Magazines

સ્વામીજીના જવાબથી પ્રો. ડાયસનને પરમ આશ્ચર્ય થયું

By GS TEAM
18 Mar 20263 mins read
સ્વામીજીના જવાબથી પ્રો. ડાયસનને પરમ આશ્ચર્ય થયું

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

વિખ્યાત વિદ્વાન બોલ ડાયસનના નિમંત્રણથી સ્વામી વિવેકાનંદ જર્મની પહોંચ્યા. બન્ને વિદ્વાનો ઉપનિષદ, સંસ્કૃત ભાષ્ય અને વેદાંત જેવા ગહન વિષયો પર ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. તેવામાં પ્રોફેસર ડાયસનને કોઈ કામથી બહાર જવાનું થયું. તે બહાર ગયા.

સ્વામી વિવેકાનંદે એક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. જ્યારે પ્રો. ડાયસન પરત આવ્યા ત્યારે સ્વામીજી પુસ્તક વાંચવામાં તલ્લીન હતા. તેમણે ડાયસન સામે જોયું નહીં. થોડી વાર પછી સ્વામીજીએ જોયું કે ડાયસન આવી ગયા છે. તેમણે કહ્યું કે, 'સોરી, આપ ક્યારે આવ્યા ? હું પુસ્તક વાંચી રહ્યો હતો એટલે આપ આવ્યા તેનો મને ખ્યાલ ન રહ્યો.' પરંતુ આ કથનનો ડાયસને કશો જ પ્રતિભાવ ન આપ્યો. સ્વામીજીને તેમનો ચહેરો વાંચતાં સમજાયું કે, 'પ્રો. ડાયસન માનતા લાગે છે કે, હું વાંચવામાં તલ્લીન હોવાનો કે એકાગ્ર ચિત્તે હું વાચી રહ્યો હતો તે વાત તેમને ગળે ઉતરી નથી. તેમને જરૂર લાગ્યું છે કે હું માત્ર એકાગ્રતાનો દેખાડો કરું છું.' એટલામાં પ્રોફેસર બોલ્યા કે, 'આપ શું વાંચી રહ્યા હતા ?' સ્વામજીએ કહ્યું, 'આ કવિતાનું પુસ્તક વાંચતો હતો.' અને તેમણે મોઢેથી પુસ્તકમાં જોયા વિના કેટલીક કાવ્યકૃતિ ડાયસનને સંભળાવી. ડાયસન એ સાંભળીને કહે, 'સ્વામીજી, મને લાગે છે કે, માત્ર એક વાર વાંચીને તમે અક્ષરશ: આવું કાવ્યપઠન ન જ કરી શકો. આ કૃતિઓ પૂર્વે તમે કેટલીક વાર વાંચી હશે.' સ્વામીજી જવાબ આપતાં કહે છે, 'મેં આગળ ક્યારેય પણ આ પુસ્તક વાંચ્યું નથી. અહીં આપને ઘરે જ પ્રથમ વાર વાંચવાનો મને અવકાશ મળ્યો છે.' પ્રો. ડાયસન પરમ આશ્ચર્ય સાથે બોલ્યા કે, 'વાહ, ધન્ય છે તમારી સ્મરણશક્તિને !' સ્વામીજી કહે, 'આ એકાગ્રતાનું કારણ છે. એકાગ્રતાથી વાંચન કરવાથી આવા જ્ઞાનનો વિકાસ થાય છે. જ્ઞાનના ભીતરમાં પ્રવેશ થતાં તે પ્રજ્ઞામાં પરિણમશે જે નિજી ચેતનાના વિકાસનું પ્રબળ કારણ બને છે.' ઉત્તમ ચારિત્ર, બ્રહ્મચર્ય અને ધ્યાન એ સ્વામીજીના જીવનમાં સ્મરણશક્તિનું સાયુજ્ય રચે છે.

રોજબરોજના વ્યવહારિક જીવનમાં તો છે જ પરંતુ ઉન્નતિ કે આત્મસાધના માટે ધ્યાનનું જ ઉત્કૃષ્ટ મહત્વ છે. યોગના પ્રણેતા મહર્ષિ પાતંજલિ વિપશ્યના ધ્યાનના પુરસ્કર્તા બૌદ્ધ સાધકો, પ્રેક્ષાધ્યાનના પુરસ્કર્તા જૈન સાધકોએ ધ્યાનમાં સ્થિર રહેવાના, ધ્યાનમાં આત્મસાત કરવાના વિવિધ ઉપાયો બતાવ્યા છે. જૈન ધર્મ એ તો ધ્યાનસાધનાનો અભ્યાંતર તપ શ્રેણીમાં સમાવેશ કર્યો છે.

જૈનાચાર્યોએ ધ્યાનના ઉપયોગના સંદર્ભે સમજ આપી છે. ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ હોવાથી કેટલાકને તેની સમજ હોતી નથી. લૌકિક ભાષામાં ધ્યાન, એકાગ્રતા, તન્મયતા, લક્ષ રાખવું, ભાન રાખવું, ધ્યાન રાખવું આ શબ્દો ઉપયોગસૂચક છે. અમુક કાર્ય કરવા બહાર નીકળનાર વ્યક્તિને તેમાંથી કોઈ કામ વીસરી જાય, ભૂલી જાય કે અધૂરું કરે ત્યારે તેને ભાન વિનાનો કહે છે. અહીં ભાન ભૂલી જવું તે જ ઉપયોગ શૂન્યતા કહેવાય છે. સમયે સમયે જીવમાં વર્તતા ઉપયોગના આધારે જ શુભાશુભ કર્મબંધ થાય છે. આ ઉપયોગની પ્રવૃત્તિ જ્યારે શુભ-શુભ કાર્યમાં હોય ત્યારે શુભ ઉપયોગ કહેવાય. અશુભ કે અશુદ્ધ ભાવે પ્રવૃત્તિ હોય અશુભ ઉપયોગ કહેવાય.

સાધના ક્ષેત્રમાં ઉપયોગ વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી હોય છે. ધ્યાનથી વિવરીંગ માઈન્ડ દૂર થાય અને નિર્ણયશક્તિ વધે. અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ધર્મધ્યાન પ્રવૃત્તિ શુભ ઉપયોગ, વિષયવાસના ઇન્દ્રિયોના વિષયની પ્રવૃત્તિ અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યગતિ મળે. અશુભ ઉપયોગથી તિર્યંચ કે નરકગતિનાં કર્મ બંધાય. તીવ્ર ક્રોધ આદિ રૌદ્રધ્યાન તે અશુદ્ધ કહેવાય છે. શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગ ઉપરાંત ચોથો શુભ ઉપયોગ છે. સહજ સ્વરૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગની પ્રવૃત્તિમાં કર્મનિર્જરા થઈ શકે અને મોક્ષપ્રાપ્તિનો માર્ગ સહજ બને છે.

મનોયોગના સંદર્ભે ઉપયોગનો વિચાર કરીએ તો મનની વિચારશુદ્ધિ જ આપણા ઉપયોગને શુભમાંથી શુદ્ધ તરફ લઈ જશે.

ઉપયોગથી શુદ્ધતાથી આધ્યાત્મિક ક્ષેત્રે આત્મિક ઉત્થાન અને વિશ્વશાંતિ છે, જ્યારે ઉપયોગની અશુદ્ધતાએ આત્મિક પતન, વિશ્વમાં વેર, ઝેર, ઇર્ષા, ઝઘડા અને યુદ્ધો સર્જાય છે. વળી, ઉપયોગની અશુદ્ધતા તે માનસિક વિચારોની મલિનતાને કારણે હોઈ, વિકૃત વિચારોથી માનવીના બાહ્ય શરીરમાં પણ વિવિધ રોગો ઉત્પન્ન થાય છે. માટે આપણે વિચારશુદ્ધિ ટકાવી રાખવા લક્ષ આપવું જરૂરી છે.

સદ્શાસ્ત્રોનું વાંચન, આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત અને સદ્ગુરૂનો સત્સંગ આપણી વિચારશુદ્ધિને ટકાવી રાખશે.