Get The App

અવનવી ડિઝાઈનના આભૂષણોની ખરીદી

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
અવનવી ડિઝાઈનના આભૂષણોની ખરીદી 1 - image


લગ્નસરાની ખરીદી કરવા આપણે જઈએ ત્યારે ઝવેરીની દુકાનમાં એક એકથી ચડિયાતા દાગીના આપણને દેખાડવામાં આવે છે. વિવિધ કારીગરો દ્વારા કલ્પનાને સાકાર સ્વરૂપ સાંપડતા તે ડિઝાઈન બને છે અને આ અવનવી ડિઝાઈનની દુનિયામાં આપણે એવા ખોવાઈ જઈએ છીએ કે ઘણીવાર ખોટી એટલે કે બીન જરૂરી ખરીદી કરીને આવીએ છીએ.

તો ચાલો હું તમને એવી ટીપ્સ આપું છું જે તમને તમારી ખરીદીમાં સહાયરૂપ થશે.

(૧) આજે ગ્લોસી લુકનો દેખાવ છે તેથી ભારે ભરખમ, સોનાના પેન્ડન્ટ કરતા સોનાની ચેનમાં હીરાનું નાજુક પેન્ડન્ટ વધુ શોભશે. અને તેને જો પ્લેટીનમ ફીનીશિંગ આપવામાં આવી હોય તો તે ઉત્તમ ગણાશે. કારણ કે હમણાં પાછી સફેદ ધાતુની ફેશન આવી છે. તે ઉપરાંત સોના કરતાં પણ પ્લેટીનમ કઠણ ધાતુ છે તેથી તે વધારે ટકાઉ સાબિત થશે.

(૨) પ્લેટીનમ અને સોનાના મિશ્રણમાં વિવિધ રંગોના મિશ્રણથી જ્વેલરી અનોખી દેખાશે.

(૩) હાલમાં વધારે સોનાના મોટા - મોટા નેકલેસ નથી ચાલતા તે ઉપરાંત સાદી ફુલ તથા હોલની ડિઝાઈન પણ જૂની ગણાય છે.

(૪) આજની છોકરીઓ ભારે વજનના ઘરેણા પણ નથી પહેરતી. તેઓ કોલર જેવા ટાઈટ, નાજુક તથા વચ્ચે હીરાનું પેન્ડન્ટ હોય તેવા નેકલેસ વધુ પસંદ કરે છે. ડાયમન્ડ પેન્ડન્ટમાં જેમ સ્ટોન પણ લગાડવામાં આવે છે. હાલમાં તો ધાતુ ન દેખાય તે રીતે જડાયેલા હીરાની ફેશન ચાલે છે.

(૫) આધુનિક છોકરીઓ પરંપરાગત ડિઝાઈનમાં ભૌેમિતિક ડિઝાઈનની માંગ વધુ કરે છે. તે ઉપરાંત હીરા, સોનું અને પ્લેટીનમનું મિશ્રણ પણ આકર્ષક હોય છે. તથા તેની કિંમત ફકત સોનાના ઘરેણા જેટલી જ હોય છે.

(૬) આજકાલ હીરાના ટીકાની જ ફેશન છે. સોનાની પાતળી ચેનમાં ડાયમન્ડથી ભરેલું પેન્ડન્ટ ખૂબ જ સુંદર દેખાય છે. ઘણીવાર ચેન પણ હીરા લગાડેલી ફેન્સી પસંદ કરવામાં આવે છે. અને વચ્ચે ખાસ પ્રકારે કટ કરાયેલા હીરાનો ઉઠાવ ખૂબ જ સુંદર આવે છે.

(૭) એક જ ચીપની જડેલી બંગડીઓ કોઈપણ સ્ત્રીનું મન મોહી લે છે. પરંતુ તે ખૂબ મોંઘી હોવાથી સોનાની બંગડી કે બ્રેસલેટમાંની વિવિધ ડિઝાઈનમાં હીરા ભરીને તેને નવું રૂપ આપવામાં આવે છે. આવી બંગડીની કિંમત પણ ઓછી હોય છે તથા તે ખૂબ જ આકર્ષક લાગે છે.

(૮) ઝવેરી પાસે જતા પહેલા તમારા મગજમાં કોઈ ચોક્કસ ડિઝાઈન નક્કી કરો. હાલમાં પેન્ડન્ટ, એરીંગ અને વીંટીના જે પ્રકારના સેટની ફેશન ચાલે છે તે જ ખરીદો. કારણ કે આનાથી તમે લેટેસ્ટ ફેશનની સાથે પણ રહી શકો તથા તમારા ખિસ્સાને પણ આ ડિઝાઈન પરવડશે.

(૯) લટકતી બુટ્ટી લેવાને બદલે હીરા જડેલી બુટ્ટી પસંદ કરો. વચ્ચે એક હીરો અથવા નાના હિરાને વિવિધ આકારમાં કાનના ટોપ્સમાં જડવામાં આવે છે. આનાથી તમારા કાનની બુટનો ઉઠાવ પણ વધી જશે. જો હીરા જડેલી કાન-ચેન તમે લેશો તો  તમારા કાનની રોનક પણ બદલાઈ જશે.

(૧૦) હાલમાં હીરાજડીત 'ટેનીસ બ્રેસલેટ'નું ઘણું ચલણ છે. જાડા ચેનની વચ્ચે હીરા જડેલું પેન્ડન્ટ મૂક્યું હોય તો હાથની શોભા 

(૧૧) હીરા જડવાની જુદી જુદી પદ્ધતિ: ઘરેણામાં હીરા જડવાની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. જ્યારે હીરાને ઊંચા જડવા હોય ત્યારે 'કલો' પદ્ધતિથી હીરા જડવાથી સારો ઊભાર આવે છે. બીજી પદ્ધતિ છે ચેનલ' પદ્ધતિ જેમાં બે બાજુ એકબીજાના આધારે જડવામાં આવે છે. સૌથી સુંદર રીતે હીરા જડવાની પદ્ધતિ છે 'ઈનવીઝીબલ' સેટીંગ. આમાં કોઈપણ ધાતુના આધાર વગર હીરાને જડવામાં આવે છે. અને એકમેકના આધારે જડેલા આ હીરા ચીટકાડયા હોય તેવો દેખાવ આપે છે.

ઘરેણાના જુદા - જુદા ભાગમાં હીરા જડવા પેવડ સેટીંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ધાતુના આધારે હીરાને આધાર આપવામાં આવે છે. ત્યારબાદ તેની ધાર ઉપર હીરાને પકડી રાખવા માટે ધાતુને જોડવામાં આવે છે.

છેવટે કલોઝડ સેટીંગ પદ્ધતિ આવે છે જેમાં ક્લો પદ્ધતિની જેમ હીરા જડવાને બદલે હીરા અથવા અન્ય જેમ સ્ટોનને ધાતુની અંદર જડી દેવામાં આવે છે. એટલે કે હીરો અંદર અને આજુબાજુ સોનું દેખાય. પરંતુ આ પદ્ધતિમાં હીરો તેના કદ કરતા નાનો દેખાય છે. કારણ કે તેની આજુબાજુ ધાતુની વાટકી હોય છે. જેથી હીરો તેની અંદર બેસી જતા તે નાનો દેખાય છે.

(૧૨) હીરા જડિત આભૂષણો સાથે હીરા જડિત ઘડિયાળ પહેરવાથી સોનામાં સુગંધ ભળી જશે. પુરુષોને પણ હીરાજડિત ઘડિયાળ ગમે છે. હીરા જડિત ઘડિયાળનું મૂળ સ્વીસ ઘડિયાળ છે જેની કિંમત તો દસ લાખ રૂપિયાથી પણ વધારે થાય છે તેથી તમારા સોની પાસે આ પ્રકારનું ઘડિયાળ બનાવો જેથી તેની કિંમત ઓછી થાય અને સુંદર લાગે.

(૧૩) લગ્ન સમયે નવવધૂને સોનાનો વજનદાર હાર પહેરાવવાની ભારતીય પરંપરા છે. પરંતુ હવે તેમાં હીરા તથા સાચા મોતીનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. તેથી કોઈ સારા કારીગર પાસે ઉત્કૃષ્ટ ડિઝાઈન નક્કી કરીને સોનું, હીરા તથા મોતીના સુંદર તથા કલાત્મક આભૂષણ બનાવો.

જો કે હીરા ખૂબ જ કિંમતી હોય છે. પરંતુ નાના હીરાઓને હારમાં એવી સુંદર રીતે કારીગરો દ્વારા ગોઠવવામાં આવે છે કે તે એક અજાયબી બની જશે જે ફકત તમારી પાસે જ હશે. આ હાર સાથે કાનની બુટ્ટી અને ટીકાનો ઉપયોગ તમે બીજા થોડા હળવા હાર સાથે અન્ય પ્રસંગે પણ કરી શકશો.

(૧૪) ખરીદી કરતી વખતે ફકત ટ્રેન્ડ કે ફેશનને જ ધ્યાનમાં ન રાખો. કારણ કે સોનું, હીરા તથા વિવિધ જેમસ્ટોન ફકત આભૂષણો નથી પરંતુ એક રોકાણ પણ છે જેને તમે ચોક્કસ ફેશન પૂરી થઈ જતા વેચી નહિ શકો.

(૧૫) આપણી ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખો. જૂના પરંપરાગત ઘરેણાને તમારા સૌંદર્યને અનુરૂપ ફેરફાર કરવા સોની પાસે થોડો બદલાવ જરૂર કરાવો. પરંતુ જૂનું સોનું આજના સોના કરતાં વધુ શુદ્ધ હોય છે તેથી તેને વેચવું નહિ. તે જ પ્રમાણે હીરા અને મોતીનું હોવાથી તે જ હીરા-મોતી નવા દાગીનામાં બેસાડવા.

(૧૬) ચીલાચાલુ કરતા નવી ડિઝાઈન પસંદ કરો. જેથી તમારા આભૂષણો અન્ય કરતા જુદા પડે.

(૧૭) હીરાના મોટા આભૂષણો ખરીદવાને બદલે નાની બુટ્ટીઓ, વીંટી તથા ચેન - પેન્ડન્ટ તથા નાજુક નેકલેસ પસંદ કરો. જેથી વિવિધ ડ્રેસ સાથે પણ પહેરી શકાય.

(૧૮) દાગીનાની પસંદગી તમારા કપડાની પસંદગી તથા રહેણીકરણી અનુસાર કરો. વેસ્ટર્ન ગાઉન ઉપર ભારે ઘરેણાં અને સેલા અથવા પટોળા ઉપર ચેન અને પેન્ડન્ટ પહેરવાથી આપણી મુર્ખાઈ જાહેર થાય છે. કપડા અનુસાર ઘરેણા પસંદ કરો.

કેટલીકવાર જ્વેલરીના શૉ-રૂમમાં જોવા ન મળે તેવા અદ્ભૂત આભૂષણો ઘરેણાંના એક્ઝિબિશનમાં જોવા મળે છે. આ પ્રકારના પ્રદર્શનમાં ઘણીવાર અપ્રતિમ, અજોડ કહેવાય તેવા સુંદર કામગીરીવાળા દાગીના સાંપડે છે. વળી ડિસ્કાઉન્ટ ઓફર પણ કરાય છે. તેથી ઘરેણાંની ખરીદીની કળા અને સુઝ ધરાવતી સ્ત્રીઓ આવા પ્રદર્શનનો ભરપૂર લાભ લઈ શકે છે. આ બધી બાબતો સાથે મુખ્ય વાત છે કિંમતની. બજારમાં ડિઝાઈનની તો હજારો વેરાઈટી મળશે પરંતુ આપણા ખિસ્સાને પરવડે તથા બધાથી અલગ દેખાય તેવી ડિઝાઈન પસંદ કરવી.

Tags :