સર, મારી જગાએ આપ હો તો શું કરો ?'' માતાનો પક્ષ લો કે પત્નીનો ? માતાની આજ્ઞાા માથે ચઢાવવી  એ  શું પુત્રનું  કર્તવ્ય નથી ?''

શરદેન્દુ થોડી વાર ચૂપ રહ્યા. અભિવંદનને તેમના જવાબની ઇંતેજારી હતી. એમણે કહ્યું : ''અભિવંદન, કોણ જાણે કેમ પણ ભારતીય લોકોને જિંદગી જીવતાં નથી આવડતું ! શાસ્ત્રોના ઉપદેશ અને પાત્રોની એટલી બધી આપણા માનસ પર અસર છે કે આપણને જીવનની સ્વતંત્ર વ્યાખ્યા કરતાં આવડતું જ નથી ! મારા ઘરમાં પણ મારા પપ્પાનું સામ્રાજ્ય છે નાનપણથી જ મારે શું પહેરવું, શું ખાવું, કઇ સ્કૂલમાં ભણવું એ બધામાં પપ્પાનો હૂકમ જ ચાલે. મારે આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી ગ્રેજ્યૂએટ બનવું હતું પણ પપ્પાએ મને પરાણે કોમર્સ કોલેજમાં ધકેલી દીધો અને એમના ઓળખીતાની કંપનીમાં મને ઓફિસ - સુપ્રિન્ટેન્ડ બનાવી દીધો ! હું એક પ્રકારની ગુંગળામણ અનુભવતો હતો એટલે બહારગામનું પોસ્ટિંગ મને આશીર્વાદરૂપ લાગ્યું.. મારી પત્ની સુખ્યાતિને મારી સાથે નોકરીના સ્થળે લઇ જવાની તૈયારી શરૂ કરી. પણ પપ્પાનો વટહૂકમ : ''શરદેન્દુ, તારું લગ્ન કેવળ તમે બન્ને સુખ માણો, એટલે માટે નથી કરાવ્યું, પણ તારી પત્ની વડીલોની સેવા કરે, એ માટે કરાવ્યું છે. હું અને તારી મમ્મી ઢળતી વયે આરામની જિંદગી જીવવા ઈચ્છીએ છીએ. એટલે સુખ્યાતિ અમારી સાથે જ રહેશે. તું તારું સ્વતંત્ર મકાન રાખે ત્યારે અમે બધાં તારી સાથે રહેવા આવીશું.. હાલ પૂરતા તારે એકલા જ રહેવાનું છે'' મેં પપ્પાની વાતનો વિરોધ કર્યો એટલે પપ્પાએ મને ઘરમાંથી પહેર્યે કપડે તગેડી મૂક્યો- સુખ્યાતિ વગર ! અને છેલ્લાં ૪ વર્ષથી હું એકલો રહું છું. સુખ્યાતિ પર મમ્મી-પપ્પાનો એવો પહેરો છે કે એ મને મળવા આવવાની હિંમત પણ કરી શકતી નથી ! અભિવંદન, માતૃપ્રેમ અને પત્નીપ્રેમ વચ્ચે અટવાતા આપણા જેવા યુવકોની મનોદશા સૂડી વચ્ચે સોપારી જેવી છે. નથી આપણે વિદ્રોહી યુવક બની શકતા કે નથી પત્નીને રિઝવનારા પતિ બની શકતા. અભિવંદન, આપણા દેશનાં વડીલોને 'મધ્યમમાર્ગ' ખપતો નથી એટલે સંતાનો પર એકાધિકાર ભોગવવાની લાલચમાંથી મુક્ત રહી શકતાં નથી ! બદલાતા જમાનામાં સંતાનને 'શરણાગત' બનાવવાનો વિચાર જ અભિશાપ છે. અભિવંદન, તું ઘેર જા અને સમજણભરી દ્રષ્ટિવાળી ઉદાર જિંદગીને આરંભ કર' - કહી શરદેન્દુએ વિદાય લીધી.

બીજે દિવસે અભિવંદન પોતાને ઘેર પહોંચ્યો. ડૉરબેલ રણકતાં અનુમતિએ બારણું ખોલ્યું ! અનુમતિનું 'મોડર્ન' રૂપ જોઇ અભિવંદન ડઘાઇ ગયો. આધુનિક વસ્ત્રો, મેકઅપને કારણે મનોહર લાગતો ચહેરો અને આંખોમાં ચંચળતા !

અભિવંદન કશું બોલે એ પહેલાં જ અનુમતિએ કહ્યું : ''વેલકમ અભિવંદન, તેં સરપ્રાઇઝ આપી એ બદલ થેંક યુ.'' આનંદાદેવી પણ તરત જ દોડી આવ્યાં.. અભિવંદનને જોઇ એમના આનંદની સીમા ન રહી. એમને લાગ્યું કે પોતાના આયોજનમાં તેઓ સફળ રહ્યા છે ! એમણે કહ્યું : બેટા અભિવંદન, મારે તને હવે કશું કહેવાનું બાકી રહેતું નથી ! અનુમતિએ આપણા ઘરની મર્યાદા અને સંસ્કાર નેવે મૂક્યા છે. તારે કડક હાથે કામ ચલાવી બાજી સુધારવી પડશે.  અનુમતિને બગાડવામાં...''

''હા, દાદી અટકી કેમ ગયાં ? પપ્પાને કહો કે તમારી દીકરી કિનારાનો હાથ છે ! પપ્પા, બધી વાતો ઘરના ઊંબરે જ પતાવી દઇશું કે પછી નિરાંતે ચર્ચા કરીશું...?'' - અનુમતિના ડ્રેસ જેવા જ આધુનિક ડ્રેસમાં સજ્જ કિનારાએ કહ્યું..

અને અભિવંદન આશ્ચર્ય સાથે ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો. ડ્રોઇંગરૂમ પણ અલ્ટ્રા મોડર્ન બની ગયો હતો. લેટેસ્ટ સ્ટાઇલનું ફર્નિચર અને લાઇટિંગ વ્યવસ્થા ! એમણે અનુમતિને પૂછયું : ''આ બધું દેવું કરીને વસાવ્યું ?''

અનુમતિને બદલે કિનારાએ કહ્યું : ''ના, પપ્પા, મેં પાર્ટટાઇમ નોકરી કરીને મારા પગારમાંથી ડ્રોઇંગરૂમ સજાવ્યો છે. હું પેટેપાટા બાંધીને બચત કરવામાં માનતી નથી ! 'ખર્ચ જેટલું કમાઓ' એ મારે સિદ્ધાન્ત છે !''

અભિવંદન અનુમતિ અને કિનારાની 'સ્માર્ટનેસ' જોઇ આશ્ચર્યચકિત થઇ રહ્યો હતો. આનંદાદેવી પુત્રને 'શિસ્તભંગ'ના પગલાં માટે ઉશ્કેરવા આતુર હતાં, પણ કિનારાએ મોર્ચો સંભાળી લીધો હતો. એણે કહ્યું : ''પપ્પા, ચાલો, ડાઇનિંગ ટેબલ પર ચટાકેદાર વાનગીઓ આપની પ્રતીક્ષા કરી રહી છે !''

અભિવંદન ચૂપચાપ ઊભો થઇ ડાઇનિંગ ટેબલ પર પહોંચ્યો. પંજાબી સ્ટાઇલનું ખાણું અને બે-ત્રણ પ્રકારનું ફરસાણ ! અનુમતિએ કહ્યું : ''અમારે તમને હોટલના ખાણાનો ટેસ્ટ કરાવવો હતો. મમ્મીજીની ફરમાઇશ મુજબ તેમને માટે ખીચડી, કઢી  ને શાક અલગ બનાવ્યાં છે.''

અનુમતિનાં શબ્દોએ સાસુ આનંદાદેવીને પોતાને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની તક પૂરી પાડી. તેમણે છુટ્ટા મોંઢે રડવાનું શરૂ કર્યું. પોતાને પુત્ર સાથેના ભોજનથી વંચિત રાખવામાં આવ્યાં, તેનું તેમણે દુ:ખ વ્યક્ત કર્યું. પણ કિનારાએ પરિસ્થિતિ સંભાળી લીધી અને દાદીમાની જમવાની થાળી તૈયાર કરી પપ્પા પાસે તેમને બેસાડી દીધાં !

રાત્રે અનુમતિ, કિનારા અને અભિવંદને એક બેઠક યોજી. પોતાની માતાને અપમાનિત કરવા બદલ અભિવંદને અનુમતિને ઠપકો આપવાની કોશિશ કરી. સ્વચ્છંદી બનવા બદલ આકરાં વેંણ કહ્યાં, પણ મમ્મી વતી કિનારાએ કહ્યું : ''પપ્પા, મારી મમ્મી પણ પોતાની રીતે આધુનિક જિંદગી જીવવા ઉત્સુક હતી. પણ આપણા ઘરમાં એમણે પોતાની ઈચ્છાઓને કચડીને જીવવું પડયું.. ખરેખર તો પતિ તરીકે તમારે જ મમ્મીની ભાવનાઓ સમજવી જોઇતી હતી. માતૃભક્તિ પત્નીના અધિકારોની દુશ્મન ન જ બનવી જોઇએ, એવું આપને નથી લાગતું ?  અમે આપની પાસે ન્યાય ઈચ્છીએ છીએ.''

અભિવંદન થાકેલો હતો એટલે એણે ચર્ચા આગળ ચલાવવાનું મુલતવી રાખ્યું..

એણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પણ મનમાં વિચારોનું તોફાન ચાલતું હતું.. સામેની ભીંત પર અનુમતિની તરુણાઇની તસવીર નજરે પડી ! કોલેજકાળમાં અનુમતિ કેટલી બધી મોડર્ન હતી ! સાદગીના પ્રયોગોને નામે પોતે અનુમતિની આઝાદીને છીનવી લીધી એ બદલ અભિવંદનનું મન તેને ઠપકો આપી રહ્યું હતું.

મોડી રાત્રે અભિવંદન બોસ શરદેન્દુને ફોન કરી તેમની પત્ની સુખ્યાતના પિયરનું સરનામું મેળવી લીધું. અને કિનારાને શરદેન્દુ સરની વાત કરી બીજે દિવસે પોતાના પરિવાર સાથે નોકરીના સ્થળે રહેવા માટે જવાનો અભિવંદને નિર્ણય કર્યો. આનંદાદેવી ઘર છોડવા તૈયાર નહોતા, પણ અભિવંદને સોગંદ નાખ્યા એટલે એમણે કચવાતે મને સાથે આવવાની સમ્મતિ આપી.

પપ્પાનું બદલાએલું રૂપ જોઇ કિનારા ખૂબ જ ખુશ હતી. એણે કહ્યું : ''પપ્પા, આ લેંઘા-ઝભ્ભાને તિલાંજલિ આપો અને મેં તમને ભેટ આપવા તૈયાર કરાવેલું સફારી સૂટ તમારે  પહેરવાનું  છે, મારી ખુશી  ખાતર.''

અને અભિવંદને પુત્રીના પ્રેમાળ આદેશ મુજબ નવાં વસ્ત્રો પહેરી લીધાં. અનુમતિ પણ કિનારાએ લાવી આપેલા મોડર્ન ડ્રેસમાં સજ્જ હતી ! દાદીમા મનોમન આ દ્રશ્ય જોઇ દુ:ખી થતાં હતાં, પણ એમને લાગ્યું કે પરિવર્તનની હવા  જીતી છે  અને પોતે હાર્યાં છે.

અભિવંદનના ક્વાર્ટર પર પહોંચ્યા પછી બીજે દિવસે વહેલી સવારે કામસર બહાર જવાનું બહાનું કાઢી કિનારા મમ્મીની રજા લઇ વિદાય થઇ. સાંજે સાત વાગ્યે એ પાછી ફરી ત્યારે એની સાથે એક અજાણી સ્ત્રી હતી ! અભિવંદન અને અનુમતિને આશ્ચર્ય થયું.. કોણ છે આ મહિલા ? કિનારા સાથે એને શો સંબંધ છે ?

એ પછી અડધો કલાકે મિ. શરદેન્દુ અભિવંદનના ક્વાર્ટર પર આવ્યા. એમણે અભિવંદનને કહ્યું : ''તમારી દીકરીએ મને ફોન કરીને કહ્યું કે મારા પપ્પા પરિવાર સાથે અહીં પાછા આવી ગયા છે. આપનું અરજન્ટ કામ છે. આપ રાત્રે આઠ વાગ્યે  અમારા ક્વાર્ટર પર અવશ્ય આવી પહોંચજો.''

અભિવંદનને કશું સમજાતું નહોતું કે કિનારા શું કરી રહી છે ! મિ. શરદેન્દુ પણ સોફા પર બેઠા-બેઠા કિનારાને મળવાની રાહ જોઇ રહ્યા હતા.

એટલામાં કિનારા મિ. શરદેન્દુની પત્ની સુખ્યાતિ સાથે ડ્રોઇંગરૂમમાં પ્રવેશી. એણે કહ્યું : ''શરદેન્દુ સર, મારા પપ્પા એકલા સુખી થાય તે ન ચાલે એટલે હું આપના ગામ જઇને સુખ્યાતિ મેડમને તેડી લાવી છું.. મારો અપરાધ ક્ષમા કરશો ?''

સુખ્યાતિ 'નમસ્તે' કહી પતિ શરદેન્દુ પાસે ગોઠવાઇ. શરદેન્દુએ કિનારાને આશીર્વાદ આપતાં કહ્યું : ''અમે લોકો જૂનવાણી નજરે યૌવનને મૂલવીએ છીએ. કેવળ વસ્ત્રો કે રહેણીકરણીથી યૌવનને માપવું એ અન્યાય છે. મિ. અભિવંદન, તમે ભાગ્યશાળી છો કે તમને કિનારા જેવી આધુનિક પણ સમજદાર પુત્રી મળી છે. યૌવનને સુખી થતાં પણ આવડે છે અને બીજાને સુખી કરતાં પણ,સ  જો  આપણે તેમને શંકાને  બદલે શ્રદ્ધાની નજરે જોઇએ તો.''

''થેંક યુ સર'' કહી સુખ્યાતિ મેડમ અને મિ. શરદેન્દુને વિદાય આપી. અભિવંદને કહ્યું : ''દીકરી, હું તારો અને તારી મમ્મીનો આભારી છું.'' અનુમતિએ કહ્યું : ''લાગણીના દરબારમાં કોઇ કોઇનું અપરાધી નથી હોતું.'' ''દિકરી કિનારા ઝિંદાબાદ''  કહી  અભિવંદને  કિનારાની પીઠ થાબડી.

Tags :