હાથમાં મૂકેલી મહેંદી જોઈને,યાદ કરતી હોઉં છું હું કોઈને!
અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
કવિતામાં શબ્દોમાં જે પરોવવાનું રહી ગયું છે તે જ ખરી કવિતા છે. અહીં ક્યાંય પ્રેમી-પતિનું નામ નથી, પણ આપણે સમજી શકીએ છીએ કે વાત એની જ છે
લોગઇન
હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને!
તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.
હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.
મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને.
નામ મારું જાતે પાડયું છે 'અમી',
મે નથી બોલાવી મારી ફોઈને!
- આરતી જોશી 'અમી'
ગુજરાતી સાહિત્યમાં આજકાલ ગઝલો પુરબહારમાં લખાય છે. તેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે ગઝલ ખૂબ લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. તેનાથી જલદી લોકો સુધી પહોંચી શકાય છે. જોકે આ સાહિત્યપ્રકાર સહેલો નથી. કેમકે ગઝલ લખવી એટલી સરળ નથી. એમાંય સરળ ગઝલ લખવી તો વધારે અઘરી છે. અગડમ-બગડમ શબ્દો છંદના ચોકઠામાં ફિટ કરી દેવાથી ગઝલ ઉત્તમ બની જતી નથી. ખરી કવિતા તો અર્થને ઓળંગી તેના ભાવની ભૂમિ પર પગલાં પાડે છે. જેમ માતા પોતાના સંતાન માટે ગોદડી સીવે ત્યારે આપોઆપ તેમાં પોતાના પ્રેમની હૂંફ પણ સિવાઈ જાય છે.
તેમ ખરો કવિ જ્યારે શબ્દોની સોયથી કવિતા સીવે ત્યારે પોતાના હૃદયના ભાવ આપોઆપ તેમાં રેડાઈ જાય છે, જે શબ્દોથી પર હોય છે. અને કવિતાનો શબ્દ આમ પણ શબ્દકોશનો મોહતાજ હોતો નથી. કવિતામાં વપરાતા શબ્દનો અર્થ કદાચ દરવખતે શબ્દકોશમાંથી ન પણ પામી શકાય. કેમકે કવિતા તો ભાવકોશ અને લાગણીકોશને સ્વીકારે છે. આજકાલ ગઝલ સર્વસ્વીકૃત છે, પણ ગઝલે આ મુકામ સુધી પહોંચતા પહેલા ઘણો સંઘર્ષ વેઠવો પડયો છે. આજે યુવાનો સારી ગઝલનો ફાલ આપી શકે છે તો તેના પાયામાં ગુજરાતી ભાષાના અગ્રગણ્ય ગઝલકારોનો પરસેવો રેડાયેલો છે. ગઝલના ચોમેર વરસતા વરસાદમાં ક્યારેક સુંદર ગઝલ મળી જાય તો ગઝલ પોતે પ્રસન્ન થઈ જાય. આરતી જોષી પોતે નવકવિ છે, પરંતુ તેમની ઉપર્યુક્ત ગઝલ પ્રસ્થાપિત કવિ જેવી સજ્જ છે. હમરદીફ-હમકાફિયાથી કહેવાતી વાત પહેલા શેરથી અંતિમ શેર સુધી સ-રસ રીતે કહેવાઈ છે.
હાથમાં મુકેલી મહેંદી જોઈને કાવ્યનાયિકા કોને યાદ કરે? સ્વાભાવિક છે એ મહેંદી સાથે જેનું અનુસંધાન જોડાયું છે તેને. હાથમાં મૂકેલી મેંદીને જોઈને નાયિકા કંઈ મેંદીના બજારભાવ યાદ ન કરતી હોય!એ તો સહેજેય સમજી શકાય એવું છે. કવિતામાં શબ્દોમાં જે પરોવવાનું રહી ગયું છે તે જ ખરી કવિતા છે. અહીં ક્યાંય પ્રેમી-પતિનું નામ નથી, પણ આપણે સમજી શકીએ છીએ કે વાત એની જ છે.
સીવતા સીવતા સોય તૂટી જવાના દાખલા ઘણા જોયા-સાંભળ્યા હશે. પણ પછીના શેરમાં નાયિકા જખમોને સીવવાની વાત કરે છે. જખમો એટલા બધાં આપ્યાં છે કે સોય ઊણી ઊતરી એને સીવવામાં. અથવા તો જખમો એટલા મજબૂત છે કે સોયનું ગજુ નથી કે તેને સાંધી શકે, સોય બાપડી તૂટી ગઈ!
જેણે આટલા જખમો દીધા હોય એ વ્યક્તિ કાંઈ સહેલાઈથી ભુલાઈ જાય? ગમતી વ્યક્તિ જ્યારે આ રીતે હૃદયમાં કોઈ ટીસ છોડી જાય, ત્યારે તેને યાદ કરતાં દુઃખ થવાનું જ! હૃદયમાં વેદના ઊઠવાની જ, આંખો ભીની થવાની જ!પણ નાયિકાએ એનો ઉકેલ શોધી કાઢયો છે. એને ખબર છે કે આ દુઃખનો કોઈ ઇલાજ નથી, રડવાથી કશું વળવાનું નથી. એની કરતાં બહેતર એ છે કે એ દિવસો, વિરહની વાતોને દુઃખી થઈને યાદ કરવા કરતા, હસતા મુખે યાદ કરવામાં આવે!પછીની શેરમાં આમ તો ઘણી વાર કહેવાઈ ગયેલી વાત છે. પણ અહીં જે રીતે કહેવાઈ છે, તેમાં થોડું નાવિન્ય છે ખરું. આંખોથી કહેવાની વાત છે, પણ નાયિકા પોતે સામે જોઈને નહીં કહે, સામેની વ્યક્તિએ જ પારખી લેવાનું છે.
અંતિમ શેરમાં તખ્ખલ્લુસની વાત છે. તખલ્લુસ મોટે ભાગે શાયર પોતે રાખતો હોય છે. અથવા અન્ય શાયર પણ તેને આવું નામ આપતા હોય છે, જે કવિને સ્વીકાર્ય હોય તો તે રાખે. પણ અહીં કવિએ પોતાના તખલ્લુસ માટે અન્ય વ્યક્તિની મદદ લીધી નથી, કોઈને ફોઈ બનાવ્યા નથી.
આરતી જોશી જેવા અનેક નવા કવિઓમાં ઘણીવાર આશાસ્પદ કલમ દેખાઈ આવે છે, ત્યારે ઊગતા તમામ નવકવિઓ માટે બે શેર સાથે લોગઆઉટ કરીએ.
લોગ આઉટ
આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
- મરીઝ.
नए दीवानोंको देखो तो खुशी होती है,
हमभी ऐसे ही थे जब आए थे वीराने में.
- अहमद मुश्ताक