Magazines

રાજપાલ યાદવને બોલિવુડની દયા કે સહાનુભૂતિ ખપતી નથી

By GS TEAM
5 Mar 20264 mins read
રાજપાલ યાદવને બોલિવુડની દયા કે સહાનુભૂતિ ખપતી નથી

- 'જેલમાં મેં એક એક્ટર તરીકે મારી આસપાસના માહોલનું નિરીક્ષણ કર્યું. જેલમાં જે બધા માટે બનતું એ જ ભોજન મેં ખાધુ. મારી પાસેથી જે અપેક્ષા રખાતી હતી એ પ્રમાણે જ વર્ત્યો.'

રાજપાલ યાદવને લગભગ ૩ દાયકાના એના કરિઅરમાં જેટલું મીડિયા કવરેજ એની ફિલ્મો અને એના અભિનય માટે નથી મળ્યું એટલું એના જેલવાસ સંબંધમાં મળ્યું છે. વરસોથી ચાલતા ૯ કરોડ રૂપિયાના ચેક બાઉન્સિંગ કેસમાં ૫મી ફેબુ્રઆરીએ તિહાર જેલમાં સરેન્ડર કરનાર એક્ટરને દિલ્હી હાઇકોર્ટે એની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા ૧૮મી માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ ૫૪ વરસના રાજપાલે મીડિયા સાથે બહુ ખુલીને વાત નથી કરી. એ પત્રકારોની પૃચ્છાનો વિગતવાર અને મુદ્દાસર જવાબ આપવાને બદલે જોખીજોખીને બોલે છે. 'આ આખા પ્રકરણ સંબંધમાં હજુ કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે હું બોલવામાં બહુ સાવચેતી રાખું છું કારણ કે મારા શબ્દોમાં મામૂલી ફેરફાર પણ મારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. એટલે હું પ્રોબ્લેમ નોતરે એવી એક લીટી પણ બોલવા નથી માગતો,' એવો ખુલાસો યાદવ કરે છે. સાથોસાથ કોમેડિયન પોતાનો લુલો બચાવ કરવાનું પણ ચુકતો નથી. પોતાને નખશીખ સજ્જન વ્યક્તિ ચિતરવાના પ્રયાસમાં રાજપાલ કહે છે, 'કોર્ટમાં કેસ શરૂ થયો ત્યારથી મારું વલણ એકસરખું રહ્યું છે. હાઇકોર્ટે મને સરેન્ડર કરવા કહ્યું ત્યારે હું તિહાર જેલમાં સરેન્ડર થયો. અદાલતે મને જામીન પર મુક્ત કર્યો એટલે હું જેલની બહાર આવ્યો. કોર્ટ મને રાહ જોવાનું કહેશે તો હું રાહ જોઈશ  મેં સંજોગો પ્રમાણે મારા વેણ ફેરવવાનો કે મારું વલણ બદલવા કદી પ્રયત્ન નથી કર્યો. મારો મુદ્દો નથી બદલાયો, મારો પાસપોર્ટ એનો એ જ છે તો પછી મારું સત્ય શા માટે બદલાય? મનમાં એક જ વાત સ્પષ્ટ હતી કે બધાને હકીકતોની જાણ થાય.' જેલમાં રહેવાના અનુભવ વિશે પૂછાતા વર્સેટાઈલ એક્ટર કહે છે, 'મારા માટે રોજ એક નવો દિવસ ઊગે છે. રોજ હું કશુંક નવું શીખું છું. જેલમાં મેં એક એક્ટર તરીકે મેં મારી આસપાસના માહોલનું નિરીક્ષણ કર્યું. જેલમાં જે બધા માટે બનતું એ જ ભોજન મેં ખાધુ. મારી પાસેથી જે અપેક્ષા રખાતી હતી એ પ્રમાણે જ વર્ત્યો.'

રાજપાલ જેલમાં ગયો ત્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ એને આર્થિક મદદ કરવા બહાર આવ્યા હોવાના રિપોર્ટ્સ વહેતા થયા હતા. પરંતુ યાદવ કોઈ એક વ્યક્તિનું નામ લઈને એનું ઋણ સ્વીકાર કરવા તૈયાર નથી. બોલિવુડમાંથી અમુક લોકો તરફથી એને ફાયનાન્સિયલ સપોર્ટ મળ્યો હોવા વિશે વધુ જાણવાનો મીડિયામાંથી પ્રયાસ થતા રાજપાલ એમ કહીને વાત વાળી લે છે કે, 'મને તમામ મદદ માટે માન છે પરંતુ મારે કોઈની સહાનુભૂતિ નથી જોઈતી? ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એવું પુરવાર કરવાની જરૂર નથી કે તેઓ બધા મારી પડખે છે. મને શ્રદ્ધા છે કે ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિ મારી સાથે છે. ૨૦૧૨માં પહેલીવાર મારો કેસ મીડિયામાં ચમક્યો હતો. અમુક રિપોર્ટસમાં એવું કહેવાયું હતું કે રાજપાલ યાદવ એક ધુતારો છે. ત્યારબાદ મેં દર વરસે કમસેકમ ૧૦ ફિલ્મ ોકરી. હું જો ધુતારો હોઉં તો કોઈ મારી સાથે કામ કરવા શા માટે તૈયાર થાય?'

બીજી તરફ, રાજપાલ સામે ચેક બાઉન્સિંગ બદલ કોર્ટમાં ફરિયાદ કરનાર દિલ્હીના બિઝનેસમેન માધવ ગોપાલ અગરવાલે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મુકતા કહ્યું છે કે મેં યાદવને એની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'અત્તા પતા લાપતા' માટે રૃા.૫ કરોડની લોન આપી હતી. એ નાણાં પાછા મેળવવા મેં વરસો યાતના ભોગવી છે.

અગરવાલના જણાવવા મુજબ તેઓ સાંસદ મિથિલેશ કુમાર કથેરિયા મારફત ૨૦૧૦માં પહેલી વાર રાજપાલને મળ્યા હતા. મીટિંગ દરમિયાન એક્ટરે એમ કહ્યું હતું કે મને મારી ફિલ્મ માટે તત્કાળ નાણાં નહિ મળે તો મારું બધું કર્યું કરાવ્યું પાણીમાં જશે. છતાં અગરવાલ લોન આપવા શરૂમાં ખચકાતા હતા. પરંતુ રાજપાલની પત્ની રાધાએ સતત ૫ દિવસ સુધી મદદની વિનંતી કરતા ફોન કર્યા. એટલે હું લાગણીવશ થઈ ૫ કરોડની લોન આપવા તૈયાર થયો અને એ સંબંધમાં એક્ટર સાથે એગ્રીમેન્ટ કર્યું.

અલબત્ત, એગ્રીમેન્ટમાં દર્શાવાયેલી તારીખોએ રાજપાલે લોનનું રિપેમેન્ટ નહોતું કર્યું. એટલે અમે પુરક એગ્રીમેન્ટ કર્યું અને મને પછીના બે વરસ નવી તારીખ સાથેના નવા ચેક્સ અપાતા રહ્યા. એ બધા ચેક ગાઉન્સ થતા રહ્યા. એને પગલે પોતાના નાણાં પાછા નહિ આવે એવી ચિંતામાં મુકાયેલા અગરવાલે કોર્ટમાં જઈ યાદવની ફિલ્મની રિલિઝ સામે તાત્પુરતો સ્ટે મેળવ્યો. પરંતુ રાજપાલે હું મારી ફિલ્મની રિલિઝ બાદ લોન ચુકવી દઈશ એવી ખાત્રી આપતા કોર્ટે સ્ટે ઉઠાવી લીધો પરંતુ 'અતા પતા લાપતા'નો બોક્સ-ઓફિસ પર ધબડકો થઈ જતા પરિસ્થિતિ વણસી.

૨૦૧૩ સુધીમાં કોઈ ઉકેલ નજરે ન પડતા અગરવાલ ફરી કોર્ટના પગથિયા ચડયા. અદાલતે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યા. રૃા.૧૦.૪ કરોડની રકમ નક્કી કરી. એટલે એક્ટરે કોર્ટમાં ઘણાં ચેક્સ સબમિટ કર્યા પણ એ બેન્કમાં ભરાયા બાદ બધા બાઉન્સ થયા.

'૨૦૧૫માં કોઈની મધ્યસ્થીથી અમારી મીટિંગ થઈ ત્યારે મેં રાજપાલને કહ્યું હતું કે મને એક સાથે બધી રકમ આપી દો તો હું ગઈ ગુજરી ભૂલી જવા તૈયાર છું. પરંતુ યાદવે એક સાથે રકમ ચુકવવા અશક્તિ દર્શાવી. તમે નહિ માનો પણ હું એના મુંબઈના ઘરે ૩-૪ વાર ગયો હતો. બે વાર તો હું નાના બાળકની જેમ રડી પડયો કારણ કે મેં પણ બેન્કમાંથી લોન લીધી હતી, જેનું વ્યાજ મારે ચુકવવું પડતું હતું,' એવી પોતાની કેફિયત માધવ ગોપાલ અગરવાલે મીડિયા સમક્ષ રજુ કરી હતી.