Magazines

રાજુનું પક્ષીઘર .

By GS TEAM
19 Jun 20265 mins read
રાજુનું પક્ષીઘર                             .

- શહેરનું ઘર એટલે બહુમાળી ઇમારતનો એક નાનકડો ફ્લેટ! ન તો ત્યાં આંગણું હતું, ન તો ઘટાદાર લીમડો, કે ન તો વહેલી સવારનો પંખીઓનો કલરવ!

- રાજુ દોડીને પડદા પાછળ સંતાઈને જોવા લાગ્યો. એક ચકો અને એક ચકી ડરતાં-ડરતાં પેલા બોક્સની આસપાસ આંટા મારતા હતા. તેમણે ગરદન મરોડીને આમ જોયું, તેમ જોયું... જાણે કોઈ નવું મકાન ખરીદતાં પહેલાં બરાબર તપાસ ન કરતા હોય! 

- ભારતી ભંડેરી 'અંશુ' 

એ ક હતો રાજુ.  એકદમ સીધોસાદો અને ભોળો છોકરો. રાજુ મૂળ તો ગામડાનો રહેવાસી. ગામડામાં તેનું ઘર ઘણું મોટું અને આગળ સરસ મજાનું આંગણું હતું. આંગણાની મધ્યમાં એક મોટું લીમડાનું ઝાડ હતું. આજુબાજુ બોરસલી, ચીકુડી અને લીંબુડીના ઝાડ પણ ખરાં. વળી, ગલગોટા, ગુલાબ, જાસૂદ અને મોગરા જેવા રંગબેરંગી ફૂલછોડથી આખું આંગણું મહેકી ઉઠતું. ચમેલી અને મધુમાલતીના વેલા તો ફૂલોના ભારથી લચી પડતા હતા. રાજુના ઘરનું આંગણું એટલે જાણે પ્રકૃતિનો સુંદર ખોળો!

રોજ સવારે સૂરજદાદા જાગે તે પહેલાં તો રાજુના ઘરના લીમડા પર પંખીઓની કલરવ સભા ભરાઈ જતી. ચકલીઓનું 'ચીં... ચીં...', કાગડાભાઈનું 'કા... કા...', કાબરોની કલબલ અને કોયલના મીઠા ટહુકા સાંભળીને જ રાજુની સવાર પડતી અને તેની આંખો ખૂલતી.

એવામાં એક દિવસ રાજુના પપ્પાની બદલી મોટા શહેરમાં થઈ. ઘરના બધા સભ્યો શહેરમાં જવા માટે ખુશ હતા. રાજુને પણ શહેર જોવાની ઈચ્છા તો હતી, પણ તેને પોતાનું વહાલું ગામ, તેનાં પ્યારા પંખીઓ અને લંગોટીયા દોસ્તોથી દૂર જવું જરાય ગમતું નહોતું.

શરૂઆતમાં તો શહેરમાં આવતી વખતે તેને થયું કે, 'વાહ, હવે શહેરમાં રહેવાની મજા પડશે! મોટી-મોટી ઇમારતો, મૉલ અને મોંઘી ગાડીઓ જોવા મળશે...' 

...પણ જ્યારે તેઓ શહેરમાં રહેવા આવ્યા ત્યારે રાજુનો આ ભ્રમ ચપટીમાં ભાંગી ગયો. શહેરનું ઘર એટલે બહુમાળી ઇમારતનો એક નાનકડો ફ્લેટ! ન તો ત્યાં કોઈ મોટું આંગણું હતું, ન તો પેલો ઘટાદાર લીમડો, કે ન તો વહેલી સવારનો પંખીઓનો કલરવ!

શહેરમાં તો બસ ચારેબાજુ વાહનોનો કાન ફાડી નાખે તેવો ઘોંઘાટ અને લોકોની ભાગદોડ જ દેખાતી. રાજુ આખો દિવસ ફ્લેટમાં પુરાઈ રહેતો. તેને લાગતું કે જાણે તે પોતે કોઈ સોનાના પિંજરામાં કેદ થઈ ગયો છે! અહીં તેની જ ઉંમરના બીજા છોકરાઓ પાડોશમાં રહેતા હતા, પણ બધા પોતપોતાના ઘરમાં ભરાઈને આખો દિવસ મોબાઈલ કે ટીવીમાં જ વ્યસ્ત રહેતા. રાજુને અહીં કોઈ એવો મિત્ર પણ નહોતો મળ્યો, જેની સાથે તે બહાર મેદાનમાં જઈને ક્રિકેટ કે પકડદાવ રમી શકે.

તે આખો દિવસ બાલ્કનીની બારીના કાચ પર નાક દબાવીને ઉદાસ વદને બહાર જોયા કરતો. તેને તેના ગામડાના ઘરની છત પર માળો બાંધતી પેલી ચકલીઓ બહુ યાદ આવતી. 

તે મનમાં ને મનમાં વિચારતો, 'આ શહેરમાં માણસો રહેવા માટે તો મોટાં-મોટાં ટાવર છે, પણ બિચારાં માસૂમ પંખીઓ ક્યાં રહેતાં હશે?' 

તેને થતું કે જો અહીં પણ મારી બાલ્કનીમાં ચકલીઓ આવે તો કેવું સારું! એકલતાથી કંટાળીને તે ઘણીવાર બારી પાસે બેસીને ધીમેથી ગાતો-

'આવોને ચકલીબેન... 

આવોને ચકલાભાઈ... 

તમે ખોવાઈ ગયા છો ક્યાં જઈ જઈ જઈ? 

મને ગમતું નથી રે ક્યાંય ભાઈ...'

આમ ગીત ગાતાં ગાતાં એક દિવસ રાજુને અચાનક એક સરસ વિચાર આવ્યો- 

'અરે! ગામડાના ઘરમાં તો ગોખલા હતા, છજાં હતાં અને નળિયાંવાળાં છાપરાં હતાં, એટલે ચકલીઓ સહેલાઈથી માળો બાંધી શકતી. અહીં શહેરમાં તો બધી સપાટ દીવાલો છે! બિચારી ચકલીઓ માળો બનાવે તો બનાવે ક્યાં?'

આ વિચાર આવતાં જ રાજુની ઉદાસ આંખોમાં એક ચમક આવી ગઈ. તેણે મનોમન નક્કી કરી લીધું, 'જો ચકલીઓને રહેવા માટે ઘર ન મળતું હોય, તો હું પોતે જ તેમના માટે સુંદર ઘર બનાવીશ!'

રાજુએ તરત જ ઘરમાં નકામી વસ્તુઓ ફંફોસવાનું શરૂ કર્યું. તેને પપ્પાના નવા બૂટનું એક મજબૂત ખાલી બોક્સ મળી ગયું. કાતર, ગુંદર અને રંગો લઈને તે કામે વળગી ગયો. તેણે બોક્સની બરાબર વચ્ચે એક નાનું ગોળ કાણું પાડયું, જેમાંથી માત્ર ચકલી જ અંદર-બહાર જઈ શકે. પછી તેને સુંદર રંગીન કાગળ અને ચિત્રોથી શણગાર્યું અને તેની ઉપર મોટા અક્ષરે લખ્યું- 'પક્ષીઘર'.

રાજુએ ખૂબ જ ઉત્સાહથી એ પક્ષીઘર પોતાની બાલ્કનીના એક ખૂણામાં લટકાવી દીધું. તેની બાજુમાં એક નાની વાટકીમાં પીવાનું પાણી અને થોડા ચોખાના દાણા પણ મૂક્યા. હવે શરૂ થઈ રાજુની ધીરજની પરીક્ષા. 

પહેલો દિવસ ગયો... 

બીજો દિવસ ગયો... 

...પણ કોઈ પક્ષી ત્યાં ડોકાયું પણ નહીં. 

રાજુ થોડો નિરાશ થયો, પણ તેણે આશા છોડી નહીં.

ત્રીજા દિવસે સવારે અચાનક બાલ્કનીમાંથી ધીમો અવાજ આવ્યો- 'ચીં... ચીં... ચીં...!' 

રાજુ દોડીને પડદા પાછળ સંતાઈને જોવા લાગ્યો. એક ચકો અને એક ચકી ડરતાં-ડરતાં પેલા બોક્સની આસપાસ આંટા મારતા હતા. તેમણે ગરદન મરોડીને આમ જોયું, તેમ જોયું... જાણે કોઈ નવું મકાન ખરીદતાં પહેલાં બરાબર તપાસ ન કરતા હોય! થોડીવાર નિરીક્ષણ કરીને બંને પંખીઓ ઊડી ગયાં. રાજુ ઉદાસ થઈ ગયો કે કદાચ તેમને ઘર ન ગમ્યું.

પરંતુ થોડી જ વારમાં રાજુ આશ્ચર્યચકિત થઈ ગયો! પોતાની ચાંચમાં સૂકા ઘાસના તણખલાં લઈને બંને ચકલાં પાછાં આવ્યાં. હા, તેમને રાજુનું પક્ષીઘર બહુ જ ગમી ગયું હતું!

રાજુના આનંદનો હવે કોઈ પાર ન રહ્યો. ધીરે ધીરે થોડા દિવસોમાં બોક્સની અંદર એક સરસ મજાનો માળો તૈયાર થઈ ગયો. અઠવાડિયા પછી માળામાંથી ઝીણો ઝીણો 'ચીં... ચીં...' અવાજ આવવા લાગ્યો. નક્કી, માળામાં નાનાં-નાનાં બચ્ચાંઓનો જન્મ થયો હતો! આ મીઠો કલરવ એટલો આકર્ષક હતો કે બાજુના ફ્લેટમાં રહેતા આરવ અને પિન્કી પણ અવાજ સાંભળીને કુતૂહલવશ રાજુના ઘરે દોડી આવ્યાં.

'અરે વાહ, રાજુ! આ તો સાચેસાચની ચકલીઓ છે!' આરવ આશ્ચર્યથી બોલી ઊઠયો.

બધા બાળકો ઉત્સાહથી એ પક્ષીઘર અને ચકલીના પરિવારને જોવા લાગ્યા. જે બાળકો પહેલાં રાજુ સાથે વાત પણ નહોતા કરતા, તેઓ હવે રાજુની ક્રિએટિવિટી જોઈને તેના પાક્કા દોસ્ત બની ગયા. રાજુએ હસતાં હસતાં બધા મિત્રોને શીખવાડયું કે કેવી રીતે નકામા વેસ્ટ બોક્સમાંથી સુંદર પક્ષીઘર બનાવી શકાય.

જોતજોતામાં તો આખી સોસાયટીના બાળકોમાં એક નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. બધાં બાળકોએ પોતપોતાની બાલ્કનીમાં સુંદર પક્ષીઘર બનાવીને લટકાવી દીધાં. થોડા જ મહિનાઓમાં, એ સિમેન્ટના સૂકા જંગલ જેવા ફ્લેટ્સમાં માત્ર ચકલીઓ જ નહીં, પણ દેવચકલી અને બુલબુલ જેવાં રંગબેરંગી પક્ષીઓ પણ કલરવ કરવા લાગ્યાં. આખી સોસાયટી પંખીઓના મધુર અવાજથી ગુંજી ઊઠી.

બધા પડોશીઓએ અને વડીલોએ રાજુની આ સુંદર પહેલ બદલ તેનો ખૂબ ખૂબ આભાર માન્યો. રાજુ હવે એ શહેરમાં જરાય એકલો નહોતો, તેની આસપાસ હવે કલરવ કરતા અસંખ્ય પંખીઓ પણ હતા અને સાથ આપનારા ઘણા બધા નવા મિત્રો પણ હતા!