Magazines

રાવણ દહન .

By GS TEAM
3 Oct 20253 mins read
રાવણ દહન                                          .

- જ્યાં સુધી તમારી અંદરનો રાવણ બળશે નહિ, ત્યાં સુધી એ રાવણ બળશે ખરો?

- રાવણ ફિનિક્ષ પક્ષી છે. ગયા દશેરે તે હતો, આ દશેરાએ છે, આવતા દશેરાયે પણ હશે જ! તું શું મને દાહશે, ઓ માનવા ! દશ માથા છે મુજને તારી અંદર જો રાવણ છે, દહન કરી શકીશ તુજને ટાળો ટાળો તો ય ગોટાળો બાળો બાળો તે ય રાવણ

- એના દેહમાં દારૂ ભરો કે દારૂગોળો!

- ન્યાયની દેવીના આંખના પાટા ખોલી જુઓ!

- હરીશ નાયક

ફિનિક્ષ પક્ષીને માટે કહેવાતું કે તે બળી બળીને રાખ ભલે થઈ જાય પણ પાછું તે, એ રાખમાંથી જ સજીવન થતું રહે છે.

દશેરાનો આ રાવણ પણ એવો જ છે શું ? દર દશેરાએ આપણે તેને ખૈંશૈંજીલ્લ કરીએ છીએ. જાહેરમાં ભેગા થઈને ભડકાવીએ છીએ તો ય પાછો દર દશેરાએ તેવો ને તેવો જ ઊભો થાય છે. એ જ દશ માથા એ જ અસત્યના ભાથા, એ જ પ્રપંચના પાથા, એ જ ઘાલમેલની ગાથા, એ જ તાતા થૈ થૈ થાથા, અને નવરાત્રીની ઉજવણી કે ભજવણી કે પજવણીની લાથા કે લાતા ?

એના દેહમાં દારૂ ભરો કે દારૂગોળો !

એને ભલે બનાવો કરાળ કાળનું કારખાનું !

એના ભપકામાં ભલે ભરો ભ્રષ્ટાચારનું ભારખાનું!

એને ભલે બનાવી દો લાવાઓનું લુહારખાનું !

એને ભલે કહી દો કાળમુખા કોરોનાનું કરારનામું!

ભલે વગાડો જોરજોરથી નખ્ખોદિયું નક્કારખાતું !

એને નામ ભલે દઈ દો પ્રહાર પ્રસારતું પ્રહારનામું!

એની આંખમાં નથી કોઈ અશ્રુઓનું દવાખાનું !

ત્યાં દેખાય છે દયા માયા હેત પ્રીતનું

- ખંતીલું ખાતું

બળતો બળતો ય એ જ તમને બાળે છે.

દાઝતો દાઝતો ય એ જ તમને દઝાડે છે.

તણખતો તણખતો એ જ તને તતડાવે છે.

ભભૂકતો ભભૂકતો ભભૂકતો એ જ તમને

ભડકાવે છે.

હડહડ હડહડતો એ જ તમને હડકાવે છે.

તમને લાગે કે તમે તેનું સામુહિક વિસર્જન કર્યું છે. પણ તમારા તનમનમાં એણે એ જ બધાંએ બધાં અવગુણોનું સર્જન અને પૂન:સર્જન ચાલુ રાખ્યું છે.

એને કોઈ તડકો નથી, ભડકો નથી,

ખટકો નથી, ખડકો નથી,

કટકો નથી, કડકો નથી,

ધાડ નથી કે ધડકો નથી.

એ જે છે તે છે જ.

એ રહ્યો છે ને રહેવાનો છે.

અગાઉના દશેરાએ એ હતો જ.

ગયા દશેરાએ પણ હતો જ.

આવતા દશેરાએ પણ હશે જ.

અને ત્યાર પછીના અનેક અનેક

દસેરાએ પણ આવતો જ રહેશે.

તમે જ આમંત્રણ આપીને તેને બોલાવશો.

તમે જ તેનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવશો.

તમે જ તેના દેહમાં આગ ચાંપશો.

તમે એને જતો જોશો. પણ તે હશેજ.

તમે એને ભગાડયાનો સંતોષ પામશો,

પણ તે રહેશે જ.

તમારા અગાઉ કંઈક એને સળગાવનારા

સળગી ગયા પણ એ છે જ.

તમારામાંથી ય કંઈ સળગી ઊઠશે,

પણ એ સળગીને પણ અળગો નહિ થાય !

સમયને પૂછો, વખતની વકીલાત લઈ જુઓ,

ન્યાયની દેવીના આંખનાં પાટા ખોલી જુઓ !

તમારી બધ્ધાંની આંખના પાટા આપી જશે,

ત્યાં સુધી, તે પછી, ત્યાર પછી પણ તે રહેશે જ.

કેમકે તે રાવણ છે.

કેમકે તેને દશ માથાળા છે.

કેમકે અહીં રાવણ અહીં રાવણ ઘંટીરાવણ જેવા તેના વારસદારો છે. વારસદારો છે...

નહિ કે ફટકે નહિ એવા ફારસદારો છે.

એને સાવકી આંખે જુઓ, ઠાવકી

આંખે જુઓ કે સગી આંખે જુઓ.

એ છે છે ને છે જ.

એ નથી નથી તોય છે જ.

એ છે-નથી, તોય છે જ.

એ નથી-છે, છતાંય છે જ છે જ છે જ.

જ્યાં સુધી રામ છે ત્યાં સુધી રાવણ રહેશે.

રામાયણ રામ વગર નહિ જીવે.

રામાયણ રાવણ વગર નહિ કહેવાય !

રાવણનું બીજું નામ નહિ

પહેલું નામ જ ફિનિક્ષ છે.

જે FINISH ન થાય, તે ફિનિક્સ.

બધું જાણવા છતાં ચાલો આપણે આ દશેરાએ રાવણને બાળીએ. આવતા દશેરાએ તે હશે જ, આપણે હોઈશું?