Magazines

સમાજ માટે અરીસા સમાન ફિલ્મ એટલે રાજ કપૂરની જાગતે રહો...

By GS TEAM
23 Apr 20267 mins read
સમાજ માટે અરીસા સમાન ફિલ્મ એટલે રાજ કપૂરની જાગતે રહો...

- સત્યજિત રેની 'પાથેર પાંચાલી'ને મળેલી આંતરરાષ્ટ્રીય સફળતા બાદ રાજ કપૂર એવી ફિલ્મની શોધમાં હતા જે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસિલ કરે. એમની આ શોધનું પરિણામ એટલે 'જાગતે રહો'.

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ માત્ર કહેવત નથી. જીવનના દરેક પડાવ પર જોવા મળતી હકીકત છે. કોઈ વ્યક્તિ વિશે, કોઈ સંસ્થા વિશે કે ક્યારેક કોઈ સામાન્ય વાતમાં કરવામાં આવેલી ટીકા-ટિપ્પણી જે તે વ્યક્તિની માનસિકતાને છતી કરતી હોય છે. માણસ પોતાની ધારણાઓને આધારે જીવે છે. જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો માટે પણ વિચિત્ર ફિલ્ટર રાખે છે. કોના પર વિશ્વાસ કરવો, કોની સાથે મિત્રતા કેળવવી, કોને પ્રેમ કરવો, કોનાથી ડરવું, કોને ગુનેગાર ઠેરવવો - આ બધા તેના મનના ફિલ્ટરમાંથી નીકળતા વિચારો. ભલે ને પછી તે હકીકતથી દૂર હોય, પણ તેને માટે સર્વસ્વ હોય છે. ક્યારેક સામેની વ્યક્તિ કે વસ્તુ કેવી દેખાય છે, તેણે કેવાં કપડાં પહેર્યાં  છે, તે ક્યા વિસ્તારમાં રહે છે, તે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર કોને ફોલો કરે છે, તે શું વિચારતી હશે, શું તે એવા સમાજ કે વાતાવરણમાંથી આવે છે જેને આપણે ઓળખીએ છીએ, કે એવી દુનિયામાંથી આવે છે જેના વિશે આપણને કોઈ ગતાગમ નથી - આના જેવા અગણિત, અમાન્ય, મનની ઊપજ સમાન પૂર્વાગ્રહોને આધારે લેવાતા નિર્ણય વ્યક્તિને મુશ્કેલીમાં મૂકે છે. આ વ્યક્તિ પોતે તો મુશ્કેલીમાં મૂકાય જ છે પણ તેને મદદ કરનારાઓને પણ લઈ ડૂબે છે. આવા માણસને કોઈ કારણ વગર મદદ પણ કરી દેશે તો તેને લાગશે કે સામેવાળાનો આમાં કોઈ સ્વાર્થ હશે, કારણ કે, બાકી આમ ગરજ વગર તો કોઈ મદદ ના કરે. 

તત્ત્વચિંતકો સદીઓથી આ વિચાર પર મથામણ કરી રહ્યા છે. પ્લેટોએ તેને 'એલેગરી ઓફ ધ કેવ' (ગુફાનું રૂપક) કહીને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, આપણે પોતાના પડછાયાઓના ગુલામ છીએ. દેખાવને જ હકીકત માની લેવાની ભૂલ કરતા આવ્યા છીએ. મહાન વિચારક કાંટે કહ્યું હતું કે, આપણે કોઈપણ વસ્તુને તેના મૂળ સ્વરૂપે ક્યારેય જોઈ શકતા નથી. આપણું મન તેને જે રીતે પ્રોસેસ કરે છે તે રીતે જ આપણે તેને જોઈ શકીએ છીએ. સદીઓથી આ જ્ઞાાન હોવા છતાં એક સામાન્ય માણસ દરરોજ સવારે ઉઠે છે, સ્વામી વિવેકાનંદના જીવનસૂત્ર 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહા'ેની જગ્યાએ પોતાના સત્યથી વેગળા વિચારોને ફેલાવવાની શરૂઆત કરી દે છે. આમ કરવાથી તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચે છે. ભલે તેના વિચારોને કારણે અન્ય વ્યક્તિને નુકસાન થતું. તેને કોઈ ફરક નથી પડતો. આ નેગેટિવ-વૃતિવાળી વ્યક્તિ પોતાના ટાર્ગેટનું  ભવિષ્ય ખરાબ કરે ન કરે પણ પોતાના જ ભવિષ્યને અંધકાર તરફ જરૂર ધકેલે છે. 

સમાજમાં આ વિષય પર જાગૃતિ લાવવા માટે અનેક ફિલ્મો બની અને નાટકો ભજવાયાં. પણ, રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો' ની નજીક એકેય નહીં. આ ફિલ્મમાં ભટકી ગયેલી ભીડની વાત છે. કેવી રીતે એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે. અને આ ટાર્ગેટ કરવાની લ્હાયમાં કહેવાતી સભ્ય સોસાયટીના સભ્ય લોકોના અસભ્ય કર્મકાંડ બહાર આવે છે. 

એક ભોળા 

માણસની કહાણી 

એક ગામડાનો ગરીબ ભોળો માણસ શહેરમાં કામની શોધમાં નીકળે છે. ભૂખ્યો તરસ્યો હોવાથી પાણી પીવા માટે શહેરના એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં પહોંચી જાય છે. ભરઅંધારામાં તેને કમ્પાઉન્ડમાં પાણીની પાઈપ મળે છે. તે પાણી પીવાનું શરૂ કરે છે ત્યાં જ તેને ચોર માની લેવામાં આવે છે. ફિલ્મમાં અહીં સમજાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિની ખોટી ધારણા આખી સોસાયટીની ધારણા બની જાય છે. અને કેવી રીતે તે તેમને જ નુકસાન પહોંચાડે છે. 

આ બિલ્ડિંગનો દરેક રહેવાસી ગામડાના ભોળા વ્યક્તિની સાથે ચોર જેવો વ્યવહાર કરે છે. ટોળું બનાવીને તેની પાછળ દોડે છે. પોલીસને બોલાવે છે. એક નિર્દોષ માણસને ખતમ કરવા માટે આખો પ્રતિષ્ઠિત સમાજ કામે લાગે છે. આ પ્રતિષ્ઠિત સમાજને લાગ્યું કે, અમારી એક વ્યક્તિએ કોઈ વાત કહી દીધી એટલે ફાઈનલ. સામેવાળી વ્યક્તિને અપીલ કરવાનો પણ અધિકાર નથી. તેને એ પણ કહેવાનો અધિકાર નથી કે, આ તો હું પાણી પીવા આવ્યો હતો. આ તો એવું થયું કે, છાયડાની શોધમાં ખેતરમાં આરામ ફરમાવી રહેલા માણસને ચોર સમજવામાં આવે. 

કહેવાય છે ને કે ભોળાના ભગવાન. ફિલ્મ હોય કે અસલ જીવન, તેમાં આ વાતનો અંશ ચોક્કસ જોવા મળે. આ ભોળો માણસ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે, છૂપાઈ જાય છે અને એક પછી એક ઓરડામાં પહોંચે છે, અને પોતાનો પીછો કરનારાઓના અસલી ગુનાઓ જુએ છે. તેને વ્યભિચારી મળે છે, છેતરપિંડી કરનારા જોવા મળે છે. તેને ગેરકાયદે દારૂ વેચનાર, નોટો છાપનાર અને પોતાની જ પત્નીના દાગીના ચોરનાર સજ્જન જોવા મળે છે. આ એ જ વ્યક્તિઓ કે જે તેને ચોર કહી રહ્યા હતા. ફિલ્મના અંત સુધીમાં ખબર પડે છે કે, ચોર કહેનારા જ અસલી ચોર હતા. પોતાની ભૂલ છૂપાવવા માટે કોઈને તો ટાર્ગેટ કરવા પડેને... 

આ ફિલ્મના ઍન્ડમાં આવતો એક સીન ઘણું બધું કહી જાય છે. ભોળો ગામડિયો ભીડમાં ઘેરાઈ જાય છે. એક તરફ, તે પાઈપના આધારે બિલ્ડિંગ ચઢવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. બીજી તરફ, ભીડ તેને પથ્થર મારી રહી હોય છે. આ દરમિયાન જ ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવવામાં આવે છે. તે અચાનક જ ખીસામાં રહેલી નોટો હવામાં ઉછાળે છે અને ભીડ પૈસા ભેગા કરવા લાગી જાય છે. ફિલ્મનો સંદેશ એક બાળકના માધ્યમથી આપવામાં આવ્યો છે. આ વ્યક્તિ જ્યારે, ફ્લેટની બારીમાંથી ઘુસે છે ત્યારે તેનો સામનો એક બાળક સાથે થાય છે. આ બાળક તેને પૂછે છે કે, તું ડરે છે? અને ડરે છે તો શું કામ ડરે છે? તે કંઈ ખોટું તો નથી કર્યુંને? ખોટું નથી કર્યું તો જા, કોઈ કશું નહીં કરી શકે. આ સીન બાદ ભીડથી ડરેલો માણસ ભીડની સામે આત્મવિશ્વાસથી ભરપૂર થઈને નીકળે છે. આ એક એવો સીન કે જેના માટે દર્શકો થિયેટર સુધી પહોચતા હોય છે. 

બંગાળી નાટક પર આધારિત

'જાગતે રહો' ફિલ્મ બંગાળી નાટક 'એક દિન રાત્રે' પર આધારિત હતી. આ નાટકનું નિર્માણ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ કપૂર દ્વારા આ બંગાળી નાટકની પસંદગી પાછળ એક ચોક્કસ કારણ હતું. 'કપૂર્સ : ધ ફર્સ્ટ ફેમિલી ઓફ ઇન્ડિયન સિનેમા' પુસ્તકની લેખિકા મધુ જૈનના જણાવ્યા અનુસાર, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજિત રેની 'પાથેર પાંચાલી'ને મળેલી આંતરરાષ્ટ્રીય સફળતા બાદ રાજ કપૂર એવી ફિલ્મની શોધમાં હતા જે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસિલ કરે. 

તે સમયે રાજ કપૂરની સાથે ઘણા નિર્દેશકો માનવા લાગ્યા હતા કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટે બંગાળી પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ બનાવવી જરૂરી છે. રાજ કપૂરે બંગાળી વર્ઝનનું નામ 'એક દિન રાત્રે' રાખ્યું હતું. 

હિંદી વર્ઝનના સંવાદો લખનાર ખ્વાજા અહમદ અબ્બાસ ભારતીય સિનેમાના મહાન વિચારકોમાંના એક હતા. તેમના નામે અગાઉ 'નીચા નગર' (૧૯૪૬) જેવી ફિલ્મ હતી, જેણે પ્રથમ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'પામ ડી'ઓર' (અથવા ગોલ્ડન પામ) અવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે ચેકોસ્લોવાકિયાના ખ્યાતનામ કારલોવી વેરી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્રિસ્ટલ પ્રિ એવોર્ડ જીતીને રાજ કપૂરના અનુમાનને સાચુ ઠેરવ્યું હતું. 

સલીલ ચૌધરીનું મ્યુઝિક 

ફિલ્મની શરૂઆત 'ઝિંદગી ખ્વાબ હૈ' ગીત સાથે અને અંત 'જાગો મોહન પ્યારે'ના હૃદયસ્પર્શી ભજન સાથે થાય છે. રસપ્રદ વાત એ કે, 'ઝિંદગી ખ્વાબ હૈ' ગીતની શરૂઆત કબીરના દોહા સાથે થાય છે. 'રંગી કો નારંગી કહે બને દૂધ કા ખોયા, ચલતી કો ગાડી કહે દેખ કબીરા રોયા..' રાજ કપૂરને આ પંક્તિ એટલી હદે ગમી કે, તેમની બે ફિલ્મોના ટાઈટલ આ દોહા પરથી જ લેવામાં આવ્યા છે. 'દેખ કબીરા રોયા' (૧૯૫૭) અને 'ચલતી કા નામ ગાડી' (૧૯૫૮). આ દોહા બાદના શબ્દોને શૈલેન્દ્ર દ્વારા ખૂબ સુંદર રીતે લખવામાં આવ્યા છે. 'ઝિંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ હૈ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા...  સબ સચ હૈ ઝિંદગી ખ્વાબ હૈ દિલને હમ સે જો કહા.. હમને વૈસા હી કિયા... ફિર કભી ફૂરસત સે સોચેંગે બુરા થા યા ભલા... ફિર કભી ફૂરસત સે સોચેંગે બુરા થા યા ભલા... ઝિંદગી ખ્વાબ હૈ.. એક કતરા મય કા જબ પત્થર કે હોંઠોં પર પડા, એક કતરા મય કા જબ પત્થર કે હોંઠોં પર પડા, ઉસ કે સીને મેં ભી દિલ ધડકા યે ઉસ ને ભી કહા ક્યા ઝિંદગી ખ્વાબ હૈ...'

ફિલ્મની શીખ 

આ ફિલ્મમાં વાત હતી એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની. આ પ્રકારની બિલ્ડિંગોને તે સમયે શહેરીકરણના પર્યાય માનવામાં આવતી. આજકાલ ગેટેડ કમ્યુનિટીનો વ્યાપ વધ્યો છે. જ્યાં જાઓ ત્યાં તમે સીસીટીવી કેમેરાની નજરોમાં હો છો. આ સિવાય સિક્યોરિટી ગાર્ડ્સ, જે ફોનમાં વ્યસ્ત હોય. એમને કોણ કહે કે, સિક્યોરિટી ફોનની નથી કરવાની. અધૂરામાં પૂરું સોસાયટીઓનાં વ્હોટ્સએપ ગુ્રપ્સ કે જેમાં કામની વાતો સિવાય તમામ વાતોની ચર્ચા થાય છે, જે સૂચક છે. કેમેરા, સિક્યોરિટી અને વ્હોટ્સએપ પર ચંચૂપાત કહી રહ્યા છે કે, આ સમાજમાં કોઈને કોઈના પર વિશ્વાસ જ નથી. દરેક માણસ ચોર છે, જ્યાં સુધી તે સાબિત ન કરી દે કે, તે નથી. અથવા તેમની મનમરજી મુજબનું કાર્ય ન કરે... પરંતુ, હંમેશા યાદ રાખવું કે ભોળાના ભગવાન. ભોળા માણસને છંછેડવો મધપૂડામાં હાથ નાખવા બરાબર છે. ફિલ્મની એ જ શીખ કે, બીજા તરફ આંગળી ચીંધતા પહેલા અરીસો જોવો. અરીસો જોતા જ કબીરની પંક્તિઓ સમજાશે કે, 

जब मैं था तब हरि नहीं,

अब हरि हैं मैं नाहि

सब र्अधियारा मिट गया,

दीपक देखा माहिं