Get The App

વિદ્યાનગરની વર્ષગાઠે પૂજ્ય ભાઈકાકાનું પુણ્ય સ્મરણ

આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

Updated: Feb 29th, 2020

GS TEAM

Google News
Google News
વિદ્યાનગરની વર્ષગાઠે પૂજ્ય ભાઈકાકાનું પુણ્ય સ્મરણ 1 - image


પૂજ્ય ભાઈકાકાની ઈચ્છા વિદ્યાનગરને ગ્રામ વિદ્યાપીઠ બનાવવાની હતી. નાલંદા અને તક્ષશિલા ઘરઆંગણે સ્થાપવાની હતી

ચરોતર પ્રદેશના સોજિત્રા ગામમાં જન્મેલા ભાઈકાકા જો આજે જીવતા હોત તો તેમની વય ૧૩૨ જેટલી થઈ હોત, પણ એમના દ્વારા સ્થાપિત નગરની વય આ ત્રીજી માર્ચે તેના પોણા સો વર્ષની ઉજવણી કરી રહ્યું. ત્યારે પૂજ્ય ભાઈકાકાનું સ્મરણ કરીએ, તેમની પ્રતિમાને વંદન કરીએ તેમની યાત્રાને ઉકેલીએ. વલ્લભ વિદ્યાનગરના નિર્માણના પાયામાં પૂ. ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબનું અપૂર્વ અર્પણ છે.

પૂજ્ય ભાઈકાકાનો જન્મ ૭-૬-૧૮૮૮ અને પ્રાથમિક શિક્ષણ તેમણે ૧૮૯૫માં શરૂ કર્યું. સાતમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયા ત્યારે મનસુખલાલ ત્રિપાઠીનું 'અસ્તોદય' પુસ્તક ઈનામમાં મેળવેલું. બેન્જામીન ફ્રેન્કલીન અને રોબિન્સસ ક્રૂઝોના પુસ્તકોનો તેમના પર ભારે પ્રભાવ. તેમાંથી જ તેમનામાં પરિશ્રમની વેલ પાંગરી. રામાયણ, મહાભારત અને સરસ્વતીચંદ્ર જેવા ગ્રંથોનું વાંચન એમના માનસ ઘડતરમાં ઉપયોગી બન્યું. ચાણક્ય, ભર્તૃહરિ, ગાંધીજી, ટિળક અને ગોવર્ધનરામ તરફ તેમને આદર હતો. ૧૯૦૬માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યાં શ્રી અરવિંદ જેવા પ્રોફેસરનું સાનિધ્ય સાંપડયું. ઉચ્ચ કેળવણી માટેની ૈંહાીિ છિાજની પરીક્ષા પાસ કરી પૂનાની એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયા. ત્યાંથી ડીગ્રી પ્રાપ્ત કરી વડોદરાથી એન્જિનિયર તરીકેની સેવાઓ શરૂ કરી. બ્રીટીશ હકૂમતે તેમની તેજસ્વિતાને વધાવી લીધી. મહારાષ્ટ્રમાં કુશળ કાર્યનિષ્ઠ એન્જિનિયર તરીકેની ખ્યાતિ પામ્યા. ઉપરી અધિકારીઓનો સંતોષ મેળવી શક્યા. પ્રેમ જીતી શક્યા. ઈ.સ. ૧૯૨૪માં ઉત્તમ એન્જિનિયર તરીકે તેમની નિમણૂંક સીંધમાં કરવામાં આવી ત્યાં તેમણે જે સક્કરબાર બંધ બાંધી જે ખ્યાતિ મેળવી તેના માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા થયા. ઝડપી અને ઓછી કિંમતે સક્કરબાજ નહેર યોજનાના કામથી તેઓ ભારતભરમાં પોંખાયા.

ભાઈકાકાએ ગુજરાતની પ્રજાની હાડમારીઓ પણ જોયેલી. છપ્પનીયો દુકાળ પણ જોયેલો. ખેડૂતોની પાયમાલીના પણ સાક્ષી હતા. ઘરગથ્થુ હુન્નરોના વિનાશનો પણ દોર શરૂ થયો હતો. અજ્ઞાાનતા, પરવશતાને કારણે પ્રજા જડ હતી તે પણ તેઓ જાણતા હતા. ગામડાની અવદશા બદલવાનું તેમનું સપનું હતું. ભારતમાં પશ્ચિમની કેળવણી પ્રવેશ કરે છે ત્યારે ભાઈકાકાએ દેશી કેળવણી અંગે ચિંતા દર્શાવી. નગરો સમૃદ્ધ થવા લાગ્યાં. યંત્રો આવતાં ગયાં... ગામડાં તૂટવા માંડયા ત્યારે ગાંધીજીએ ગ્રામોદ્ધારની વાત જણાવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સ્થિતિ વધારે વકરી. સરદાર સાહેબે ભાઈકાકાને ગામડા તરફ કામ કરવા નિર્દેશ કર્યો ત્યારે ભાઈકાકા અમદાવાદ નગરપાલિકામાં સેવાઓ આપી રહ્યા હતા.

ભાઈકાકાએ આણંદ-કરમસદ-ગાના- મોગરી-બાકરોલની સીમનો જ્યાં સંગમ હતો ત્યાં નજર દોડાવી... દૂર દૂરથી ટીંબા દેખાય... વેરાન ખેતરો... ઉજ્જડ જમીન... જ્યાં ચોર ડાકુ જ ચોરીના માલના ભાગ પડતા હતા. એ ભૂમિને મંગલમય બનાવવાનું સ્વપ્ન સેવ્યું... ગુજરાતના શૈક્ષણિક ઈતિહાસની મંગલમય ઈંટ મુકાઈ. ૧૯૪૬માં માર્ચ મહિનાની ત્રીજી તારીખે એક આંબા નીચે વલ્લભ વિદ્યાનગરની ઈંટ મુકાઈ. પછી ચારુતર વિદ્યામંડળ ગ્રામ્યોદ્ધાર મંડળ અને આરોગ્ય મંડળ એમ ત્રણ નોંખાં નોંખાં મંડળો દ્વારા ગામડાના સંપૂર્ણ વિકાસ તરફની દ્રષ્ટિ કેળવાઈ. ૧૯૪૭નાં જૂનમાં વી.પી. પટેલ મહાવિદ્યાલય નામની પ્રથમ શૈક્ષણિક સંસ્થા પ્રારંભ થઈ, પછી ક્રમશ: વિદ્યાનગર વિકસવા લાગ્યું એજ અરસામાં બી.વી.એમ. કોલેજ પણ શરૂ થઈ હતી.

પૂજ્ય ભાઈકાકાની ઈચ્છા વિદ્યાનગરને ગ્રામ વિદ્યાપીઠ બનાવવાની હતી. નાલંદા અને તક્ષશિલા ઘરઆંગણે સ્થાપવાની હતી.

સ્વાતંત્ર્ય પછીના ગુજરાતના ઘડવૈયાઓમાં પૂજ્ય ભાઈકાકાનું સ્થાન મોખરાની હરોળમાં લેવાશે. એમણે લાવેલી વૈચારિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ બેનમૂન છે... ખેડૂતોને રાજી કરી જમીન મેળવવાનું દુષ્કર કામ તેઓ કરી શક્યા. વગર ભંડોળે બાંધકામો કરી શક્યા એ તેમની દ્રષ્ટિનું પરિણામ છે. એમની ભૂમિમાં સ્થપાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા રહ્યા છે - થયા છે. ગરીબમાં ગરીબ બાળક પણ આંગણે આવેલી કોલેજોમાં ભણી શકે તેવું લક્ષ્ય તેમણે રાખ્યું છે. ગામડાનો માણસ શહેર જેવી સગવડોથી વંચિત ન રહે તેની ઉપર તેમની નજર રહી છે.

વિદ્યાનગરની બાજુમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર છે - તેની સ્થાપનામાં પણ ભાઈકાકાનો ફાળો છે. આજે ત્યાં એલિકોન, રોલકોન, ગુજરાત મશીનરી, કેમિકલ્સના ઉદ્યોગો કામ કરી રહ્યાં છે.

વિદ્યાનગરમાં ભણેલા વિદ્યાર્થીઓ દીવા રૂપે સમગ્ર ગુજરાતને, દેશને, પરદેશને અજવાળી રહ્યાં છે. આવા શૈક્ષણિક પરિવર્તનોથી ગ્રામ સમાજમાં એક પ્રકારની જાગૃતિ આવી છે. રૂઢિવાદી, જડ વલણ બદલાયું છે.

 લોકો પરદેશ પહોંચ્યા છે. નવી નવી શિક્ષણની તકો વિકસવા માંડી છે. ગામડાનું શહેરમાં રૂપાંતરણ થવા માંડયું છે. આમ ક્રાંતિકારી સેવક તરીકે ભાઈકાકાનું પ્રદાન બેનમૂન છે.

કેળવણી પ્રસારની સાથે સામાજિક લગ્નસંબંધી ચરોતરની પ્રજાગત માન્યતાઓમાં પરિવર્તનો આવ્યા છે. કન્યા કેળવણી તરફ દ્રષ્ટિ વિકાસ પામી છે. રૂઢિઓ નિર્મૂળ થવા લાગી છે. દીકરીઓ નોકરીઓ કરતી થઈ છે. સમાજને નવી દીશા પ્રાપ્ત થઈ છે.

વિદ્યાનગર આજે તેની વિકાસગાથાનાં પંચોતેર વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે તેની ધુરાના વાહકોને પૂ. એચ.એમ. પટેલ, પૂ. સી.એલ. પટેલ, પૂ. ભીખાભાઈ પટેલ વગેરેને ધન્યવાદ પાઠવી પૂ. ભાઈકાકાને પ્રણામ. આમ ભાઈકાકા થકી ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક જગતમાં નોંધપાત્ર યોગદાન થયું છે એ ઘટનાને સ્મરણાંજલિ.

પૂજ્ય ભાઈકાકાએ વિચાર પ્રેરક સાહિત્ય આપ્યું છે. 'સક્કરબરાજનાં મારા આઠ વર્ષ, ગામડાનું વાસ્તવ દર્શન, સ્વપ્ન સિધ્ધિને પંથે' તથા ભાઈકાકાના સંસ્મરણો તેમના વ્યક્તિત્વને પ્રગટ કરે છે.

અમદાવાદમાં નગર રચના અને કાંકરિયાની કાયાપલટ તથા હરિજન આશ્રમની સ્થાપના તથા કરાંચીમાં (સિંધ) સિંધુ નદી ઉપર બંધની કામગીરી માટે તેઓ ખૂબ જાણીતા થયા છે. તે તમામ કાર્યો ઉપરાંત સરદારશ્રીના સેવક તરીકે 'વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા' તરીકેની તેમની ખ્યાતિ અજોડ છે. ૨૧ એપ્રિલ ૧૯૫૬માં તેમનો નશ્વરદેહ વિલિન થઈ ગયો, એવા પુણ્યાત્માને વલ્લભવિદ્યાનગરીના જન્મદિને પ્રણામ.

Tags :