Magazines

રશ્મિ દેસાઈ મોડી મોડી માતૃભાષા તરફ વળી ખરી

By GS TEAM
19 Jun 20252 mins read
રશ્મિ દેસાઈ મોડી મોડી માતૃભાષા તરફ વળી ખરી

- 'મંચ પર તમને ભૂલ કરવાનું ન પરવડે. રંગમંચ પર કામ કરવું જેટલું પડકારજનક છે એટલું આનંદાયક પણ છે. સ્ટેજ પર તમને જે શીખવા મળે તે અન્ય માધ્યમમાં ન જ મળે.'

અભિનેત્રી રશ્મિ દેસાઈએ અત્યાર સુધી ટચૂકડા પડદાથી લઈને ઓટીટી તેમ જ ફિલ્મોમાં પણ કામ કરી લીધું છે. અને હવે તે રંગમંચ તરફ વળી છે. અદાકારાએ એક ગુજરાતી ફિલ્મ પણ કરી છે. 

હાલના તબક્કે 'મિસિસ મારા ઓનલાઈન છે' નાટકનું પ્રકરણ ઉમેરાયું છે. એ કહે છે, 'રંગમંચ પર કામ કરવું એટલે લાઈવ ઑડિયન્સ સમક્ષ પરફોર્મ કરવું. પ્રેક્ષકો તમારી સમક્ષ બેઠાં હોય ત્યારે તમારે એક જ વખતમાં, પૂરા પરફેક્શન સાથે અભિનય કરવો પડે. અહીં તમને ભૂલ સુધારવાનો અવકાશ ન મળે એટલે ભૂલ કરવાનું પણ ન પરવડે. મારા મતે રંગમંચ પર કામ કરવું જેટલું પડકારજનક છે એટલું આનંદાયક પણ છે. સ્ટેજ પર તમને જે શીખવા મળે તે અન્ય માધ્યમમાં ન મળે. તમે તમારા સહકલાકારો સાથે તાદાત્મ્ય સાધતા પણ શીખી જાઓ.'

રશ્મિએ ગુજરાતી ફિલ્મ 'મૉમ તને નહીં સમજાય'માં પણ કામ કર્યું છે. એ કહે છે 'માતૃભાષામાં કામ કરવું મને અનેરું લાગી રહ્યું છે. મને ગુજરાતી દર્શકો બેહિસાબ પ્રેમ આપી રહ્યાં છે. તેમના પ્રેમને કારણે જ મને ગુજરાતી ભાષાની વધુ ફિલ્મો અને નાટકોમાં કામ  કરવાની ચાનક ચડી છે.

રશ્મિ જોકે હવે ટીવી પર બહુ ઓછી દેખાય છે. છેલ્લે તેણે 'વાગલે કી દુનિયા- નયી પીઢી નયે કિસ્સે' અને 'નાગિન-૬'માં કેમીઓ કર્યાં હતાં. તો શું એમ સમજવું કે રશ્મિએ ટીવી જગતને અલવિદા કહી દીધું છે? રશ્મિ કહે છે, 'ના, મેં ટચૂકડો પડદો ક્યારેય નથી છોડયો. આ માધ્યમે મને જે આપ્યું છે તે હું શી રીતે વિસરી શકું? મને આજે પણ ટીવી  પ્રત્યે એટલો જ પ્રેમ અને આદર છે. જો મને કોઈક સરસ કામ મળશે તો હું તે ચોક્કસ કરીશ. જ્યારે કોઈ શો શરૂ કરવામાં આવે ત્યારે તેનો વ્યાવસાયિક હેતુ બર આવે છે કે કેમ તે જોવામાં આવે એ સ્વાભાવિક છે. અને જે વિષય દર્શકોમાં વધુ પ્રિય હોય તે જ વારંવાર જુદી જુદી રીતે રજૂ થાય એ પણ સહજ જ ગણાય.' વાત તો સાચી.