રણદીપ હુડાની 'ઇન્સ્પેક્ટર અવિનાશ' સીરિઝની ફિલ્મ બનશે!

- રણદીપ હુડાની 'ઇન્સ્પેક્ટર અવિનાશ'ને સારીએવી ચાહના મળી અને હવે તેની ફિલ્મ બનાવી થિયેટરમાં રિલિઝ કરવાની તજવીજ ચાલી રહી છે
હવે ટ્રેન્ડ થોડો બદલાઈ રહ્યો છે. એક સમયે ઓટીટીની વેબ સીરિઝ ધૂમ મચાવતી અને તેને ખોબલે ખોબલે આવકારવામાં આવતી. હવે આ લોકપ્રિયતાને વધુ એનકેશ કરી લેવાની ધૂનમાં વેબ-સીરિઝ 'મિર્ઝાપુર'ને ખૂબ જ લોકપ્રિયતા મળી. હવે તેને અનુકુલિત ફીચર ફિલ્મનું રૂપ આપવામાં આવશે, જે માટેનો સેટ તો તૈયાર જ છે. આ પછી ફિલ્મને થિયેટરમાં દબદબાપૂર્વક રિલિઝ કરવામાં આવશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલિઝ કરવામાં આવે એવી ગોઠવણ થઈ રહી છે. આમ લોકપ્રિય ભારતીય શો બિગ-સ્ક્રીન પર છલાંગ લગાવી રહ્યો છે!
રણદીપ હુડાની 'ઇન્સ્પેક્ટર અવિનાશ'ને સારીએવી ચાહના મળી અને હવે તેની ફિલ્મ બનાવી થિયેટરમાં રિલિઝ કરવાની તજવીજ ચાલી રહી છે. આ શોની સેકન્ડ સિઝન આ મહિનાના પ્રારંભમાં આવવાની વાતો આકાર લઈ રહી છે ત્યારે તેની પહેલી સિઝનના આધારે ફિલ્મને આકાર આપવામાં આવશે, એવી ગણતરી મંડાઈ રહી છે.
સીરિઝના લેખક અને દિગ્દર્શક નિરજ પાઠકે આ વાતને પુષ્ઠિ આપી છે. તેમણે કહ્યું, 'હા. અમે તેને ફિલ્મમાં બનાવવાનું નક્કી કર્યું છે. વાસ્તવિક જીવનના પોલીસ અધિકારી અવિનાશ મિશ્રા કી કહાની ભી બડી હૈ ઔર હમારા હીરો (રણદીપ) ભી બહુત બડા હૈ.'
તેમણે આ સાથે ખુલાસો પણ કર્યો કે પટકથા પર તો કામ શરૂ થઈ ગયું છે. 'અવિનાશ તો અનેક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને એન્ટિ-ટેરરિઝમ સ્કવોર્ડ (એટીએસ) ઓપરેશનનો ભાગ રહી ચૂક્યો છે. તેથી ઘણી વાર્તાએ કહી શકાય તેમ છે, જેમ કે (ગેંગસ્ટર) પ્રકાશ શુકલા સાથેની મુલાકાત.' એવું તેમણે ઉમેર્યું. 'અમે સમાંતર ત્રણ પટકથા પર કામ કરી રહ્યા છીએ અને એક પખવાડિયામાં કઈ પટકથા પહેલા હાથ ધરી શકાશે, તે નક્કી કરીશું.' ૫૪ વર્ષના આ દિગ્દર્શક શેર કરે છે કે આ વિચારને ફેરવવાનો એટલે કે સીરિઝને ફિલ્મમાં રૂપાંતર કરવાની વાતની તો શરૂઆતથી જ ઘણી ચર્ચા થઈ રહી છે અને બીજી સીરિઝ પણ રજૂ કરવાનો સંકેત આપે છે. એપિસોડમાં, રણવીપ જે નેરેટર પણ છે, તે કહે છે, 'ઇસ પે તો પુરી ફિલ્મ બનની ચાહિયે.'
આ સાથે નિરજ ઉમેરે છે, 'જ્યારે ફિલ્મ અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે જીવંત વાર્તાને થિયેટરોમાં લઈ જવાનો 'યોગ્ય સમય' લાગે છે. પહેલાં પણ એક ફિલ્મનો વિચાર આવ્યો હતો, પણ વાર્તાનો કેનવાસ અને તેના પાત્રો સાથે જ મોટી એસટીએફ ટીમ, ફેમિલી, રાજકારણીઓ અને ક્રિમિનલ્સ એટલા વિરાટ ફલક પર હતા કે અંતે અમે વિવિધ ભાગમાં સીરિઝ બનાવવાનો જ નિર્ણય કર્યો અને હવે તો ફિલ્મ માટે 'યોગ્ય સમય' છે.'
આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર અવિનાશ તરીકે રણદીપ હુડા તો છે જ, સાથે ઉર્વશી રૌતેલા, અમિત સિલ, અભિમન્યુ સિંહ, રજનીશ દુગ્ગલ, ફ્રેડી દારૂવાલા અને અધ્યન સુમન પણ છે. આ સાથે નિરજે એવા સંકેત પણ આપ્યા હતા કે ફિલ્મ-રૂપાંતરમાં નવા ચહેરા પણ હોઈ શકે છે.









