રજનીકાંત : છોકરડાં વિજયની હું શા માટે ઇર્ષ્યા કરું?

- 'હું સ્ટાલિનને મિત્રભાવે મળવા ગયો હતો અને એની પાછળ કોઈ રાજકીય ઈરાદો નહોતો. અમે ચાર દાયકાથી જિગરજાન મિત્રો છીએ. ચૂંટણી પરિણામો બાદ હું સ્ટાલિનને મળ્યો એની પણ ટીકા થઈ. સ્ટાલિન લગભગ 40 વરસથી મારો ફ્રેન્ડ છે.'
તામિલનાડુના રાજકારણમાં કોઈ એક્ટરનું સત્તાના સિંહાસન પર બેસવું નવી વાત નથી. સુપરસ્ટાર થલપતિ વિજયે તાજેતરમાં તામિલનાડુના નવા સીએમ તરીકે શપથ લીધા. એ પહેલા મુખ્ય પ્રધાન બનેલા એમ.જી. રામચન્દ્રન અને જયલલિતા પણ એક્ટર હતા. નવાઈની વાત એટલી જ છે કે રાજકારણમાં ઝંપલાવીને જે કામ રજનીકાંત અને કમલ હાસન જેવા સિનિયર એકટર્સ ન કરી શક્યા એ એમનાથી ઘણાં જુનિયર સી. જોસેફ વિજયે કરી બતાવ્યું. એટલે થોડાક તણખાં ઝરવા સ્વાભાવિક હતા. ખાસ કરીને સુપરસ્ટાર રજનીકાંતને લઈને લોકલ મીડિયામાં ઘણી સાચી-ખોટી વાતો વહેતી થઈ. એટલે રજની સરે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ અને માજી મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિન તથા હાલના સીએમ વિજય સાથેના એમના સંબંધોના સંદર્ભમાં ખુલાસા કરવા ચેન્નઈના પોશ ગાર્ડનના પોતાના બંગલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરંસ રાખી હતી.
પ્રેસ કોન્ફરંસ યોજવા પાછળના ઉદ્દેશ વિશે ખુલાસો કરતા રજનીકાંતે મીડિયાને કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ મારા વિશે સોશ્યલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ઘણી કપોળકલ્પિત વાતો વહેતી મુકાઈ જે ઘણાંને સાચી પણ લાગવા માંડી એટલે મેં એ વિશે જાહેરમાં સ્પષ્ટતા કરવાનો નિર્ણય લીધો.
પછી કોન્ફરંસમાં એમણે એક પછી એક મુદ્દા વિશે પોતાનો પક્ષ રજુ કર્યો. સોસ્યલ મીડિયામાં એવા દાવા કરાયા હતા કે વિજય મુખ્ય પ્રધાન (સીએમ) બન્યા બાદ રજનીકાંતે એમને સરખા ઉષ્માભર્યા અભિનંદન નહોતા આપ્યા. એનો ઉલ્લેખ કરતા લોકલાડીલા એક્ટરે કહ્યું, 'ચૂંટણીના પરિણામો બાદ તુરત મારા એક્સ હેન્ડલ પર મેં વિજયને સુબેચ્છા આપી હતી. લોકો એમ કહે ચે કે મેં વિજયને એરપોર્ટ પર અભિનંદન ન આપ્યા, પરંતુ એ ચૂંટણી જીત્યો એટલે તુરત મેં એક્સ પર અભિનંદન આપતી પોસ્ટ મૂકી દીધી હતી. હું પોલિટિક્સમાં નથી. મેં ક્યારનું રાજકારણ છોડી દીધું છે. હું જ્યારે પોલિટિક્સમાં નથી ત્યારે મારે સા માટે વિજયની ઇર્ષ્યા કરવી જોઈએ? જેના ભાગ્યમાં જે લખાયું હોય એ એને મલીને રહે છે. નસીબમાં ન હોય તો કોઈને કશું મળતું નથી.'
નવા સીએમ સાથે પોતાને વેર હોવાની અફવાઓનું ખંડન કરી રજનીકાંતે વિજયની રાજકીય સફળતા અને પોતાની પાર્ટી ટીવીકે પ્રચંડ વિજય અપાવી સરકાર રચવા સુધીની એની અપ્રતીમ સિદ્ધિને બિરદાવી. 'મારી અને વિજયની ઉંમર વચ્ચે ૨૫ વરસનો તફાવત છે. હું અગાઉ પણ આ કહી ચુક્યો છું. હવે હું વિજયને મારી સાથે સરીતાવું તો મારા માટે એ સારું ન ગણાય. એ જ રીતે વિજય મારી સાથે પોતાની તુલના કરે તો એને માટે પણ એ બરાબર ન ગણાય. એ નાનો બાળક હતો ત્યારથી મેં એને જોયો છે, તો પછી એના સીએમ બનવા પર મને શા માટે ઇર્ષ્યા થવી જોઈએ?' એવી કમેન્ટ સુપરસ્ટારે કરી.
પોતાને અનિચ્છનીય વિવાદમાંથી બહાર લાવવા રજનીકાંતે તામિલનાડુના નવા સીએમને પ્રશંસાના પુષ્પ પણ ચઢાવ્યા, '૫૨ વરસની વયે વિજયે એમ.જી. રામચન્દ્રન અને એન.ટી.રામારાવ કરતા પણ વધુ સિદ્ધિ મેળવી છે. એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવીને એકલા હાથે ભાજપ અને બીજી બળુકી પાર્ટીઓને પરાજય ચખાડયો. હું એની ઇર્ષ્યા નથી કરતો, પરંતુ મને આશ્ચર્ય અને આનંદ મિશ્રિત લાગણી થઈ છે. હું એની કદર કરું છું. ઇન શોર્ટ, મનમાં ઇર્ષ્યા કે દ્વેષ નથી. વિજય પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. મને ખાતરી છે કે એ બધાની અપેક્ષાઓ પુરી કરશે. એ માટે મારી એને શુભેચ્છા છે.'
અત્રે નોંધવું ઘટે કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રજની સર તામિલનાડુના માજી સીએમ એમ. કે. સ્ટાલિનને મળવા ગયા એને લઈને પણ સોશ્યલ મીડિયા પર જાતજાતના તર્કવિતર્ક વહેતા કરાયા હતા. કેટલાકે તો ત્યાંસુધી કહી દીધું હતું કે વિજયની પાર્ટીને વિધાનસભામાં બહુમતિ માટે અમુક સીટ ખૂટતી હોવાથી એને સત્તા પર આવતી રોકવા માટેની સ્ટ્રેટજી ઘડવા રજનીકાન્ત સ્ટાલિનને મળવા દોડી ગયા હતા. એ અંગે ખુલાસો કરતા એક્ટરે મીડિયાને કહ્યું, 'હું સ્ટાલિનને મિત્રભાવે મળવા ગયો હતો અને એની પાછળ કોઈ રાજકીય ઈરાદો નહોતો. અમે ચાર દાયકાથી જિગરજાન મિત્રો છીએ. ચૂંટણી પરિણામો બાદ હું સ્ટાલિનને મળ્યો એની પણ ટીકા થઈ. સ્ટાલિન લગભગ ૪૦ વરસથી મારો ફ્રેન્ડ છે. અમારી દોસ્તી રાજકારણથી પર છે. લોકસાહીમાં ચૂંટણીમાં હાર-જીત સામાન્ય બાબત છે છતાં સ્ટાલિન હાર્યો એનું મને થોડું માઠુ લાગ્યું. એટલે એક દોસ્ત તરીકે હું એને મળ્યો. એમાં અમુક લોકોએ એવી વાત ચલાવી કે વિજયને સીએમ બનતો રોકવા શું કરવું જોઈએ. એની ચર્ચા કરવા રજનીકાંત ત્યાં ગયા હતા. એ સંદર્ભમાં એટલું જ કહીશ કે રજનીકાંત એટલો હલકો માણસ નથી. આ વાતનો બધાને ખુલાસો થઈ જવો જોઈએ.'









