Get The App

મહેસૂલી રેકર્ડમાં કોમ્પ્યુટરાઈઝેશનને કારણે થયેલ ભૂલોને સ્વમેળે સુધારવાની જોગવાઈઓ

- તાલુકા / સિટી મામલતદાર દ્વારા

Updated: May 10th, 2021

GS TEAM

Google News
Google News
મહેસૂલી રેકર્ડમાં કોમ્પ્યુટરાઈઝેશનને કારણે થયેલ ભૂલોને સ્વમેળે સુધારવાની જોગવાઈઓ 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

કોમ્પ્યુટરાઈઝેશનને કારણે ભૂલ થયેલ હોય તો અપીલ કરવાની જરૂર નથી

મહેસૂલી રેકર્ડની જાળવણી રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં નક્કી કરેલ નમુનાઓમાં નિભાવવામાં આવે છે તે ઉપરાંત જમીન મહેસૂલ અધિનિયમ મુજબ હક્કપત્રકના નિયમોમાં જે કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવી છે તે મુજબ હક્કપત્રકમાં ફેરફાર કરી, સબંધિત મહેસૂલી રેકર્ડમાં અસર આપવામાં આવે છે. અગાઉ સર્વે સેટલમેન્ટ (જમાબંધી) થયા બાદ ગામનો નમૂનો નં.૧ જે કાયમી ખરડો તરીકે ઓળખાય છે, તેના આધારિત અગત્યના નમુના ૭/૧૨ અને ૮અ લખાય છે અને આ ૭/૧૨જે તે સમયે તેના પાનાની ક્ષમતાને (Page Space) ધ્યાનમાં લઈ દસ વર્ષ સુધી ૧૨ના નમુનામાં પ્હાલીપત્રક લખાતું હતું તે ચાલતું હતું એટલે કે દસ વર્ષ બાદ ફરીથી ૭/૧૨ લખાતા (Rewriting) અને પ્રાન્ત અધિકારી પ્રમાણિત કરતા, ભારત સરકારના મહેસૂલી રેકર્ડના આધુનિકરણ પ્રોજેક્ટના ભાગરૂપે ૨૦૦૪મા જમીન મહેસૂલ રેકર્ડ સુરક્ષિત, ચેડામુક્ત તેમજ કેન્દ્રિયકૃત સ્વરૂપે આઈટીના ભાગરૂપે કેન્દ્રિત રહે તે માટે કોમ્પ્યુટરાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે. સ્વાભાવિક રીતે સમગ્ર રાજ્યના મહેસૂલી રેકર્ડનો વ્યાપ (quantum) જોતાં ડેટા એન્ટ્રી ઓપરેટરો દ્વારા કોઈના કોઈ સ્વરૂપે ભુલ થઈ હોય અને સરકારની મૂળ રેકર્ડ સાથે ખરાઈ કર્યા બાદ પ્રમાણિત જાહેર કરાવવાનુ જણાવવા છતાં, ક્ષતિયુક્ત રેકર્ડ જાહેર થયા બાદ ખાતેદારોને એમ જણાવવામાં આવતું કે, જો કોઈપણ ક્ષતિ હોય તો અપીલ રાહે દાદ મેળવી લેવી. આ પ્રક્રિયા અનુસરવામાં વિલંબની સાથે સબંધિત ખાતેદાર / જમીન ધારકની ભુલ ન હોવા છતાં અપીલ રાહે દાદ મેળવવામાં સમય અને આર્થિક ખર્ચમાં ઉતરવુ પડતું, ખરેખર તો કોમ્પ્યુટરાઈઝેશનને કારણે થયેલ ભુલો મહેસૂલી તંત્રને કારણે બનવા પામેલ. જેથી આવા પ્રકારના સંખ્યાબંધ કેસો ઉપસ્થિત થતાં અને મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાની અને ઓનલાઈન ઉપલબ્ધ રાખવાની જવાબદારી મહેસૂલી તંત્રની છે એટલે સરકારે કોમ્પ્યુટરાઈઝેશનને કારણે થયેલ ભુલોને સુધારવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા જે મામલતદાર કચેરીમાં ઈ ધરા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તેમાં નમુના રૂપ ૪૩ થી વધુ જે વ્યવહાર (ફેરફાર) થાય તેને ઓનલાઈન પધ્ધતિથી  દાખલ કરવાનો નિર્ણય કરેલ છે.

મહેસૂલ વિભાગના તા.૧૦-૩-૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક - સીએમપી - ૧૦૨૦૦૯ / ૨૪-હ-૨થી કોમ્પ્યુટરાઈઝેશન દરમ્યાન ડેટા એન્ટ્રી, સ્ક્રીપ્ટ એન્ટ્રી કે સ્ટ્રક્ચર એન્ટ્રીમાં (નિયત ફોર્મેટ) ભુલ થઈ હોય તો સબંધિત તાલુકા / સીટી મામલતદારએ સ્વમેળે સુધારા હુકમ કરી હુકમી નોંધ દાખલ કરી ભુલો સુધારવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલી છે કે જેથી જે ભુલો થઈ હોય તેને સુધારવા માટે સબંધિત ખાતેદાર / જમીન માલિકે અપીલ કરવાને બદલે સાદી અરજી ગામના મહેસૂલી તલાટી અથવા મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્રમાં કરવાની છે. જે રેકર્ડમાં ક્ષતિઓ જણાઈ છે તેમાં ખાસ કરીને મૃત્યુ પામેલા વ્યક્તિઓ કે જેની અગાઉ વારસાઈ થયેલ હોય, તો પણ યથાવત રીતે નામો ચાલુ રાખવા. કોઈ વ્યક્તિના હક્ક કમી કર્યા હોય તેમ છતાં ફરીથી મુળ વ્યક્તિઓના નામ ફરીથી દાખલ થયા હોય. આ ઉપરાંત જમીનના સત્તા પ્રકાર જમીન જુની શરતની હોય અને પ્રતિબંધિત સત્તા પ્રકાર લખાયેલ હોય અથવા ગણોતધારાને બદલે ૭૩એએ લખાઈ જાય વિગેરે. આ ઉપરાંત જમીનનો ઉપયોગ ખેતી વિષયકના બદલે બિનખેતી વિષયક, ક્ષેત્રફળમાં ફેરફાર વધઘટ, આકાર (જમીન મહેસૂલ) બોજાની વિગતો, અન્ય હક્કમાં નોંધાયેલ વિગતો તે ઉપરાંત જુદા જુદા સત્તાધિકારીઓએ જે હુકમો કરેલ હોય જેમાં મહેસૂલ સચિવ, કલેક્ટર, જમીન મહેસૂલ પંચ તેમજ કોર્ટો દ્વારા કરવામાં આવેલ હુકમોની નોંધ પણ કરવામાં આવેલ હોય અને રહી જવા પામેલ હોય. આવા પ્રકારની ક્ષતિઓ ઉદાહરણ સ્વરૂપે જણાવેલ છે. આમ કોઈપણ પ્રકારની ટાઈપીંગ કે કલેરીકલ ભુલ થયેલ હોય તે મામલતદારને સાદી અરજી કરવાથી સુધારી શકાય છે.

આ પ્રક્રિયા અન્વયે અરજીની સાથે જે ભુલ કે ક્ષતિ થવા પામેલ હોય તેના ઉતારાની નકલ અરજી સાથે જોડવાની છે, કારણ કે તેનાથી ખબર પડે કે ભુલ કે ક્ષતિનું શું આચરણ થયું છે. આ સિવાય અન્ય અસલ મહેસૂલી રેકર્ડ કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનું અરજદારને જણાવવાની જરૂર નથી કારણ કે તે મામલતદારની કસ્ટડીમાં છે. અરજદારની અરજી અન્વયે મામલતદારે દિન - ૩૦માં ચકાસણી કરીને સુધારા હુકમ કરવાનો છે અને તે અંગેની નોંધ ઈ ધરામાં પાડવાની કાર્યવાહી કરવાની છે. આ સાથે જે સુધારા હુકમ કર્યો હોય તેની જાણ સબંધિત અરજદારને તેમજ સબંધિત પ્રાન્ત અધિકારીને કરવાની છે તેમજ રેકર્ડમાં ફેરફાર થતો હોય ખાસ કરીને ઘણી જગ્યાએ ક્ષેત્રફળમાં પણ સુધારો થતો હોય તેની નકલ ડી.આઈ.એલ.આર. જિલ્લા જમીન દફતર નિરીક્ષકને આપવાની છે. સુધારાની હુકમી નોંધ પ્રમાણિત થયા બાદ, નોંધની નકલ સહિત અરજદારને સુધારેલ નં.૭ અને હક્કપત્રકનોંધની નકલ દિન-૩માં જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મામલતદાર કચેરીમાં ક્ષતિ / ભુલ સુધારણાની મળેલ અરજીઓનું કેન્ટ્રોલ રજીસ્ટર પણ નિભાવવાનું છે કે જેથી ખબર પડે કે આવી અરજીઓનો નિયત સમયમર્યાદામાં નિકાલ થયેલ છે કે કેમ આવી જ રીતે દરેક ગામોની જમીનોનું રી સર્વે થયા બાદ રેકર્ડ પ્રમાણિત કરવામાં આવ્યું છે, તેમાં રેકર્ડ પ્રમાણિત થયા બાદ જે ભુલો થયેલ છે તેને સુધારવા માટે પણ આવા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. પરંતુ રી સર્વેના રેકર્ડ સુધારણાની જવાબદારી સબંધિત પ્રાન્ત અધિકારી અને એસ.એલ.આર. એટલે કે સુપ્રિટેન્ડન્ટ ઑફ લેન્ડ રેકર્ડને સુપ્રત કરવામાં આવેલ છે અને આ પ્રક્રિયામાં પણ સબંધિત અરજદારે અપીલ કરવાને બદલે અરજીના આધારે સેટલમેન્ટ કમિશ્નર અને લેન્ડ રેકર્ડસ દ્વારા જે માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે તે મુજબ સુધારો કરી શકાય છે.

Tags :