Magazines

ભક્ત ઉદ્ધવજીનો પ્રશ્ન : 'સાચા સત્પુરુષો કેવા હોય?'

By GS TEAM
8 Oct 20252 mins read
ભક્ત ઉદ્ધવજીનો પ્રશ્ન : 'સાચા સત્પુરુષો કેવા હોય?'

ઉદ્ધવજીએ શ્રીકૃષ્ણને પૂછયું, 'હે ઉત્તમ કીર્તિવાળા પ્રભુ ! આ જગતમાં, લાયકાત ન હોવા છતાં, પોતાની બુદ્ધિથી, માની લઈ, કહેવડાવતા, ફક્ત દેખાવો કરનારા, સત્પુરુષો પણ જોવા મળે છે. મારે એ જાણવું છે કે હે પ્રભુ ! આપ કેવાને સત્પુરુષ માનો છો...?

શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, 'તું જ્યારે પવિત્ર ભાવથી, સાચી જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે છે ત્યારે, હું સાચા અર્થમાં અધિકારી એવા કેવા સત્પુરુષોને તથા તેમની સાચીભક્તિને સ્વીકારું છું. તે વિષે કહું છું. મારા મતે 'સત્પુરુષોનાં બત્રીસ લક્ષણા' નીચે પ્રમાણે છે.'

(૧) કોઈની ઇર્ષા ન કરે, (૨) સર્વ પ્રાણીઓ ઉપર ક્ષમાવાળો હોય,

(૩) સત્યમાં સ્થિર રહેનારો,

(૪) વિષયોથી, વિકાર ન પામનારો, (૫) સુખ-દુ:ખમાં સમાન રહેનાર,

(૬) યથાશક્તિ સર્વનો ઉપકાર કરે, (૭) ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખનાર, (૮) સદાચારી, (૯) પરિગ્રહ રહિત, (૧૦) ભોગ-સુખની ક્રિયાઓથી રહિત, (૧૧) મિતાહારી, (૧૨) શાંત, (૧૩), સ્વધર્મમાં સ્થિર, (૧૪) પ્રભુ ઉપર પૂર્ણ શરણાહત ભાવ રાખનારો, (૧૫) મનનશીલ, (૧૬) સદા સર્વપળે જાગૃત સાવધાન,  (૧૭) નિર્વિકાર, (૧૮) ધૈર્યવાળો, (૧૯) ભૂખ-તરસ શોક-મોહ, ઘડપણ-મૃત્યુ એ 'છ' ને જીતનાર. (૨૦) માનની ઇચ્છા વિનાનો, (૨૧) બીજાંને માન આપનાર, (૨૨) બીજાંને સત્યને આધારે બોધ આપવા સમર્થ, (૨૩) સર્વ પ્રત્યે મિત્ર ભાવ રાખનાર, (૨૪) ઉત્તમ જ્ઞાન અને ધર્મ આચરણથી અંત:કરણની શુદ્ધિ કરતો હોય, (૨૫) પૂરી નિષ્ઠાથી પ્રત્યેક ધર્મનું આચરણ કરતો હોય, (૨૬) નિષ્ઠાવાન, (૨૮) શ્રદ્ધાળુ, (૨૯) સેવાવ્રતી, (૩૦) સર્વપ્રત્યે સારો ભાવ - 'સમદ્રષ્ટિ રાખનાર, (૩૧) સારો 'સંગ' સેવનાર, (૩૨) શુદ્ધ મન, શુદ્ધ વાણી, શુદ્ધ હૃદય.

જગત ગ્ડયું નથી, મનુષ્યની આંખ-મન-બુદ્ધિ બગડયાં છે. સાત્વિક બનવા માટે આ બધાંને સુધારવા પડે છે. ભોગ દ્રષ્ટિથી નહિ, પણ ભગવત્ દ્રષ્ટિથી જોવાનો પુરુષાર્થ જરૂરી છે. દ્રષ્ટિ સુધરશે, તો સૃષ્ટિ સુધરશે.

ઉપર ૩૨ લક્ષણો શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યાં છે. તેનું સ્મરણ... મનન.... વારંવાર કરી, તેવા જીવન પ્રત્યે આપણી 'મતિ' રાખી આપણી 'ગતિ' શરૂ થાય તેવું થવું જોઈએ.

જાગૃતપણે આત્મનિરીક્ષણ કરી, અંત:કરણનાં દૂષણો દૂર કરવાં જ પડે. કેવળ બાહ્ય દેખાવથી હરિના પ્રિય જન બની ન શકાય. તેથી ભજનમાં કહ્યું છે કે :- 'હરિજન નથી થયો તું રે... શીદ ગુમાનમાં ઘૂમે ?' નરસિંગ મહેતાનું ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે..' ઘણી પ્રેરણા આપી શકે તેમ છે. વર્ષ દરમ્યાન આવતાં ધાર્મિક પર્વો સાત્વિકતાના વિકાસનાં પર્વો બનવાં જોઈએ.

ચિંતન :-

સાધન તો કર્યાં અનેક, પણ પાર ન તેથી પામિયો,

ઊગ્યો ન અંશ વિવેક,

સત્ સાધન સમજ્યો નહિ.

ત્યાં બંધન શું જાય ?

અનંત કાળથી આથડયો, વિના ભાવ,

હે દીનદયાળ ! હવે તો તું ઉગાર.

- લાભુભાઈ પંડયા