Magazines

રાણી મુખર્જી : મેદાન છોડીને નાસી જવાનું મારા સ્વભાવમાં જ નથી

By GS TEAM
16 Apr 20263 mins read
રાણી મુખર્જી : મેદાન છોડીને નાસી જવાનું મારા સ્વભાવમાં જ નથી

- 'તમને સારું કામ કરવાની ઇચ્છા થતી રહે તે મહત્ત્વની બાબત છે. તમારે સતત ઉત્તમ કામગીરી બજાવવી જોઇએ અને સતત નવું નવું કરતાં રહેવું જોઇએ...' 

બોલિવુડમાં પોતાની પ્રતિભાને જોરે ત્રણ દાયકા પુરા કરનારી રાણીની કારકિર્દી અનોખી બની રહી છે.  

રાણી મુખર્જી કહે છે, 'ફિલ્મ ઉદ્યોગ સાથે મારો નાતો લવ મેરેજનો નહીં, પણ માતાપિતા દ્વારા ગોઠવવામાં આવેલાં એરેન્જ મેરેજ સમાન રહ્યો છે. મને એક્ટિંગ પ્રતિ કોઇ લવ એટ ફર્સ્ટ સાઇટ નહોતો. પણ હું ધીમે ધીમે કામ કરતાં કરતાં અભિનયના પ્રેમમાં પડી છું.' 

ખતરનાક ક્રાઇમ કરતા ગુનેગારો સામે રણચંડી બનતી મહિલા પોલીસ અધિકારી તરીકેની એની 'મર્દાની' સિરીઝની ફિલ્મો ખાસ્સી પોપ્યુલર બની છે.  'મર્દાની-થ્રી' પણ સફળ નીવડી છે. આજે જ્યારે એનિમલ અને ધુરંધર જેવી આલ્ફા મેલની કથા કહેતી હિંસક ફિલ્મોની બોલબાલા હોય ત્યારે નારીઓની વાત મક્કમતાથી રજૂ કરનારી રાણી કહે ેછે, સિનેમામાં આજની નારીનું પ્રતિનિધિત્વ કરવું એ મોટી જવાબદારી છે.  જ્યારે કારકિર્દીની પસંદગીની વાત હોય કે પડદાં પર પાત્રની રજૂઆત હોય હું કદી ચીલાચાલુ પ્રવાહને અનુસરતી નથી. જ્યારે મારી પાસે કોઇ સ્ક્રિપ્ટ આવે ત્યારે તે વાંચી હું તેનો દિલથી પ્રતિભાવ આપું છું. તેમાં કોઇ ગણતરીઓ કે બાંધછોડની વાત હોતી નથી.  ફિલ્મ કેટલા કરોડની કમાણી કરે છે તેના કરતાં મને મારી સ્ટોરી દ્વારા સમાજમાં શું ફરક પડશે તે જાણવામાં વધારે રસ હોય છે. જ્યારે મને કોઇ પાત્ર પ્રેરિત કરે ત્યારે હું તેના ભણી આકર્ષણ અનુભવું છું. મને તે ભજવવાની એક ઉત્તેજના હોય છે. હું આપોઆપ કુદરતી રીતે તેની લાગણીઓ વ્યક્ત કરવા માંડું છું. આમ હું અને તે પાત્ર એક જ બની રહીએ છીએ. મારા માટે બ્લેક, હિચકી અને મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે ફિલ્મોની ભૂમિકાઓ પડકારભરી બની રહી છે. 

૧૯૯૬માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી રાણીએ મજબૂત મહિલા પાત્રો ભજવવા પર હંમેશા પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે, ઘણીવાર તેણે નનૈયો સાંભળવાનો કે ટીકા સાંભળવાનો વારો પણ આવ્યો છે. આ મામલે રાણી કહે છે, મને ટીકા કે નનૈયાની કોઇ અસર થતી નથી એમ કહું તો તે ખોટું છે. પણ હું તેને હકારાત્મક નજરે જોઉં છું. કોઇ મારા કામની રચનાત્મક ટીકા કરે તો તે મારા માટે આત્મવિશ્લેષણ કરવાનો માર્ગ બની રહે છે. જીવનમાં સફળતા જેટલું જ મહત્વ નિષ્ફળતાનું પણ છે. કેમ કે નિષ્ફળતા મળી હોય તો જ સફળતાનું મૂલ્ય સમજાય છે. 

જે ફિલ્મ ઉદ્યોગમાં દરેક નવી ફિલ્મ રજૂ થવા સાથે તમારું તકદીર પણ બદલાઇ જતું હોય ત્યાં ભલભલાની ધીરજની કસોટી થઇ જતી હોય છે. રાણી કહે છે, મને મારી કારકિર્દીના કોઇ તબક્કે એક્ટિંગ છોડી દેવાનો વિચાર જ આવ્યો નથી. હું મેદાન છોડીને ભાગવામાં માનતી જ નથી. તમને સારું કામ કરવાની ઇચ્છા થતી રહે તે મહત્ત્વની બાબત છે. તમારે સતત ઉત્તમ કામગીરી બજાવવી જોઇએ અને સતત નવું નવું કરતાં રહેવું જોઇએ. સ્વભાવે હું ગરમ મિજાજની અને ગમે તે ભોગે કામ પુરૂ કરવામાં માનનારી છું. આમ, મેદાન છોડી નાસવાનું મારા સ્વભાવમાં જ નથી. 

થોડાં ગણતરીના ફિલ્મ પત્રકારો એક્ટરનું કામ પ્રમાણતા હોય ત્યાંથી માંડી સોશ્યલ મિડિયા પર રોજ થતી ધમાલ જેવા ફિલ્મલાઇનના વિવિધ તબક્કાઓની સાક્ષી બનેલી રાણી આ મામલે  ફિલોસોફિકલ અભિગમ ધરાવે છે. રાણી કહે છે, હું પોતે બોલવાને બદલે મારા કામને બોલવા દેવામાં માનું છું. સોશ્યલ મિડિયાથી દૂર રહેવાનું આ પણ એક મોટું કારણ છે. 

રાણી કહે છે, અમુક ચોક્કસ બાબતોને બધા સાથે શેર કરવાનું મને ફાવતું નથી. પણ આ આજની વાત છે. આવતીકાલે મારું વલણ બદલાય પણ ખરું  અને હું સોશ્યલ મિડિયા પર આવું પણ ખરી.  

સાવ સાચી વાત, રાણી મુખર્જી!