Magazines

પુલ્કિત સમ્રાટ : એક્ટરે સેટ કરતાં સેટની બહાર વધુ કામ કરવું પડે

By GS TEAM
14 May 20263 mins read
પુલ્કિત સમ્રાટ : એક્ટરે સેટ કરતાં સેટની બહાર વધુ કામ કરવું પડે

- ''ફુકરે' સુપર હિટ થઈ ત્યારે મને લાગ્યું કે બસ, હવે તો મારા ઘરે પ્રોડયુસરોની લાઈન લાગી જશે, પણ એવું કશું થયું નહીં. ત્યારે મને સમજાયું કે આગળ વધવા તમારે સતત હાથ-પગ તો ચલાવવા જ પડે.'

- બિટ્ટુ બોસ' નામની ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિઅર શરૂ કરનાર પુલ્કિતે હમણાં પોતાની નવી વેબ સીરિઝ 'ગ્લોરી'ની પ્રમોશનલ ઇવેન્ટ્સ દરમિયાન મીડિયા સાથે પોતાના ઘણાં બધા અનુભવો શેર કર્યા હતા. 

'મિર્ઝાપુર' ફેમ કરણ અંશુમાન અને કર્મણ્ય આહુજાનો વેબ શો 'ગ્લોરી' એક સ્પોર્ટ્સ થ્રિલર છે, જેમાં પુલ્કિત એક બોક્સરના રોલમાં છે. પુલકિત સમ્રાટ કહે છે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા કોઈ ગોડફાધર નહોતા. હું દિલ્હીથી મુંબઈ આવેલો એક આઉટસાઇડર હતો. અહીં મારે પોતાની એક્ટર તરીકે જુદી ઓળખ બનાવવી હતી. પરંતુ કામ મળ્યા વગર તમારી ઓળખ ક્યાંથી બને? ત્યારે મને થતું કે એક બ્રેક મળી જાય એટલે ભયોભયો. પરંતુ સચ્ચાઈ અલગ છે. બ્રેક કરતા પણ વધુ ડિફિકલ્ટ છે સતત કામ મળતા રહેવું. એને જ્યારે તમારે મથવું પડે, શ્રમ કરવો પડે. તમારે સામે ચાલીને પોતાની જાતને એક પ્રોડક્ટ તરીકે પેશ કરવી પડે. સદનસીબે આજે એક્ટરો માટે કામ કરવા ઘણાં મીડિયમ્સ છે. કોઈ એમ કહે કે મને કામ નથી મળતું તો મારા મતે એનો અર્થ એવો થાય કે એ માણસ કામ કરવા જ નથી માગતો. મેં કરિઅર શરૂ કર્યું ત્યારે આટલા બધા વિકલ્પો નહોતા. તમે ઘરમાંથી બહાર નીકળો અને લોકોને મળીને કહો કે મારે કામ જોઈએ છે. કામ માગવામાં શરમ વળી શેની? અહીં એક બીજી વાત કરીશ. 'ફુકરે' સુપર હિટ થઈ ત્યારે મને લાગ્યું કે બસ, હવે તો મારા ઘરે પ્રોડયુસરોની લાઈન લાગી જશે. પણ કોઈ લાઈન લાગી જશે, પણ કોઈ લાઈન લાગી નહિ. ત્યારે મને સમજાયું કે ફિલ્મ હિટ થાય તો તમારા માટે દરવાજા ખુલી જાય પરંતુ આગળ વધવા તમારે હાથ-પગ તો ચલાવવા જ પડે. તમારે બધાના કોન્ટેક્ટમાં રહેવું પડે. એક્ટરે સેટ કરતા સેટની બહાર વધુ કામ કરવું પડે છે.'

વેબ શોમાં પ્રોફેશનલ બોક્સરના પાત્રને ન્યાય આપવા ૪૨ વરસના એક્ટરે રોજની ૫-૬ કલાક ફિજીકલ અને બોક્સિંગની ટ્રેનિંગ લેવી પડી હતી. એ વિશે વાત કરતા પુલ્કિત કહે છે, 'જ્યારે મેં ટ્રેનિંગ શરૂ કરી ત્યારે સમજાયું કે બોક્સિંગ માત્ર મુક્કાબાજી નથી, એ માઈન્ડ ગેમ પણ છે. એ ચેસની ગેમ જેવું છે જ્યાં તમારે રિંગમાં ઉતર્યા બાદ તમારા હરીફના મગજને વાંચવો પડે છે. તમારે હરીફ બોક્સરની બોડી લેંગ્વેજ સમજવી પડે. બોક્સિંગે મને જીવનના પાછ પણ શીખવાડયા. મેં જાણ્યું કે બોક્સિંગની રિંગની જેમ તમારે લાઈફમાં પણ લોકોના પંચ ખાવા પડે છે. તમારે હરીફના પંચને ચુકવવાની કળા પણ જાણવી જરૂરી છે.'

પુલ્કિત સમ્રાટના અંગત જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા છે. શ્વેતા રોહિરા સાથેના પહેલા લગ્નમાં ઘણાં મતભેદો ઊભા થયા. ૨૦૧૭માં ડિવોર્સ થયા. ત્યાર બાદ એકટ્રેસ કૃતિ ખરબંદા સાથે વરસો ડેટિંગ કર્યા બાદ પુલ્કિત એને પરણી ગયો. આજે બંને સુખી દાંપત્યજીવન માણી રહ્યા છે.

'ગ્લોરી'માં પુલ્કિતને એના ગુસ્સાને કાબુમાં રાખવાની કોશિશ કરતો બનાવાયો છે. સમ્રાટ કબુલે છે, 'મારામાં ઘણી ખામીઓ હતી. ભૂતકાળમાં વ્યક્તિ તરીકે મારું જે સ્વરૂપ હતું એના પર આજે મને બિલ્કુલ ગર્વ નથી. ઘણી બધી વાતો ધીમે ધીમે સમજાઈ, ઠોકરો ખાધા પછી સમજાયું કે જીવવાની આ રીત બરાબર નથી. ક્યારેક તમારાથી કોઈને મજાકમાં કોઈ વાત કહેવાઈ જાય, જેનું એને માઠુ લાગે. હવે સમજાય છે કે મારે એવું નહોતું બોલવું જોઈતું. લાઇફમાં એક વાર પૃષ્ઠ ભાગમાં લાત પડે ત્યારે તમને સઘળું બ્રહ્મજ્ઞાાન થઈ જાય.'